SRHvKXIP : સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ સામે કિંગ્સ ઇલેવન પંજાબની કારમી હાર

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ગુરુવારની આઈપીએલની મૅચમાં એક તબક્કે એમ લાગતું હતું કે હૈદરાબાદ આજે જંગી સ્કોર ખડકી દેશે પણ 15 ઓવર બાદ સાત બૉલમાં હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવી દી, જેમાં બંને ઓપનર ઉપરાંત મનીષ પાંડેનો પણ સમાવેશ થતો હતો.

હૈદરાબાદની ટીમ 240-250ના સ્કોરને આંબી જશે એમ લાગતું હતું ત્યારે પંજાબના રવિ બિશ્નોઈ અને આર્શદિપ સિંઘની પ્રશંસા કરવી પડે. બંનેએ ચુસ્ત બૉલિંગ કરી હતી અને હૈદરાબાદના પૂંછડિયા બૅટ્સમૅનને બાંધી રાખ્યા હતા.

રવિ બિશ્નોઈએ 29 રનમાં ત્રણ વિકેટ લીધી તો આર્શદિપે ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી.

હકીકતમાં રવિ બિશ્નોઈએ જ ઉપરાઉપરી ઓવરમાં વૉર્નર અને બેરસ્ટોને આઉટ કરીને હૈદરાબાદના રનરેટ પર અંકુશ લાવી દીધો હતો.

160 રનની શ્રેષ્ઠ ભાગીદારી

જોની બેરસ્ટો અને ડેવિડ વૉર્નરે શાનદાર પ્રારંભ કર્યો હતો. વર્તમાન સિઝનમાં સદીની ભાગીદારી ઘણી ઓછી જોવા મળી છે, ત્યારે આ બંનેએ પહેલી વિકેટ માટે 160 રન ઉમેર્યા હતા અને ટીમનો રનરેટ દસથી વધુનો જાળવી રાખીને બેટિંગ કરી હતી.

બંનેએ 15 ઓવરમાં જ 160 રન કરી નાખ્યા હતા. પહેલી વિકેટ માટે હૈદરાબાદની આ બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી હતી.

અગાઉ આ જ બે બૅટ્સમૅને 2019માં બૅંગ્લોર સામે 185 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી, જે IPLના ઇતિહાસમાં પ્રથમ વિકેટ માટેની બેસ્ટ ભાગીદારી છે.

એ વખતે બેરસ્ટોએ સદી ફટકારી હતી, જ્યારે આ મૅચમાં તેઓ ત્રણ રનથી સદી ચૂકી ગયા હતા.

IPLમાં જોની બેરસ્ટો પહેલી વાર નર્વસ નાઇન્ટીમાં આઉટ થયા હતા. તેમણે 55 બૉલમાં છ સિક્સર અને સાત બાઉન્ડરી સાથે 97 તથા વૉર્નરે 50 બૉલમાં 52 રન ફટકાર્યા હતા.

આ જોડી વિખૂટી પડ્યા બાદ કેન વિલિયમ્સન 20 રન કરી શક્યા હતા.

ડેવિડ વૉર્નરે સંયમપૂર્વકની બૅટિંગ કરીને બેરસ્ટોના સહયોગીની ભૂમિકા અદા કરી હતી. તેમણે 40 બૉલની ઇનિંગ્સમાં માત્ર એક જ સિક્સર અને પાંચ બાઉન્ડરી ફટકારી હતી.

પંજાબના બૅટ્સમૅનોનું નિરાશાજનક પ્રદર્શન

202 રનના ટાર્ગેટ સામે રમતી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ એક માત્ર નિકોલસ પૂરન પર આધારિત હોય તેમ રમી રહી હતી.

પૂરનને બાદ કરતાં અન્ય તમામ બૅટ્સમૅને અગાઉથી જ હાર સ્વીકારી લીધી હોય તેમ લાગતું હતું.

નિકોલસ પૂરને માત્ર 37 બૉલમાં ઝંઝાવાતી સ્કોર સર્જ્યો હતો અને તેઓ જ એકમાત્ર એવા બૅટ્સમૅન હતા, જેના તરફથી હૈદરાબાદને ખતરો હતો.

તેમણે 77 રન ફટકાર્યા, જેમાં સાત અસામાન્ય સિક્સરનો સમાવેશ થતો હતો.

તો સાથે-સાથે તેમણે પાંચ બાઉન્ડરી પણ ફટકારી હતી. IPLમાં આવડી મોટી ઇનિંગ્સ રમવી અને છેક સુધી 200+નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખવો આસાન નથી પરંતુ અત્યંત પ્રતિભાશાળી કૅરેબિયન બૅટ્સમૅને આમ કરી દેખાડ્યું હતું.

પૂરન રમતા હતા, ત્યાં સુધી પંજાબને ઓવરના દસની આસપાસના રેટથી રમવાનું હતું. કોઈ બૅટ્સમૅન સળંગ દસથી 12 ઓવર સુધી સામે છેડેથી કોઈ પણ પ્રકારના સહકાર વિના ટકી રહે અને ઝંઝાવાતી બેટિંગ જારી રાખે તે શક્ય નથી હોતું અને આ બાબત ડેવિડ વૉર્નર સારી રીતે જાણતા હતા.

બીજું તેમની પાસે હુકમનો એક્કો રાશીદ ખાન ઉપલબ્ધ હતા, જેમણે ચાર ઓવરમાં માત્ર 12 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

પંજાબના બૅટ્સમૅનો ફેઇલ

વર્તમાન IPLની સિઝનમાં કોઈ બૉલર મેડન ઓવર ફેંકે તે એકદમ વિરલ સિદ્ધિ લેખાય છે. વૉર્નરને છેક સુધી રાશીદ પર ભરોસો હતો અને તેથી જ નિકોલસ પૂરન આક્રમક મૂડમાં હોવા છતાં તેમણે રાશીદને જારી રાખ્યા હતા.

જોકે નિરાશાજનક બાબત એ રહી હતી કે અગાઉની કેટલીક મૅચોમાં શાનદાર બેટિંગ કરીને ટીમ માટે આશા જગાવનારા ઓપનર્સ લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ છેલ્લી કેટલીક મૅચથી નિષ્ફળ જઈ રહ્યા છે.

આ જ કારણે કિંગ્સ ઇલેવન પંજાબને સળંગ ચાર મૅચથી પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુરુવારે રાહુલ માત્ર 11 રન કરી શક્યા હતા અને અભિષેક શર્માની બૉલિંગમાં આઉટ થયા હતા તો મયંક અગ્રવાલ નવ તથા સિમરનસિંઘ 11 રન કરી શક્યા હતા.

રાશીદ ખાન ત્રાટકે તે અગાઉ ઝડપી બૉલર ખલીલ અહેમદે જ પંજાબને ઘણું નુકસાન પહોંચાડી દીધું હતું.

ગ્લેન મૅક્સવેલ અને મનદીપ સિંઘ જેવા બૅટ્સમૅન પણ સતત નિષ્ફળ જઈ રહ્યા છે, ત્યારે કિંગ્સ ઇલેવન પંજાબ માટે હવે ક્રિસ ગેઇલને તક આપવાનો સમય પાકી ગયો છે.

આ મૅચ જીતવાની સાથે હૈદરાબાદ છ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે, તો કિંગ્સ ઇલેવન પંજાબ માત્ર બે જ પૉઇન્ટ ધરાવે છે અને અંતિમ ક્રમે છે. પંજાબ હવે દસમીએ કોલકાતા સામે રમશે તો હૈદરાબાદ 11મીએ રાજસ્થાન રૉયલ્સ સામે ટકરાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો