ભારત-ચીન તણાવ: નરેન્દ્ર મોદીની નવા વૈશ્વિક ગઠબંધનની ચાલ ચીનને રોકી શકશે?

quad

ઇમેજ સ્રોત, EPA/REUTERS

ઇમેજ કૅપ્શન, quad

ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે વધુમાં વધુ સૈન્ય અને વ્યાપારી સહયોગ દ્વારા પોતાના ગઠબંધનને મજબૂત કરવા ઇચ્છે છે.

આ ચારેય લોકશાહી દેશો એક અનૌપચારિક 'કવૉડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલૉગ' અથવા કવૉડ હેઠળ પરસ્પર ભાગીદાર છે. જોકે જાપાન અને અમેરિકાના સ્થાનિક રાજકારણમાં સંભવિત ફેરબદલ પછી એમની ભાગીદારીના ભવિષ્ય સામે જોખમ પણ છે.

સાથે જ પૂર્વ લદાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવને લઈને ચીન અને ભારતની વાતચીતમાં થઈ રહેલી પ્રગતિ પણ ક્વૉડના પ્રભાવને નિર્ધારિત કરવામાં એક ભૂમિકા નિભાવી શકે છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અમેરિકાના સહાયક વિદેશ મંત્રી અને ઉત્તર કોરિયા માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સ્ટીફન બેગને કહ્યું કે ક્વૉડ પરસ્પર હિતોના આધાર ઉપર ગઠબંધનને ઔપચારિક રૂપ આપવા વિશે ચર્ચા કરવા માટે ઑક્ટોબર મહિનાના અંત સુધી નવી દિલ્હીમાં એક બેઠક આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે.

સ્ટીફન બેગનની આ ટિપ્પણી ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાના દૂતો તરફથી 'એક સંયુક્ત પહેલની શરૂઆત' પર સહમતી મળ્યા પછી આવી. આ ચારેય દેશ ઇચ્છે છે કે ચીનના ઉત્પાદનો અને વસ્તુઓના પ્રભુત્વનો સામનો કરવા માટે ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં એક ભાગીદારી હેઠળ ટ્રેડ સપ્લાય ચૅઇનને મજબૂત કરવામાં આવે.

line

ચીન સાથે હાલના વિવાદ પછી વધ્યો રસ

QUAD

ઇમેજ સ્રોત, TWITTER/SCOTTMORRISON

ઇમેજ કૅપ્શન, QUAD

ભારત અને ચીન વચ્ચે જૂનથી સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે મંત્રી સ્તરની અને સૈન્ય સ્તરની વાતચીતનો દૌર ચાલી રહ્યો છે. પરંતુ તેમ છતાં એલએસી પર તણાવ ઓછો થતો નજરે નથી આવ્યો અથવા કહો કે આ દિશામાં કોઈ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ નથી.

ક્વૉડને હકીકતમાં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિંજો આબેએ માન્યતા આપી હતી. તેમણે અનૌપચારિક રૂપે 2007માં એને લૉન્ચ કર્યું, જે પછી ચારેય દેશોએ હિંદ મહાસાગરમાં એક સંયુક્ત નૌસેના અભ્યાસમાં હિસ્સો લીધો હતો. પરંતુ આ ગઠબંધન પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું.

વર્ષ 2008માં ઑસ્ટ્રેલિયા એનાથી બહાર રહ્યું, તો ભારતે પણ એને ફરીથી અભ્યાસ માટે આમંત્રિત ના કર્યું.

ભારતીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિંદ મહાસાગરમાં થનારા આગામી સમયના નૌસેના અભ્યાસ માટે ભારત હવે ઑસ્ટ્રેલિયાને આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે. અભ્યાસ આવતા વર્ષની શરૂઆતમાં થવાની અપેક્ષા છે.

ચીન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના આશયથી ભારત નવેસરથી ક્વૉડમાં રુચિ લઈ રહ્યું છે. સાથે જ ભારત ઇચ્છે છે કે તે આ દેશો સાથે મળીને ચીન વિરુદ્ધ એક 'તાકતવર ફોર્સ' તૈયાર કરે જેનાથી પોતાની ક્ષેત્રીય સીમાઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. જોકે એ વાતને લઇને ભારે અનિશ્ચિતતા છે કે શું ભારત ખરેખર એક મજબૂત ચીન વિરોધી વલણ અપનાવશે.

કારણ કે જો ભારતે એવું કર્યું તો એનાથી ચીન સાથેની એની શાંતિ વાર્તાને અસર થઈ શકે છે. વેપાર સુરક્ષા અને કથિત નજર રાખવાની નીતિને લઈને ચીન સાથે થયેલા સંઘર્ષે ઑસ્ટ્રેલિયાને અમેરિકા અને તેના સહયોગીઓની નજીક ધકેલી દીધું છે.

ઑસ્ટ્રેલિયાના સાર્વજનિક પ્રસારણકર્તા એબીસીએ 10 જુલાઈએ વિશ્લેષકોના હવાલેથી કહ્યું હતું કે "ચીને ક્યારેય એવી અપેક્ષા નહીં રાખી હોય કે આ પ્રકારનું ગઠબંધન પણ બની શકે છે. પરંતુ ચીને આપણી ઉપર જબરદસ્તી એને થોપ્યું છે અને એ જ વાત તેમને પરેશાન કરી રહી છે."

line

અમેરિકાનું લક્ષ્ય: એશિયામાં બને નાટો જેવું ગઠબંધન

QUD

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, QUD

અમેરિકાનું ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં આ 'રણનીતિક ગઠબંધનનું નેતૃત્વ' કરવું ચીનની મહત્વકાંક્ષી બેલ્ટ ઍન્ડ રોડ આર્થિક પરિયોજના હેઠળ વધતા પ્રભાવ અને દક્ષિણ ચીન મહાસાગરમાં સૈન્યની જમાવટનો જવાબ હોઈ શકે છે.

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે જો આ ક્વૉડની ઔપચારિકતા પૂર્ણ થાય છે તો ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં આ અમેરિકી વહીવટીતંત્ર માટે એક મોટી ઉપલબ્ધી હશે અને અમેરિકા એના વડે એક મોટું વૈશ્વિક નેતૃત્વ મેળવી શકશે.

વિશેષજ્ઞોનું માનવું છે કે નવેમ્બર પછી જો અમેરિકી નેતૃત્વમાં કોઈ બદલાવ આવે પણ છે તો પણ તેને લઈને અમેરિકાની નીતિઓમાં કોઈ ફેરફારની સંભાવના નથી.

વેબ મૅગેઝિન 'ધ ડિપ્લોમૅટ'માં 4 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા એક સંપાદકીયમાં કહેવાયું કે ટ્રમ્પની જગ્યાએ જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો ચીનને લઈને અમેરિકાની વાસ્તવિક નીતિઓમાં કોઈ ફેરફાર આવશે, એવું નથી. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની સરખામણીમાં બાઇડન વહીવટીતંત્રની સ્ટાઇલ અને નિવેદનબાજી કરવાની રીત ચોક્કસ અલગ હોઈ શકે છે.

આ વચ્ચે ચીની મીડિયા સતત આ ક્વૉડ બનવાની સંભાવનાને રદિયો આપી રહ્યું છે. ચીની સરકારનું મુખપત્ર કહેવાતા અખબાર ધ ગ્લોબલ ટાઇમ્સે 20 ઑગસ્ટે લખ્યું, "ચીન-ભારત અને ચીન-જાપાન સંબંધોમાં એ ઝડપથી ઘટાડો નથી આવ્યો જે ઝડપથી ચીન અને અમેરિકાના સંબંધોમાં આવ્યો છે."

અખબારે એમ પણ લખ્યું કે "ભારત સાથે વાતચીત હાલ પણ સામાન્ય પ્રવૃત્તિથી ચાલી રહી છે અને જાપાનને મહામારી પછી પોતાના આર્થિક વિકાસ માટે ચીનની જરૂર પડશે."

line

શિંજો આબે યુગ પછી જાપાનની ભૂમિકા

નેતાઓ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/BBC MONITORING

એવી અટકળો લગાવાઈ રહી છે કે શિંજો આબેના વડા પ્રધાન પદેથી હઠ્યા પછી પણ શું જાપાન ક્વૉડને લઈને એ જ વચનબધ્ધતા યથાવત રાખી શકશે? અને શું ચીનને લઈને જાપાનની વેપારી રણનીતિ એવી જ રહેશે જેવી શિંજો આબેના કાર્યકાળમાં હતી.

જાપાન બિઝનેસ પ્રેસમાં 13 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા એક સંપાદકીય લેખમાં કહેવાયું, "ક્વૉડમાં ભાગ લેનારા દેશોની સંખ્યા ભલે એ જ રહે કે વધે, જો ચીન વિરુદ્ધ બહુપક્ષીય સંયુક્ત મોરચો પ્રભાવી થઈ જાય છે, તો એનાથી આબેનો કૂટનૈતિક વારસો હજુ વધુ મહત્વપૂર્ણ બની જશે."

જાપાનમાં એક વર્ગ માને છે કે શિંજો આબે પહેલા નેતા છે જેમણે 'ચીન ઉપર આ પ્રકારના દૃષ્ટિકોણ સાથે પોતાની વિદેશ નીતિને લાગુ કરી.'દરમિયાન હવે બધાની નજર શિંજો આબેની જગ્યા લેનારા યોશિહિદે સુગા પર છે. સુગા 16 સપ્ટેમ્બરે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે.

તેમના નેતૃત્વમાં એવું તો મુશ્કેલ લાગી રહ્યું છે કે જાપાન ક્વૉડમાંથી બહાર નીકળી જાય. પરંતુ એ જોવું હજુ બાકી છે કે સુગા પણ આ ગઠબધનને આગળ વધારવામાં શિંજો આબેની જેમ જ સક્રિય ભૂમિકા ભજવે છે કે નહીં.

line

શું આ ગઠબંધન ચીનનો સામનો કરી શકે છે?

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

વર્તમાન સમયમાં ચીની આક્રમકતા એ ઑસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોને કમ્યુનિસ્ટ શાસન ઉપર દબાણ બનાવી રાખવા માટે એક બહુપક્ષીય મંચની શોધ કરવા પર મજબૂર કર્યા છે.

જોકે ચીનનો સામનો કરવાની ક્વૉડની ક્ષમતા એ વાત ઉપર નિર્ભર કરશે કે આ ગઠબંધનને આગળ લઈ જવા માટે બધા દેશ કેટલાક મુદ્દાઓ ઉપર સ્પષ્ટ રૂપે સહમત થાય છે કે નહીં. જોકે ભારત, ઑસ્ટ્રેલિયા અને જાપાને હાલના દિવસોમાં સંરક્ષણ અને વેપારના મામલે એકબીજાના સાથે દ્વિપક્ષીય સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે.

પરંતુ સ્થિતિ 2008 જેવી ન બને તેના માટે ગઠબંધને સહયોગનો દાયરો રેખાંકિત કરવાની જરૂર છે. અંગ્રેજી અખબાર 'ટાઈમ્સ ઑફ ઇન્ડિયાટએ 14 સપ્ટેમ્બરે પોતાના સંપાદકીયમાં લખ્યું, "શું આ ગઠબંધન સૈન્ય રૂપે ચીન સામે આવવાનો એક પ્રયાસ છે કે પછી વેપારી ભાગીદારી જેવા અન્ય પાસા પણ એનો ભાગ હશે?"

જોકે સંબંધોના વ્યાપારિક પાસાઓ ઉપર વિચાર કરવો થોડો જટિલ હશે. કારણકે બધા દેશોના ચીન સાથે વ્યાપક દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધ છે. કહેવાઈ રહ્યું છે કે કેટલાક આસિયાન દેશો (જે ચીન સાથે સમુદ્રી વિવાદોમાં ઘેરાયેલા છે)ને પણ આ ગઠબંધનમાં આમંત્રિત કરવા માટે પગલાં ઉઠાવાયા છે, જેથી સમૂહને મોટો કરી શકાય.

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે આ ગઠબંધનનો ખરો લિટમસ ટેસ્ટ ત્યારે થશે જ્યારે એ ખબર પડશે કે સભ્ય દેશો ચીન સાથે એકબીજાના દ્વિપક્ષીય વિવાદોમાં કેટલો હસ્તક્ષેપ કરે છે. ગઠબંધનમાં સામેલ દેશોને વધુ નજીક લાવવા માટે જરૂરી છે કે સભ્ય દેશ પરસ્પર એક મજબૂત સંબંધ ધરાવે.

જાણકારો અનુસાર દ્વિપક્ષી સમજૂતીઓ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ધ આસિયાન પોસ્ટ અખબારે 24 ઑગસ્ટે પોતાના સંપાદકીયમાં લખ્યું હતું કે "સમસ્યા એવી છે કે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના સુરક્ષા સાથે જોડાયેલા હિત એક જેવા નથી. ભારત અને જાપાનને ચીન તરફથી તત્કાળ અને મોટા જોખમ છે, જ્યારે અન્ય દેશો સાથે એવું નથી."

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો