ઇસ્લામિક સ્ટેટ : પ્રૉપેગૅન્ડા માટે બનાવ્યો ઓનલાઇન કન્ટેન્ટનો વિશાળ ભંડાર

    • લેેખક, શિરોમા સિલ્વા
    • પદ, બીબીસી ક્લિક

પોતાની જાતને 'ઇસ્લામિક સ્ટેટ' કહેનારા ઉગ્રવાદી સંગઠનના ઓનલાઇન કન્ટેન્ટના મોટા ભંડારની જાણ થઈ છે.

આ ભંડારની જાણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક ડાયલૉગ (આઈએસડી)ના રિસર્ચરોએ કરી છે.

આ ઓનલાઇન લાઇબ્રેરીમાં 90 હજારથી પણ વધારે આઇટમ છે અને પ્રત્યેક મહિને આ પ્લૅટફોર્મ પર 10 હજાર જેટલા યુનિક વિઝિટર પણ આવે છે.

નિષ્ણાતો પ્રમાણે આના દ્વારા ઉગ્રવાદીઓ સતત નેટ પર કન્ટેન્ટ મોકલી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આને ઇન્ટરનેટ પરથી હઠાવવું પણ સરળ નથી કારણ કે આ તમામ ડેટા એક જગ્યા પર સ્ટોર નથી.

બ્રિટન અને અમેરીકાના ઉગ્રવાદ વિરોધી અધિકારીઓ તરફથી ચેતવણી જાહેર કર્યા પછી પણ આ કન્ટેન્ટમાં સતત વધતો થતો રહ્યો છે.

'સારા ઉગ્રવાદી બનવાની સામગ્રી'

આ ઓનલાઇન કન્ટેન્ટના ભંડારની ઓળખ ઇસ્લામિક સ્ટેટના મુખ્ય નેતા અબુ બકર અલ બગદાદીના ઑક્ટોબર, 2019માં થયેલા મૃત્યુ પછી થઈ છે. આ સમયે સંગઠનનું સમર્થન કરતી સોશિયલ મીડિયામાંની અનેક પોસ્ટમાં એક શોર્ટ લિંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ લિંક દ્વારા જ સંશોધકોની ટીમે આ ઓનલાઇન ભંડાર સુધી પહોંચી શકી જ્યાં નવ અલગઅલગ ભાષાઓમાં દસ્તાવેજ અને વીડિયો હાજર છે.

આમાં 22 મે, 2017ના માન્ચૅસ્ટર ઍરિના અને 7 જુલાઈ, 2005 લંડનમાં થયેલા ઉગ્રવાદી હુમલા સાથે જોડાયેલી સામગ્રીઓ પણ સામેલ છે.

સાથે જ 11 સપ્ટેમ્બર, 2001એ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ ટાવર પર થયેલા હુમલાની સામગ્રી પણ હાજર છે.

આ ભંડારની શોધ કરનાર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક ડાયલૉગના ડેપ્યુટી ડિરેક્ટર મુસ્તાફા અયાદે કહ્યું, "કોઈ પણ હુમલાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા સુધીની જાણકારી જોઈએ તે તમામ અહીં હાજર છે. તમારે એક સારા ઉગ્રવાદી બનવામાં મદદ કરનારી જાણકારી અહીં હાજર છે."

આઈએસડીએ આ ઓનલાઇન લાઇબ્રેરીને ઉગ્રવાદી જાણકારીઓનો છુપાયેલો ભંડાર કહ્યો છે.

અનેક મહિનાઓ સુધી ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ આ ભંડાર બનાવવાની રીતનું અધ્યયન કર્યું છે, આની દેખરેખ કેવી રીતે રાખવામાં આવી તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું.

સાથે જ અહીં આવનારા લોકો પર પણ અધ્યયન કરવામાં આવ્યું.

આ ભંડારનો ડેટા કોઈ એક સિંગલ કમ્પ્યુટર સર્વર પર નથી, પરંતુ વિકેન્દ્રિત વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યો છે.

વિવિધ જગ્યાઓ પર હાજર સર્વરની મદદથી કોઈ પણ કન્ટેન્ટને શૅર કરી શકાય છે. આના કારણે જ આને ઑફલાઇન કરી શકાતો નથી.

જ્યાં સુધી આ ભંડાર હાજર છે ત્યાં સુધી ઇસ્લામિક સ્ટેટને પોતાની વિચારધારા અને ઉદ્દેશ સાથે જોડાયેલા કન્ટેન્ટનો પ્રચાર કરવામાં મદદ મળતી રહેશે.

સેલિબ્રિટી એકાઉન્ટનો ઉપયોગ

સામગ્રીને સોશિયલ મીડિયા કૉમેન્ટ પેજમાં જોડવામાં આવે છે અને તેને બૉટ એકાઉન્ટના માધ્યમથી ફેલાવવામાં આવે છે.

આ સિવાય સેલિબ્રિટી અને પ્રસિદ્ધ ઍથ્લીટો સંબંધિત ટ્વિટર એકાઉન્ટનો પણ ઉપયોગ કરાય છે.

ઉદાહરણ માટે ઇસ્લામિક સ્ટેટે પૉપ સિંગર જસ્ટિન બીબરના ફેન પેજને હાઈજેક કરીને તેનાથી ચરમપંથી સામગ્રીના કન્ટેન્ટનો પ્રચારપ્રસાર કર્યો.

અન્ય એક મામલામાં ઇસ્લામિક સ્ટેટે ઇંગ્લૅન્ડની રગ્બી ટીમના એકાઉન્ટનો એવો ઉપયોગ કર્યો, એ લોકોએ ખુદને ટીમના સમર્થક ગણાવ્યા હતા.

અયાદ જણાવે છે, "તેઓ ન માત્ર ઓનલાઇન પ્લૅટફૉર્મને સમજી રહ્યા છે, પરંતુ તેઓ પોતાની સામગ્રીની તાકતને પણ સમજી રહ્યા છે."

માત્ર હિંસક સામગ્રી નહીં

આ ઓનલાઇન ભંડારમાં મૌજૂદ બધી સામગ્રી હિંસક હોય એવી વાત પણ નથી.

વિઝિટરોને ઇસ્લામિક સ્ટેટની ફિલોસોફી, ધાર્મિક સામગ્રી અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા પ્રૉપેગેન્ડા બધું મળે છે.

રિસર્ચરો અનુસાર, આ સામગ્રીઓમાં લગ્નનો ઇન્કાર કરતાં શમીમા બેગમ સાથે જોડાયેલી સામગ્રી પણ મૌજૂદ છે.

આ ભંડાર પર આવનારા લોકોમાં મોટા ભાગે આરબ દેશોના 18થી 24 વર્ષના યુવા છે.

તેમાં 40 ટકા ટ્રાફિક સોશિયલ મીડિયા, ખાસ કરીને યૂટ્યૂબથી આવે છે.

ચરમપંથી સમૂહોઅપનાવી રીત

આઈએસડી અનુસાર, આ પોતાની રીતે એકલો મામલો નથી, પણ અન્ય ચરમપંથી સમૂહોએ પણ વિકેન્દ્રીકૃત પ્લૅટફોર્મના માધ્યમથી પોતાના કન્ટેન્ટનો ઓનલાઇન ભંડાર બનાવ્યો છે.

બીબીસી મૉનિટરિંગનાં સિનિયર જેહાદી સ્પેશિયાલિસ્ટ મીના અલ લામીએ આ ચલણ પર કહ્યું, "જેહાદીઓ માટે આકર્ષણનું કારણ એ છે કે વિકેન્દ્રીકૃત પ્લૅટફૉર્મ વિકસિત કરનારાઓ પાસે યૂઝર્સ દ્વારા સંચાલિત સર્વરો પર આવનારા કન્ટેન્ટ કે નેટવર્ક યૂઝર્સ દ્વારા શૅર કન્ટેન્ટ પર કાર્યવાહી કરવાનું કોઈ નિયંત્રણ નથી. આ એક રીતે અંગતતા, આઝાદી અને ગોપનીયતા સાથે જોડાયેલી વાત છે."

આ રિસર્ચરોએ લંડનની મેટ્રોપૉલિટન પોલીસ સિવાય ઇસ્ટ ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂયૉર્કની ઍટૉર્ની ઑફિસને પણ તેની જાણકારી આપી છે.

જોકે હજુ સુધી ન્યૂયૉર્કના અધિકારીઓએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જોકે યુકેમાં મેટ્રોપૉલિટને આ જાણકારીને સ્પેશિયાલિસ્ટ ઑફિસરો પાસે મોકલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો