ઈદ-ઉલ-અઝહા : કોરોના મહામારીને કારણે ઈદની ચમક ફિક્કી પડી

    • લેેખક, અમૃતા શર્મા
    • પદ, બીબીસી મૉનિટરિંગ

આ વખતે ઈદ-ઉલ-અઝહાના સમયે કોરોના વાઇરસની અસર સ્પષ્ટ વર્તાઈ રહી છે. સંક્રમણને કારણે લાગેલા પ્રતિબંધો, સ્વાસ્થ્ય દિશાનિર્દેશો અને કોરોનાના વધતાં કેસોએ તહેવારના રંગને થોડો ફિક્કી કરી દીધો છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવ સમેત બધા દક્ષિણ એશિયાઈ દેશોની સરકારોએ લોકોને સંક્રમણને વધતું રોકવા માટે સાદગીથી ઈદ ઉજવવાની અપીલ કરી છે.

તેની અસર પશુપાલકો, વેપારીઓ અને ગ્રાહકો પર પણ જોવા મળી રહી છે. હવે લોકો બજાર જવાને બદલે ઑનલાઇન સામાન ખરીદવાને મહત્ત્વ આપી રહ્યા છે.

દક્ષિણ એશિયામાં ઈદ-ઉલ-અઝહાને બકરી ઈદના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મુસલમાનોના મુખ્ય તહેવારમાંનો એક છે.

દક્ષિણ એશિયાઈ દેશોએ બકરી ઈદને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન અને આંતરરાજ્ય પરિવહન પર રોક જેવા નિયમો લાગુ કર્યા છે, જેથી કોરોના વાઇરસના સંક્રમણને રોકી શકાય.

બધા દેશો સાવધાની રાખી રહ્યા છે

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 27 જુલાઈએ પોતાના સંબોધનમાં લોકોને સાદગીથી તહેવાર મનાવવાની અપીલ કરી હતી અને લોકોને ચેતવ્યા હતા કે મોટી સંખ્યામાં એકઠા થવાથી કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.

પાકિસ્તાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના દિશાનિર્દેશોમાં કમસે કમ યાત્રા કરવાની અને ઈદની નમાઝ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની સલાહ અપાઈ છે.

પંજાબમાં પ્રાંતીય સરકારે 28 જુલાઈથી 5 ઑગસ્ટ સુદી 'સ્માર્ટ લૉકડાઉન' લાગુ કર્યું છે. 27 જુલાઈના ડૉન અખબારના એક રિપોર્ટ મુજબ ચીફ સેક્રેટરી જવ્વાદ રફીકે કહ્યું હતું કે આ નિર્ણય જાહેરહિતમાં લેવાયો છે.

બાંગ્લાદેશમાં પણ સરકારે લોકોને ખાલી જગ્યાની કરતાં પોતાની નજીકમાં આવેલી મસ્જિદોમાં જ નમાઝ પઢવાની અપીલ કરી છે.

બાંગ્લાદેશના મેરિટાઇમમંત્રી ખાલિદ મહમૂદ ચૌધરીએ 24 જુલાઈએ લોકોને ઈદ દરમિયાન યાત્રા કરવાથી બચવા અને પોતાની જિંદગીને ખતરામાં ન નાખવાનો આગ્રહ કર્યો છે. ઈદમાં હજારો લોકો પોતાના ઘરે આવે છે.

ભારતમાં પણ ઘણાં રાજ્યોમાં ઘરમાં ઈદની નમાઝ પઢવાની સલાહ આપવામાં આવી છે.

ઘણા ધાર્મિક નેતાઓએ પણ સરકારી નિયમોના પાલનની અપીલ કરી છે.

માલદીવમાં પણ ઇસ્લામિક મંત્રાલયે જાહેરાત કરી છે કે સાવધાની માટે આ વર્ષે ઈદની નમાઝ રાજધાની માલેનાં ખુલ્લાં મેદાનોમાં નહીં થાય. એની જગ્યાએ મસ્જિદોમાં જ નમાઝ પઢવામાં આવશે.

ઑનલાઇન પશુવેપાર અને ડિજિટલ સાક્ષરતાની કમી

કોરોના મહામારીએ દક્ષિણ એશિયાનાં પશુબજારને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. અહીં પશુવેપારીઓ પ્રતિબંધની સજા ભોગવી રહ્યા છે.

ઈદ-ઉલ-અઝહાના સમયે બકરાનો બલિ આપવાની પરંપરા છે. તેના કારણે આ તહેવારમાં પશુબજારને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે.

આ વર્ષે ઘણા દક્ષિણ એશિયાઈ દેશોમાં ઈદ પર પશુબજારમાં ભીડ ઓછી કરવા માટે ઑનલાઇન વેચાણથી જોડાયેલા દિશાનિર્દેશો જાહેર કર્યા છે.

જોકે દિશાનિર્દેશો સિવાય પણ લોકો સંક્રમણને કારણે ખુદ પણ બજારમાં જવાનું ટાળી રહ્યા છે અને ઑનલાઇન ખરીદ-વેચાણ કરી રહ્યા છે.

ડિજિટલ પ્લૅટફોર્મ પર પ્રાણીઓની તસવીરો કે વીડિયો મૂકવામાં આવે છે. સાથે જ તેમની ઉંમર, લંબાઈ, દાંત અને સ્વાસ્થ્યા સંબંધિત જાણકારી આપવામાં આવે છે. તેના આધારે લોકો પ્રાણીઓને પસંદ કરે છે.

ભારતમાં પણ પ્રતિબંધને કારણે પશુઓનું પરિવહન અને વેચાણ પ્રભાવિત થવાથી ઑનલાઇન પશુવેપાર એક વિકલ્પ તરીકે સામે આવ્યો છે.

મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોએ તહેવારોને જોતાં ઑનલાઇન પશુવેપાર સાથે સંબંધિત દિશાનિર્દેશો જાહેર કર્યા છે.

જોકે ન્યૂઝ પોર્ટલ સ્ક્રૉલના રિપોર્ટ અનુસાર, મોટા પાયે ઑનલાઇન વેપાર, પરિવહન અને બકરાઓની ડિલિવરી માટે પર્યાપ્ત વ્યવસ્થા ન હોવાથી પશુવેપારી અને ગ્રાહકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

તેમાં ઘણા પડકારો સામે આવી રહ્યા છે. જેમ કે બધા લોકો ઑનલાઇન ખરીદ-વેચાણની રીત જાણતા નથી. તેઓ ડિજિટલ રીતને લઈને એટલા જાગરૂક નથી.

તેમજ બકરાઓની એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા નથી. આ સિવાય ઘણા લોકો એટલા માટે પણ ઑનલાઇન ખરીદી નથી કરી શકતા કે તેઓ ફોટો કે વીડિયોમાં પ્રાણીઓને યોગ્ય રીતે તપાસી શકતા નથી.

અર્થવ્યવસ્થા પર પ્રભાવ

કોવિડ-19ના પ્રતિબંધોની આર્થિક અસર અને ઑનલાઇન પશુબજાર સાથે જોડાયેલા દિશાનિર્દેશો કેટલાક દક્ષિણ એશિયાઈ દેશોમાં ચિંતાનું વિષય બની ગયા છે.

ડૉન અખબારના 15 જુલાઈના એક સંપાદકીય અનુસાર, "ઈદ-ઉલ-અઝહામાં થનારો બલિ પાકિસ્તાનમાં આર્થિક ગતિવિધિનું મુખ્ય એન્જિન છે. તેની અબજો-કરોડોની અર્થવ્યવસ્થા છે."

"પશુપાલકોથી લઈને કસાઈ અને ચર્મશોધન ઉદ્યોગ સુધી બધાનાં હિતો પ્રાણીઓના વેચાણ સાથે સંકળાયેલાં છે."

આ રીતે ઑલ ઇન્ડિયા શિપ ઍન્ડી ગોટ બ્રીડર્સ ઍન્ડ ડીલર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ અસલમ કુરેશીએ સ્ક્રૉલના એક રિપોર્ટમાં કહ્યું, "અમારા વેપારીઓનો દર બકરી ઈદના મુકાબલે આ વર્ષનો ધંધો 30 ટકા સુધી ઓછો થઈ ગયો છે."

બાંગ્લાદેશમાં પણ પશુવેપારીઓ અને ખેડૂતોને મોટા નુકસાનનો ડર સતાવી રહ્યો છે.

ઢાકા ટ્રિબ્યૂનનો 15 જુલાઈનો એક રિપોર્ટ કહે છે, "ખેડૂતોને ડર છે કે તેઓએ પ્રાણીઓમાં જે પૈસા લગાવ્યા છે, એ તેમને મળશે કે નહીં, કેમ કે કોવિડ-19ને કારણે તેનું વેચાણ પ્રભાવિત થયું છે."

22 જુલાઈના ઢાકા ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર એક વિકલ્પ તરીકે બાંગ્લાદેશ ઢાકા ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (ડીસીસીઆઈ)એ "ડિજિટલ હાટ" કે ડિજિટલ પશુબજારની શરૂઆત કરી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ખરીદદાર હવે આ ડિજિટલ હાટ પર વિભિન્ન રંગો, આકારો, સ્થાનિક અને વિદેશી નસલોની ગાય, બકરીઓ અને ભેંસ પસંદ કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો