You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સરહદ વિવાદ : ભારત સાથે અથડામણમાં પાંચ ચીની સૈનિકનાં મૃત્યુ, ટ્વીટથી ભ્રમ ફેલાયો
- લેેખક, ટીમ બી. બી. સી. ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લદ્દાખમાં ભારત-ચીન એલ.એ. સી. ખાતે બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના એક અધિકારી તથા બે જવાનનાં મૃત્યુ થયાં હતા.
આ ઘટના બહાર આવ્યા બાદ અમુક ભારતીય મીડિયા ચેનલ્સે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ને ટાંકતા ચીની સેનાના પાંચ જવાનનાં મૃત્યુ અને 11 જવાન ઈજાગ્રસ્ત થવા સંબંધિત અહેવાલ રજૂ કર્યા હતા.
ચીનના અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ચીનના પક્ષે થયેલી ખુવારી અંગે કોઈ અહેવાલ તેમણે આપ્યા નથી, સાથે જ સ્વીકાર્યું હતું કે ચીનના પક્ષે ખુવારી થઈ છે, પરંતુ તે કેટલી છે તે હાલના તબક્કે જણાવી શકે તેમ નથી.
'ગ્લોબલ ટાઇમ્સ'ના ચાઇનિઝ તથા અંગ્રેજી ભાષાના મુખ્ય સંપાદકે ટ્વીટ કરીને કહ્યું કે હિંસક અથડામણ દરમિયાન ચીનને પણ નુકસાન થયું છે, પરંતુ તેમણે આ વિશે કોઈ માહિતી કે સંખ્યા જણાવી નથી.
તેમણે ટ્વિટર ઉપર લખ્યું, "મારી પાસે જે માહિતી છે, તે મુજબ ગલવાન ખીણમાં થયેલી અથડામણ દરમિયાન ચાઇનિઝ પક્ષે નુકસાન થયું છે. હું ભારતીયોને કહેવા માગું છું કે અભિમાની ન બનો અને ચીનના સંયમને તેની નબળાઈ ન સમજો. ચીન ભારત સાથે સંઘર્ષ નથી ઇચ્છતું, સાથે જ અમે તેનાથી ડરતા પણ નથી."
ચીને ભારતની ટીકા કરી
આ પહેલાં ચીને આરોપ મૂક્યો હતો કે ગલવાન ખીણ વિસ્તારમાં ભારત દ્વારા નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું, જે 'ઉશ્કેરણીજનક હરકત' હતી. ચીનના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, આ અંગે તેણે ભારત સમક્ષ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયે મંગળવારની પ્રેસકૉન્ફરન્સ દરમિયાન કહ્યું, "ડિપ્લૉમેટિક તથા સૈન્ય માધ્યમથી બંને દેશો વચ્ચે પ્રવર્તમાન તણાવને હળવો કરવાના પ્રયાસ ચાલુ છે."
"છઠ્ઠી જૂને કમાન્ડરસ્તરની વાતચીત દરમિયાન સહમતિ પણ સધાઈ હતી. જોકે, સોમવારે ભારત દ્વારા તેનું ગંભીર રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ભારતીય સૈનિકો બે વખત ગેરકાયદેસર રીતે ચીનની સીમામાં પ્રવેશ્યા અને ચીની સૈનિકો ઉપર ઉશ્કેરણીજનક હુમલા કર્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રવક્તા ઝાઓએ કહ્યું કે અથડામણમાં બંને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ.
ઝાઓના કહેવા પ્રમાણએ સહમતિના આધારે ભારતે તેના સૈનિકોને સંયમિત રહેવાની સૂચના આપવી જોઇએ. સાથે જ ઉમેર્યું,
"ભારતે સીમારેખાને પાર ન કરવી જોઇએ તથા એકતરફી રીતે એવું કોઈ પગલું ન લેવું જોઇએ, જેથી કરીને સ્થિતિ વકરે."
ઝાઓના કહેવા પ્રમાણે, સરહદી વિસ્તારોમાં તણાવ ઘટે અને શાંતિ જળવાય રહે તે માટે બંને દેશ વાટાઘાટો દ્વારા દરેક મુદ્દો ઉકેલવા માટે સહમત થયા છે.
ભારતીય સેનાના મુખ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, એક સૈન્ય અધિકારી અને બે જવાન મૃત્યુ પામ્યાં છે. આ અથડામણમાં બંને પક્ષે ખુંવારી થઈ છે.
બંને દેશના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સ્થિતિને કાબૂ કરવામાં લાગેલાં છે.
રિપોર્ટરનું ટ્વીટ
ચીની પક્ષે પાંચ સૈનિકોનાં મૃત્યુ અને 11ના ઘાયલ થવાના ભારતીય મીડિયામાં પ્રસારિત અહેવાલ 'ગ્લોબલ ટાઇમ્સ'ના પત્રકાર વાંગ વેનવેના ટ્વીટ ઉપર આધારિત હતા.
વાંગે પોતાને મળેલી માહિતીના આધારે આ ટ્વીટ કર્યું હતું. બાદમાં તેમણે એ ટ્વીટને ડિલિટ કરી નાખ્યું અને સ્પષ્ટતા પણ આપી.
નવા ટ્વીટમાં વાંગે કહ્યું કે તેમને ભારતીય સૂત્રો પાસેથી આ માહિતી મળી હતી. સાથે જ લખ્યું હતું કે ચીને ઔપચારિક રીતે તેના કોઈ સૈનિકની ખુવારી વિશે ઔપચારિક પુષ્ટિ નથી કરી.
તેમણે ભારતીય મીડિયા ઉપર 'અનપ્રોફેશનલ' હોવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેમના ટ્વીટને ચીનના સત્તાવાર વલણ તરીકે રજૂ કરવામાં આવ્યું, જે અયોગ્ય છે.
પત્રકાર પ્રવીણ સ્વામીએ પણ આ વિશે ટ્વીટ કરીને ભારતીય મીડિયાની ટીકા કરી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો