નેપાળે નવા નકશામાં લિપુલેખ તથા લિમ્પિયાધૂરા કાલાપાનીને પોતાના વિસ્તાર ગણાવતા વિવાદ

    • લેેખક, સુરેન્દ્ર ફુયાલ
    • પદ, કાઠમંડૂથી, બી. બી. સી. ગુજરાતી માટે

ભારત અને પાડોશી દેશ નેપાળ વચ્ચેન સંબંધમાં સોમવારે નવો વળાંક આવ્યો, નેપાળે લિમ્પિયાયાધૂરા, કાલાપાનીને પોતાના વિસ્તાર ગણાવ્યા છે.

નેપાળની કૅબિનેટે નવા રાજકીય નક્શાને મંજૂરી આપી, જેમાં બંને વિસ્તારોને પોતાની સરહદની અંદર દર્શાવ્યા છે.

નેપાળની કૅબિનેટે પોતાના દાવાને વ્યાજબી ગણાવતાં કહ્યું છે કે મહાકાલી (શારદા) નદી લિમ્પિયાધૂરામાંથી ઉદ્ભવે છે, જે ભારતના ઉત્તરાખંડમાં આવેલું છે.

ભારતે લિપુલેખમાં માર્ગ બનાવવાની શરૂઆત કરતા નેપાળની કૅબિનેટે આ નિર્ણય લીધો હતો. લિપુલેખ થઈને ચીનના માનસરોવર સુધી જવાય છે.

ભારતે આ માર્ગનું નિર્માણકાર્ય શરૂ કર્યુ, ત્યારે નેપાળે તેનો વિરોધ નોંધાવ્યો હતો. નેપાળની સંસદથી લઈને રસ્તાઓ ઉપર તેનો વિરોધ જોવા મળ્યો હતો.

'વિવાદનો નકશો'

જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠન બાદ ભારતે પોતાનો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. જેમાં રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન દર્શાવવામાં આવ્યું હતું.

આ સિવાય લિમ્પિયાધૂરા, કાલાપાની તથા લિપુલેખને ભારતના ભાગરૂપ ગણાવવામાં આવ્યા હતા. નેપાળ લાંબા સમયથી તેને પોતાના વિસ્તારો તરીકે ગણાવતું રહ્યું છે.

નેપાળના કૃષિ અને સહકાર પ્રધાન ઘનશ્યામ ભુસાલે કાંતિપુર ચેનલ સાથે વાત કરતા જણાવ્યું:

"આ નવી શરૂઆત છે, પરંતુ આ નવી વાત નથી. અમે હંમેશાથી એ વાત ભારપૂર્વક જણાવી છે કે મહાકાલી નદીનો પૂર્વનો ભાગ નેપાળનો છે. સરકારે સત્તાવાર રીતે તેનો નક્શામાં સમાવેશ કર્યો છે."

ભુસાલે ઉમેર્યું હતું કે આ બાબતના સત્તાવાર ઉકેલ માટે ભારત સાથે ઔપચારિક વાટાઘાટો ચાલુ રહેશે.

આ પહેલાં નેપાળે કહ્યું હતું કે જે જમીન ઉપર ભારત દ્વારા માર્ગનિર્માણ કરવામાં આવ્યું છે, તે લિઝ ઉપર આપી શકાય તેમ છે, પરંતુ નેપાળ તેની ઉપરનો દાવો છોડશે નહીં.

તાજેતરમાં લિપુલેખ વિવાદ મુદ્દે વડા પ્રધાન કેપી શર્માએ સર્વદળીય બેઠક બોલાવી હતી, જેમાં અનેક પૂર્વ વડા પ્રધાનોએ પણ ભાગ લીધો હતો.

નેપાળ દ્વારા વિરોધ

લિપુલેખ વિસ્તારની સરહદ ચીન, નેપાળ અને ભારત સાથે જોડાયેલી છે. આથી, ભારત દ્વારા માર્ગનિર્માણ કરતા નેપાળ નારાજ થયું છે.

લિપુલેખમાં ભારત દ્વારા 'દબાણ'ની સામે નેપાળમાં ભારતવિરોધી પ્રદર્શન ચાલી રહ્યાં છે.

નેપાળના વડા પ્રધાન કેપી ઓલી શર્માની સરકારે લિપુલેખ ઉપર તેમના દેશના દાવાનો પુનર્રોચ્ચાર કર્યો હતો અને કૂટનીતિક વિરોધ નોંધાવ્યો હતો.

ઉત્તરાખંડના ધારચૂલાની પૂર્વે મહાકાલી નદીના કિનારે નેપાળનો દાર્ચુલા જિલ્લો આવેલો છે. મહાકાલી નદી ભારત ને નેપાળની વચ્ચે સરહદનું પણ કામ કરે છે.

નેપાળનું કહેવું છે કે ભારતે તેના લિપુલેખ વિસ્તારમાં 22 કિલોમીટર લાંબી સડકનું નિર્માણ કર્યું છે, જે તિબત જાય છે.

લગભગ દસ 10 પહેલાં ભારત દ્વારા આ માર્ગ 'એકતરફી' રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

સરહદ પર સેના

ભારત સાથે વિવાદ બાદ નેપાળે ઇતિહાસમાં પ્રથમ વખત લિપુલેખના દક્ષિણે ચાંગરુ ગામ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત સશસ્ત્ર સીમા બળને તહેનાત કર્યાં છે.

નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ સરકારના વાર્ષિક કાર્યક્રમ અને નીતિની જાહેરાત કરી હતી. જેમાં સ.સી.બ.ની 500 પોસ્ટ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં ભારત સાથે જોડાયેલી 1880 કિલોમીટર લાંબી સરહદ ખાતે મોટાભાગની અને લગભગ ડઝનેક 1440 કિલોમીટર લાંબી ચીન-નેપાળ સરહદ ઉપર ઊભી કરવાની જાહેરાત કરી છે.

આ સિવાય આરોગ્ય સેવામાં સુધાર તથા કૃષિઉત્પાદન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

ભારત-ચીન કરાર, નેપાળ બેકરાર

વર્ષ 2015માં ભારત અને ચીન વચ્ચે વેપારવૃદ્ધિ માટે કરાર કરવામાં આવ્યા હતા, જેમાં આ માર્ગ અંગે સહમતી સધાઈ હતી.

તે સમયે નેપાળે બંને દેશ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેને વિશ્વાસમાં લેવામાં નહોતું આવ્યું. વાસ્તવમાં પ્રસ્તાવિત માર્ગ તેના વિસ્તારમાંથી પણ પસાર થવાનો હતો.

નવેમ્બર-2019માં નેપાળે વધુ એક વખત ભારત સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. તિબેટ જતો માર્ગ ખુલ્લો મૂકાયા બાદ નેપાળે કાઠમાંડૂ સ્થિત ભારતના રાજદૂત તથા વિદેશ મંત્રાલય સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો હતો.

કોવિડ-19 ની સ્થિતિ થાળે પડતા બંને દેશો વચ્ચે વિદેશસચિવ સ્તરીય વાટાઘાટો થાય તેવી શક્યતા છે. બીજી બાજુ, કોરોના સામેની લડાઈ બંને દેશોએ સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે.