કોરોના વાઇરસથી તુર્કમેનિસ્તાન મુક્ત કેવી રીતે રહી શક્યું?

તુર્કમેનિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અબ્દુજલીલ અબ્દુરાસુલોલ
    • પદ, બીબીસી ન્યૂઝ

કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં દુનિયાના 211 દેશ છે, પરંતુ કેટલાક દેશો એવા પણ છે, જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. તેમાંનો એક દેશ છે તુર્કમેનિસ્તાન.

નિષ્ણાતોનું માનવું છે કે અહીંની સરકાર કદાચ સચ્ચાઈ છુપાવી રહી છે અને તેને કારણે આ મહામારીને નાથવા માટેના પ્રયાસોને ઝટકો લાગી શકે છે.

દુનિયાના મોટા ભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યા છે અને તેના સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ લૉકડાઉનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એવા સમયે તુર્કમેનિસ્તાનમાં મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય દિવસે સાઇકલ રેલીનું આયોજન કરાયું.

આ મધ્ય એશિયાઈ દેશે દાવો કર્યો છે કે અહીં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી.

પણ શું સેન્સરશિપ માટે ચર્ચિત આ સરકારના આંકડા પર વિશ્વાસ કરી શકાય?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તુર્કમૅન હેલ્થકૅર સિસ્ટમનું અધ્યયન કરનારા લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનના પ્રોફેસર માર્ટિન મેક્કીએ કહ્યું:

"તુર્કમેનિસ્તાન તરફથી સત્તાવાર રીતે સ્વાસ્થ્યના જે આંકડા જાહેર કર્યા છે એના પર બિલકુલ ભરોસો કરી શકાય નહીં."

માર્ટિને કહ્યું, "ગત દશકમાં તેઓએ દાવો કર્યો હતો કે ત્યાં એક પણ દર્દી એચઆઈવી/ઍઇડ્સથી સંક્રમિત નથી. આ આંકડા પર વિશ્વાસપાત્ર અને સરાહનીય નથી."

"આપણે એ પણ જાણીએ છીએ કે વર્ષ 2000ના દશકમાં તેઓએ સતત ઘણી બીમારીઓ સંબંધિત જાણકારી છુપાવી છે, જેમાં પ્લેગ પણ સામેલ છે."

તુર્કમેનિસ્તાનમાં ઘણા લોકો કોવિડ-19થી ડરે છે, બની શકે કે તેઓ અગાઉથી જ સંક્રમિત હોય.

કોરોનાને નાથવાનો ઍક્શન પ્લાન શું છે?

રાજધાની અશ્ગાબાટમાં રહેતા એક શખ્સે નામ ન આપવાની શરતે કહ્યું, "મારા ઓળખિતા એક શખ્સ સરકારી એજન્સીમાં કામ કરે છે."

"તેમણે જણાવ્યું કે મને આ અંગે બોલવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે કે અહીં વાઇરસ ફેલાયો છે કે મેં એના વિશે કંઈ સાંભળ્યું છે. નહીં તો હું મુશ્કેલીમાં મુકાઈ શકું છું."

જોકે તુર્કમૅન પ્રશાસન સતત આ ચેપી બીમારીથી બચવાની કોશિશ અને સંક્રમિત લોકોની શોધમાં લાગેલું છે.

દેશમાં સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓની સાથે મળીને તેઓ બીમારીને નાથવા માટેના ઍક્શન પ્લાન પર પણ ચર્ચા કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રનાં રેસિડન્ટ કો-ઑર્ડિનેટર ઍલેના પનોવાએ બીબીસીને જણાવ્યું કે આ પ્લાનમાં દેશભરના કો-ઑર્ડિનેટર રિસ્ક કૉમ્યુનિકેશન, કેસની તપાસ, લૅબ ટેસ્ટિંગ અને અન્ય ઉપાયો પર ચર્ચા રહ્યા છે.

કોરોના વાઇરસ અંગે જાગૃતિ લાવવા માટેનું તુર્કમેનિસ્તાનનું પોસ્ટર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સંયુક્ત રાષ્ટ્ર તુર્કમેનિસ્તાનના એ દાવા સાથે સહમત છે કે અહીં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. તો પનોવા આ મામલે સીધો જવાબ આપવાથી બચતા જોવાં મળ્યાં.

પનોવાએ કહ્યું, "અમે સત્તાવાર જાણકારી પર જ વિશ્વાસ કરીએ છીએ, કેમ કે અન્ય દેશોના કિસ્સામાં પણ એવું જ છે. આમાં વિશ્વાસ જેવી કોઈ વાત નથી, કેમ કે આ રીતે જ કામ થાય છે."

ઍલેના પનોવાનું માનવું છે કે શરૂઆતમાં યાત્રાઓ પર રોક લગાવવા જેવા ઉપાયોને કારણે અહીં સંક્રમણના કેસ જોવા મળતા નથી.

કોરોના વાઇરસ
line

તુર્કમેનિસ્તાને અંદાજે એક મહિના પહેલાં જ તેની જમીન સરહદ બંધ કરી દીધી હતી, જ્યાં અવરજવર ચાલુ હતી.

આ સિવાય ફેબ્રુઆરીમાં જ ચીન અને અન્ય દેશોની હવાઈ મુસાફરી પર રોક લવાવી દીધી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય ઉડાનોને રાજધાનીની જગ્યાએ તુર્કમેનાબાદ ડાયવર્ટ કરી હતી, જ્યાં એક ક્વૉરેન્ટીન ઝોન બનાવ્યો હતો.

જોકે ઘણા સ્થાનિકોએ જણાવ્યું કે કેટલાક લોકો બે અઠવાડિયાં માટે બનાવેલા આઇસોલેશન ટૅન્ટમાં ન રહેતાં લાંચ આપીને ક્વૉરેન્ટીન ઝોનમાંથી બહાર આવી ગયા.

ઍલેના પનોવા કહે છે કે દેશમાં આવનાર દરેક શખ્સ અને જેમાં કોવિડ-19નાં લક્ષણ જણાઈ રહ્યાં છે તેમની ચકાસણી કરાઈ છે.

જોકે અત્યાર સુધીમાં કેટલા લોકોની ચકાસણી કરાઈ અને તુર્કમેનિસ્તાન પાસે કેટલી ટેસ્ટ કિટ છે, તેને લઈને તેઓ ચોક્કસ આંકડો ન આપી શક્યાં.

તેઓએ કહ્યું, "સરકારી અધિકારીઓની વાતચીતથી અમને સમજાયું કે તેમણે પૂરતી ચકાસણી કરી છે."

line

હેલ્થકૅર સિસ્ટમની શું સ્થિતિ છે?

તુર્કમેનિસ્તાનના જનજીવનનું દૃશ્ય

ઇમેજ સ્રોત, TURKMEN STATE TV

કોરોના મહામારીના સંક્રમણ સામે તુર્કમેનિસ્તાનની હેલ્થકૅર સિસ્ટમ કેટલી તૈયારી છે?

આ સવાલ પર પનોવા કહે છે, "અમને ખબર નથી. અમને જણાવવામાં આવ્યું કે ઘણી બધી તૈયારીઓ કરાઈ છે અને અમને તેના પર ભરોસો છે, કેમ કે અહીંની હૉસ્પિટલોમાં સારી સુવિધા છે."

"જોકે ચેપ ફેલાશે તો હેલ્થકૅર સિસ્ટમ પર ભારે દબાણ આવશે, જેવું અન્ય દેશોમાં પણ થઈ રહ્યું છે. આથી તમે કેટલી પણ તૈયારી કરો, એ ઓછી પડે છે. એટલે અમે પહેલેથી જ તેમની સાથે વાત કરીએ છીએ કે વૅન્ટિલેટર અને જરૂરી ઉપકરણ તૈયાર રાખે."

કોરોના સંક્રમણને લઈને લોકોમાં ઘણી જાગરૂકતા આવી છે. શહેરોમાં અવરજવર પર રોક લાગી છે અને રાજધાની અશ્ગાબાટમાં આવનાર પાસે ડૉક્ટરનો રિપોર્ટ હોવો જરૂરી છે.

તુર્કમેનિસ્તાનના જનજીવનનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

હર્બલ રેમેડીમાં ઉપયોગ થનારું એક પ્રકારનું ઘાસ (યુજાર્લિક) સળગાવવાથી થતો ધુમાડો બજારો અને ઑફિસોમાં કીટનાશકના રૂપમાં છોડાઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બેરદીમુહામેદોવે કહ્યું કે આ ઘાસના ધુમાડાથી વાઇરસ મરી જશે. જોકે તેની કોઈ સાબિતી નથી.

પરંતુ અન્ય દેશોની તુલનામાં જોઈએ તો તુર્કમેનિસ્તાનમાં જનજીવન સામાન્ય છે.

કાફે અને રેસ્ટોરાં ખુલ્લાં છે. લગ્નમાં ભીડ જામે છે. કોઈ માસ્ક પહેરતું નથી અને મોટી સંખ્યામાં લોકો આયોજનમાં ભાગ લે છે.

તેનાથી લાગે છે કે તુર્કમેનિસ્તાનમાં કોરોના વાઇરસ મહામારીની ગંભીરતાને સંપૂર્ણ નજરઅંદાજ કરાઈ રહી છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો