કોરોના વાઇરસના કારણે ચર્ચામાં આવેલી તબલીગી જમાત શું છે?

માસ્ક પહેરેલા લોકો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મરકઝ એટલે કેન્દ્ર

તબલીગનો અર્થ થાય ધર્મનો પ્રચાર

જમાત એટલે સમૂહ અથવા ટોળું

છેલ્લા કેટલાક દિવસથી આ ત્રણ શબ્દો ચર્ચામાં છે.

દિલ્હીનો નિઝામુદ્દીન વિસ્તાર કોરોના વાઇરસના ફેલાવાના આ કપરા કાળમાં ચર્ચાનો વિષય બન્યો છે.

માર્ચ મહિનામાં આ વિસ્તારમાં આવેલા તબલીગ જમાતના મરકઝમાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી પણ લોકો અહીં આવ્યા હતા.

અહીં આ આયોજનની વાત નવી નથી. પણ આ આયોજન ત્યારે કરવામાં આવ્યું જ્યારે આખા દેશમાં કોરોના વાઇરસને લઈને હાહાકાર મચી ગયો છે.

line
કોરોના વાઇરસ
line

આ થઈ એક પક્ષની વાત. બીજા પક્ષ એટલે કે તબલીગ જમાતનું કહેવું છે કે જનતા કર્ફ્યુના એલાન સમયે જ તેમણે આ ધાર્મિક કાર્યક્રમ રોકી દીધો હતો. સંપૂર્ણ લૉકડાઉનની ઘોષણાને કારણે ઘણા લોકો પાછા નથી જઈ શક્યા.

એક જગ્યા પર જ આટલા બધા લોકો જમા થયાની જાણ થતાં પોલીસે અહીં તપાસ કરી અને તેમને બહાર કાઢ્યા હતા.

આ તમામને કોરોના વાઇરસની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 24 લોકોના ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.

આ પછી ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત કેસની સંખ્યામાં અચાનક જ વધારો નોંધાયો હતો.

line

તબલીગી જમાતની ચર્ચા અચાનક કેમ?

માસ્ક પહેરેલા લોકો

ઇમેજ સ્રોત, GETTY

ઇમેજ કૅપ્શન, માસ્ક પહેરેલા લોકો

તબલીગી જમાતનો જન્મ ભારતમાં 1926-27માં થયો. મૌલાના મુહમ્મદ ઇલિયાસ નામના એક ઇસ્લામી સ્કૉલરે તેનો પાયો નાખ્યો હતો.

પરંપરા મુજબ મૌલાના મુહમ્મદ ઇલિયાસે પોતાના કામની શરૂઆત દિલ્લીથી નજીક આવેલા મેવાતમાં લોકોને ધર્મનું શિક્ષણ આપવાથી કરી હતી. બાદમાં તેનો વિસ્તાર થતો રહ્યો.

તબલીગી જમાતની પહેલી મિટિંગ ભારતમાં 1941માં મળી હતી, જેમાં 25,000 લોકોએ ભાગ લીધો હતો.

1940ના દસકામાં જમાતનું કામકાજ અવિભાજિત ભારત સુધી સીમિત હતું. પછીથી તેની શાખાઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી વિસ્તરી હતી.

જમાતના કામનો ફેલાવો ઝડપથી ફેલાયો અને આ આંદોલન આખી દુનિયામાં વિસ્તર્યું.

તબલીગી જમાતનો સૌથી ભવ્ય કાર્યક્રમ દર વર્ષે બાંગ્લાદેશમાં થાય છે. પાકિસ્તાનના રાયવિંડમાં પણ વાર્ષિક આયોજન થાય છે. દુનિયાભરના લાખો મુસ્લિમો તેમાં ભાગ લેતા હોય છે.

મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા ઝફર સરેશવાલા વર્ષોથી આ જમાત સાથે સંકળાયેલા છે.

તેમના કહેવા મુજબ વિશ્વના મુસ્લિમોની આ સૌથી મોટી સંસ્થા છે. તેનાં 140 દેશોમાં સેન્ટર છે.

ભારતનાં દરેક મોટાં શહેરમાં તેના મરકઝ એટલે કે કેન્દ્રો છે. આ મરકઝોમાં આખું વર્ષ ઈજ્તેમા (ધાર્મિક શિક્ષણ માટે લોકોનું ભેગા થવું) ચાલતા હોય છે, જેમાં લોકો આવતાં-જતાં રહે છે.

તબલીગી જમાતનો શાબ્દિક અર્થ એવો થાય કે આસ્થા અમને વિશ્વાસને લોકોમાં ફેલાવતો સમૂહ. ખાસ કરીને આયોજનો, પોશાક અને વ્યક્તિગત વ્યવહાર માટે.

line

ક્યાં સુધી ફેલાયેલી છે તબલીગી જમાત?

તબલીગી જમાતા

ઇમેજ સ્રોત, GETTY

સ્થાપના પછી તબલીગી જમાતનો ફેલાવો થતો રહ્યો. તેનો પ્રચાર મેવાતથી બીજા પ્રાંતો સુધી થયો.

હાલમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ ઉપરાંત અમેરિકા અને બ્રિટનમાં પણ તેનું સંચાલન થઈ રહ્યું છે.

તે સિવાય, ઇન્ડોનેશિયા, મલેશિયા અમને સિંગાપુરમાં પણ તે કાર્યરત છે.

તબલીગી જમાત છ આદર્શો પર ટકેલી છે.

  • કલમા- કલમાનું પઠન
  • સલાત – પાંચ વાર નમાઝ અદા કરવી
  • ઇલ્મ- ઇસ્લામી શિક્ષણ
  • ઇકરામ-એ-મુસ્લિમ- મુસ્લિમ ભાઈઓનું સન્માન કરવું
  • ઇખલાસ-એ-નિય્યત- ઇમાનદાર ઇરાદા
  • દાવત-ઓ-તબલીગ- પ્રચાર કરવો
line

જમાતનું આયોજન કઈ રીતે થાય છે?

તબલીગી જમાતા

ઇમેજ સ્રોત, GETTY

જમાતનું કામ સવારથી જ શરૂ થઈ જાય છે.

સવાર પડતાં જ જમાતને નાનાં-નાનાં જૂથોમાં વહેંચી દેવામાં આવે છે. દરેક જૂથમાં આઠ-દસ લોકો હોય છે. આ લોકોની પસંદગી જમાતની સૌથી વરિષ્ઠ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હોય છે.

આ પછી દરેક જૂથને તેમની નિર્ધારિત જગ્યાએ જવા માટે આદેશ આપવામાં આવે છે.

આ જૂથના દરેક સભ્યે આ કામ માટે કેટલા પૈસા આપ્યા છે તેના આધારે તે જૂથમાં મોકલવાની જગ્યા નક્કી થતી હોય છે.

આ પછી સાંજના સમયે જે નવા લોકો જમાતમાં જોડાય તેમના માટે ઇસ્લામ પર ચર્ચા થાય છે.

અંતે સૂરજ ડૂબ્યા પછી કુરાન વાંચવામાં આવે છે અને મોહમ્મદ સાહેબના આદર્શો કહેવામાં આવે છે.

અન્ય સંસ્થાઓની જેમ અહીં કોઈ લેખિતમાં નિયમો હોતા નથી, પણ એક સિસ્ટમનું પાલન જરૂર કરવામાં આવે છે.

જ્યાં જમાતના વડીલોને અગ્રિમતા આપવામાં આવે છે, પણ સામાન્ય રીતે ખાસ નિર્ણયો ‘અમીરો’ દ્વારા લેવાતા હોય છે.

line

બે દિવસ પહેલાં પાકિસ્તાનમાં પણ થયો હતો જમાતનો વિરોધ

તબલીગી જમાતા

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના સિંધ પ્રાંતના એક ઐતિહાસિક શહેર થટ્ટામાં આવેલા કોરોના કંટ્રોલ રૂમમાં બે દિવસ પહેલાં એક કૉલ આવ્યો હતો.

આ ફોન-કૉલમાં ફરિયાદ કરવામાં આવી હતી કે મુહમ્મદ ખાન સુમરો ગામમાં તબલીગી જમાતનું ટોળું છે, જેથી ત્યાંના લોકોને ચિંતા થઈ રહી છે.

આ ફરિયાદ કેન્દ્રીય બાજોરા પરિષદના ચૅરમૅન હસન સુમરોએ કરી હતી.

સુમરોએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "લોકો કોરોના વાઇરસના ફેલાવાથી ભયમાં છે. જ્યારે મીડિયામાં જોયું કે રાયવિંડમાં થયેલા વાર્ષિક ધાર્મિક આયોજનમાં ભાગ લેનારા લોકોમાં કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે આ ડર ખૂબ વધી ગયો હતો. જેના કારણે મેં ફરિયાદ કરી હતી."

પછીથી જ્યારે આ લોકોની ચકાસણી કરવામાં આવી ત્યારે સિંધ હેલ્થ ડિપાર્ટમેન્ટે કન્ફર્મ કર્યું કે રાયવિંડમાં થયેલા મેળાવડામાંથી પાછા આવેલા ચાર લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.

રાયવિંડમાં 10-12 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય જલસાનું આયોજન થયું હતું, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો અને વિદેશી લોકો આવ્યા હતા.

સિંધનો થટ્ટા એકમાત્ર એવો જિલ્લો નથી જ્યાં તબલીગી જમાતના લોકોએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

લરકાના જિલ્લાના સૈહર કસ્બાની મસ્જિદમાં પણ તબલીગી જમાતના લોકોની ઉપસ્થિતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ તેની ફરિયાદ કરી હતી.

line

જમાતની ગતિવિધિઓ પર રોકની માગ

તબલીગી જમાતા

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ ડેવલપમૅન્ટ પર કામ કરી રહેલી એક વૈશ્વિક સંગઠન સાથે જોડાયેલા મસૂદ લોહારે ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે તબલીગી જમાત પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો કોરોના વાઇરસ આખા દેશમાં ફેલાઈ જશે, જેનું સમર્થન ઘણા લોકોએ કર્યું છે.

પછી પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના સૅનેટર સસ્સી પલેજુએ પણ તબલીગી જમાત લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી હતી.

ભારતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં દિલ્હી સરકારે કોઈ પણ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય મેળાવડાઓ પર 31 માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો.

વિરોધપ્રદર્શનોમાં પણ 50થી વધારે લોકોએ ભેગા ન થવાની સૂચના આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના ફેલાવાને કાબૂમાં લેવા 25 માર્ચથી 21 દિવસના લૉકડાઉનની ઘોષણા કરી છે.

લૉકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકો પર પોલીસ કાર્યવાહી કરી રહી છે.

આવા સમયે માર્ચ મહિનામાં થયેલા જમાતના આ કાર્યક્રમના કારણે લોકોમાં ડર વધી રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં થયેલા આયોજનથી દેશનાં અન્ય 20 રાજ્યોમાં કોરોના વાઇરસનો ખતરો વધી ગયો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો