કોરોના વાઇરસ : એ શહેર જ્યાં રસ્તા પર લોકો મરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માતિયાસ ઝુબેલ
- પદ, બીબીસી મુંડો
લૅટિન અમેરિકન દેશ ઇક્વાડોરના ગ્વાયાકિલ શહેરમાં કોરોના વાઇરસના ચેપને લીધે લોકો હૉસ્પિટલમાં નહીં, રસ્તાઓ પર મરી રહ્યા છે.
અહીં મૃતદેહ લઈ જવા માટે કેટલાય દિવસો સુધી રાહ જોવી પડી રહી છે.
ઇક્વાડોરના ગ્વાયસ રાજ્યમાં એક એપ્રિલ સુધી 60 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 1937 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો.
જોકે, બીજી એપ્રિલે ઇક્વાડોરમાં મૃતકાંક 98 થઈ ગયો હતો અને કુલ 2758 લોકોને ચેપ લાગ્યો હતો.
લૅટિન અમેરિકાના દેશોમાં સંક્રમિત લોકોનો આ સૌથી મોટો આંકડો છે.
ગ્વાયાક્વિલ, ગ્વાયસ પ્રાન્તનું પાટનગર છે. ઇક્વાડોરમાં કોરોના સંક્રમણના કુલ કેસમાંથી 70 ટકા કેસ અહીંના જ છે. પ્રતિ વ્યક્તિ સરેરાશના હિસાબથી આ દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંનું એક છે.
આ આંકડામાં એવા કેસો સામેલ નથી, જેમનું વાઇરસના ચેપને લીધે મૃત્યુ તો થયું છે પણ એમનો ટેસ્ટ ન કરાયો હોવાથી ચેપની પુષ્ટિ કરી શકાઈ નથી.


- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
અંતિમસંસ્કાર માટે સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Reuters
લૅટિન અમેરિકામાં બ્રાઝીલ અને ચીલી પછી ઇક્વાડોર ત્રીજો દેશ છે, જ્યાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. અહીં મરણનો દર બ્રાઝીલ અને ચીલી કરતાં પણ વધારે છે.
ગ્વાયાક્વિલમાં અંતિમસંસ્કાર કરનારાં ઘરો માટે પરિસ્થિતિ બહુ કપરી છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે રાષ્ટ્રપતિ લેનિન મોરેનોએ મૃતદેહ લાવીને અંતિમસંસ્કાર કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ બનાવી છે.
રાજધાનીથી દક્ષિણમાં 600 કિલોમિટર દૂર ક્વેટો શહેરનાં રહેવાસી જૅસિકા કૅસ્ટાનેડા કહે છે, "28 માર્ચે મારા કાકાનું મૃત્યુ થયું પરંતુ હજી સુધી કોઈ અમારી મદદ માટે નથી આવ્યું."
તેઓ કહે છે, "હૉસ્પિટલ પાસે બૅડ નથી. તેમનું ઘરમાં જ મૃત્યુ થઈ ગયું. અમે ઇમર્જન્સી સર્વિસને કૉલ કર્યો તો તેમણે કહ્યું કે ધીરજ રાખો. તેમનો મૃતદેહ હજુ પણ એ જ બૅડ પર પડ્યો છે, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. અમે તેમના દેહને અડ્યા પણ નથી."
એવું નથી કે માત્ર કોરોના સંક્રમણથી મરનાર લોકોને જ ઇમર્જન્સી સેવા નથી મળી રહી, અહીં બીજા કારણોસર મૃત્યુ પામનારા લોકોને પણ મદદ નથી મળી રહી.
ગ્વાયાક્વિલના ઉત્તરમાં રહેતાં વૅન્ડી નોબોઆ કહે છે, "મારો પાડોશી નીચે પડી ગયો ત્યારે મેં ઇમર્જન્સી સર્વિસ માટે ફોન કર્યો પણ કોઈ મદદ ન આવી ."
તેમના પાડોશી ગોર્કી પાજમિનોનું 29 માર્ચના રોજ મૃત્યુ થયું હતું.
તેઓ કહે છે, "તેમના પરિવારજનો આવ્યા ત્યાં સુધી તેમનો દેહ ફર્શ પર પડ્યો રહ્યો. તેમના અંતિમસંસ્કાર હજુ પણ નથી કરી શકાયા કેમ કે તેમના મરણના દાખલા પર સહીં કરવા માટે કોઈ ડૉક્ટર નથી."

રસ્તા પર મરતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર સ્થાનિક લોકો રસ્તા પર મરી રહેલા દર્દીઓ અંગે લખી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવા વીડિયો પણ શૅર કરવામાં આવી રહ્યા છે, જેમાં દેખાય છે કે હૉસ્પિટલની બહાર વ્યક્તિ પડીને મરી ગઈ કે પછી મૃતદેહ ઉપાડવા માટે કોઈ નથી આવી રહ્યું.
આ મામલે વિરોધપ્રદર્શનો પણ થઈ રહ્યાં છે. જોકે, બીબીસી આવા ફૂટેજની પુષ્ટિ નથી કરી શકતું.
ગ્વાયાક્વિલના અખબાર 'તેલગરાફો'નાં પત્રકાર જૅસિકા જૅમ્બ્રાનો કહે છે, "મારો પાર્ટનર પાસેની દુકાન પર સામાન લેવા ગયો હતો ત્યારે તેણે રસ્તા પર એક મૃતદેહ જોયો હતો. અમને જાણ થઈ કે થોડાક અંતર પર બીજો મૃતદેહ પડ્યો છે."
ઘરમાં જેમનાં મૃત્યુ થઈ રહ્યાં છે, તેમની સંખ્યા વધારે છે. તેમની સંભાળ લેવા માટે સરકાર પાસે પૂરતી સુવિધા નથી.
હૉસ્પિટલમાં પહેલાંથી જ ભીડ છે અને વધારે દર્દીઓને દાખલ કરાવી શકાતા નથી.

72 કલાક સુધી મૃતદેહોને રાહ જોવી પડે છે

ઇમેજ સ્રોત, Getty Images
એક અન્ય અખબાર 'ઍક્સપ્રેસો'ના સ્થાનિક પત્રકાર બલૅંકા મોનકાડો કહે છે, "ગ્વાયાક્વિલમાં લોકો હતાશ થઈ રહ્યા છે. મૃતદેહને લઈ જવા માટે સરકારી મદદ માટે 72 કલાક સુધી રાહ જોવી પડે છે."
સમાચાર એજન્સી ઈએફઈ પ્રમાણે માર્ચના આખરી અઠવાડિયામાં અલગ-અલગ કારણોસર 300 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આમાંથી કેટલાક મૃતદેહોને પોલીસ અંતિમસંસ્કાર માટે લઈ ગઈ હતી પરંતુ હજી એ યાદીમાંના 115 મૃતદેહો ઘરોમાં પડ્યા છે.
દરરોજ 15 કલાકના કર્ફ્યુને લીધે આ કામ વધારે મુશ્કેલ બનતું જાય છે.
આર્મી કમાન્ડર ડાર્વિન જૅરિનને હાલમાં જ ગ્વાયસ પ્રાન્તના આર્મી અને પોલીસ કો-ઑર્ડિનેટર બનાવવામાં આવ્યા છે.
તેમણે બીબીસીને કહ્યું કે તમામ મૃતદેહોને અઠવાડિયાના આખર સુધી દફન કરી દેવામાં આવશે.
તેમણે કહ્યું, "અંતિમસંસ્કારની જવાબદાર સેનાની છે."
મરણાંક વધતાં સરકારની મુશ્કેલી પણ વધી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે આમાં રાજકીય વિવાદ પણ ઊભો થયો છે.
ગ્વાયાક્વિલનાં મૅયર સિંટિઆ વિટેરી પબ્લિક હૅલ્થ સિસ્ટમની નિષ્ફળતા માટે કેન્દ્ર સરકારને દોષી ઠેરવે છે. તેઓ કોરોના પૉઝિટિવ હોવાને કારણે સૅલ્ફ આઇસોલેશમાં છે.

સામૂહિક અંતિમવિધિને લઈને વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
લૅટિન અમેરિકામાં પ્રથમ કોરોના પૉઝિટિવ કેસ ઇક્વાડોરમાં ફેબ્રુઆરીના આખરમાં નોંધાયો હતો. સરકારે ગંભીરતાને સમજીને યોગ્ય પગલાં લેવાનાં હતાં.
જુઆન કાર્લોસ જેવાલૉસે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "જે થઈ રહ્યું છે તેને નકારી ન શકાય. પરિસ્થિતિ ગંભીર છે. પરંતુ દક્ષિણ અમેરિકામાં અમે સૌથી પહેલાં કડક પગલાં લીધાં હતાં."
તેઓ સરકારની ટીકા સાથે સહમત નથી.
ગ્વાયસ રાજ્યના સ્થાનિક તંત્રે સમસ્યાના ઉકેલ માટે સામૂહિક અંતિમવિધિનો પ્રસ્તાવ પણ આપ્યો પરંતુ તેણે પ્રસ્તાવ જલદી પાછો લેવો પડ્યો હતો.
ગ્વાયાક્વિલે સમાજશાસ્ત્રી હૅક્ટર સિરીબોગાએ બીબીસીને કહ્યું, "આ ભયાનક વિચાર છે. આ એવું શહેર છે જ્યાં લોકો અંતિમવિધિ માટે પરિવારજનો અને યુરોપના સંબંધીઓના આવવાની રાહ જુએ છે."
"છેલ્લા બે દાયકામાં ઇક્વાડોરથી મોટી સંખ્યામાં લોકો યુરોપ ગયા છે. અહીં અંતિમવિધિ પહેલાં મૃતદેહોને સજાવવામાં આવે છે."
તેઓ કહે છે કે સામૂહિકવિધિ કરવાનો વિચાર અહીંના રૂઢીવાદી સમાજને ઠેસ પહોંચાડશે. ખાસ કરીને કૅથોલિક માટે જેમને મૃત્યુસમયના રિવાજ કરવા નહીં દેવામાં આવે.

કબ્રસ્તાનમાં ડર

ઇમેજ સ્રોત, Getty Images
એટલું જ નહીં કબ્રસ્તાનનું તંત્ર પણ કોરોના વાઇરસના સંક્રમણના ડરથી મૃતદેહોને દફન કરવાથી ડરી રહ્યું છે.
આ અંગે વાત કરતાં ઇક્વાડોરના પબ્કિલ હૅલ્થ સોસાયટીનાં ડૉક્ટર ગ્રૅસ નેવારેટે કહે છે, "ચારો તરફ અફરા-તફરી છે. તેમને લાગે છે કે ગ્વાયાક્વિલમાં જેમનું મૃત્યુ થયું છે, તે કોરોના વાઇરસને કારણે થયું છે. તેમના પરિવારજનો પણ ડરેલા છે."
તેઓ કહે છે, "ઘરમાં આ ભય છે. કોઈનું મૃત્યુ થાય તો આ ભયને કારણે લોકો મૃતદેહનો સ્પર્શ કરતા પણ ડરે છે. ગ્વાયાક્વિલનું તાપમાન વધારે છે એટલે મૃતદેહો જલદી ખરાબ પણ થઈ રહ્યા છે."
જાહેર આરોગ્ય વિશેષજ્ઞ અર્નેસ્ટો ટૉરેસનું માનવું છે કે સામુદાયિક સ્તરે આ મહામારીથી લડવું જોઈએ.
તેઓ કહે છે, "જો આપણે સમાજના લોકોને વિશ્વાસમાં લઈને આમાં સામેલ કરીએ તો હૉસ્પિટલમાં ભીડ પર નિયંત્રણ કરી શકીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














