કોરોના વાઇરસ : દુનિયાને કેટલાં વર્ષો લાગશે મહામારીથી છુટકારો મેળવતાં?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શૂ પિંગ ચૈન
    • પદ, બીબીસી ન્યૂઝ

ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેટિવ ઍન્ડ ડેવલપમૅન્ટ (ઓઈસીડી)એ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીમાંથી બહાર નીકળતાં વિશ્વને વર્ષો લાગશે.

ઓઈસીડીના મહાસચિવ ઍન્કેલ ગુરિયાએ કહ્યું કે કોરોનાને કારણે લાગી રહ્યું છે કે આર્થિક ઝટકો કોઈ નાણાકીય સંકટથી વધુ ગંભીર છે.

તેઓએ બીબીસીને કહ્યું કે એ માનવું સપના સમાન હશે કે વિશ્વ આ સ્થિતિમાં જલદી બહાર આવી જશે.

ઓઈસીડીએ બધા દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના ખર્ચ વધારે, જેથી વધુમાં વધુ લોકોની ચકાસણી અને દર્દીઓના ઇલાજમાં જલદી થઈ શકે.

ઍન્કેલ ગુરિયાએ હાલમાં જ કહ્યું હતું કે કોરોનાએ મહામારીનું રૂપ લીધું છે તો વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે, પણ હવે તે વધુ લાગી રહ્યો છે.

તેઓએ કહ્યું કે આ કારણે કેટલી નોકરી ખતમ થઈ જશે અને કેટલી કંપનીઓ બંધ થઈ જશે એ વિશે ચોક્કસ કશું કહી ન શકાય, પરંતુ આવનારા દિવસોમાં આને કારણે અર્થવ્યવસ્થાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

તેમનું કહેવું હતું કે આવનારા મહિનાઓમાં દુનિયાના મોટા મોટા દેશોએ મંદીનો સામનો કરવી પડી શકે તેમ છે.એટલે કે સતત બે ત્રિમાસિક સુધી અર્થવ્યવસ્થામાં ઘટાડો ચાલુ રહેશે.

તેઓએ કહ્યું, "આખા વિશ્વમાં નહીં તો વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓમાં- ખાસ કરીને મોટી અર્થવ્યવસ્થાઓમાં વિકાસદરમાં કોઈ વધારો નહીં થાય અથવા તો ઘટાડો નોંધાશે. એને અર્થ એ કે ન માત્ર વિશ્વનો વિકાસદર ઓછા થશે, પરંતુ ભવિષ્યમાં પાટા પર ચડતાં લાંબો સમય લાગશે."

line
કોરોના વાઇરસ
line

મોટો ઝટકો

ઓઈસીડીના મહાસચિવ ઍન્કેલ ગુરિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓઈસીડીના મહાસચિવ ઍન્કેલ ગુરિયા

ઍન્કેલ ગુરિયાએ કહ્યું કે આર્થિક મામલાઓમાં કોરોનાનો કેર, 2008માં આવેલી મંદી અને 9/11ના ચરમપંથી હુમલાથી વધુ હોઈ શકે છે.

તેઓએ કહ્યું, "અમને નથી ખબર કે તેના કારણે પેદા થયેલી બેરોજગારીની સમસ્યાને નિવારવામાં કેટલો સમય લાગશે, કેમ કે અમને નથી ખબર કે તેના કારણે કેટલા લોકો બેરોજગાર થવાના છે.""અમને એ પણ ખબર નથી કે તેને કારણે કેટલા ધંધા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને બંધ થવાની અણી પર છે. અને આવામાં સ્થિતિ સામાન્ય થતા કેટલો સમય લાગશે."

કોરોના મહામારી સામે લડવાની કોશિશમાં આખી દુનિયામાં સરકારો પોતાના વ્યવસાય અને કર્મચારીઓની મદદ માટે અભૂતપૂર્વ પગલાં લઈ રહી છે.

યુકેમાં પૉલિસીમૅકર્સે કહ્યું કે જે લોકો કોરોના વાઇરસની મહામારીને કારણે કામ નથી કરી શકતા તેમનો પગાર નહીં કપાય.

ગુરિયાએ સરકારોને અપીલ કરી છે કે તેઓ આ સંકટ સામે લડવા માટે શક્ય એટલો વધુ ખર્ચ કરે અને જરૂર પડ્યે બધાં સંસાધનોનો ઉપયોગ કરે.

જોકે તેઓએ ચેતવણી આપી છે કે આવનારાં વર્ષોમાં તેને કારણે રાજ્યસંપત્તિને મોટી ખોટ પડી શકે છે અને સરકારોને દેવાં પણ વધી શકે છે.

line

તરત રાહત નહીં મળે

ઘરે જતો પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિજરતી શ્રમિક પરિવાર

ગુરિયાએ કહ્યું કે અઠવાડિયા અગાઉ જી-20 દેશોના સમૂહમાં સામેલ ધનિક દેશોના પૉલિસીમૅકર્સે કહ્યું હતું કે તેમને વિશ્વાસ હતો કે કોરોનાને કારણે થયેલા નુકસાનની ભરપાઈનો ગ્રાફ 'વી શૅપમાં' થઈ શકે છે. એટલે કે પહેલાં આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી ઘટાડો થશે અને બાદમાં ઝડપથી સ્થિતિ સુધરશે.

તેઓએ કહ્યું, "વી શૅપની વાતથી હું પૂર્ણ રીતે સહમત નથી. હાલમાં આપણે જાણીએ છીએ કે તેનું નિવારણ 'વી શૅપ' ગ્રાફમાં આવી શકે તેમ નથી. આ કદાચ 'યુ શૅપ'માં થશે, જેમાં કોરોનાને કારણે પેદા થયેલી પરિસ્થિતિ સામે લડવા માટે લાંબા સમય સુધી કોશિશ કરવી પડશે.""બાદમાં તેના નિવારણની શરૂઆત થશે. આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશું ત્યારે જ આ સ્થિતિમાં બચી શકીશું."

ઓઈડીસીને વર્તમાન પરિસ્થિતિ સામે લડવા માટે ચાર સ્તરે કોશિશ કરવાની વાત કરી છે, જેમાં (1) વાઇરસ માટે મફત ટેસ્ટ (2) ડૉક્ટરો, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ માટે ઉત્તમ ઉપકરણ અને સાધનો (3) કર્મચારીઓ અને કામ ન કરી શકતા લોકોને કૅશ ટ્રાન્સફર અને (4) ટૅક્સ ભરી ન શકનાર કંપનીને રાહત આપવી.ગુરિયાએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં કદાચ માર્શલ પ્લાન જેવું કશુંક લાગુ કરવાની જરૂર પડે, જેનાથી બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપને પુનર્નિર્માણ માટે મદદ મળી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો