અમેરિકા-તાલિબાનની આ દોસ્તીના ખેલમાં ભારત અને પાકિસ્તાન ક્યાં?

    • લેેખક, માનસી દાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકા અને અફઘાનિસ્તાનના ચરમપંથી ઇસ્લામિક સંગઠન તાલિબાન વચ્ચે મહત્ત્વની શાંતિસંધિ થઈ છે અને માનવામાં આવે છે કે હવે અફઘાનિસ્તાનમાં દસકાઓથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થશે.

હવે જો અફઘાન તાલિબાન સમજૂતીની શરતોનું પાલન કરશે તો અમેરિકા અફઘાનિસ્તાનમાં હાજર તેના પાંચ હજાર સૈનિકોને તરત અને બાકીના 13 હજાર સૈનિકોને આવતા વર્ષે એપ્રિલ સુધીમાં પાછા બોલાવી લેશે.

સમજૂતીની શરત મુજબ તાલિબાને પોતાના કબજાવાળા વિસ્તારમાં કોઈ અન્ય ચરમપંથી સમૂહોને ઊભા નથી થવા દેવાના અને અફઘાન સરકાર સાથે સંવાદ પણ આગળ વધારવાનો છે.

અફઘાનિસ્તાન દસકાઓથી સતત હિંસાગ્રસ્ત રહ્યું છે. આશરે 4 દાયકા અગાઉ જ્યારે અફઘાનિસ્તાન પર સોવિયત હુમલો થયો ત્યારે લડવા માટે આગળ આવેલા લોકોને અફઘાન મુજાહીદ્દિન કહેવામાં આવ્યા. તેમને અમેરિકા અને પાકિસ્તાનનું સમર્થન હતું.

સોવિયેત સેના પાછી ફરી એ પછી ત્યાં જે અસ્થિરતા ઊભી થઈ એ સમયમાં 90ના દાયકામાં તાલિબાનનો એક શક્તિશાળી સંગઠન તરીકે ઉદય થયો.

અમેરિકા પર 9/11ના રોજ જે ઉગ્રવાદી હુમલો થયો તે પછી અમેરિકાએ 2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે હુમલાઓ શરૂ કર્યા.

અહીં ફરી પાકિસ્તાને અમેરિકાને સાથ આપ્યો. આમ કર્યા પછી પાકિસ્તાન પણ તાલિબાનના નિશાના પર આવ્યું અને તેણે અનેક વર્ષો તાલિબાનના હુમલા સહન કર્યા.

2001માં અમેરિકાની આગેવાનીમાં થયેલા હુમલાઓને કારણે તાલિબાન સત્તાથી બેદખલ થઈ ગયું પરંતુ હવે ફરી એક વાર સંગઠનનો ઉદય થયો છે.

બે દસક સતત તાલિબાન સાથે યુદ્ધ પછી હવે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાએ તાલિબાન સાથે હાથ મિલાવી દીધા છે અને આ સંધિમાં મોટી ભૂમિકા પાકિસ્તાને ભજવી છે.

તાલિબાનના નિર્માણથી લઈને વિનાશ અને ફરી ઉદયથી લઈને અમેરિકા સાથેની શાંતિ સંમજૂતી સુધીની દસકાઓની સફરમાં પાકિસ્તાન સતત મોટી ભૂમિકામાં રહ્યું છે.

શાંતિ સંધિથી પાકિસ્તાનને શું લાભ?

પાકિસ્તાનમાં હાજર વરિષ્ઠ પત્રકાર રહીમુલ્લાહ યૂસફજઈ કહે છે કે પાકિસ્તાનને આનો ફાયદો તો થશે પરંતુ તરત નહીં થાય, વાર લાગશે.

તેઓ કહે છે કે, "પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં શાંતિ આવે એમ નથી ઇચ્છતું એવી એની છબિ બની ગઈ હતી. તેના પર તાલિબાનના સમર્થનનો આરોપ પણ લાગ્યો પંરતુ હવે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતીથી અનેક લોકો માને છે કે પાકિસ્તાને ખૂબ સારી રીતે મોટી ભૂમિકા ભજવી છે."

જોકે, પાકિસ્તાનનું એવું માનવું છે કે પાકિસ્તાની તાલિબાન, બલોચ અલગાવવાદી અને દાઇશ (ઇસ્લામિક સ્ટેટ) હજી પણ અફઘાનિસ્તાનમાં છે અને પાકિસ્તાન પર હુમલો કરવા માટે અફઘાન ધરતીનો ઉપયોગ કરે છે.

પાકિસ્તાન સ્થિત બીબીસી ઉર્દૂના સંવાદદાતા આસિફ ફારૂકી કહે છે કે પડોશમાં શાંતિ હોય એ બાબત પાકિસ્તાન માટે ખૂબ મહત્ત્વની છે.

તેઓ કહે છે કે, જો અફઘાનિસ્તાનમાં અમન હશે તો પાકિસ્તાન તેની દક્ષિણ સીમાને લઈને સુરક્ષિત હોવાનો અહેસાસ કરી શકશે.

તેઓ કહે છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં હોય તો પાકિસ્તાન નિકટતા વધી જાય છે. સાથે આની અસર પાકિસ્તાનમાં સક્રિય ચરમપંથી સમૂહો ઉપર પણ પડશે અને એમની સામે અફઘાનિસ્તાનનું ઉદાહરણ પણ આપવામાં આવશે.

શું આ ભારત માટે આ એક ઝટકો છે?

આસિફ ફારૂકી કહે છે પાકિસ્તાનને લાગતું હતું કે ભારતની નિકટતા અફઘાનિસ્તાન સાથે વધી રહી છે અને તેની સાથે અંતર વધી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ભારતની અનેક ખૂફિયા સંસ્થાઓ સક્રિય હોવા અંગે અનેક વાર પાકિસ્તાને ફરિયાદ પણ કરી છે.

રહીમુલ્લાહ યૂસફજઈ રહે છે કે, ભારત અફઘાનિસ્તાનની વધારે નજીક છે અને તે વાતે પાકિસ્તાનની ચિંતા વધે છે.

તેઓ કહે છે કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે અને એથી જ અફઘાનિસ્તાન મામલે તેઓ એકમેકના વિરોધમાં રહે છે."

"જ્યારે પાકિસ્તાને અફઘાન મુજાહીદ્દિનનો સાથ આપ્યો ત્યારે ભારતે એ વખતની સોવિયેતની કૉમ્યુનિસ્ટ સરકારનો સાથ આપ્યો. જ્યારે પાકિસ્તાન અફઘાન તાલિબાનને સાથ આપ્યો તો ભારતે વિદેશી સેનાઓને સાથ આપ્યો.

"આવા વલણનું કારણ બેઉ દેશો વચ્ચે વણસેલા સંબંધો છે. મને લાગે છે કે અમેરિકા અને તાલિબાન વચ્ચે પાકિસ્તાનની મદદથી સમજૂતી થઈ રહી છે એ વાત ભારત પરેશાન તો થશે."

"આ સમજૂતી પછી રાજકીય રીતે તાલિબાન સરકાર પરત સત્તામાં આવે એમ પણ બની શકે છે. ભારતને ચિંતા થઈ શકે છે, કેમ કે જે પણ નવી સરકાર બનશે તે પાકિસ્તાનની વધારે નિકટ હશે."

પાકિસ્તાન ખરેખર ફાયદામાં છે?

આસિફ ફારૂકી કહે છે કે પાકિસ્તાનથી જે સામાન અફઘાનિસ્તાન થઈને આગળ મોકલવામાં આવતો હતો તેની સુરક્ષા માટે તાલિબાન બન્યું હતું.

તેઓ કહે છે કે, "હવે આ વાત દસ્તાવેજ પર છે કે પાકિસ્તાને એમાં રોકાણ પણ કર્યું હતું પરંતુ પાછળથી સ્થિતિ વણસી અને બેઉ દેશોના સંબંધો બગડ્યા. રણનીતિની રીતે અફઘાનિસ્તાન પાસે હોવાનો પાકિસ્તાનને ફાયદો પણ થયો છે અને નુકસાન પણ થયું છે."

એક તરફ તાલિબાનના ઉદયમાં અને ફરી એને નષ્ટ કરવામાં પાકિસ્તાન અમેરિકાની પડખે રહ્યું તો બીજી તરફ આને કારણે પાકિસ્તાનમાં હજારો લોકો મોતને ભેટ્યા.

રહીમુલ્લાહ કહે છે કે, "અફઘાન તાલિબાન સામે પાકિસ્તાનની આર્થિક મદદ અમેરિકાએ કરી, કેમ કે તે સોવિયત સંઘનો વિસ્તાર રોકવા માગતુ હતું અને પાકિસ્તાને તેનો સાથ આપ્યો."

"પછી દબાણમાં આવીને એને તાલિબાન સાથે સંબંધો તોડવા પડ્યા. આ આખી પ્રક્રિયામાં પાકિસ્તાનને જેટલો આર્થિક લાભ થયો તેના પ્રમાણમાં હાનિ વધારે થઈ. જાનમાલનું નુકસાન તો થયું જ પણ એની સાથે એ પોતે ચરમપંથનો શિકાર બની ગયું.

રહીમુલ્લાહ કહે છે કે, "અફઘાનિસ્તાનની સ્થિતિ પાકિસ્તાન માટે બહુ સારી છે એમ ન કહી શકાય કેમ કે ત્યાં ઘણા લોકો પાકિસ્તાનની સામે છે."

જોકે તેઓ માને છે કે, હજી અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે સંવાદ થવાનો છે અને શાંતિ સમજૂતી ફક્ત એક શરૂઆત છે.

પરંતુ આ એક પોતે એક મોટી સફળતા પણ છે કેમ કે 18 મહિનાની કોશિશ પછી અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. તમે કહી શકો કે ઇબ્તદા થઈ ગઈ છે પણ અંજામ હજી બાકી છે.

અફઘાનિસ્તાનમાં હિંસા પર એક નજર

1979 - સોવિયત સંઘની સેનાનો હુમલો અને એ પછી ત્યાં કૉમ્યુનિસ્ટ સરકાર બની. એ પછી ત્યાં જે હિંસા થઈ એમાં 10 લાખ લોકોનાં મૃત્યુ થયાં.

1989 - સોવિયેત સંઘની આખરી ટુકડીએ અફઘાનિસ્તાન છોડયું. આ પછી અમેરિકા અને પાકિસ્તાનનું સમર્થન ધરાવનારા લડવૈયાઓએ સોવિયેત સંઘની મદદથી બનેલી રાષ્ટ્રપતિ નજીબુલ્લાહની સરકાર ઉથલાવી દીધી. નજીબુલ્લાહને કાબુલ સ્થિત સંયુક્ત રાષ્ટ્રના પરિસરમાંથી ઢસેડીને લઈ જવાયા અને મારીને લટકાવી દેવામાં આવ્યા. આ પછી દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ.

1994- આ ગૃહયુદ્ધમાંથી જ તાલિબાન નામના કટ્ટરવાદી સંગઠનનો જન્મ થયો. તેણે પહેલાં ઉત્તર પાકિસ્તાન અને દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પગપેસારો કર્યો.

1996 - તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો અને ત્યાં કટ્ટરપંથી ઇસ્લામિક કાનૂન લાગુ કર્યો. આમાં વધારે એ લોકો સામેલ હતા જેઓ સોવિયેત-અફઘાન યુદ્ધનો હિસ્સો રહી ચૂક્યા હતા.

2001 - અમેરિકા પર 9/11 હુમલા માટે એણે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને જવાબદાર ઠેરવી. એ પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય હસ્તક્ષેપ કર્યો અને કાબુલને તાલિબાનના કબજામાંથી મુક્ત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ હમીદ કરઝાઈની અસ્થાયી સરકાર બની.

2002 - અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની જવાબદારી નાટોએ લીધી. નાટો સેનાની સાથે અમેરિકન સેનાએ પણ અફઘાનિસ્તાનમાં મથકો બનાવ્યા.

2004 - કબીલાઈ નેતાઓની બેઠક યાને લોયા જિરગાએ નવા બંધારણ પર મહોર લગાવી મજબૂત સરકારનો માર્ગ કંડાર્યો અને હમીદ કરઝાઈને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.

2011 - લોયા જિરગાની અનેક બેઠકો થઈ જેનો તાલિબાને વિરોધ કર્યો. લોયા જિરગામાં ભાગ લેનાર પર હુમલા કરવાની ધમકી પણ તાલિબાને આપી.

2013 - અમેરિકન સેના અફઘાનિસ્તાન ન છોડે તે માટે લોયા જિરગાએ અમેરિકા સાથેની સુરક્ષા સમજૂતીનું સમર્થન કર્યું.

2014 - અશરફ ગની દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા. નાટોએ અધિકૃત રીતે અફઘાનિસ્તાનમાં તેનું અભિયાન પૂર્ણ કર્યું અને દેશની સુરક્ષાની જવાબદારી અફઘાન સેનાને આપી દીધી.

2018 - અફઘાન સરકાર અને અમેરિકાની સામે લડનાર તાલિબાન અને અમેરિકા તથા અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ પ્રક્રિયા શરૂ કરવાની વાત થઈ. એક જાહેર પત્રથી તાલિબાને શાંતિ વાર્તાની ઇચ્છા જાહેર કરી.

2019 - અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સલાહકારોને કહ્યુ કે તેઓ નવેમ્બર 2020ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલાં અમેરિકાના તમામ સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત બોલાવવા ઇચ્છે છે.

2020 - અમેરિકાએ કહ્યું કે તે આગામી 14 મહિનામાં પોતાના અને સહયોગી દેશોના સૈનિકોને પરત બોલાવી લેશે. અમેરિકા અને તાલિબાન વચ્ચે એક વિસ્તૃત શાંતિ સમજૂતી પર દસ્તખત થયા. હવે આનાથી અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે સંવાદનો માર્ગ ખૂલી ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો