અફઘાનિસ્તાનમાં જો તાલિબાન ફરી સત્તા પર આવશે તો ભારત પર શું અસર થશે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત હાલ ખોરવાઈ ગઈ છે પણ આ બદલાયેલા સમીકરણમાં ભારતનું શું સ્થાન છે?

ભારતે વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને મૂળભૂત સવલતો સુધારવામાં મદદ કરી છે પણ દોહામાં છેલ્લા એક વર્ષથી ચાલુ નવ રાઉન્ડની ચર્ચામાં ન અફઘાનિસ્તાન સરકાર સામેલ હતી, ન તો ભારતની સરકાર.

ભારતમાં ચિંતા છે કે જો ભવિષ્યમાં અફઘાનિસ્તાન સરકારમાં તાલિબાનની અસર રહી તો તેના માટે આ માઠા સમાચાર હશે.

તાલિબાનને પાકિસ્તાનની નજીક ગણવામાં આવે છે અને ભારત પાકિસ્તાનના સંબંધ જગ-જાહેર છે.

5 સપ્ટેમ્બરે કાબુલ પાસે અતિસુરક્ષિત ગ્રીન ઝોનમાં તાલિબાન દ્વારા કરવામાં આવેલ કાર બૉમ્બ બ્લાસ્ટમાં 12 લોકોનાં મૃત્યુ થયા હતા જેમાં અમેરિકન સૈનિક પણ હતા.

ત્યાર બાદ ટ્વીટ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે વાતચીત ખતમ કરવાની જાહેરાત કરી હતી.

આ ઘોષણા બાદ અફઘાનિસ્તાનમાં હિંસા વધી છે.

કાબુલના ગ્રીન ઝોનમાં કૂટનીતિની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ઇમારતો છે, જેમકે અફઘાનિસ્તાન સુરક્ષા સર્વિસ નેશનલ ડાયરેક્ટોરેટ ઑફ સિક્યોરિટીની ઑફિસ અને અમેરિકન દૂતાવાસ.

બંને પક્ષો વચ્ચે વાતચીત પછી ડ્રાફ્ટ સહમતી પત્ર પર સમજૂતી થઈ હતી.

અમેરિકન સેનાના પરત ફરવાની શરત સામે તાલિબાન એ વાત પર સહમત થયું હતું કે તેઓ એ સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ઉગ્રપંથી સંગઠન કોઈ અન્ય દેશ વિરુદ્ધ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ નહીં કરે.

અફઘાનિસ્તાનમાં અત્યારે પણ 14 હજાર અમેરિકન સૈનિકો હાજર છે. પણ હિંસાનું ચક્ર ફરી શરૂ થયું છે.

ભારતની ચિંતા

9-11 હુમલામાં અમેરિકામાં આશરે 3,000 લોકોનાં મૃત્યુ થયા હતા, જેમાં અમેરિકાએ ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ અલ કાયદાને જવાબદાર ઠેરવ્યું હતું.

ઓસામા બિન લાદેને ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન પાસે શરણ લીધું હતું.

અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો ને તાલિબાનને સત્તામાંથી બહાર કર્યું પરંતુ તાલિબાન પૂર્ણ રીતે પરાસ્ત નહોતું થયું અને ધીરે-ધીરે તેમણે મૂળિયા ફરીથી મજબૂત કર્યા હતાં.

ત્યારથી અમેરિકા અને તેના સહયોગી દેશ પ્રયત્ન કરી રહ્યા છે કે તેઓ તાલિબાની હુમલાઓ બંધ કરાવે પરંતુ તેઓ સફળ થઈ શક્યા નથી.

લાંબા સમયથી બહારના દેશોની અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલગીરી છે અને માનવામાં આવે છે કે અફઘાનિસ્તાનની આજની પરિસ્થિતિ માટે આ દખલગીરી જ જવાબદાર છે, ભલે તે સોવિયત યુનિયન હોય કે અમેરિકા અથવા પાકિસ્તાન હોય.

અફઘાનિસ્તાન ભારતને એક મિત્રની જેમ જોવે છે જેણે અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નથી કર્યો.

અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત દરમિયાન ભારતમાં થોડી ચિંતા જોવા મળી કે જો ભવિષ્યમાં અફઘાનિસ્તાન સરકારમાં તાલિબાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી તો અફઘાનિસ્તાનની ધરતીનો ભારત વિરુદ્ધ ઉપયોગ થશે

ખાસ કરીને અફઘાનિસ્તાનને પાકિસ્તાનની નજીક માનવામાં આવે છે અને ભૂતકાળમાં ભારત વિરોધી ઉગ્રપંથી જૂથો અફઘાનિસ્તાનમાં પોતાના ટ્રેનિંગ કૅમ્પ ચલાવતા રહ્યા છે.

ભારતના રોકાણનું શું?

આ સંજોગોમાં ભારતે છેલ્લા કેટલાય વર્ષોમાં અફઘાનિસ્તાનમાં જે નાણાકીય અને સામાજિક રોકાણનું શું થશે જે તેણે છેલ્લા કેટલાય વર્ષોમાં કર્યું છે અને લોકો વચ્ચેનાં સંપર્કનું શું થશે એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.

ભારતમાં પણ એ ચિંતા હતી કે આ વાતચીતમાં અફઘાનિસ્તાનની સરકાર સામેલ નથી. અફઘાન સરકાર સાથે ભારત સરકારનો સારો સંબંધ રહ્યો છે.

તાલિબાનનું કહેવું છે કે તેઓ પહેલાથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના હઠાવવાની વાત કરે છે અને તેના પર માત્ર અમેરિકા જ વાત કરી શકે છે.

તાલિબાન એવું માને છે કે અફઘાનિસ્તાનની સરકાર અમેરિકાની કઠપૂતળી છે અને તે અફઘાન લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી.

ભૂતપૂર્વ ભારતીય અધિકારી એમકે ભદ્રકુમાર પ્રમાણે અમેરિકા અને તાલિબાન વચ્ચેની ચર્ચામાં ભારત વધારે મદદ કરી શકે તેમ નથી.

તેઓ કહે છે, ''જો અમેરિકા ભારતની વધુ નજીક દેખાય તો એ વાતે પાકિસ્તાન નારાજ થઈ શકે છે. અમેરિકાએ ભારતને જરૂરિયાત પ્રમાણે અમુક બાબતો વિશે જાણ કરી રાખી છે.''

''આ જાણકારી વૉશિંગટન કે પછી દિલ્લીમાં અધિકારીઓ થકી કે પછી, અફઘાનિસ્તાનમાં અમેરિકાના વિશેષ દૂત જિલમય ખલીલઝાદને ભારત મોકલીને આપવામાં આવી.''

ટ્રમ્પે વાટાઘાટો બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે કાબુલમાં એક પત્રકારે કહ્યું, "અમેરિકા અને તાલિબાન વચ્ચે વાત બંધ થવાની જાહેરાત ઉપર અફઘાનિસ્તાનની સરકાર ખુશ છે."

"સ્થાનિક લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે એક અમેરિકન સૈનિકના મૃત્યુ પર અમેરિકાએ આટલો મોટો નિર્ણય લીધો પણ અમેરિકા-તાલિબાનની ચર્ચા દરમિયાન તાલિબાનના હુમલાઓમાં જે અફઘાન લોકોનાં મૃત્યુ થયા, તેમનું શું?"

અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સંસદસભ્ય ફોઝિયા કૂફી કહે છે, "મને આશા છે કે ચર્ચા ફરી શરૂ થાય... અફઘાનિસ્તાનમાં યુદ્ધ કોઈ વિકલ્પ નથી કારણકે યુદ્ધમાં કોઈ નહીં જીતે."

શું ભારતે તાલિબાન સાથે સીધો સંપર્ક કરવો જોઈએ?

ભારતે અત્યાર સુધીમાં તાલિબાનનો સીધો રાજનૈતિક સંપર્ક નથી કર્યો.

લંડનમાં બીબીસી પશ્તો સેવાના સંપાદક દાઉદ આઝમી આ નીતિને લઈને પ્રશ્ન કરે છે.

તેઓ કહે છે, "પાકિસ્તાન, ઈરાન, ચીન કે પછી રશિયા હોય અથવા ઉઝ્બેકિસ્તાન હોય, આ લોકો તાલિબાનને મળે છે, તેમને બોલાવીને વાતચીત કરે છે. તેમણે ઑફર પણ કરી છે કે તેઓ અફઘાન શાંતિ વાર્તાનો ભાગ બનવા તૈયાર છે."

"જો ભારત સરકાર એ નિર્ણય કરી લે કે અમે તાલિબાન સાથે મળીને વાત કરીશું તો તાલિબાનનો જવાબ સકારાત્મક હશે."

દાઉદ કહે છે કે "મને લાગે છે કે જો ભારતની તરફથી કોઈ સંકેત આપવામાં આવે તો તાલિબાન પણ તૈયાર હશે. અમેરિકા અને તાલિબાન સમજૂતીનો મુદ્દો છે કે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈ સમૂહ અન્ય દેશ વિરુદ્ધ નહીં કરે. જો આ ખાતરી લાગુ થાય છે તો ભારતને પણ તેનો ફાયદો છે."

"મારા મતે તાલિબાન ઇચ્છે છે કે ભારત સાથે બેસે કારણકે તાલિબાન ઘણા વર્ષોથી એ નીતિ પર ચાલે છે કે અલગ-અલગ દેશો સાથે તેનો સંબંધ સારો રહે અને તે જળવાઈ રહે. તાલિબાને મોસ્કો, ઈરાન, ચીન અને પાકિસ્તાનની આ જ સંદર્ભમાં મુલાકાત લીધી છે."

"ભારતની એ ફરિયાદ રહી છે કે અફઘાનિસ્તાનના આ જૂથો શરણ તો લે છે પણ તેમનું ટાર્ગેટ ભારત જ હોય છે...જો આ સમજૂતી થઈ જાય તો આખા વિસ્તારને લાભ થશે. પણ ભારત સરકારની નીતિ તાલિબાન સાથે વાત નહીં કરવાની રહી છે. હું સલાહ નથી આપવામાં માગતો કારણકે હું ભારત સરકારનો સલાહકાર નથી."

જમ્મુ કાશ્મીર પર તાલિબાને શું કહ્યું?

કેટલીક સ્થિતિ તાલિબાને ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કર્યો તેના પર આપેલા નિવેદનથી પણ સ્પષ્ટ થાય છે.

પાંચ ઑગસ્ટે ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી, ઇન્ટરનેટ, ટેલિફોન કનેક્શન બંધ કરીને સજ્જડ સુરક્ષા બંદોબસ્ત કયો.

મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ તાલિબાને ભારત અને પાકિસ્તાનને શાંતિથી સમજી-વિચારીને આગળ વધવાનું કહ્યું હતું.

પાકિસ્તાનના પેશાવરમાં વરિષ્ઠ પત્રકાર રહીમુલ્લાહ યૂસુફઝાઈ પ્રમાણે તાલિબાનના આ નિવેદનથી પાકિસ્તાનમાં અનેક લોકોને આશ્ચર્ય થયું હશે.

તેઓ કહે છે કે "તાલિબાને આવું નિવેદન આપ્યું કેમ કે તાલિબાન પોતાને એક જવાબદાર દેશના નેતા તરીકે દેખાડવા માગે છે."

"એ સિવાય તાલિબાન અફઘાન લોકોને પણ સંદેશ આપવા માગે છે કે તેઓ પાકિસ્તાનના હાથની કઠપૂતળી નથી."

ભૂતપૂર્વ અધિકારી એમ કે ભદ્રકુમાર મુજબ "તાલિબાનનું નિવેદન ભારત માટે સંકેત હોઈ શકે કે જો ભારત તાલિબાન ઉપર કાર્યવાહી કરવા વિચારે તો તેને તેની કિંમત ચૂકવવી પડશે."

તેઓ કહે છે," ગ્રીન ઝોન પર હુમલો અમેરિકા માટે એક સંદેશ હતો જે સૂચવે છે કે જો અમેરિકાના લડાયક વિમાન અને બૉમ્બ જો અફઘાનિસ્તાનના લોકોના જીવ લઈ રહ્યા હોય તો ગ્રીન ઝોનમાં રહેતા અમેરિકન લોકો પણ સુરક્ષિત નથી, આ ખોટું થઈ રહ્યું છે."

"દરેક ક્રિયાની પ્રતિક્રિયા થાય છે. ભારત માટે તાલિબાનનો સંદેશ છે કે આમ તો તેમની ભારત સાથે કોઈ દુશ્મનાવટ નથી અને ભારત સાથે કોઈ લેવડદેવડ માટે તૈયાર છે. આપણે કૂટનીતિક રૂપે તૈયાર રહેવું પડશે."

તાલિબાનનો જન્ડા

તેઓ આગળ ઉમેરે છે, "તાલિબાનનો અફઘાનિસ્તાનની બહાર કોઈ ખાસ ઍજેન્ડા નથી... તેઓ પરંપરાગત ઇસ્લામને માને છે."

"તેઓ વૈશ્વિક જિહાદ મૂવમેન્ટનો ભાગ નથી. ન્યૂ યૉર્કમાં 9-11ના દિવસે જે થયું તે તાલિબાન અને અમેરિકાના સંબંધોની નીપજ હતી જે હવે પ્રાસંગિક નથી."

કાબુલમાં એક પત્રકાર મુજબ," જો તાલિબાન ભારત સાથે સારા સંબંધ ઇચ્છે તો પણ પાકિસ્તાન એવું થવા નહીં દે."

"જ્યારે તાલિબાનના નેતાઓ અને તેમનો પરિવાર પાકિસ્તાનના શહેરોમાં રહેતો હોય તથા ત્યાંની સુવિધાઓનો લાભ લેતો હોય ત્યારે આ વાત મહત્ત્વ ધરાવે છે."

કાબુલમાં ભૂતપૂર્વ સંસદસભ્ય ફૉઝિયા કૂફી ભારત પાસેથી આશા રાખે છે કે ભારત તાલિબાન સાથે વાત કરવાની જગ્યાએ અફઘાનિસ્તાનની લોકતાંત્રિક શક્તિઓને સબળ કરવામાં મદદ કરશે.

તેઓ કહે છે, "અફધાનિસ્તાનમાં ભારતને એક એવા પાર્ટનરની દૃષ્ટિએ જોવામાં આવે છે જે અફઘાનિસ્તાનનું ભલું ઇચ્છે છે."

"અહીં ભારતનું સન્માન કરવામાં આવે છે. અફઘાનિસ્તાનના સ્થાયિત્વમાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને જરૂરી છે કે અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી રહે."

ભવિષ્યની અફઘાન સરકારમાં તાલિબાનની ભૂમિકા નક્કી?

ભૂતપૂર્વ ભારતીય અધિકારી એમકે ભદ્રકુમાર માને છે, " આજે નહીં તો કાલે, અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવશે એ નક્કી છે. ભારતે એ સમજવું પડશે કે જે રીતે નેપાળ અને ભૂટાનને લઈને ભારતની ચિંતા વાજબી છે એ જ રીતે અફઘાનિસ્તાનને લઈને પાકિસ્તાનની ચિંતા વાજબી છે."

એમકે ભદ્રકુમાર કહે છે, "અફઘાનિસ્તાનમાં તાલિબાનને ફરી સત્તામાં આવવાથી કોઈ નહીં રોકી શકે."

"વિશેષજ્ઞોની માન્યતા છે કે ભારતીય અધિકારીઓ સમજે છે કે અમેરિકાની વાયુ સેનાના મદદ વગર અફઘાનિસ્તાનની સેના ટકી શકશે નહીં અને થોડા જ સમયમાં તાલિબાન સરકાર ટૅકઓવર કરી લેશે."

તેઓ કહે છે,"જો કોઈ દેશ અન્ય દેશ સાથે બે અથવા અઢી હજાર કિલોમિટરની ખુલ્લી સરહદ ધરાવતો હોય તો તે તેના માટે ચિંતાની વાત બને છે."

"પાકિસ્તાન ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં જે સરકાર છે, તેની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રહે એટલે ડ્યૂરંડ લાઇનને માન્યતા મળે... જો પાકિસ્તાને અમેરિકા સાથે સહયોગ શરૂ કર્યો છે એનો અર્થ એ થાય છે કે અમેરિકાની નજરમાં પાકિસ્તાનની ચિંતા વાજબી છે."

"એનો અર્થ એ થયો કે જો કાબુલની સરકાર પાકિસ્તાન સાથે મિત્રતા રાખે તો અમેરિકાને તેમાં કોઈ વાંધો નહીં હોય."

ડ્યૂરંડ રેખા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય રેખા છે પરંતુ અફઘાન લોકો તેને માનતા નથી.

એમકે ભદ્રકુમાર મુજબ તાલિબાન પાકિસ્તાનના ખિસ્સામાં છે, એ માનવું પણ ભૂલ હશે.

તેઓ કહે છે," હું તાબિલાનને વર્ષોથી જોઈ રહ્યો છું. તેમની એક સ્વતંત્ર ઓળખ છે."

"એવું નથી કે તાલિબાન એ જ કરે છે જે પાકિસ્તાન ઇચ્છે છે. પાકિસ્તાનની પણ જરૂરિયાત છે કે તે તાલિબાન સાથે ચાલે. આ એક જટિલ સંબંધ છે જેમાં પાકિસ્તાનનો પ્રભાવ વધુ તો છે પણ આ પ્રભાવ જ બધું નથી."

વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર અને દોહામાં અમેરિકા-તાલિબાનની વાતચીત કવર કરનાર રહીમુલ્લાહ યૂસુફઝઈ માને છે કે, તાલિબાન પોતાના ફાયદા માટે કામ કરશે.

તેઓ કહે છે," એવું નહીં થાય કે તાલિબાન પાકિસ્તાનના ફાયદા માટે કામ કરશે. તેઓ પોતાનો લાભ જોશે."

"તેઓ અફઘાન છે અને અફઘાનિસ્તાનની વાત કરશે, પાકિસ્તાનની નહીં. પણ પાકિસ્તાનમાં તેમના પરિવાર રહે છે, પાકિસ્તાન આવવું-જવું તેમની મજબૂરી છે એટલે તેઓ આ સંબંધને બગાડશે નહીં."

એમકે ભદ્રકુમાર પ્રમાણે અલગ-અલગ જૂથોમાં ફંટાયેલાં અફઘાનિસ્તાનના રાજકારણમાં, ગમે તે પરિસ્થિતિ હોય ભારત પહેલાંની જેમ પોતાનું સ્થાન બનાવી લેશે.

તેઓ કહે છે, " જ્યારે અફઘાનિસ્તાનમાં નજીબ સરકાર પડી અને મુજાહિદ્દીન સરકારે ટૅકઓવર કર્યું ત્યારે તેમની સાથે કોઈ સંબંધ નહોતાં."

"હું પહેલો વ્યક્તિ હતો જે અફઘાનિસ્તાનમાં અહમદ શાહ મસૂદ(એ વખતના વડા પ્રધાન)ને મળ્યો."

"તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આપણે કોઈની તરફેણમાં નથી. જે સત્તામાં આવશે તેની સાથે કામ કરીશું અને અફઘાનિસ્તાન સાથે સંબંધનો આધાર સામાન્ય લોકો વચ્ચેનો સંપર્ક છે. જરૂરી છે કે ભારત અફઘાનિસ્તાનની આંતરિક બાબતો અને જૂથબંધીમાં ન પડે."

ભારત-પાકિસ્તાન સંબંધનીભારત-અફઘાનિસ્તાન સંબંધ પર અસર

પાકિસ્તાન ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ ઓછો થાય અને પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ન થાય.

ભારત અફઘાનિસ્તાનની સરકાર સાથે સારા સંબંધ રાખવાનો પ્રયાસ કરે છે, એ સિવાય એ પણ ઇચ્છે છે કે અફઘાનિસ્તાન અને ત્યાંની ભાવિ સરકારમાં તાલિબાનનો પ્રભાવ એટલો ન વધે કે ભારત માટે મુશ્કેલી ઊભી થઈ જાય.

એટલે ભારત અને પાકિસ્તાનના સંબંધનો પ્રભાવ અફઘાનિસ્તાન સાથે બંને દેશોના સંબંધ પર પણ પડે છે.

કાબુલમાં ભૂતપૂર્વ સંસદસભ્ય ફૉઝિયા કૂફી કહે છે, " ભારત અને પાકિસ્તાનને પોતાની આંતરિક બાબતોને અફઘાનિસ્તાનથી દૂર રાખવાની જરૂર છે. અમે પહેલાં જ બહુ સહન કર્યું છે."

"ભૂતકાળના અને આજના અફઘાનિસ્તાનમાં ઘણું અંતર છે."

એક સમય હતો જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધી જૂથ નૉધર્ન એલાયંસને ભારત ટેકો આપતું હતું.

આજે તાલિબાન અને અમેરિકા વચ્ચે ચર્ચા આખરી તબક્કામાં રદ કરવામાં આવી છે, હવે ભારત શું કરે?

એમકે ભદ્રકુમાર કહે છે,"અફઘાનિસ્તાનમાં આ ફેરબદલનો સમય છે અને હેરાન થવાની જરૂર નથી."

"જ્યારે નવી સરકાર આવશે ત્યારે ભારતે ફરી શરૂઆત કરવી પડશે. બસ ભારતે સાવચેતી રાખવી પડશે કે તાલિબાન તેનાથી નારાજ ન થાય."

જોકે કાબુલમાં ભૂતપૂર્વ સંસદસભ્ય ફૉઝિયા કૂફી કહે છે," જો અફઘાન લોકો તાલિબાન સામે નમી જશે તો ભારત માટે જ નહીં અફઘાનિસ્તાનના લોકતંત્ર માટે ખતરારૂપ હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો