You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 33 વર્ષે છૂટાછેડા અને 28 વર્ષે લગ્ન કાયદેસર થયાનો અજીબોગરીબ કિસ્સો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઇંદિરાબહેન પરમાર પોતે પરિણીતા હોવા છતાં આખી જિંદગી એક વિધવાની જેમ વિતાવી અને આખરે 33 વર્ષની લાંબી કાયદાકીય લડત પછી પોતાના પતિને બીજી પત્નીથી થયેલાં બાળકો અનૌરસ ન થાય તે માટે માફ કરી છૂટાછેડા આપ્યા.
લગ્નજીવનમાં કોઈ કારણસર ભંગાણ પડે ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ફૅમિલી કોર્ટમાં આવા અનેક કેસ ચાલતા રહે છે. જોકે, આ કેસ અનેક રીતે અજબ છે.
હાલ 64 વર્ષના ઇંદિરાબહેન પરમારનાં લગ્ન મે, 1978માં ધનજીભાઈ પરમાર સાથે સમાજના રીતરિવાજ પ્રમાણે થયાં હતાં, ત્યારે તેઓ એફ.વાય. બી.એ.માં ભણતાં હતાં.
જોકે, લગ્ન પછી ધનજી પરમારનો આગ્રહ એવો હતો કે ઇંદિરાબહેન ભણવાનું છોડી દે અને માત્ર ઘરકામ કરે.
પતિને ખુશ રાખવા માટે ઇંદિરાબહેન ઍક્સટર્નલ તરીકે ભણવાની ઇચ્છા બતાવી પણ પતિએ ના પાડી.
ઇંદિરાબહેન કહે છે કે ''લગ્નના દિવસથી પતિએ ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી હતી. દિવસભર ઘરકામ કરવાનું અને રાત્રે 12 વાગે બધા જમી લે પછી વધ્યુંઘટ્યું જમવાનું મળતું હતું.''
ઇંદિરાબહેનનો સંસાર શરૂ થયો હતો તે સમયમાં જ ધનજીભાઈ પરમારને એક વીમા કંપનીમાં સુરતમાં નોકરી મળી ગઈ અને તેઓ સુરત જતા રહ્યા.
આ તરફ શિક્ષક પિતાના આગ્રહથી ઇન્દિરાબહેને ભણવાનું ચાલું રાખ્યું. 1980માં ઇંદિરાબહેને બી.એ. પાસ કરી એમ.એ. પાર્ટ-1માં ઍડમિશન લીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ધનજી પરમારની અમદાવાદ બદલી થઈ ગઈ અને પત્ની ભણીને ગ્રૅજ્યુએટ થયાની ખબર પડતા ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું.
ઇંદિરાબહેન કહે છે કે ''મને પિયરના લોકોને મળવાની મનાઈ કરી દેવામાં આવી. મારા પિતા ઈશ્વરભાઈ પરમારે પણ દીકરીનું લગ્નજીવન ટકી રહે તે માટે મને મળવાનો બંધ કરવું પડ્યું હતું. આ સમયમાં જ હું ગર્ભવતી થઈ.''
સીમંતોન્નયન વીધિમાં ધમાલ
ઇંદિરાબહેન કહે છે કે ''ફેબ્રુઆરી 1983માં મારું સીમંત નક્કી થયું. 200 માણસોનો જમણવાર હતો. જ્ઞાતિના રિવાજ પ્રમાણે મારા પિતાએ સીમંતમાં 15 તોલાં સોનું અને 1 કિલો ચાંદી અને કપડાં આપવાનું નક્કી કર્યું હતું. હું એની ખરીદી કરવા મારા પિયર પણ આવી હતી.''
94 વર્ષનાં ઇંદિરાબહેનના પિતા ઈશ્વરભાઈ પરમારે બીબીસીને કહ્યું, "એ સમયે હું શિક્ષક તરીકે નોકરી કરતો હતો. મારા બે દીકરા ભણતા હતા પણ જમાઈના આગ્રહને કારણે દેવું કરીને સીમંતમાં સોના-ચાંદીની વ્યવસ્થા કરી હતી."
"સીમંતને આગલે દિવસે મારા જમાઈ ધનજીની માંગણી આવી કે એમને હાથમાં પહેરવાની સોનાની લક્કી જોઈશે. મે કહ્યું કે હાલ સ્થિતિ નથી પણ પછી કરાવી આપીશું."
"આમ છતાં બીજે દિવસે સીમંતમાં ધનજીએ સોનાની માંગણી કરી જમણવારમાં તોફાન મચાવી દીધું."
"અમે દીકરીનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઉધારમાં સોનું લઈ આવ્યા. અમને એમ હતું કે હવે સ્થિતિ શાંત થશે પણ અમને ખબર નહોતી કે બાળકનો જન્મ થયા પછી તકલીફ વધી જશે."
ઇંદિરાબહેનને 26 મે, 1983માં દીકરો અવતર્યો. વિદ્યાબહેનને અને તેમના પરિવારને હવે પરિસ્થિતિ શાંત થશે એવી આશા હતી પણ એવું ન થયું.
ઇંદિરાબહેનના પિતા કહે છે, "ધનજીને એમ હતું કે એક વખત ધમાલ કરીને સોનું મળ્યું એટલે હજી પણ મળશે. એણે ફરી ઇંદિરાબહેનને હેરાન કરવાનું શરૂ કર્યું અને એક દિવસ એને પિયરમાં મૂકીને જતો રહ્યો."
"આ દરમિયાન એણે નીચલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જોકે એની અમને કોઈ જાણ નહોતી. 27 મુદત પડી ત્યાં સુધી અમને જાણ નહોતી થઈ અને ધનજીને એકતરફી છૂડાછેડા મળવાની તૈયાર હતી ત્યારે અમને તેની ખબર પડી."
ધનજીએ અદાલતને એમ કહ્યું હતું કે તેની પત્ની તેને ઘર છોડીને જતી રહી છે.
અદાલતમાં કેસની ખબર ઇંદિરાબહેનના ભાઈને પડી અને પછી ધનજીએ અન્ય એક મહિલા સાથે લગ્ન કરી લીધેલાં છે એની પણ ખબર પડી.
લાંબી કાનૂની લડત
ઇંદિરાબહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ''અમને જાણ નહોતી એટલે અમે કોર્ટમાં રજૂઆત કરી તો નીચલી કોર્ટે છૂટાછેડા માન્ય ન રાખ્યા.''
''આ દરમિયાન હું મારા ભાઈ અને પિતા સાથે રહેતી હતી. ૧૯૮૫માં મને ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં ક્લાર્કની નોકરી મળી ગઈ હતી અને હું નોકરી કરતી હતી. કોર્ટ કચેરીની કોઈ સમજણ પડતી નહોતી પણ મારા ભાઈ જિતેન્દ્રના સહયોગથી કાનૂની લડત આપવાનું નક્કી કર્યું.''
''એ પછી મારા પાર ધનજીનો ત્રાસ વધી ગયો. એને મને હેરાન કરવાનું શરુ કર્યું. એ મારી ઑફિસ આવી ઝગડો કરતો. હું ઓફિસ જાઉં એટલે રસ્તા પાર રોકી મારી પાર થુંકતો. હું અપમાન સહન કરી લેતી કારણ કે મારા માટે કોઈ આશરો નહોતો.''
''અમે નીચલી કોર્ટમાં કેસ જીતી ગયા ત્યાં સુધીમાં ધનજીને બે બાળકો થઇ ગયા હતા. કોર્ટે મારા દીકરાના ભરણપોષણ માટે પૈસા નક્કી કર્યા હતા. જે થોડો સમય આપ્યા અને પછી ધનજીએ છૂટાછેડા માટે 1991માં હાઈકોર્ટમાં કેસ કર્યો.''
જોકે, આ કેસની સમાંતર ઇંદિરાબહેનના જીવનમાં ઘણી ઘટનાઓ બની.
તેઓ કહે છે કે, ''મારો દીકરો અહીં મોટો થતો જતો હતો. એનો ભણવાનો ખર્ચ વધતો જતો હતો.''
''મેં લોન લઈ એને ભણાવ્યો અને તેને બ્રિટન ભણવા જવું હતું ત્યાં પણ ભણવા મોકલ્યો. લોન લઈ ઘર પણ ચલાવ્યું. જોકે, મારા પતિ ક્યારેય મારી સામે જોવા સુદ્ધા આવ્યો નહીં.''
''મારો દીકરો બ્રિટનથી ભણી પાછો આવ્યો, નોકરીએ લાગ્યો અને 2011માં તેના લગ્ન કર્યા તે છતાં ધનજીએ કદી નજર ન નાખી. આ દરમિયાન મારા ભાઈ જિતેન્દ્રનું અવસાન થઈ ગયું.''
''અદાલતના ધક્કા ખાવા મુશ્કેલ હતાં. હું નિવૃત્ત થઈ ગઈ હતી. ધનજીની બીજી પત્નીના બાળકો પણ મોટાં થઈ ગયા હતા. હું મારા દીકરાને લઈને અદાલતમાં ગઈ ત્યારે એણે એના બાપને જોયો.''
ધનજીને માફ કરી દીધો, 33 વર્ષે છૂટાછેડા
ઇંદિરાબહેન પરમારના વકીલ પંકજ ચાંપાનેરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ''હાઈકોર્ટમાં ચાલેલા લાંબા કેસ બાદ બંનેનાં બાળકોની વધેલી ઉંમર જોઈને જજ સોનિયાબહેન ગોકાણીએ કડક સજાની વાત કરી.''
''જોકે, ઇંદિરાબહેનને લાગ્યું કે ધનજીનાં બીજા બાળકોની અને બીજી પત્નીની હાલત ખરાબ થશે.''
''એમણે દયા દાખવી સમાધાનની વાત કરી અને સહમતીથી અદાલતે છૂટાછેડા મંજૂર કર્યા છે.''
''ઇંદિરાબહેનની આ લાંબી કાનૂની લડાઈ અને પરેશાની બદલ અદાલતે એમને 17 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.''
હું માની સેવા કરીશ, હક નથી જોઈતો
જોકે, સમગ્ર કેસમાં ઇંદિરાબહેન અને ધનજીભાઈનું સંતાન એવા પ્રથમ પુત્ર સુરેશને કોઈ હક નથી મળ્યો.
સુરેશ પરમારે બીબીસીને કહ્યું કે, તેમણે એમની માતાનો સંઘર્ષ જોયો છે અને શારીરિક પિતા પાસે કોઈ હક હિસ્સો લેવા માગતા નથી, એમને મળવા પણ માગતા નથી.
સુરેશે પરમારે કહ્યું કે ''મારી માતાએ મને પેટ કાપીને મોટો કર્યો છે. મારા પિતાએ અમને 33 વર્ષ હેરાન કર્યા છે તો હવે હું હક માટે લડીને મારી માની પાછલી જિંદગી બગાડવા માગતો નથી.''
''હું માની સેવા કરવા માગુ છું. મારા પિતા કોર્ટના આદેશ પ્રમાણે 17 લાખ આપશે એટલે મારી માની ઈચ્છા પ્રમાણે એને ચાર ધામની યાત્રા કરાવીશ.''
અદાલત કહે તેમ કરીશ - ધનજી પરમાર
૩૩ વર્ષે છૂટાછેડાનો કેસ જીતનાર ધનજી પરમારે બીબીસીને કહ્યું કે ''મારી પત્નીથી 33 વર્ષે છૂટાછેડા મળ્યા છે. હું કોર્ટના આદેશ પ્રમાણે વર્તીશ. કોર્ટ જેમ કહેશે તેમ કરીશ.''
પોતાની પહેલી પત્નીના દીકરાને હક આપશો કે નહીં એવા સવાલના જવાબમાં ધનજી પરમારે કહ્યું કે ''આ અંગે હું વકીલની સલાહ લીધા પછી વાત કરીશ પરંતુ કોર્ટના આદેશ અંગે હું કંઈ જ કહેવા માંગતો નથી. મને છૂટાછેડા મળ્યા એનાથી હું ખુશ છું.''
આ છૂટાછેડા મંજૂર થતા એમણે કરેલાં બીજા લગ્ન 28 વર્ષ પછી કાયદેસર થયાં છે.
(આ કહાણી સૌપ્રથમ વર્ષ 2019માં પ્રકાશિત થઈ હતી. હાલ તેનું પુનઃપ્રકાશન કર્યું છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો