‘મારી બહેને માગું ફગાવ્યું તો તેના શરીરના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ દફનાવી દેવાયા’

કાશ્મીરના બડગામ જિલ્લામાં એક ઇસમની એક યુવતીના શરીરના ટુકડેટુકડા કરીને અલગ અલગ સ્થળે દફનાવી દેવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી.

પોલીસ અને પરિવારજનોનો દાવો છે કે યુવતીએ ‘માગું ફગાવી દીધા’ની દાઝ રાખીને આ કૃત્ય કરાયું છે.

જિલ્લા પોલીસ અધિકારી તાહિર ગિલાનીના જણાવ્યાનુસાર તપાસ બાદ આરોપીને ઝડપી લેવાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ તેમનો ગુનો મૅજિસ્ટ્રેટ સમક્ષ કબૂલ્યો હતો.

તાલુકામાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને પરિવારજનો આ હત્યા બાદથી પ્રદર્શનો કરી રહ્યા છે.

પોલીસ અધિકારી તાહિર ગિલાની કહે છે કે, “આ હત્યા બાબતે અન્ય કેટલાકની પણ પૂછપરછ ચાલી રહી છે. અને હત્યા પહેલાં રેપ અને અન્ય કોઈ પ્રકારની હિંસા કે કૃત્ય આચરાયું છે કે કેમ તેની તપાસ બાદ આ ઘટના અંગે ચાર્જશીટ દાખલ કરાશે.”

પોલીસ અનુસાર 30 વર્ષનાં યુવતીનું કપાયેલું માથું આરોપીના ઘરના આંગણેથી મળી આવ્યું હતું. જ્યારે તેમના ઘરની પાણીની ટાંકીમાં આરોપીએ કથિતપણે સંતાડેલા હાથ-પગના ટુકડા પણ મળી આવ્યા હતા. નજીકની એક નદીમાંથી યુવતીનું વિક્ષત શરીર મળી આવ્યું હતું, જે બાદમાં પરિવારને સોંપાયું હતું.

પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી?

મૃતક યુવતીના ભાઈ તનવીર અહમદે કહ્યું કે તેમનાં બહેન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થઈ સ્થાનિક ઇન્સ્ટિટ્યૂટમાં કૉમ્પ્યુટરની તાલીમ લઈ રહ્યાં હતાં.

તેઓ કહે છે કે, “7 માર્ચના રોજ પણ તેઓ હંમેશાંની જેમ ઇન્સ્ટિટ્યૂટ જઈ રહ્યાં હતાં. જ્યારે સાંજ પડે તેઓ ઘરે પાછાં ન આવ્યાં ત્યારે અમે તેમને ફોન કર્યો પરંતુ તે સ્વિચ ઑફ હતો.”

એ જ રાત્રે, યુવતીના ભાઈએ બડગામના સુઈબુગ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કેસની તપાસ કરી રહેલી ટીમના સભ્યે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે, “ખૂબ શોધખોળ કર્યા બાદ નજીકના ગામ ઓમપોરામાં આવેલા આરોપીના ઘર પાસે યુવતીના મોબાઇલનું અંતિમ લૉકેશન મળી આવ્યું.”

“અમે આના આધારે આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી અને છોકરીના શરીરનાં અંગો વિશે માહિતી આપી.”

ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે આરોપીને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો છે.

યુવતીના ભાઈ શોકત અને તનવીરે જણાવ્યું કે આરોપી તેમના ગામ સુઈબુગમાં પાછલાં ઘણાં વર્ષોથી ટાઇલ્સ લગાડવાનું કામ કરતા હતા. તેમણે લગભગ ગામના દરેક ઘરમાં કામ કર્યું હતું.

શોકતે કહ્યું, “તે અમારી સાથે પણ કામ કરતો હતો. અહીં બધા તેને ઓળખતા હતા. તે અમારા ઘરે આવતો. ગત વર્ષે તે અમારા ઘરે તેમના એક સંબંધી માટે અમારી બહેનનું માગું લઈને આવ્યો હતો. અમે રાજી થઈ ગયા. પરંતુ અમારી બહેન ન માની. તેણે પોતાની મરજીથી લગ્ન કરવાં હતાં.”

“અમે તેમને કહ્યું કે આ સંબંધ નહીં થઈ શકે.”

બાદમાં યુવતીનું સગપણ તેની પસંદગીના ઘરે નજીકના ગામમાં જ થયું.

તેઓ કહે છે કે, “આ વર્ષે બહેનનાં લગ્ન થવાનાં હતાં પરંતુ અમને ખબર નહોતી કે સંબંધના ઇનકાર માટે તે અમારી બહેનના ટુકડેટુકડા કરી દેશે.”

સુઈબુગમાં સ્થાનિકો પણ આ હત્યાને લઈને પ્રદર્શન કરી રહ્યા છે.

યુવતીના ભાઈ શોકત મલિક કહે છે કે, “હત્યારો જેલમાં છે, હવે કેસ ચાલ્યા કરશે અને અમુક વર્ષો બાદ તેને છોડી મુકાશે.”

“અમારે કોર્ટના ધક્કા નથી ખાવા, અમે આના માટે પૈસા કેવી રીતે લાવશું, અમે કામકાજ કરતા લોકો છીએ. તેથી અમારું કહેવું છે કે તેને જેલમાં ન નાખશો, દંડ ન કરશો જો તેને ફાંસી કરી દેવાશે તો જ આ કેસમાં પૂર્ણ ન્યાય થશે.”

શોકતે કહ્યું કે, “પોલીસ અને વહીવટી તંત્રના સિનિયર અધિકારીઓએ તેમનાં બહેનના શરીરના ટુકડાને લપેટીને તેમને ડોલમાં ભર્યા અને તેનો વીડિયો બનાવ્યો પરંતુ જો તેમનામાં માનવતા જીવતી હોય તો તેઓ આ કેસમાં ઝડપી ન્યાય થાય તે સુનિશ્ચિત કરશે.”