You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સતીપ્રથા : પતિની ચિતામાં સળગીને પ્રાણ ત્યાગવાની કુપ્રથામાંથી ભારતે છુટકારો કઈ રીતે મેળવ્યો?
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
બ્રિટિશ શાસિત ભારતના પ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે ડિસેમ્બર, 1829માં સતી પ્રથા પર પ્રતિબંધ લાદ્યો હતો. સતી બનવાની પ્રાચીન હિંદુ પ્રથામાં વિધવાઓ તેમના પતિની ચિતામાં સળગીને પ્રાણ ત્યાગતી હતી.
બંગાળના તત્કાલીન ગવર્નર જનરલ બેન્ટિકે સૈન્યના 49 વરિષ્ઠ અધિકારી તથા પાંચ ન્યાયાધીશના મંતવ્ય મંગાવ્યાં હતાં અને તેમને ખાતરી થઈ ગઈ હતી કે “બ્રિટિશ શાસન પરના ડાઘને ધોવાનો” સમય આવી પહોંચ્યો છે.
તેમણે ઘડેલા કાયદા મુજબ, સતી પ્રથા “માનવ સ્વભાવની લાગણીની તદ્દન વિરુદ્ધ છે.” તે હિંદુઓ માટે આઘાતજનક હોવા ઉપરાંત અનિચ્છનીય અને દુષ્ટ પણ છે.
કાયદામાં જણાવવામાં આવ્યું હતું કે હિંદુ વિધવાઓને સળગવામાં “સહાય તથા ઉશ્કેરણી” કરતા લોકોને, “વિધવાએ આપેલું બલિદાન સ્વૈચ્છિક હોય કે ન હોય” તો પણ સદોષ માનવહત્યા માટે ગુનેગાર ગણવામાં આવશે.
“મદોન્મત કરવામાં આવેલી અને જાતે નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં ન હોય તેવી” વિધવાઓને આત્મવિલોપનની ફરજ પાડવા અથવા તેમાં મદદ કરવા બદલ દોષિત વ્યક્તિઓને મૃત્યુદંડ આપવાની સત્તા પણ અદાલતને તે કાયદા હેઠળ આપવામાં આવી હતી.
બેન્ટિકનો આ કાયદો, સતી પ્રથા સામે ઝુંબેશ ચલાવનારા અગ્રણી ભારતીય સમાજ સુધારકો સતી પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા કરેલી ભલામણો કરતાં પણ વધુ આકરો હતો.
આ કાયદા પછી રાજા રામમોહન રાયના વડપણ હેઠળના 300 પ્રતિષ્ઠિત હિંદુઓએ “મહિલાઓની જાણીજોઈને હત્યા કરતા લોકો તરીકેનું અમારા ચારિત્ર્ય પરનું ઘોર કલંક કાયમ માટે દૂર કરવા” બદલ બેન્ટિકનો આભાર માન્યો હતો.
રૂઢિચુસ્ત હિંદુઓ નારાજ થયા હતા અને તેમણે બેન્ટિકને અરજી કરી હતી. સતી પ્રથા “ધર્મ અનુસારની અનિવાર્ય ફરજ” નથી, તેવી બેન્ટિકની દલીલને રૂઢિચુસ્ત હિંદુઓએ વિદ્વાનો તથા શાસ્ત્રોને ટાંકીને પડકારી હતી. બેન્ટિક ઝૂક્યા નહીં. તેથી અરજદારો પ્રિવી કાઉન્સિલમાં ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિવી કાઉન્સિલે 1832માં એ કાયદાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે સતી પ્રથા “સમાજ વિરુદ્ધનો નિર્લજ્જ ગુનો છે.”
કાયદાનો વિરોધ અને સમર્થન પણ
મનોજ મિટ્ટાએ એમ પણ લખ્યું છે કે, “મહાત્મા ગાંધીએ બ્રિટિશ સામ્રાજ્ય સામે નૈતિક દબાણ સર્જ્યું તેના લાંબા સમય પહેલાં બેન્ટિકે એ જ બળનો ઉપયોગ સતી પ્રથા સાથે સંકળાયેલા જાતિ તથા લિંગ સંબંધી પૂર્વગ્રહો સામે લડવા માટે કર્યો હતો. સ્થાનિક લોકો ક્ષીણ કરી ચૂકેલા આ રિવાજને ગુનાહિત કૃત્ય બનાવીને બેન્ટિકે નૈતિક વિજય મેળવ્યો હતો.”
જોકે, એક અન્ય બ્રિટિશર અને ભારતીય દંડ સંહિતાના લેખક થોમસ મેકોલેએ 1837માં આ કાયદાને થોડો નરમ બનાવ્યો હતો.
મેકોલેના મતાનુસાર, વિધવાના કહેવાથી તેને ચિતાને આગ ચાંપવામાં આવી હોવાનો દાવો કોઈ વ્યક્તિ પુરાવા સાથે કરે તો તેને નિર્દોષ ગણવો જોઈએ.
તેમણે એક ડ્રાફ્ટ નોટમાં જણાવ્યું હતું કે આત્મવિલોપન કરી રહેલી મહિલાઓ “ધાર્મિક ફરજની અને ક્યારેક આત્મસન્માનની મજબૂત લાગણીથી” પ્રેરિત હોઈ શકે છે.
મનોજ મિટ્ટાએ નોંધ્યું છે કે સતીપ્રથા વિશેના મેકોલેના “સહાનુભૂતિપૂર્ણ વલણ”નો પડઘો દાયકાઓ પછીના બ્રિટિશ શાસકોના વલણમાં પણ સાંભળવા મળ્યો.
તેઓ લખે છે કે સિપાહી તરીકે ઓળખાતા મૂળ હિંદુ તથા મુસ્લિમ સૈનિકોએ તેમના ધર્મમાં પ્રતિબંધિત પ્રાણીઓની ચરબીમાંથી બંદૂકની કારતૂસોને આવારણ ચડાવવામાં આવતું હોવાની શંકાને પગલે 1857માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવો કર્યો એ પછી તેમનો મુસદ્દો અભરાઈ પર ચડી ગયો હતો.
એ પછી તે નરમ કાયદો, બળવામાં “અગ્રણી ભૂમિકા ભજવનાર ઉચ્ચ જ્ઞાતિઓના હિંદુઓને ખુશ કરવાની બ્રિટિશ શાસકોની વ્યૂહરચના તરીકે” કાયદાપોથીમાં સ્થાન પામ્યો હતો.
સતી પ્રથા બહાદૂરીભર્યું કામ ગણાતું
સતી બનવાના કૃત્યને સદોષ માનવવધનો શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવશે અને ગંભીર કેસમાં મૃત્યુદંડની સજા પણ કરવામાં આવશે, તેવી અગાઉના કાયદાની જોગવાઈ 1862ના કાયદામાં રદ્દ કરવામાં આવી હતી.
તેનો અર્થ એ હતો કે પોતાના પતિની ચિતા પર જ પોતાનું જીવન સમાપ્ત થાય તેમ કરવાની પરવાનગી તેની પત્નીએ આપી હોવાનો દાવો આરોપીઓ કરી શકશે. તેથી એ હત્યાને બદલે આત્મવિલોપનનો કેસ બની જતો હતો.
મનોજ મિટ્ટા લખે છે કે સતી પ્રથાને ગેરકાયદે ઠરાવતા કાયદા, જ્ઞાતિભ્રષ્ટ તથા પતિત હિંદુઓને કૌટુંબિક વારસો મેળવવાનો અધિકાર આપતા 1850ના એક કાયદા અને તમામ વિધવાને પુનર્લગ્નનો અધિકાર આપતા 1856ના એક કાયદા જેવા “સામાજિક કાયદાઓ વિરુદ્ધની સખત નારાજગી” દૂર કરવા માટે સતી પ્રથા વિશેના કાયદાને હળવો બનાવવામાં આવ્યો હતો.
જોકે, એ કાયદાને હળવો બનાવવાનું મુખ્ય કારણ કારતુસને ગાયની ચરબીનું આવરણ ચડાવવામાં આવતું હોવાના અહેવાલોથી રોષે ભરાયેલા “ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓનો આક્રોશ” હતું.
1829થી 1862 દરમિયાન સતીના ગુનાની ગંભીરતા હત્યાથી ઘટીને આત્મહત્યા માટે ઉશ્કેરણી સુધીની થઈ ગઈ હતી.
મનોજ મિટ્ટા કહે છે,“1829 પછી સતી પ્રથાનું આચરણ બહુ ઓછું થઈ ગયું હોવા છતાં દેશના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને ઉચ્ચ જ્ઞાતિઓમાં સતી પ્રથાને બહાદુરીભર્યું કામ અને આદરપાત્ર માનવામાં આવતી હતી.
આઝાદ ભારતમાં પણ બન્યો કાયદો
એ પછી આવેલા વિચિત્ર વળાંકમાં, ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસમાં જોડાયેલા અને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવવાની લડાઈમાં મોખરાના ભૂમિકા ભજવી ચૂકેલા વકીલ-રાજકારણી મોતીલાલ નેહરુ ઉત્તર પ્રદેશમાં સતી પ્રથા સંબંધી એક કેસમાં છ સવર્ણ આરોપીનો બચાવ કરવા અદાલતમાં ઉપસ્થિત થયા હતા.
આરોપીઓએ જણાવ્યું હતું કે ચિતા “વિધવાની સંપૂર્ણ ધર્મનિષ્ઠાને લીધે ચમત્કારિક રીતે પ્રગટી હતી.”
દૈવી હસ્તક્ષેપની આ દલીલને ન્યાયમૂર્તિઓએ ફગાવી દીધી હતી, ઢાંકપિછોડાના પ્રયાસ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને વિધવાને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ એ પુરુષોને દોષી ઠેરવ્યા હતા.
એ પૈકીના બેને ચાર વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.
તે ઘટનાના 70થી વધુ વર્ષ પછી મોતીલાલ નેહરુના પ્રપૌત્ર રાજીવ ગાંધીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે 1987માં એક કાયદો ઘડ્યો હતો, જેમાં “સતી પ્રથાના મહિમા મંડનને” પણ અપરાધ ગણવામાં આવ્યું હતું.
સતી પ્રથાને ટેકો આપતા કે વાજબી ઠરાવતા કે તેનો પ્રચાર કરતા લોકોને સાત વર્ષની સજાની જોગવાઈ તે કાયદામાં કરવામાં આવી હતી.
આ કાયદામાં સતીના કૃત્યની ગંભીરતા વધારીને તેને હત્યા ગણવામાં આવ્યું હતું અને તેને પ્રોત્સાહિત કરતા લોકો માટે પણ મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવામાં આવી હતી.
ભારતમાં સતી પ્રથાની છેલ્લી ઘટના રાજસ્થાનમાં નોંધાઈ હતી.
રાજસ્થાનના એક નાનકડા ગામમાં રૂપકુંવર નામની એક કિશોરી સતી થઈ હતી.
એ ઘટનાને પગલે ફેલાયેલા આક્રોશના અનુસંધાને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.
મનોજ મિટ્ટા નોંધે છે કે રૂપકુંવરનો કિસ્સો ભારતને 1947માં આઝાદી મળી પછી નોંધાયેલો સતી બનવાનો 41મો કેસ હતો.
રાજીવ ગાંધી સરકારે ઘડેલા કાયદાની પ્રસ્તાવનાની પ્રેરણા બેન્ટિકના કાયદામાંથી લેવામાં આવી હતી.
મનોજ મિટ્ટાના કહેવા મુજબ, “તે બ્રિટિશ શાસનમાંથી મુક્ત દેશ દ્વારા એક ભૂતપૂર્વ બ્રિટિશ શાસકને અજાણતા અપાયેલી આદરાંજલિ હતી.”