એ મહિલા જેમણે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સામે મહાઅભિયોગનો ગાળિયો કસ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ જે મહાઅભિયોગના પડકારનો સામનો કરી રહ્યા છે તે તેમનું રાજકીય ભવિષ્ય અને આવતા વર્ષે યોજાનાર અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની દિશા બદલી શકે છે.

સરકારે પ્રેસિડેન્ટ ટ્ર્મ્પના ફોન કોલની વાતચીત જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની ફોન પરની વાતચીતના અંશો જાહેર થયા પછી આપ પગલું ભરવામાં આવ્યું છે.

ડેમૉક્રેટ પાર્ટીનાં કદાવર નેતા અને ટ્રમ્પનાં કટ્ટર પ્રતિસ્પર્ધી નૅન્સી પેલોસી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.

આત્મવિશ્વાસથી ભરપૂર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરનાર નૅન્સી પેલોસીને અમેરિકાનાં સૌથી તાકાતવર મહિલા ગણાય છે.

અમેરિકાની સંસદમાં તેઓ જ વિપક્ષની આગેવાની કરે છે. તેઓ સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રૅઝેન્ટટિવનાં સ્પીકર છે.

નૅન્સી પેલોસીએ જ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની ઔપચારિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા અને કહ્યું, "કાયદાથી ઉપર કોઈ નથી."

પેલોસી હંમેશાંથી રિપબ્લિકન પાર્ટીના નિશાન પર રહ્યાં છે.

સૌથી તાકાતવર મહિલા

કૅલિફોર્નિયાથી ડેમૉક્રેટિક પાર્ટીનાં સાંસદ નૅન્સી પેલોસી આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાની પ્રતિનિધિ સભાનાં સ્પીકર તરીકે ચૂંટાયાં હતાં.

આ પદ પર પહોંચવાની સાથે જ તેઓ અમેરિકાનાં સૌથી તાકાતવર મહિલા બની ગયાં.

અમેરિકામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બાદ તેઓ ત્રીજી સૌથી તાકાતવર રાજકીય હસ્તી બની ગયાં.

અમેરિકામાં ગયા વર્ષના અંતમાં જ સંસદની વચગાળાની ચૂંટણી યોજાઈ, આ ચૂંટણી બાદ નીચલા ગૃહમાં એટલે કે હાઉસ ઑફ રિપ્રૅઝેન્ટટિવમાં ડેમૉક્રેટિક પાર્ટી બહુમતમાં આવી ગઈ અને નૅન્સી પેલોસી સ્પીકર બની ગયાં.

તેમનો વિજય એવા સમયે થયો જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મેક્સિકોની સરહદે દીવાલ બનાવવા માટે ફંડની માગણી પર અમેરિકામાં લગભગ શટડાઉનની પરિસ્થિતિ હતી.

78 વર્ષીય પેલોસી ટ્રમ્પની દીવાલ બનાવવાની આ યોજનાથી અસંમત હતાં.

નીચલા ગૃહમાં સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમણે કહ્યું કે, "મને સંસદના નીચલા ગૃહની "મને ગર્વ છે કે મને સંસદના નીચલા ગૃહની સ્પીકર બનાવાઈ છે."

"આ વર્ષ અમેરિકામાં મહિલાઓને મતદાનનો અધિકાર હાંસલ થયાનું 100મું વર્ષ છે. ગૃહમાં 100 કરતાં વધુ મહિલા સાંસદો છે, જેઓ દેશની સેવા કરવાની લાયકાત ધરાવે છે."

"ગૃહમાં મહિલાઓની આટલી સંખ્યા અમેરિકાની લોકશાહીના ઇતિહાસમાં સૌથી વધારે છે."

પેલોસીની સફર

અમેરિકાના રાજકારણમાં તેમની સફર અસાધારણ રહી છે.

નૅન્સી પેલોસીનું બાળપણ પૂર્વ અમેરિકાના મેરિલૅન્ડ રાજ્યના બાલ્ટિમોર શહેરમાં વીત્યું હતું. તેમના પિતા શહેરના મેયર રહી ચૂક્યા હતા.

સાત ભાઈ-બહેનોમાં સૌથી નાનાં પેલોસી તેમનાં માતાપિતાનાં એકમાત્ર દીકરી છે.

વર્ષ 1976માં પોતાના પરિવારના રાજકીય સંબંધોનો લાભ લઈને તેમણે રાજકારણમાં પદાર્પણ કર્યું. તેમણે ડેમૉક્રેટ નેતા અને કૅલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રાઉનને ચૂંટણીમાં મદદ કરી.

વર્ષ 1988માં તેઓ પાર્ટીનાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાયાં. દરમિયાન તેમણે ઍઇડ્સની બીમારી પર સંશોધન કરવા માટે ભંડોળ મળી રહે એ વાતને પ્રાથમિકતા આપી.

વર્ષ 2001માં નૅન્સી પેલોસીને નીચલા ગૃહમાં સંસદીય સમૂહનાં નેતા તરીકે નિયુક્ત કરાયાં હતાં.

2007માં પ્રથમ મહિલા સ્પીકર બન્યાં

વર્ષ 2007માં તેઓ સ્પીકર રહ્યાં હતાં.

2006માં ડેમૉક્રેટ પાર્ટીને 12 વર્ષ બાદ બહુમત મળ્યો અને ત્યારે તેમની પાર્ટીમાં સ્પીકરના પદ માટે તેમના નામ પર સર્વાનુમતિ હતી.

જાન્યુઆરી અને 2007માં તેઓ હાઉસ ઑફ રિપ્રૅઝેન્ટટિવનાં પ્રથમ મહિલા સ્પીકર બન્યાં.

4 વર્ષ બાદ ડેમૉક્રેટ સાંસદોએ બહુમતી ગુમાવી, પરંતુ રાજકીય ઊથલપાથલના સમયગાળામાં પણ નૅન્સી પેલોસી એક મજબૂત અવાજ તરીકે ઊભરી રહ્યાં.

અને આ વર્ષે ફરી એક વાર સ્પીકર અને દેશનાં સૌથી તાકાતવર મહિલા બની ગયાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો