ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયા શરૂ

અમેરિકાનાં પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૅન્સી પલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી છે.

ડેમૉક્રેટે ઔપચારિક રીતે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના પર લાગેલા આરોપોનો ઇનકાર કર્યો છે.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ડેમૉક્રેટિક પ્રતિદ્વંદ્વી જો બાઇડન અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારના દાવાઓની તપાસ કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમીર ઝેલેસ્કીને દબાણ કર્યું હતું

જોકે, ટ્રમ્પે એ વાત જરૂર સ્વીકારી છે. તેમણે પોતાના રાજકીય પ્રતિદ્વંદ્વી વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી.

નૅન્સી પલોસીનું કહેવું છે કે ટ્રમ્પે અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની જવાબદારી નક્કી થવી જોઈએ, તેઓ કોઈ પણ કાયદાથી ઉપર નથી.

ટ્રમ્પને પદ પરથી હટાવવા માટેની કોઈ પણ કોશિશમાં વીસ રિપબ્લિકન સાંસદોની જરૂર પડશે, જે પોતાના જ રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિદ્રોહ કરે.

અત્યાર સુધી અમેરિકામાં કોઈ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા હટાવવામાં આવ્યા નથી.

જો બાઇડને પણ મહાભિયોગની પ્રક્રિયાને શરૂ કરવાની વાતને સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું, "ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવો દુર્ભાગ્યપૂર્ણ હશે, પરંતુ એ તેમના ખુદના કારણે થઈ રહ્યું છે."

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડન 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીઓમાં ટ્રમ્પને ટક્કર આપી શકે છે.

ટ્રમ્પે કહ્યું કે મહાભિયોગ તેમના માટે રાજકીય રીતે સકારાત્મક હશે.

માનવામાં આવી રહ્યું છે કે નીચલા સદનમાં 145થી 235 ડેમૉક્રેટ સાંસદો મહાભિયોગના સમર્થનમાં છે.

જોકે, મહાભિયોગની પ્રક્રિયા નીચલા સદનમાં પૂરી થઈ જાય તો પણ રિપબ્લિકનના બહુમતવાળી સેનેટમાં પાસ થાય તે મુશ્કેલ છે.

ઑપિનિયન પોલ એવું દર્શાવે છે કે અમેરિકાના મતદારોમાં આ પ્રક્રિયા વધારે લોકપ્રિય નથી.

સમગ્ર મામલો શું છે?

ગયા અઠવાડિયે ખબર આવી હતી કે અમેરિકાના જાસૂસી અધિકારીઓએ સરકારના એક વૉચડૉગને ફરિયાદ કરી હતી કે ટ્રમ્પે એક વિદેશી નેતા સાથે વાતચીત કરી છે.

બાદમાં જાણવા મળ્યું કે આ વિદેશી નેતા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમીર ઝેલેસ્કી છે.

ઇન્ટેલિજન્સ ઇન્સ્પેક્ટર જનરલે વ્હિસલ બ્લોઅરની ફરિયાદને તાત્કાલિક ધ્યાનમાં લેવા યોગ્ય અને વિશ્વસનીય માની હતી.

આ ફરિયાદની કૉપી ડેમૉક્રેટ સાંસદોએ પણ માગી હતી પરંતુ વ્હાઇટ હાઉસ અને ન્યાય વિભાગે તેની કૉપી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ હતી એ હજી સુધી સાફ થયું નથી.

જોકે, ડેમૉક્રેટનો આરોપ છે કે ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ પર બાઇડન અને તેમના પુત્ર વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનું દબાણ કર્યું હતું. આવું ન કરવા પર યુક્રેનને મળતી સૈન્ય મદદ રોકવાની ધમકી આપવામાં આવી હતી.

ટ્રમ્પે માન્યું કે તેમણે ઝેલેસ્કી સાથે જો બાઇડન અંગે ચર્ચા કરી હતી પરંતુ તેમણે એવું પણ કહ્યું હતું કે તેમણે સૈન્ય મદદ રોકવાની ધમકી એટલા માટે આપી કારણ કે યુરોપ પણ મદદ માટે આગળ આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો