Top News : ટ્રમ્પે WTOમાંથી બહાર નીકળવાની ધમકી આપી

USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું છે કે જો શરતો નહીં માનવામાં આવે તો US વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન(WTO) છોડી દેશે.

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર એજન્સી એએફપીના અહેવાલમાં લખ્યું છે કે પેન્સિલવેનિયામાં ટ્રમ્પે કૅમિકલ પ્લાન્ટના કર્મચારીઓને સંબોધન કરતા કહ્યું હતું કે 'જો અમારે નીકળવું હશે તો અમે નીકળી જઈશું.'

"આપણને ખબર છે કે તેઓ આટલા વર્ષથી આપણને કેમ મરડી રહ્યા છે, પણ હવે તેનું પુનરાવર્તન થવા નહીં દઈએ."

ચીન WTOમાં જોડાયું એ વખતે તેમની સ્વીકારાયેલી શરતો અંગે ટ્રમ્પ ટીકા કરતા આવ્યા છે.

આ અગાઉ પણ ટ્રમ્પે WTO પર નિશાન સાધ્યું છે અને WTO છોડી દેવાની ચીમકી પણ આપી છે.

કાશ્મીરમાં 15 ઑગસ્ટ પછી નિયંત્રણો હળવા થઈ શકે છે : રાજ્યપાલ મલિક

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે 15 ઑગસ્ટ પછી નિયંત્રણો હળવા થઈ શકે છે.

રાહુલ ગાંધીની કાશ્મીર પર ટિપ્પ્ણી અને મુલાકાત વિવાદ અંગે પણ તેમણે વાત કરી.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' સાથેની વિશેષ વાતચીતમાં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે એમ પણ કહ્યું હતું કે કૉંગ્રેસના પૂર્વઅધ્યક્ષ રાહુલ ગાંધી સરહદ પારના પ્રચારોના આધારે કાશ્મીર અંગે વાત કરી રહ્યા છે.

મલિકનું કહેવું છે, "મેં રાહુલ ગાંધીને કાશ્મીરમાં જાતે આવીને સ્થિતિ જોવા માટે કહ્યું હતું, પણ તેમણે મુલાકાત અંગે કેટલીક શરતો મૂકી હતી."

"તેઓ ડેલિગેશન સાથે આવવા માગે છે, અટકાયત કરાઈ છે તેવા નેતાઓને મળવા માગે છે. શું આ શક્ય છે? જેથી આમંત્રણ પાછું ખેંચી લીધું છે."

રાજકીય કેસોમાં CBI તપાસ યોગ્ય થતી નથી : ચીફ જસ્ટિસ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મંગળવારે સીબીઆઈને વધારે સ્વાયત્તતા આપવાની વકાલત કરતા કહ્યું કે જ્યારે કેસ રાજનીતિ સાથે જોડાયેલો ન હોય ત્યારે સીબીઆઈ સારું કામ કરે છે.

તેમણે એવું પણ કહ્યું કે રાજનીતિ સંલગ્ન સંવેદનશીલ કેસોમાં સીબીઆઈની તપાસ ધોરણોને અનુરૂપ હોતી નથી.

ચીફ જસ્ટિસ ગોગોઈએ ડી. પી. કોહલી મેમોરિયલ લૅક્ચર દરમિયાન આ વાત કહી હતી.

આ અંગેનાં કારણો ગણાવતાં તેમણે આ મુજબનાં કારણો આપ્યાં : કાયદાકીય અસ્પષ્ટતા, નબળું માનવસંસાધન, જવાબદારી, રાજકીય અને પ્રશાસનિક હસ્તક્ષેપ.

તેમણે એવું પણ કહ્યું કે સીબીઆઈની પોતાની એક ખાસ જગ્યા છે પણ તેમની અસફળતા વધારે ધ્યાને ખેંચે છે.

દ્વારકા-પોરબંદરમાં 15 માછીમારોનાં મૃત્યુ

દરિયામાં બોટ ઊંઘી વળી જવાને લીધે દ્વારકા અને પોરબંદરમાં કુલ 15 માછીમારોનાં મૃત્યુ થયાં છે અને હજી 2 માછીમારો દરિયામાં લાપતા છે, તેમ હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.

અખબાર દ્વારકા પોલીસને ટાંકીને લખે છે કે ગત બે મહિનાનો બંધ હોવા છતાં શુક્રવારે રૂપેણ બંદરથી 24 માછીમારો 6 બોટમાં માછીમારી કરવા ગયા હતા અને દરિયામાં ફસાયા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાએ કહ્યું કે અત્યાર સુધી 8 મૃતદેહો પોરબંદર દરિયા કિનારેથી મળી આવ્યા છે.

એમણે એમ પણ કહ્યું કે શનિવારથી અત્યાર સુધી કુલ 88 લોકોને અલગઅલગ ઘટનાઓમાં બચાવી લેવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો