You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News: નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સામે કાશ્મીર મુદ્દે મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો નથી : ભારત
ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાને તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વૉશિંગ્ટનમાં એક પત્રકારપરિષદમાં ટ્રમ્પે કહ્યું, "બે અઠવાડિયાં પહેલાં જ મારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે શું તમે મધ્યસ્થી બનવા ઇચ્છો છો? મેં પૂછ્યું ક્યાં? તેમણે કહ્યું, કાશ્મીરમાં."
ટ્રમ્પે કહ્યું, "જો હું મદદ કરી શકું તો મને મધ્યસ્થી બનીને ખુશી થશે."
ટ્રમ્પના આ નિવેદનને ભારતે રદિયો આપ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર કહ્યું, "અમે પ્રેસમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું નિવેદન જોયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ માગ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે કરી નથી."
તેમણે કહ્યું, "ભારતનો સતત એ મત રહ્યો છે કે પાકિસ્તાન સાથે દરેક મુદ્દા પર દ્વિપક્ષી વાતચીત થશે. પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીતમાં શરત એ જ છે કે તે સરહદ પરથી ઉગ્રવાદ બંધ કરે."
આ મુદ્દે કૉંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
કૉંગ્રેસના પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, "ભારતે ક્યારેય જમ્મુ-કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો સ્વીકાર કર્યો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્ણાટકની વિધાનસભામાં આજે સાંજે 6 વાગે મતદાન થશે
કર્ણાટકમાં રાજકીય ઘમસાણ યથાવત છે. એનડીટીવીના અહેવાલ મુજબ વિશ્વાસના મત મુદ્દે સોમવારે પણ વાદ-વિવાદની સ્થિતિ રહી અને પછી નિર્ણય મંગળવાર સુધી ખેંચાયો છે.
વિધાનસભા અધ્યક્ષ કે. આર. રમેશ કુમારે રાત્રે લગભગ 12 વાગ્યે વિધાનસભાને સ્થગિત કરી દીધી.
તેમણે કહ્યું કે મંગળવારે સાંજે 6 વાગ્યે વિશ્વાસનો મત લેવામાં આવશે.
આ પહેલાં કર્ણાટકના પૂર્વમુખ્ય મંત્રી અને ભાજપના નેતા યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ વિશ્વાસના મત માટે અડધી રાત સુધી પણ રાહ જોવા તૈયાર છે.
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રીએ કહ્યું છે કે તેઓ આજે વિશ્વાસનો મત હાંસલ કરશે અને બહુમત સાબિત કરશે.
જ્યારે સ્પીકર કે. આર. રમેશે કહ્યું, "મને વૉટ્સઍપ પર વિપક્ષના નેતાઓના મૅસેજ મળ્યા છે કે મારે આજે વિશ્વાસના મતની પ્રક્રિયા પૂરી કરી નાખવી જોઈએ. હું મારા શબ્દો પર અડગ રહેવા માગું છું."
ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર 10 વર્ષની સજાનો પ્રસ્તાવ
ધ હિંદુના અહેવાલ મુજબ ક્રિપ્ટોકરન્સીની કાયદાકીય બાબતોની તપાસ કરવા માટે નાણા મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિએ એક રિપોર્ટ નાણા મંત્રાલયને સોંપ્યો છે, જેમાં ભલામણ કરવામાં આવી છે કે ભારતમાં ખાનગી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેમજ તેનો ઉપયોગ કરનારને વ્યક્તિને દસ વર્ષ સુધીની સજા કરવી જોઈએ.
આ સમિતિ દ્વારા ' ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અને ડિજિટલ કરન્સી નિયમન બિલ 2019' કાયદાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
જે ગુનેગારને 10 વર્ષ સુધીની સજાની ભલામણ કરે છે. જોકે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટોકરન્સીના ઇશ્યુની દિશા ખૂલી રાખવાની પણ વાત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો