You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને કરી મોતની સજા
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાનને દાવો કર્યો છે તે તેણે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે કામ કરી રહેલા 17 જાસૂસોની ધરપકડ કરી છે અને તેમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે.
ઈરાનના ગુપ્તચર વિભાગે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સૈન્ય અને પરમાણુ ગતિવિધિઓ વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનો આ દાવો નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે આ સાવ ખોટું છે.
ઈરાનના સરકારી મીડિયાએ જાહેરાત કરી છે કે કથિત જાસૂસોની ધરપકડ માર્ચ 2019 સુધી એક વર્ષમાં કરવામાં આવી છે.
ગત શુક્રવારે ઈરાનની ખાડીમાં બ્રિટનનું તેલ ટૅન્કર જપ્ત કરવાનો અહેવાલ હતો.
વળી, ગત મહિને ઈરાને અમેરિકાનું એક ડ્રૉન ઉડાવી દીધું હતું અને કહ્યું હતું કે તે ઈરાનની હવાઈ સીમામાં પ્રવેશ્યું છે. જોકે, અમેરિકાએ ઈરાનનો આ દાવો પણ નકારી કાઢ્યો હતો.
આ ઘટના પછી એવો પણ અહેવાલ હતો કે ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકાની સેના તૈયાર હતી, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લી ઘડીએ હુમલો રોકી દેવાનો આદેશ આપ્યો.
અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાન અને અમેરિકા વચ્ચે ખટરાગનું કારણ શું?
ગત વર્ષે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કરેલી પરમાણુ સંધિ તોડી નાખ્યા પછી તણાવની શરૂઆત થઈ હતી. અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સમજૂતી રદ કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે તે 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય દરમિયાન થયેલી સંધિથી ખુશ નહોતા.
અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની આલોચના પણ કરી હતી.
ટ્રમ્પ વહીવટી તંત્રને આશા હતી કે તે ઈરાન સરકારને આ નવી સંધિ કરવા માટે મજબૂર કરી દેશે અને આની અંદર ઈરાનને માત્ર પરમાણુ કાર્યક્રમ નહીં, પરંતુ બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે.
અમેરિકાનું એ પણ કહેવું છે કે આનાથી મધ્ય પૂર્વમાં ઈરાનનું 'અશિષ્ટ વર્તન' પણ નિયંત્રિત થશે. જોકે ઈરાન અમેરિકાના પ્રતિબંધોને ગેરકાનૂની ગણાવે છે.
ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું હતું કે તેમની પાસે અમેરિકી પ્રતિબંધોનો જવાબ આપવા માટે અનેક વિકલ્પ છે.
તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચવાથી રોકવામાં આવ્યું તો તેનાં ગંભીર પરિણામ આવશે.
ઈરાનના ઉચ્ચ જનરલે પણ કહ્યું હતું કે જો ઈરાનને વધારે અવરોધોનો સામનો કરવો પડશે તો તે સામૂહિક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ જળસંધિ માર્ગને બંધ કરી શકે છે.
તેમણે કહ્યું, 'જો અમારાં તેલનાં વહાણો જળસંધિમાંથી નહીં જાય તો બાકીના દેશનાં તેલનાં વહાણો પણ જળસંધિ પાર કરી શકશે નહીં.'
ઈરાન પર પ્રતિબંધો અને સ્થિતિ
એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે મજબૂર કરીને તેની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માગે છે.
સામે ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ હાલતમાં અમેરિકા સામે ઝૂકવાનું નથી.
અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બાકાત કરી ફરીથી ઈરાન પર ઊર્જા, શિપિંગ અને અન્ય આર્થિક ક્ષેત્રોમાં પ્રતિબંધ લાગુ કર્યા હતા. આનાથી ઈરાનને ખૂબ નુકસાન થયું અને તેલની નિકાસ પર પણ અસર પહોંચી.
આ પ્રતિબંધો મુજબ અમેરિકન કંપનીઓ ઈરાન સાથે વેપાર ન કરી શકે અને અન્ય વિદેશી કંપનીઓ ઈરાન સાથે વેપાર કરે તો તેમને પણ અસર પહોંચે.
આને કારણે ઈરાનમાં પ્રાથમિક વસ્તુઓની અછત સર્જાઈ છે. ઈરાની ચલણ રિયાલનું મૂલ્ય ઘટ્યું છે અને મોંઘવારી વધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો