મહેન્દ્રસિંહ ધોની : ભારતની ક્રિકેટ ટીમમાં નથી, તો બે મહિના આર્મીમાં શું કરશે?

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

ટી-20, વન ડે અને ટેસ્ટ માટે જાહેર કરાયેલી એક પણ ટીમમાં ભારતના પૂર્વ કપ્તાન ધોની નહીં હોય.

ધોનીએ ટીમની પસંદગી થાય તે પહેલાં જ બીસીસીઆઈને જણાવી દીધું હતું કે તેઓ આ પ્રવાસનો ભાગ બનવા માગતા નથી.

વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડ સામેની હાર બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે.

જોકે, હાલ તો ધોની બે મહિના માટે ભારતની આર્મીમાં તાલીમ લેવા જઈ રહ્યા છે.

આ બે મહિના દરમિયાન ધોની શું કરશે?

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ ધોની બે મહિના સુધી ભારતીય સેનાની પૅરાશૂટ રેજિમૅન્ટ સાથે ટ્રેનિંગ લેશે.

અહેવાલમાં સેનાનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ધોનીએ આ તાલીમ માટે અરજી કરી હતી, જે ભારતીય સેનાના વડા બિપિન રાવતે મંજૂર કરી દીધી છે.

તાલીમ લેવા જઈ રહેલા ધોનીને કોઈ ચાલુ ઑપરેશનમાં સામેલ કરવામાં આવશે નહીં.

ધોનીને આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો દરજ્જો આપવામાં આવ્યો છે.

લેફ્ટનન્ટ કર્નલનો દરજ્જો કેવી રીતે મળ્યો?

ધોનીને વર્ષ 2011માં ભારતીય આર્મી તરફથી લેફ્ટનન્ટ કર્નલનો માનદ હોદ્દો આપવામાં આવ્યો હતો.

જેના કારણે તેઓ તેઓ ટૅરિટોરિયલ આર્મીની 106 ઇન્ફન્ટ્રી બટાલિયનના સભ્ય છે.

આ બટાલિયન ભારતીય સેનાની બે પૅરાશૂટ રેજિમૅન્ટ બટાલિયનમાંની એક છે.

આ પહેલાં વર્ષ 2015માં મહેન્દ્રસિંહ ધોની એલાઇટ પૅરા રેજિમૅન્ટ સાથે તાલીમ લઈ ચૂક્યા છે. આ કોર્સ પૂરો કર્યા બાદ તેમણે પૅરાશૂટ જમ્પ પણ પૂરા કર્યા હતા.

ધોનીનાં ગ્લવ્ઝ વિશે વર્લ્ડ કપમાં વિવાદ

ધોનીનો સેના માટેનો પ્રેમ જગજાહેર છે. વર્ષ 2007માં તેઓ આર્મી દ્વારા આયોજિત મૅચમાં મહેમાન ખેલાડી તરીકે રમવા માટે પણ ગયા હતા. જેમાં તેઓ આર્મીના યુનિફોર્મમાં જોવા મળ્યા.

વર્લ્ડ કપ 2019માં દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ધોનીની બેટિંગે જેટલું ધ્યાન ન ખેચ્યું એનાથી વધારે ધ્યાન તેમનાં ગ્લવ્ઝે ખેંચ્યું હતું.

તેનું કારણ હતું ધોનીનાં વિકેટકીપિંગ ગ્લવ્ઝ પર દોરવામાં આવેલું એક નિશાન.

જેવી મૅચ કૅમેરામાં કેદ થવા લાગી અને વીડિયો ગ્રૅબ વાઇરલ થયા, સૌથી વધારે ચર્ચા ધોનીનાં ગ્લવ્ઝની થઈ.

કારણ કે ચાહકોએ ધ્યાનથી જોયું કે ધોનીનાં ગ્લવ્ઝ પર એક વિશેષ ચિહ્ન દોરેલું છે.

ઝૂમ કરીને જોતાં ખ્યાલ આવ્યો હતો કે ધોનીનાં ગ્લવ્ઝ પર ઇન્ડિયન પૅરા સ્પેશિયલ ફોર્સની રેજિમૅન્ટલ ડૅગર બનેલી છે.

આ સિમ્બૉલને ઓળખ્યા પછી ચાહકો ધોનીના દેશપ્રેમ અને સુરક્ષાદળો પ્રત્યેના પ્રેમ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવા લાગ્યા હતા.

આ રેજિમૅન્ટલ ડૅગર ઇનસિગ્નિયા પૅરા એસએફ, પૅરાશૂટ રેજિમૅન્ટ સાથે જોડાયેલી ભારતીય સૈન્યની સ્પેશિયલ ઑપરેશન યુનિટનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતીય સૈન્યનું પૅરાશૂટ યુનિટ, દુનિયાનું સૌથી જૂનું ઍરબોર્ન યુનિટમાંનું એક છે.

વિવાદ કેમ?

આઈસીસીએ કહ્યું હતું, "ટુર્નામેન્ટના નિયમો પ્રમાણે કપડાં કે અન્ય ચીજો પર કોઈ પણ પ્રકારના અંગત સંદેશાઓ અથવા ચિહ્ન લગાવી શકાતાં નથી. એ સિવાય વિકેટકીપરનાં ગ્લવ્ઝ પર શું હોવું જોઈએ એ અંગેના સ્ટાન્ડર્ડ્ઝનું પણ આ ઉલ્લંઘન છે."

ભારતમાં ટ્વિટર પર #DhoniKeepTheGlove એટલે કે 'ધોની મોજાં પહેરી રાખો'નો ટ્રૅન્ડ શરૂ થઈ ગયો હતો.

રમતગમતમંત્રી સહિત ઘણા ખેલાડીઓએ પણ આ અંગે ટ્વીટ કર્યાં હતાં.

ભારતીય પૅરાશૂટ બ્રિગેડની રચના

50મી ભારતીય પૅરાશૂટ બ્રિગેડની રચના 1941માં કરાઈ હતી.

જે બ્રિટિશ 151મી પૅરાશૂટ બટાલિયન, બ્રિટિશ ઇન્ડિયન આર્મી 152મી ભારતીય પૅરાશૂટ બટાલિયન અને 153મી ગોરખા પૅરાશૂટ બટાલિયનથી મળીને બની હતી.

પૅરાશૂટ રેજિમૅન્ટમાં હાલ નવ સ્પેશિયલ ફોર્સિઝ, પાંચ ઍરબોર્ન, બે ટૅરિટોરિયલ આર્મી અને એક કાઉન્ટર ઇમર્જન્સી (રાષ્ટ્રીય રાઇફલ્સ) બટાલિયનનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો