You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આનંદીબહેન પટેલની બદલી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં
દેશનાં કેટલાંય રાજ્યોના રાજ્યપાલની ફેરબદલી કરાઈ છે. આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનાં રાજ્યપાલમાંથી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.
તો બિહારના રાજ્યપાલ લાલજી ટંડનની મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે.
આ બદલીને પગલે ફાગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે આરએન રવિને નાગાલૅન્ડના રાજ્યપાલ બનાવાયા છે.
તો જગદીપ ધાનકરને પશ્ચિમ બંગાળના અને રમેશ બાયસને ત્રિપુરાના રાજ્યપાલ નિમણૂક કરાયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અલાહાબાદ હાઈકોર્ટે નોટિસ પાઠવી
સ્ક્રોલના અહેવાલ મુજબ અલાહાબાદ હાઈકોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નોટિસ પાઠવી છે.
લોકસભા ચૂંટણી 2019માં વારાણસીથી નરેન્દ્ર મોદી સામે બીએસએફના પૂર્વ કર્મચારી તેજબહાદુર યાદવે પણ ઉમેદવારી નોંધાવી હતી.
તેજબહાદુરની ઉમેદવારી રદ કરી દેવામાં આવી હતી, જેથી વડા પ્રધાન મોદી વિરુદ્ધ તેમણે પિટિશન દાખલ કરી છે.
જેના આધારે અલાહાબાદ હાઈકોર્ટે વડા પ્રધાન મોદીને નોટિસ પાઠવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવાલ મુજબ જસ્ટિસ એમ. કે. ગુપ્તા 21 ઑગસ્ટના રોજ આ કેસની સુનાવણી કરશે.
તેજબહાદુર યાદવે કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમની ઉમેદવારી ખોટી રીતે નામંજૂર કરવામાં આવી હતી. જેથી નરેન્દ્ર મોદીની લોકસભાના સભ્ય તરીકેની ચૂંટણી રદ કરવી જોઈએ.
તેજબહાદુરે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેઓ સેનામાંથી કાઢવામાં નથી આવ્યા, તેવું સર્ટિફિકેટ જમા કરાવી શક્યા નહોતા.
જેથી ચૂંટણીપંચે તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી અને તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા.
બિહાર-આસામમાં ભયાનક પૂર, 139નાં મૃત્યુ
બિહાર અને આસામમાં આવેલા ભયાનક પૂરની સ્થિતિ યથાવત છે. અત્યાર સુધી પૂરના કારણે કુલ 139 લોકોનાં મૃત્યુ થયાં છે.
છેલ્લા 24 કલાકમાં બિહારમાં પૂરના કારણે 12 લોકોનાં મૃત્યુ થયાં જ્યારે આસામમાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે.
નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ બિહારમાં અત્યાર સુધીમાં 92 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે આસામમાં 47 લોકોનાં મૃત્યુ થયાં છે.
બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે પૂર પીડીત પરિવારો માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ જાહેર કરી છે, જેના ભાગરૂપે પરિવારોના ખાતામાં છ હજાર રૂપિયા આવશે.
બીજી તરફ વડા પ્રધાન મોદીએ આસામના સાંસદોના પ્રતિનિધિ મંડળને પૂર રાહત માટે કેન્દ્ર તરફથી દરેક પ્રકારની મદદનું વચન આપ્યું છે.
બિહારમાં 12 જિલ્લાના 67 લાખ લોકો તથા આસામમાં 33 જિલ્લાના 49 લાખ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે.
કર્ણાટકમાં હવે વિશ્વાસ મત સોમવારે
કર્ણાટક વિધાનસભામાં શુક્રવારનો દિવસ પર નાટકિય રહ્યો. રાજ્યપાલના કહેવા છતાં વિશ્વાસના મત પર મતદાન થયું નહીં અને વિધાનસભા અધ્યક્ષે સદનની કાર્યવાહીને સોમવાર સુધી સ્થગિત કરી દીધી હતી.
કર્ણાટકમાં કૉંગ્રેસ અને જનતાદળ સેક્યુલરની ગઠબંધન સરકારને રાજ્યપાલે વિશ્વાસનો મત હાંસલ કરવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો હતો પરંતુ વિવાદોના કારણે સોમવાર સુધી પ્રક્રિયા ટળી ગઈ છે.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્ય મંત્રીને બે પત્ર લખીને કહ્યું હતું કે શુક્રવાર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ, વિસ્તારપૂર્વક થઈ રહેલી ચર્ચા અને વિવાદ એટલા માટે થઈ રહ્યા છે કે વિશ્વાસનો મત મેળવવામાં વાર લાગે.
તેમણે લખ્યું હતું કે ધારાસભ્યોની ખરીદી અને લાલચ આપીને પોતાના પક્ષમાં લેવાની ઘણી ફરિયાદો તેમની સામે આવી છે.
આ અંગે મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે તેમને રાજ્યપાલના બીજા પત્રથી ઘણું દુઃખ થયું છે.
સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના અભ્યાસક્રમમાં આરએસએસનું પ્રકરણ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના માસ્ટર ઑફ આર્ટ્સના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગેનું પ્રકરણ- 'આરએસએસ અને તેની રાષ્ટ્ર ઘડતરમાં ભૂમિકા'નો સમાવેશ કરવામાં આવશે.
આવનારા શૈક્ષણિક વર્ષથી એમએના ત્રીજા સત્રના અભ્યાસક્રમમાં આ પ્રકરણ સામેલ કરાશે.
ગુજરાત ભાજપના પાયામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર આરએસએસની રાજકીય પાંખ જનસંઘના ચિમનભાઈ શુક્લના પુત્ર અને યૂનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ દ્વારા આ દરખાસ્ત મૂકવામાં આવી હતી.
તેમણે યુનિવર્સિટીને લખેલા પત્રમાં કહ્યું હતું કે આઝાદી પછી લાંબા સમય સુધી કૉંગ્રેસ સત્તા પર રહી હોવાથી તેમણે ગાંધી પરિવાર સિવાયના આઝાદીના લડતના સૈનિકોના ઇતિહાસને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપ્યું નથી.
જ્યારે કુલપતિ નીતિન પેથાણીએ કહ્યું કે દરખાસ્તને મંજૂરી માટે શિક્ષણ બોર્ડમાં મોકલવામાં આવી છે અને અમારો ઇતિહાસ વિભાગ તેના અભ્યાસક્રમ પર કામ કરી રહ્યો છે.
ઈરાને હોર્મુઝની ખાડીમાંથી બ્રિટીશ ટૅન્કર જપ્ત કર્યું
બ્રિટનના વિદેશ મંત્રી જેરેમી હન્ટે કહ્યું છે કે, જો ઈરાન બ્રિટિશ ફ્લેગ વાળું ટૅન્કર છોડશે નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવાં પડશે.
ધ સ્ટેના ઇમ્પેરોઝ નામના આ ટૅન્કરના માલિક કહે છે કે તેઓ પોતાના ટૅન્કર સાથે સંપર્ક સાધી શક્યા નથી, બોટ પર 23 લોકો છે, જે ઈરાનથી ઉત્તર તરફ જઈ રહ્યું હતું.
હન્ટે કહ્યું કે તેની સાથે બીજા ચાર ટૅન્કર હતાં અને એક હૅલિકોપ્ટર હતું.
અન્ય એક ટૅન્કર પણ જપ્ત થયું હતું, પરંતુ તેમાં બ્રિટિશ સૈનિકો હોવાથી તેને છોડી મૂકાયું હતું અને તેની માલિક કંપનીને તેની સાથે ફરી સંપર્ક થઈ શક્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો