પાકિસ્તાન સરકારના નાકે દમ લાવી દેનાર પઠાણ મંઝૂર પશ્તીન

પાકિસ્તાની પઠાણ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પાકિસ્તાની સૈન્યનું કહેવું છે કે ગયા રવિવારે ઉત્તર પાકિસ્તાનના વઝિરિસ્તાનના ખાર કમર વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓ અને સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં અને ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા.

સેનાનું કહેવું છે કે આ પ્રદર્શનકારીઓના એક જૂથે સેનાની એક ચેકપોસ્ટ પર હુમલો કરી દીધો હતો. તેઓ પશ્તૂન તહફ્ફૂઝ મૂવમૅન્ટ (પીટીએમ) સાથે જોડાયેલા હતા.

જોકે, પીટીએમનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા અને સેનાએ બિનહથિયારધારી વિરોધીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

હુમલા બાદ પાકિસ્તાનના ટ્વિટર પર #StateAttackedPTM ટ્રૅન્ડ થવા લાગ્યું. જોકે, પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર અન્ય સમાચાર દર્શાવાઈ રહ્યા હતા.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ઘાયલોમાં પાંચ સૈનિક પણ સામેલ છે.

પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ડૉનના અહેવાલમાં સેનાનો હવાલો આપીને કહેવાયું છે કે મોહસિન ડાવર અને અલી વજીર હુમલો કરનાર જૂથની આગેવાની કરી રહ્યા હતા અને તેઓ પીટીએમ સાથે જોડાયેલા છે.

પાકિસ્તાનના માનવાધિકાર આયોગે મૃત્યુ અંગેના આ મામલાની તપાસ કરવા કહ્યું છે.

આયોગનું કહેવું છે કે હિંસક વલણના કારણે પીટીએમ સમર્થકો અને સેના વચ્ચે તણાવ વધશે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

જૂનો વિવાદ

પશ્તૂન લોકો દક્ષિણ પાકિસ્તાનના વજીરિસ્તાન વિસ્તારમાં રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્તૂન લોકો દક્ષિણ પાકિસ્તાનના વજીરિસ્તાન વિસ્તારમાં રહે છે

પીટીએમ અને સેના વચ્ચે વિવાદનો આ મુદ્દો નવો નથી.

જ્યારે પાકિસ્તાની સરકારે ઉગ્રવાદી જૂથો વિરુદ્ધ ઝુંબેશ છેડી હતી ત્યારે તેના કેન્દ્રમાં અફઘાનિસ્તાનની સીમા સાથે જોડાયેલો પાકિસ્તાનનો વિસ્તાર હતો.

આ કબીલાના વિસ્તારો પર કાબૂ મેળવવા માટે સરકાર લાંબા સમયથી ગડમથલ કરી રહી છે.

સેનાની આ ઝુંબેશને કેટલીક હદે સફળતા પણ મળી રહી છે તેવું મનાય રહ્યું છે. પરંતુ ત્યાં રહેતા પશ્તૂન સમુદાયના લોકો માને છે કે આ ઝુંબેશમાં તેમની સાથે ખોટું થયું છે.

પશ્તૂન સમુદાય તેની વિરુદ્ધ આંદોલન કરી રહ્યો છે. તેમની માગ છે કે અફઘાનિસ્તાનની સીમા પાસે આવેલા આ કબીલાના વિસ્તારમાંથી અંગ્રેજોના સમયનો કાળો કાયદો રદ કરીને ત્યાં પણ પાકિસ્તાની બંધારણ લાગુ કરવામાં આવે.

તથા વઝિરિસ્તાન અને અન્ય કબીલાના વિસ્તારોને પણ એ મૂળભૂત હકો મળે જે કરાચી, ઇસ્લામાબાદ કે લાહોરના અન્ય નાગરિકોને મળે છે.

તાલિબાન વિરુદ્ધ સૈન્ય ઑપરેશનમાં સામાન્ય લોકોનાં ઘર અને વેપારને જે નુકસાન થયું તેનું વળતર આપવામાં આવે, તેમજ આ વિસ્તારોની ચેકપોસ્ટ પર લોકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે.

પરંતુ રાષ્ટ્રીય સંસ્થાઓને શંકા છે કે આંદોલનની આગેવાની કરી રહેલા પીટીએમના તાર રાષ્ટ્ર વિરોધી તાકાતો સાથે જોડાયેલા છે.

પશ્તૂન તહફ્ફૂઝ મૂવમૅન્ટની શરૂઆત વર્ષ 2014માં મંઝૂર પશ્તીન નામના યુવાને કરી હતી.

શરૂમાં એ લોકોને પોતાની સાથે જોડવામાં સફળ ન રહ્યો, પણ ધીરે-ધીરે તેના સમર્થકો એટલા વધી ગયા કે તે પાકિસ્તાની સરકાર સામે એક પડકાર બની ગયો.

line

કોણ છે મંઝૂર?

નકીબુલ્લાહ મેહસૂદ

ઇમેજ સ્રોત, BBC urdu

ઇમેજ કૅપ્શન, નકીબુલ્લાહ મેહસૂદ

25 વર્ષીય મંઝૂર પશ્તીન પાકિસ્તાનના યુદ્ધગ્રસ્ત વિસ્તાર દક્ષિણ વઝિરિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ વિસ્તાર પાકિસ્તાની તાલિબાનની મજબૂત પકડ માટે જાણીતો છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ વઝિરિસ્તાનના વતની નકીબુલ્લાહ મેહસૂદનું કરાચીમાં થયેલા પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું. ત્યારથી મંઝૂર પશ્તીન પાકિસ્તાની અખબારોમાં ચમકતા થયા હતા.

નકીબુલ્લાહ એક ઊભરતા મૉડલ હતા. તેમનાં મૃત્યુ વિરુદ્ધ લોકોએ પ્રદર્શન શરૂ કર્યું, જેમાં મંઝૂર પશ્તીન જોડાઈ ગયા અને બહુ ઓછા સમયમાં સમાચારોમાં છવાઈ ગયા.

મંઝૂર પશ્તીનને પાકિસ્તાનમાં દબાયેલા-કચડાયેલા સમાજના અવાજ તરીકે ઓળખવામાં આવે છે.

પાકિસ્તાનનો બીજો સૌથી મોટો પશ્તૂન સમાજ સતત સુરક્ષા, નાગરિક સ્વાતંત્ર્ય અને સમાન અધિકાર માટે લડતો રહે છે.

મંઝૂર પશ્તીને વર્ષ 2014માં પશ્તૂન તહફ્ફૂઝ મૂવમૅન્ટની શરૂઆત કરી હતી. પણ અભિયાન કોઈ ખાસ કમાલ કરી શક્યું નહીં.

લાઇન
લાઇન

જાન્યુઆરી 2018માં થયેલી નકીબુલ્લાહની હત્યા બાદ તેઓ એક ખાસ વર્ગ માટે એકાએક હીરો બની ગયા. તેમનાં મૃત્યુ વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન દેશના ઘણા વિસ્તારોમાં ફેલાવવા લાગ્યું.

આ વિરોધ-પ્રદર્શનો વચ્ચે મંઝૂર પશ્તીને સોશિયલ મીડિયાની મદદથી પશ્તૂન યુવાઓમાં પોતાની તાકાત વધારવાની શરૂ કરી દીધી અને તેમની વચ્ચે પોતાનાં ભાષણો શૅર કરવાં લાગ્યાં.

આ ભાષણોમાં તેઓ કબીલાના સમુદાયો, ખાસ કરીને પશ્તૂનોના હકની વાત કરતા જણાતા. યુવાનો તેમનાં ભાષણોથી પ્રભાવિત થઈને તેમની સાથે જોડાતા ગયા.

બાદમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી લાપતા થયેલા લોકોના પરિવારજનો પણ તેમના આંદોલનમાં જોડાવા લાગ્યા અને મંઝૂર પશ્તીન તેમની મુશ્કેલીઓ અને ડ્રૉન હુમલા પીડિતોના મુદ્દાઓ પણ ઉઠાવવા લાગ્યા.

આંદોલનનો અંત થતાં-થતાં સમગ્ર પાકિસ્તાનમાં પશ્તૂનોના અભિયાનને નવું સ્વરૂપ મળ્યું. આ આંદોલન સાથે સોશિયલ મીડિયા પર પણ ચળવળ ચાલુ હતી.

ગયા વર્ષે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં મંઝૂર પશ્તીને કહ્યું હતું, "મેં કંઈ જ નથી કર્યું, આ લોકો (આદિવાસી વિસ્તારોના લોકો)નું સતત શોષણ થતું રહ્યું છે, તેમનું જીવન દુષ્કર થઈ ગયું છે, તેઓ દબાયેલા-કચડાયેલા લોકો છે તેમને માત્ર એક અવાજની જરૂર હતી, જે મેં પૂરો પાડ્યો."

લાઇન
લાઇન

સરકાર માટે પડકાર

સરકાર માટે પડકાર

ઇમેજ સ્રોત, AFP

મંઝૂર પશ્તીનનો અવાજ જેમ-જેમ બુલંદ થતો ગયો તેમ-તેમ પાકિસ્તાન સરકાર માટે તેઓ એક પડકાર બની રહ્યા હતા.

એવો આક્ષેપ છે કે આંદોલનને વેગ ન મળે તે માટે સરકારે પીટીએમ સંબંધિત સમાચારો પર પ્રતિબંધ લાદ્યો છે.

એવો પણ આક્ષેપ છે કે બધું જ સેનાના કહેવાથી થઈ રહ્યું છે, પરંતુ તેના માટે કોઈ ઠોસ પુરાવા મળતા નથી.

મંઝૂર પશ્તીને બીબીસીને કહ્યું હતું કે આદિવાસી લોકોને ઉગ્રવાદીઓ જેવા માનવામાં આવે છે.

તેમણે કહ્યું હતું, "અમે લોકો માત્ર અમારું સન્માન પાછું મેળવવા માગીએ છીએ, અમે રસ્તાની માગ નથી કરતા. વિકાસ નથી જોઈતો, અમે માત્ર અમારો જીવવાનો અધિકાર માગીએ છીએ."

line

સ્વાભિમાનને ઠેસ

પશ્તીન લોકોની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પશ્તીન લોકોની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે.

પશ્તૂનોને એવું લાગે છે કે તેઓ સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે પીસાઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે એક જ રસ્તા પર તાલિબાન અને પાકિસ્તાની સેના બંનેની ચેકપોસ્ટ છે.

જો આ રસ્તા પર કોઈ દાઢીવાળા દેખાય તો સેના તેને ઉગ્રવાદી ગણાવે છે. જો દાઢી ન તો તાલિબાનીઓ તમને સરકારના સમર્થક ગણાવે છે.

મંઝૂર પશ્તીન પુશ્તોમાં બોલે છે, પરંતુ અન્ય કબીલાના લોકોથી ઊલટા તેઓ શિક્ષિત છે અને હિંદી તેમજ અંગ્રેજીમાં પણ સરળતાથી વાત કરી શકે છે.

મંઝૂર પશ્તીનનું કહેવું છે તેમને અપેક્ષા નહોતી કે તેમને આટલું બધું સમર્થન મળશે, પરંતુ તેઓ જાણે છે કે તેમને શું કરવું છે.

તેમણે એક વખત બીબીસી પુશ્તોને કહેલું, "લોકો પર જુલમ થઈ રહ્યા છે. તેમનું જીવન અસહ્ય થઈ ગયું છે. કર્ફ્યૂ અને અપમાને તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે."

મંઝૂર પશ્તીનના આંદોલનને ધીરે-ધીરે રાજકારણીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. જે આવનારા સમયમાં પાકિસ્તાન સરકાર સામે મોટા પડકાર તરીકે ઊભરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો