બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી વિશે તમે જાણવા માગો છો તે બધું જ

    • લેેખક, બીબીસી મૉનિટરિંગ
    • પદ, નવી દિલ્હી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં દેશના અંદાજે 10 કરોડથી પણ વધુ લોકો નવી સરકારના ગઠન માટે મતદાન કરશે.

વર્ષ 1990ના દાયકામાં સૈન્ય શાસનમાંથી મુક્ત થયા બાદ બાંગ્લાદેશની રાજનીતિ મુખ્યત્વે બે પક્ષોથી પ્રભાવિત રહી છે.

એક પક્ષ છે એ.એલ. (આવામી લીગ). હાલમાં તેમની સત્તા છે અને વડાં પ્રધાન તરીકે શેખ હસીનાનો કાર્યકાળ ચાલી રહ્યો છે.

વિરોધ પક્ષમાં છે બીએનપી (બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટી).

એક દાયકા પહેલાં બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર હતી અને તેમનાં વડાં પ્રધાન હતાં ખાલીદા ઝીઆ, પરંતુ ભ્રષ્ટાચારના કેસમાં તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો.

બાંગ્લાદેશની ચૂંટણીમાં સીધો જંગ આ બન્ને મહિલા નેતાઓ વચ્ચે છે, જેમને 'બેટલિંગ બેગમ્સ' નામ અપાયું છે.

ચૂંટણીની આ મોસમમાં અવારનવાર હિંસાઓના કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં અનેક લોકોની ધરપકડ પણ થઈ છે.

ચૂંટણીનું મહત્ત્વ

બાંગ્લાદેશની આ ચૂંટણી આવનારા પાંચ વર્ષ માટે નવી સરકારનું ગઠન કરશે, જે દેશના રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર કામ કરશે.

એએલ વર્ષ 2008થી સત્તા પર છે. સમાયાંતરે વિરોધ પક્ષ ગઠબંધ સાથે તેમની નીતિઓ અને શાસનનો વિરોધ કરતું આવ્યું છે.

વર્ષ 2014માં બીએનપીએ ચૂંટણી પોલ પર દેખરેખ રાખતા વહીવટ વિભાગને ફરીથી લાગુ કરવાની વાતને નકારી કાઢી હતી, જેના કારણે બીએનપીએ સામાન્ય ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો.

બીએનપીના આ નિર્ણયને પગલે એએલ જંગી બહુમતી સાથે જીતી અને સરકાર બનાવી.

આ વખતે પણ સરકાર બીએનપીની માગણીઓને પૂરી ના કરવાના નિર્ણય પર ટકેલી છે, છતાં બીએનપીએ આ ચૂંટણીમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેવી હશે ચૂંટણી?

બાંગ્લાદેશના મતદાતાઓ આજે સંસદ સભ્યો માટે મતદાન કરશે.

350 બેઠકો ધરાવતી સંસદમાં 300 સભ્યોની પસંદગી સીધી કરાય છે, જ્યારે 50 બેઠકો મહિલા માટે અનામત છે.

જે પણ પક્ષ સંસદની વધુ બેઠકો જીતશે તે નવા વડા પ્રધાનની નિયુક્તિ કરશે. ત્યારબાદ વડા પ્રધાન દ્વારા કૅબિનેટ સભ્યોની પસંદગી કરાશે.

બાંગ્લાદેશની આ ચૂંટણીનું પરિણામ 2 જાન્યુઆરીના રોજ આવે તેવી શક્યતા છે.

જ્યારે નવી સરકારનું ગઠન 28મી જાન્યુઆરી 2019 સુધીમાં થઈ જશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સૈન્ય વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે.

પંચના આ નિર્ણયને વિરોધ પક્ષે આવકાર્યો છે અને કહ્યું છે કે આ પગલાંને કારણે ચોક્ક્સ અને નિષ્પક્ષ વાતાવરણ ઊભું થશે.

મુખ્ય ચેહેરાં

આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ ગઠબંધન હરિફાઈમાં છે.

બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો ખૂબ જ જૂનું અને સફળ ગઠબંધન 'ગ્રાન્ડ અલાયન્સ' છે.

આ ગઠબંધનની નેતાગીરી સત્તા પક્ષ આવામી લીગ કરી રહ્યું છે.

આ ગઠબંધન ફરીથી સત્તામાં આવશે તેવી તેઓ પ્રબળ આશા ધરાવી રહ્યું છે.

તેનું એક કારણ એ પણ છે કે 10 વર્ષના કાર્યકાળમાં વડાં પ્રધાન શેખ હસીનાના વડપણ હેઠળ બાંગ્લાદેશે આર્થિક સ્તરે અને માનવીય સ્તરે વિકાસ કર્યો હોવાની વાતો ચર્ચાય રહી છે.

તેમની સામે પ્રતિસ્પર્ધામાં વિરોધ પક્ષનું ગઠબંધન 'જાતિય ઓઇક્યા ફ્રન્ટ' છે.

પરંતુ એક દાયકા પહેલાં બાંગ્લાદેશના વડાં પ્રધાન રહી ચૂકેલાં ખાલીદા ઝીયાને ભ્રષ્ટાચારના કેસમાં જેલવાસ ભોગવવો પડ્યો, ત્યારથી આ ગઠબંધન ફરીથી સત્તામાં આવવા માટે વલખાં મારી રહ્યું છે.

ચૂંટણી પંચે આ ચૂંટણી માટે ખાલીદા ઝીયાની સભ્યતા રદ કરી દીધી છે.

હાલમાં આ ગઠબંધનનું નેતૃત્વ તત્કાલીન સરકારના વિદેશ મંત્રી કમલ હોસ્સેન કરી રહ્યા છે.

જોકે, તેમણે આ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે જો વિરોધ પક્ષ સત્તામાં આવશે તો વડા પ્રધાન કોણ બનશે તે નક્કી નથી.

આ ચૂંટણીમાં ત્રીજા ગઠબંધન તરીકે એલડીએ (લેફ્ટ ડેમોક્રેટિક અલાયન્સ) મેદાનમાં છે.

આ ગઠબંધનમાં સીપીબી (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ બાંગ્લાદેશ), એસપીબી (સોશિયાલિસ્ટ પાર્ટી ઑફ બાંગ્લાદેશ) અને આરડબ્લ્યુપીબી (રિવોલ્યુશનરી વર્કર્સ પાર્ટી ઑફ બાંગ્લાદેશ) જેવી ડાબેરી પાર્ટીઓ છે.

મહત્ત્વના મુદ્દાઓ

સત્તા પક્ષ એએલ અને વિરોધપક્ષ બીએનપીએ પોતાનાં ઘોષણાપત્રમાં સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂક્યો છે, પરંતુ તેને પહોંચી કેવી રીતે વળાશે તેની પર કોઈ વાત કરી નથી.

આવામી લીગનું કહેવું છે કે તેઓ આગામી પાંચ વર્ષમાં દેશનો જીડીપી દર 10 ટકા વધારી દેશે અને 15 લાખ નોકરીઓનું આયોજન કરશે, પરંતુ તેઓ આ કેવી રીતે કરશે તેનો ક્યાંય ઉલ્લેખ નથી.

આ ઘોષણાપત્રમાં બ્લૂ ઇકૉનૉમી (દરિયાઈ સંશાધન) પર ભાગ મૂકી યોજનાબદ્ધ રીતે તેનો વિકાસ કરવાની પણ વાત કરવામાં આવી છે.

એટલું જ નહીં એએલના ઘોષણાપત્રમાં રાષ્ટ્રિય લઘમતી મંડળનું ગઠન કરી લઘુમતી સમુદાયના અધિકારોની જાણવણી કરવાનું કહેવામાં આવ્યું છે.

સાથે જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પૉલિસી અપનાવવમાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.

આ દરમિયાન બીએનપી દ્વારા 'લોકશાહીની પુન:સ્થાપના' કરવાનું કહેવામાં આવ્યું છે.

એટલું જ નહીં વિરોધપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે તેઓ ભ્રષ્ટાચાર અને આંતકવાદનો ખાતમો કરવા માટે પ્રતિબદ્ધ છે અને સરકારી બૅન્કો દ્વારા લૂંટાયેલા કરોડો રૂપિયાને પરત લાવશે.

મીડિયાની ભૂમિકા

બાંગ્લાદેશમાં વિરોધપક્ષના અમુક નેતાઓ પર કાર્યવાહીની સાથે-સાથે મીડિયાની સ્વતંત્રતા પર પણ સવાલો ઊઠ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક મીડિયા અને મોટી ચેનલો પર સત્તા પક્ષનો પ્રભાવ છે.

ઇસ્લામિક ઉગ્રવાદીઓની ધમકીઓને કારણે મીડિયા સંસ્થાઓ જાતે જ ચૂંટણીના કવરેજ પર સાવચેતી વર્તે છે.

આ સાથે જ ઇસ્લામિક ઉગ્રવાદીઓ વિરુદ્ધ લખાણ લખતા ધર્મનિરપેક્ષ બ્લૉગર્સ અને લેખકોના લખાણને છાપવામાં પણ મીડિયા સંસ્થાનો અચકાઈ રહ્યા છે.

જે પણ મીડિયા સંગઠન સરકાર વિરુદ્ધ લખે તેની પર અચોક્ક્સ મીડિયા લૉ અંતર્ગત કાર્યવાહી કરી પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે.

શેખ હસીનાની સરકાર આ વર્ષે વિવાદાસ્પદ ડિજિટલ સિક્યૉરિટીનો કાયદો લાવી, જે સત્તાને અભિવ્યક્તિ પર રોક લગાવવાની પરવાનગી આપે છે.

જોકે, તેમના પક્ષના ઢંઢેરા પ્રમાણે પત્રકારત્વને કોઈ અસર નહીં થાય.

ગત ઑગસ્ટ માસમાં ફોટોગ્રાફર શાહીદુલ આલમની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની પર આરોપ હતો કે તેમણે ફેસબુક પર એવી પોસ્ટ મૂકી હતી કે વિદ્યાર્થીઓ સાથે કરાયેલી હિંસામાં પોલીસનો હાથ છે.

ડેઇલી71 ન્યૂઝ વેબસાઇટના એડિટર શેખ રીયાદ મોહમ્મદ નૂરની 8 ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

તેમની પર સોશિયલ સાઇટ પર 'રાજદ્રોહી, ખોટા અને પાયાવિહોણાં સમાચાર' છાપવાનો આરોપ હતો.

બાંગ્લાદેશ રેગ્યુલેટર દ્વારા આ માસમાં 50 વેબસાઇટને અચાનક બ્લૉક કરી દેવામાં આવી છે.

તેમની પર આરોપ હતો કે તેઓ 'સરકાર વિરોધી પ્રચાર અને ખોટા સમાચાર'નું પ્રસારણ કરી રહ્યા છે.

જોકે, સ્થાનિક મીડિયા અને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશની આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે.

ટ્વિટર દ્વારા આ ચૂંટણીને પ્રભાવિત અને છેડછાડ કરી શકે તેવા એકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યા છે.

બીજી તરફ ફેસબુક દ્વારા 'સ્વતંત્ર ન્યૂઝ આઉટલેટ જે સરકારની તરફેણમાં અને વિરોધ પક્ષની વિરોધમાં' ન્યૂઝ ફેલાવતા હતા તેવા પેજને હટાવી દેવામાં આવ્યા છે.

(બીબીસી મોનિટરિંગ દુનિયાભરના ટીવી, રેડિયો, વેબ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત થતા સમાચારોનું રિપોર્ટિંગ તથા વિશ્લેષણ કરે છે. આપ બીબીસી મોનિટરિંગના સમાચાર ટ્વિટર તથા ફેસબૂક પર પણ વાંચી શકો છો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો