દૃષ્ટિકોણ: શું ભારત 40 લાખ લોકોને બાંગ્લાદેશ મોકલી શકશે?

    • લેેખક, સુબિર ભૌમિક
    • પદ, વરિષ્ઠ પત્રકાર

આસામમાં 40 લાખથી વધુ લોકો એક રીતે શરણાર્થી બનવાની દિશામાં છે.

તેમા મોટાભાગના લોકો બંગાળી બોલતા મુસ્લિમો છે.

તેમણે એ સાબિત કરવાનું હતું કે, વર્ષ 1971માં બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે તે ભારતમાં રહેતા હતા.

આસામના જે NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ) માં 40 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. આ રજિસ્ટરની યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા વિશે પણ પ્રશ્નો ઊભા થયા છે.

NRC પર વિવાદ થશે એ તો નક્કી જ હતું. તેની સૌથી મોટું કારણ એ છે કે ઉતાવળ અને રઘવાટની શક્યતાઓ પહેલાથી જ જોવા મળતી હતી.

જ્યારે સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો કે આ કાર્યવાહી કરવાની જ છે, ત્યારે આસામની રાજ્ય સરકારે વારંવાર તેના માટે વધુ સમયની માંગણી કરી.

આ મુદ્દાની એક સુનાવણી દરમિયાન એ સમયે રાજ્ય સરકારે પંચાયત ચૂંટણી અને અન્ય વહીવટી મુદ્દાના નામે પોતાની દલીલ રજૂ કરી.

ત્યારે સુપ્રીમ કોર્ટના એક જજે રાજ્ય સરકારને જણાવ્યું કે તમારું કામ અસંભવને સંભવ બનાવવાનું છે.

શું તમે આ વાંચ્યું?

રાજ્ય સરકાર માટે પણ આ કામને આટલી ઝડપથી પૂર્ણ કરવું મુશ્કેલીભર્યું હતું.

પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી રાજ્ય સરકાર પર આ પ્રક્રિયાને બનતી ત્વરાએ પૂર્ણ કરવાનું ખૂબ જ વધારે દબાણ હતું.

આ અગાઉ તેની ડેડલાઇન જૂનમાં હતી, પરંત આસામના ઘણા જિલ્લા પૂરગ્રસ્ત હોવાથી રાજ્ય સરકારને વધુ એક મહિનાની મુદત આપવામાં આવી.

આસામમાં જે રઘવાટ અને ઉતાવળથી આટલી મોટી કામગીરી કરવામાં આવી. કરોડો લોકો આસામના નાગરિક છે કે નહીં, તેમના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા.

કાનૂની રૂપે આટલા મોટા પ્રમાણમાં કરવામાં આવી રહેલી કવાયત માટે થોડો વધુ સમય આપવો જોઈતો હતો.

તેને કારણે ઘણી ભૂલો જોવા મળી રહી છે.

સરકાર શું કરશે

જેમના નામ આ યાદીમાં આવી ગયા છે, તેમાંથી ઘણા લોકોનો તો માત્ર સ્પેલિંગની ભૂલને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ યાદીમાંથી બહાર રાખવામાં આવેલા 40 લાખ લોકોનો આંકડો ખૂબ જ મોટો છે.

એ સવાલ પણ ઊભો થાય છે કે, આ 40 લાખ લોકોનું શું થશે? સરકાર તેમનું શું કરશે?

અત્યાર સુધી એ માત્ર એક અનુમાન જ હતું કે આસામમાં ઘૂસણખોરી થઈ, લોકો સરહદની પેલે પારથી આવી ગયા છે.

પરંતુ હવે લાખો લોકો પોતાનું ભારતીય નાગરિકત્વ સાબિત કરવામાં નાકામ રહ્યા છે તો સરકાર તેમનું શું કરશે.

શું તેમને જેલમાં રાખવામાં આવશે? તેમને છોડી દેવામાં આવશે, તેમની સાથે પશુઓ જેવો વ્યવહાર ન કરી શકાય.

કેંદ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે આ મામલે કોઈ સ્પષ્ટ નીતિ નથી.

કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આ અંતિમ રિપોર્ટ નથી. એ સાચું છે. હવે અપીલ થશે, 40 લાખ લોકો સરકારી બાબુઓની આગળ-પાછળ પોતાના જુતાં ઘસશે.

અંતિમ NRC ક્યારે પ્રકાશિત થશે, આ પ્રક્રિયા કેટલા દિવસો સુધી ચાલતી રહેશે. આ બધી બાબતો હજી સ્પષ્ટ નથી.

આ 40 લાખ લોકોનું શું થશે. આ લોકોમાંથી જો કોઈ છેવટ સુધી પોતાની નાગરિકતા સાબિત નહીં કરી શકે, તેમનું સરકાર શું કરશે.

બાંગ્લાદેશ એમને કોઈ પણ સંજોગોમાં નહીં સ્વીકારે. ઢાકામાં કોઈની પણ સરકાર હોય, જો ભારત તેમને મોકલી દેવાની જીદ કરશે, તો બંગ્લાદેશ સાથેના સંબંધો બગડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો