ચીનની આ મોબાઈલ કંપનીથી કેમ ડરે છે અમેરિકાની સુરક્ષા એજન્સીઓ?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્માર્ટફોન બનાવનારી દુનિયાની બીજી સૌથી મોટી કંપની ખ્વાવેથી (Huawei) કોઈ પણ દેશ ઈર્ષ્યા કરી શકે છે. ચીનની આ કંપની ફક્ત સ્માર્ટફોન જ નથી બનાવતી.

એ ઇન્ટરનેટ રાઉટર્સ અને સર્વર જેવા ઉત્પાદનો બનાવે છે, જેની મદદથી ઇન્ટરનેટ લોકોના ઘરો સુધી પહોંચી શકે છે.

અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિ લૅન્ડ જેવા શક્તિશાળી દેશોએ ખ્વાવેના આ ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

બીજી તરફ બ્રિટન, કેનેડા અને જર્મની જેવા દેશ ખ્વાવેના ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાદવાનો વિચાર કરી રહ્યાં છે.

આ સ્થિતિમાં સવાલ એ થાય કે દુનિયાના વિકસિત દેશો આ કંપનીના ઉત્પાદનોના વિરોધી કેમ છે?

તમે આ વાંચ્યું કે નહીં?

આ દેશોની ચિંતા

ઇન્ટરનેટની દુનિયા 4G ઇન્ટરનેટથી આગળ વધીને 5Gની દુનિયામાં પ્રવેશ કરી રહી છે.

સરળ શબ્દોમાં કહીએ તો 5G ઇન્ટરનેટ આપણી દુનિયાને સંપૂર્ણપણે બદલી દેશે. ઇન્ટરનેટની સ્પીડ હાલની સ્પીડની સરખામણીએ અનેક ગણી વધુ હશે.

જ્યારે ઇન્ટરનેટ ઑફ થિંગ્સનો દોર શરૂ થશે, ત્યારે ઑટોમેટેડ કારોથી માંડીને, તમામ ઘરેલું ઉત્પાદનો અને આપણાં શહેરોનું નિરીક્ષણ કરનારા ડ્રોન પરસ્પર એકબીજા સાથે જોડાઈ જશે.

આ સ્થિતિમાં માહિતીનું આદાન-પ્રદાન જે ઉત્પાદનોમાં થઈને પસાર થશે તે ઉત્પાદન દુનિયાની કેટલીક ચોક્કસ કંપનીઓ બનાવે છે.

પરંતુ ખ્વાવેને આ ક્ષેત્રમાં નિપુણતા છે.

ખ્વાવેએ મંગળવારે એલાન કરી દીધું છે કે તેની પાસે દુનિયાભરમાં 5G તકનીક સાથે જોડાયેલા 25 ટકા કૉન્ટ્રેક્ટ્સ છે.

ખ્વાવે અંગે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે ચીની સરકાર આ કંપનીના ઉપકરણોની મદદથી અન્ય દેશોની ખાનગી જાણકારી મેળવી રહી છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક અહેવાલમાં ખ્વાવેના ડેપ્યુટી ચીફ કેન હૂંને ટાંકીને લખાયું, "ચીનની આ કંપનીએ મંગળવારે એલાન કરી દીધું છે કે તેની પાસે દુનિયાભરમાં 5G તકનીક સાથે જોડાયેલા 25 ટકા કૉન્ટ્રેકટ છે."

જોકે, કેટલાંક બજારોમાં ખ્વાવેની વિરુદ્ધ ડર ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને પ્રભાવિત કરવા માટે રાજનીતિનો આશરો લેવામાં આવ્યો હતો.

પરંતુ અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમારા ગ્રાહક હજુ પણ અમારી ઉપર વિશ્વાસ કરે છે."

"ત્યાં જ, અમારા ઉત્પાદનોથી સુરક્ષાને જોખમ હોવાની વાત કરવામાં આવે તો ત્યારે અપેક્ષિત છે કે તથ્યો પર ધ્યાન આપવામાં આવે અને તથ્યો કહે છે કે ખ્વાવેના ઉત્પાદનો સંપૂર્ણપણે સુરક્ષિત છે."

જોકે, ખ્વાવેએ આ બધાં જ ભયના જવાબમાં કહ્યું છે કે તે માત્ર એક સ્વતંત્ર કંપની છે અને ચીનની સરકારને કશું નથી આપતી.

વર્ષ 2012માં અમેરિકાની સંસદમાં એક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખ્વાવે ચીનની સરકાર સાથેના પોતાના સંબંધો જગજાહેર કરવામાં સહજ નથી.

અહેવાલ જણાવે છે, "તપાસ સમિતિને ખબર પડી છે કે ખ્વાવેએ આ તપાસ દરમિયાન સહયોગ નહોતો આપ્યો અને કંપની ચીનની સરકાર અને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીની સાથે પોતાના સંબંધોને જગજાહેર કરવા નથી ઇચ્છતી."

"એવા પુરાવા પણ બહાર આવ્યા છે કે જેના આધારે સ્પષ્ટ થાય છે કે આ કંપની અમેરિકન કાયદાઓનું પાલન નથી કરતી."

ત્યારબાદ અમેરિકન સરકારે પોતાના સહયોગી દેશો, જેને 'ફાઇવ આઈ ગ્રૂપ' કહેવામાં આવે છે, એમાં પણ આ કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો.

ખ્વાવે અને જેડટીઈ ઉપર સૌથી તાજો પ્રતિબંધ જાપાનની તરફથી મૂકવામાં આવ્યો છે.

પરંતુ ભારતમાં શરૂ થઈ ટ્રાયલ

ભારત સરકારે શરૂઆતમાં 5G ટ્રાયલ માટે ચીનની કંપનીઓ ખ્વાવે અને જેડટીઈને આમંત્રણ નોહતું આપ્યું, પરંતુ ખ્વાવેની પ્રતિક્રિયા પછી ભારત સરકારે આ કંપનીને 5G ટ્રાયલમાં સામેલ થવાની પરવાનગી આપી છે.

તકનીકી બાબતોના જાણકાર પ્રશાંતો રૉય ખ્વાવે કંપનીના ઉત્પાદનોને શંકાની નજરથી જોવા માટે આ કંપનીના ચીનની સરકાર સાથેના સંબંધોને જવાબદાર માને છે.

રૉય જણાવે છે, "ભારત સરકારની એજન્સીઓ ટેલિકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચીનનાં ઉપકરણોને વાપરવાને લઈને ઘણી ભયમાં રહે છે."

"ખ્વાવે કે એફ ચીનની કંપની છે. આ સ્થિતિમાં જો આ કંપનીના ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર નિયંત્રણ હશે તો સંભવ છે કે તેમનો યૂઝર ડેટા ઉપર પણ નિયંત્રણ રહેશે અને તેઓ આ ડેટાને રિડાયરેક્ટ પણ કરી શકે છે."

પરંતુ આ જાસૂસી કેવી રીતે સંભવ બનશે?

એક સવાલ એ પણ છે કે જો આ ચીનની કંપની પોતાની તકનીક દ્વારા ડેટા મેળવી પણ લે તો કોઈ પણ દેશની સુરક્ષા માટે એના અર્થો શું હશે.

પ્રશાંતો રૉય આ સવાલના જવાબમાં જણાવે છે :

"માની લો કે દિલ્હીના વીવીઆઈપી વિસ્તારમાં બે ટાવરોની વચ્ચે 24 કલાકમાંથી કોઈ એક સમયના ડેટાનું આદાન-પ્રદાન બહુ વધારે થયું."

"તો આ પૅટર્નને આધારે ડેટાને ઇન્ટર્સેપ્ટ કરવામાં આવી શકે છે, જે કોઈ સંવેદનશીલ સરકારી સંસ્થા માટે અત્યંત જોખમભર્યું હોઈ શકે છે."

ચીન-US સામ-સામે

વર્ષ 1987માં શરૂ થનારી ખ્વાવે ફક્ત 31 વર્ષોમાં દુનિયાની સહુથી મોટી ટેલિકૉમ ઉપકરણ બનાવનારી કંપની બની ગઈ છે.

ચીનની સેનાના અધિકારી રેન જેન્ફેઈએ ચીનનાં કફોડી હાલત ધરાવતા ટેલિકૉમ ક્ષેત્રની દશા બદલવા માટે આ કંપનીને શરૂ કરી હતી.

પરંતુ હવે ચીનમાં ખ્વાવેને રાષ્ટ્રીય ગૌરવની દૃષ્ટિએ જોવામાં આવે છે.

કારણ કે ઇન્ટરનેટ પ્રસારિત કરવા માટે જે ઉપકરણોની જરૂર હોય છે, તેનું ઉત્પાદન આ કંપની કરે છે.

રેન જેન્ફેઈ હજુ પણ ખ્વાવેના ચેરમેન છે. તેમનાં પુત્રી મેંગ વાંગ્જોની ગત પહેલી ડિસેમ્બરે કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી.

કેનેડાની કોર્ટમાં એ વાત રજુ કરવામાં આવી કે મેંગે ખ્વાવેની પેટા-કંપની સ્કાઈકૉમની મદદથી વર્ષ 2009થી માંડીને 2014 સુધી અમેરિકન પ્રતિબંધોને હાથતાળી આપી હતી.

મેંગ વાંગ્જો ઉપર એ આરોપ પણ છે કે તેમણે અમેરિકન બૅંકોની સામે સ્કાઇકૉમ અને ખ્વાવેને અલગ-અલગ કંપનીઓ જણાવી, જ્યારે બંને કંપનીઓ એક જ છે.

અમેરિકન સમાચારપત્ર ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, અમેરિકન પ્રાંત ન્યૂ યૉર્કની અદાલતે 22 ઑગસ્ટે મેંગ વાંગ્જોની ધરપકડ કરવા માટે વૉરંટ પણ કાઢ્યું હતું.

કેનેડા અને અમેરિકામાં પ્રત્યાર્પણ સંધિ હોવાને કારણે મેંગની ધરપકડ કર્યા બાદ કેનેડા સરકારે તેમને અમેરિકાને પ્રત્યાર્પિત કરવાની તૈયારીઓ શરૂ કરી.

જો મેંગ વાંગ્જોને અમેરિકાને સોંપવામાં આવશે તો તેમની વિરુદ્ધ ઘણી આર્થિક સંસ્થાઓ સાથે છેતરપિંડી, કાવતરું ઘડવા જેવા અપરાધ અંતર્ગત કેસ ચલાવવામાં આવી શકે છે.

આ કેસોમાં દોષી સાબિત થાય તો તેમને 30 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

મેંગ વાંગ્જોની ધરપકડ વખતે ચીનમાં એક ભૂતપૂર્વ ડિપ્લોમૅટની પણ અટકાયત કરવામાં આવી હોવાની વાત પણ બહાર આવી હતી.

વૉશિંગટન પોસ્ટના એક અહેવાલ મુજબ, "ચીને માઇકલ કોવરિગ અને માઇકલ સ્પોવર નામના બે કેનેડિયન નાગરિકોની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં નાખવાનો આરોપ મુકવામાં આવ્યો છે."

આટલું જ નહીં, કેનેડામાં ચીનનાં દૂત લૂ શાયેએ ધ ગ્લોબ એંડ મિલમાં પોતાના અભિપ્રાયમાં લખ્યું છે, "જે લોકો ચીન ઉપર મેંગની ધરપકડના બદલામાં કોઈ વ્યક્તિની અટકાયતમાં લેવાનો આરોપ લગાવી રહ્યાં છે, તેમણે કેનેડાના પગલાં તરફ જોવું જોઈએ."

હાલ, કેનેડાની અદાલતે મેંગ વાંગ્જોને જામીન ઉપર છોડી દીધાં છે અને આગામી 6ઠ્ઠી ફેબ્રુઆરીએ તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

હવે આગળ શું થશે?

મેંગ વાંગ્જોની ધરપકડની બાબતે ચીનની સરકાર તરફથી કડક પ્રતિક્રિયા આવ્યાં બાદ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું છે કે આ ઘટનામાં કોઈ પ્રકારની રાજકીય સંડોવણી નથી.

બીજી તરફ, ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, અમેરિકન સરકારના વેપાર પ્રતિનિધિ રૉબર્ટ લાઇટહાઇઝરે મેંગ વાંગ્જોની ધરપકડ બાબતે કહ્યું છે કે આ એક ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે અને તેમના કામથી સાવ જુદી છે.

જી 20 સંમેલન દરમિયાન ચીન-અમેરિકા ટ્રેડ વૉરને 90 દિવસો સુધી અટકાવનારા દ્વિપક્ષીય કરારમાં રૉબર્ટ લાઇટહાઇઝરે અગત્યની ભૂમિકા ભજવી હતી.

આ સ્થિતિમાં હવે સમય જ કહેશે કે મેંગ વાંગ્જોને છોડાવવા માટે ચીન આગળ કયું પગલું લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો