ડબ્લ્યૂ. વી. રમને કોચની રેસમાં ગૈરી કર્સ્ટન, વેંકટેશ પ્રસાદને કેવી રીતે પછાડ્યા?

    • લેેખક, આદેશ કુમાર ગુપ્ત
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી હિન્દી માટે

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ડબ્લ્યૂ. વી. રમનને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત થતાની સાથે જ આ દોડમાં તેઓ દક્ષિણ આફ્રિકાના ગૈરી કર્સ્ટનથી આગળ નીકળી ગયા છે.

કમાલની વાત છે કે બીસીસીઆઈની ઍડ્હૉક પસંદગી સમિતિની પહેલી પસંદ ગૈરી કર્સ્ટન હતા.

પસંદગી સમિતિમાં ભારતના ભૂતપૂર્વ કપ્તાન કપિલ દેવ, ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અંશુમન ગાયકવાડ અને મહિલા ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કપ્તાન શાંતા રંગાસ્વામી સામેલ હતાં.

આ અગાઉ ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં કદાચ જ કોઈ આટલી હાઈ-પ્રોફાઇલ પસંદગી સમિતિ બની છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનાવવા માટે ઘણી માથાફોડ બાદ ત્રણ નામ નક્કી કરવામાં આવ્યાં હતાં. આમાં ગૈરી કર્સ્ટન, ભારતના ભૂતપૂર્વ ઝડપી બૉલર વેંકટેશ પ્રસાદ અને ડબલ્યૂ વી રમનના નામ સામેલ હતાં.

કોચની રેસમાં કોણ-કોણ હતું સામેલ?

લગભગ 28 ક્રિકેટર્સે ભારતીય ભારતીય મહિલા ટીમના કોચ બનવા માટે અરજી કરી હતી.

આમાં ભારતના ભૂતપૂર્વ ઝડપી બૉલર મનોજ પ્રભાકર, ટ્રેંટ જૉન્સન(આયરલૅન્ડ), પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમના કોચ માર્ક કોલ્સ, ઇંગ્લૅન્ડના ઓવૈસ શાહ, દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સ, ઑસ્ટ્રેલિયાના કોલિન મિલર અને ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડૉમિનિક થોર્નલે જેવા નામ સામેલ હતાં.

ડબલ્યૂ વી રમને ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ભારત માટે 11 ટેસ્ટ મેચમાં ચાર અર્ધશતકની મદદથી 448 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 94 રન હતો.

એક દિવસીય ક્રિકેટમાં તેમણે ભારત માટે 27 મેચોમાં એક શતક અને ત્રણ અર્ધ શતકની મદદથી 617 રન બનાવેલા છે.

મિતાલી સાથે કોચ રમેશ પોવારનો વિવાદ

ભારતીય મહિલા ક્રિકેટમાં કોચના મુદ્દાએ ત્યારે જોર પકડ્યું, જયારે શાનદાર ફોર્મમાં પ્રદર્શન કરી રહેલાં મિતાલી રાજને મહિલા વિશ્વ ટી-20 ટુર્નામેન્ટની સેમીફાઈનલમાંથી બહાર કરવામાં આવ્યા.

સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે ખરાબ રીતે આઠ વિકેટથી હારી ગઈ.

મિતાલી રાજે આ પહેલાં ગ્રૂપ મેચમાં પાકિસ્તાનની વિરુદ્ધ 56 અને આયરલૅન્ડ વિરુદ્ધ 51 રન બનાવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

એ પછી તેમને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ગ્રૂપ મેચમાં સેમિફાઈનલમાં અંતિમ ઇલેવનમાં સમાવવામાં આવ્યાં નહોતાં.

બસ આ પછી મિતાલી રાજે કોચ રમેશ પોવાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો હતો.

તેમણે કોચ રમેશ પોવાર ઉપર પક્ષપાતનો આરોપ મૂક્યો અને તેમના સન્માનને ઠેસ પહોંચાડ્યાની ફરિયાદ પણ બીસીસીઆઈને કરી.

જવાબમાં ભારતીય મહિલા ટીમના કપ્તાન હરમનપ્રીત કૌર, ટીમના કોચ રમેશ પોવારના સમર્થનમાં ખૂલીને સામે આવ્યાં, પરંતુ આ કિસ્સો એટલો ચગ્યો હતો કે રમેશ પોવારને કાર્યકાળ પૂરો થયા બાદ કોચ પદથી હટી જવું પડ્યું.

ભારતના ભૂતપૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર પણ એમ કહીને મિતાલી રાજની સાથે આવ્યા કે, શું આવું ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી સાથે કરી શકાય?

ગૈરીકર્સ્ટનને પાર કરીને રમનની પસંદગી થઈ

ચારેય તરફથી ઘેરાઈ ગયા બાદ છેવટે બીસીસીઆઈને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચની શોધ માટે આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું જે વિશે ભાગ્યે જ ક્યારેક કોઈએ વિચાર્યું હશે.

એક કોચ તરીકે જો ગૈરી કર્સ્ટન બીસીસીઆઈની પહેલી પસંદ હતા, તો એમાં કોઈ આશ્ચર્યની વાત નહોતી. ગૈરીના કોચિંગમાં ભારતની પુરુષ ટીમે વર્ષ 2011માં આયોજિત વિશ્વ કપ ટુર્નામેન્ટ જીતી હતી.

ટુર્નામેન્ટ જીત્યા પછી તરત જ ગૈરીએ કોચ પદ છોડી દીધું હતું.

ગૈરીના બદલે રમનને કોચ બનાવવામાં આવ્યા એની પાછળ એવું મનાય છે કે આઈપીએલમાં ગૈરી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ છે.

આ સ્થિતિમાં જો તેઓ ભારતીય મહિલા ટીમના કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હોત તો તેમને આઈપીએલમાંથી કોચ તરીકેનો સંબંધ તોડવો પડ્યો હોત, જેને ગૈરી છોડવા નહોતા ઇચ્છતા.

કદાચ આ જ કારણ તમામ કારણો ઉપર ભારે પડ્યું.

રમનને ભારતીય મહિલા ટીમની બૅટિંગને મજબૂતી આપનાર કોચ તરીકે જોવામાં આવી રહ્યા છે.

રમન કોચની શોધમાં એટલા માટે પણ પસંદગી પામ્યા કારણકે આજ સુધી તેમનું નામ કોઈ પ્રકારના વિવાદ સાથે જોડાયું નથી.

53 વર્ષથી રમન બેંગ્લુરુ ખાતેની નેશનલ ક્રિકેટ એકૅડેમીમાં હજુ પણ બૅટિંગના સલાહકાર તરીકે કાર્ય કરી રહ્યા છે.

હવે આને પણ અકસ્માત જ કહી શકાય કે જે ગૈરી કર્સ્ટનને રમને પાછળ રાખી દીધા, એ જ ગૈરી કર્સ્ટનની દક્ષિણ આફ્રિકન ટીમ વિરુદ્ધ તેઓ તેમની કારકિર્દીની અંતિમ મૅચ રમ્યા હતા.

આ 1997માં દક્ષિણ આફ્રિકન પ્રવાસ દરમિયાન કૅપ-ટાઉનમાં રમાયેલી એ ટેસ્ટ મેચ હતી. કર્સ્ટને પહેલા 103 રન બનાવી દાવમાં રન આઉટ થયા હતા અને બીજા દાવમાં તેમનું ખાતું ખૂલ્યું નહોતું.

આ મેચમાં રમન પહેલા દાવમાં પાંચ અને બીજા દાવમાં 16 રન બનાવી શક્યા હતા. ભારત એ મૅચ 282 રનથી હારી ગયું હતું.

ડબલ્યૂ વી રમનની સામેના પડકારો

રમને તમિલનાડુ તરફથી ઘરેલું ક્રિકેટમાં 132 પ્રથમ શ્રેણી મેચોમાં 19 શતક અને 36 અર્ધશતકની મદદથી 7,939 રન બનાવ્યા છે.

પ્રથમ શ્રેણી ક્રિકેટમાં તેમની સૌથી મોટી ઇનિંગ 313 રનની છે. આમ, એક બેટ્સમેન તરીકે તેમનો રેકોર્ડ ઓછામાં ઓછો ઘર આંગણાની ક્રિકેટમાં તો દમદાર છે.

જોવાનું એ છે કે તમામ ઔપચારિકતા પૂરી થયા બાદ સત્તાવાર ધોરણે તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને કઈ દિશા આપે છે.

સાથે જ તેમની ઉપર ટીમમાં દેખાઈ રહેલી ફૂટને દુર કરીને તેને પહેલાની જેમ એકજુથ કરવાની જવાબદારી પણ હશે.

હાલ ટીમમાં હાલત એવી છે કે કપ્તાન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાનો સુર તો એક છે પરંતુ વિવાદોએ તેને બેસુરો બનાવી દીધો છે અને ટીમ ઘણાં ટુકડાઓમાં વહેંચાયેલી નજરે પડે છે.

આવનાર વર્ષમાં ડબલ્યૂ વી રમનની સામે ટીમને એકસુત્રમાં બાંધવાથી માંડીને સફળતા અપાવવાની જવાબદારી છે, બીજી તરફ ભારતીય પુરુષ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કપ્તાન વિરાટ કોહલીની સામે પણ આ જ સવાલ છે.

છે ને આ પણ અજબ અકસ્માત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો