બરફ પર ચઢી રહેલા રીંછ અને બચ્ચાના વાઇરલ વીડિયોનું સત્ય શું છે?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં બરફના પહાડ પર ચઢી રહેલું રીંછ અને તેનું બચ્ચું ચર્ચાનો વિષય બન્યાં છે.

લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયોને પ્રેરણાત્કમ વીડિયો તરીકે શેર કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળે છે કે બાળ રીંછ પોતાની માતા સાથે પહાડ ચઢવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. બચ્ચાની માતા ધીરે ધીરે પહાડ પર આગળ વધે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રીંછનું બચ્ચું પણ તેની માતા સાથે ધીરે ધીરે ઉપર ચડતું જોવા મળે છે.

બરફના પહાડ પર અનેક વાર લપસી જવા છતાં રીંછનુ બચ્ચું હાર નથી સ્વીકારતું અને સતત ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં એક તબક્કે એવું પણ લાગશે કે હવે, આ બાળ રીંછ તેની માતા સુધી પહોચી શકશે નહીં.

જોકે, બચ્ચું યેન કેન પ્રકારેણ પહાડના શિખરે પોતાની માતા સુધી પહોંચવામાં સફળ રહે છે.

સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ખૂબ જ શેર કરી રહ્યા છે.

વીડિયો કોણે બનાવ્યો

વાઇરલ વીડિયોની કહાણી અહીંયા સમાપ્ત થાય છે અને આગળ એક નવો અધ્યાય શરૂ થાય છે.

આ વીડિયો તૈયાર કરવા બદલ પ્રાણી અને પ્રકૃતિ પ્રેમીઓએ વીડિયોના નિર્માતાની આકરી ઝાટકણી કાઢી છે.

હકીકતમાં આ વીડિયો રશિયાના ફોટોગ્રાફર દિમિગ્રા કેદ્રોવે ડ્રોનની મદદથી તૈયાર કર્યો હતો.

વીડિયોમાં અનેક તબક્કે જોવા મળે છે કે રીંછ ડ્રોનના કારણે વ્યથિત થઈ જાય છે. રીંછ એક તબક્કે તો આક્રમક થતું પણ જોવા મળે છે.

નેશનલ જીયોગ્રાફીના મતે આ વીડિયોની અંતિમ પળો ખૂબ જ મહત્ત્તવપૂર્ણ છે જ્યારે બચ્ચું શિખરે પહોચવાની તૈયારીમાં હોય છે ત્યારે ડ્રોનની હાજરીથી અકળાયેલી માદા રીંછ પંજા વડે ડ્રન પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે.

ત્યારબાદ રીંછનું બચ્ચું લપસીને અનેક મીટર નીચે જઈ પહોંચે છે.

જાણકારોનો મત

ઇદાહો યુનિવર્સિટીના પ્રકૃતિ વૈજ્ઞાનિક સોફી ગિલ્બર્ટે કહ્યું "રીંછની નજરે ડ્રોન યૂએફઓ જેવી કોઈ અજાણી ચીજ છે. "

"રીંછે ક્યારેય આ પ્રકારની ચીજ જોઈ નહીં હોય તેથી તેનું અસહજ થવું સ્વાભાવિક હતું"

પ્રકૃતિ પ્રેમીઓના મતે ડ્રોની હાજરીથી રીંછ જોખમમાં મૂકાઈ ગયાં હતાં.

તેમના મતે ડ્રોનના ડરે રીંછે શિખર પર પહોંચવા અઘરો રસ્તો પસંદ કર્યો હોય તેવી શક્યતા છે.

મોટાભાગે રીંછ બચ્ચા સાથે હોય ત્યારે સરળ રસ્તો જ પસંદ કરે છે.

વીડિયોનો બચાવ

આ વીડિયો તૈયાર કરનાર ફોટોગ્રાફર દિમિગ્રા કેદ્રોવે વીડિયોનો બચાવ કર્યો છે.

રશિયાની વેબસાઇટ લેન્તા. આર.યુ. સાથેની વાતચીતમાં કેદ્રોવે દાવો કર્યો હતો કે તેમણે રીંછને કોઈ પણ હાની પહોંચાડી નહોતી.

વીડિયોમાં જ્યારે ડ્રોન રીંછની નજીક દેખાય છે ત્યારે તે હકીકતે ઘણું દૂર હતું. વીડિયોને ઝુમ કર્યો હોવાથી તે નજીક દેખાય છે.

કેદ્રોવે જણાવ્યું હતું કે ડ્રોનનો અવાજ સાંભળતા પહેલાં પણ અનેક વાર રીંછનું બચ્ચું નીચે લપસ્યું હતું.

કેદ્રોવે કહ્યું, "આ રીંછની રોજબરોજની દિનચર્યા છે અને અમે તેમના પર નજર રાખીએ છીએ."

જોકે, પ્રકૃતિ વૈજ્ઞાનિકોના મતે વીડિયોમાં ઘણા એવા તબક્કા છે જેના પરથી જાણી શકાય છે કે ડ્રોનની હાજરીના લીધે રીંછ વ્યાકુળ થઈ ગયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો