જમાલ ખાશોગ્જી મામલે તુર્કી આ રીતે સાઉદી અરેબિયાને ભારે પડ્યું

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર જમાલ ખાશોગ્જીની મોત મામલે વૈશ્વિક રાજકારણ ગરમાયું છે. સતત બે અઠવાડિયા સુધી ઇન્કાર કર્યા બાદ આખરે સાઉદી અરેબિયાએ કબૂલ કર્યું છે કે પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા થઈ છે.
સાઉદીએ કહ્યું કે આ હત્યા તુર્કીમાં ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરબિયાના વાણિજ્ય દૂતાવાસની અંદર થઈ હતી.
અત્રે નોંધવું કે તુર્કી પહેલાંથી જ દાવો કરતું આવ્યું હતું કે ખાશોગ્જીની હત્યા આ દૂતાવાસની અંદર જ થઈ છે, પરંતુ સાઉદી આ વાત માનવા તૈયાર નહોતું.
સાઉદીનું કહેવું હતું કે ખાશોગ્જી તેમનું અંગત કામ કર્યા બાદ દૂતાવાસમાંથી બહાર નીકળી ગયા હતા.
ખાશોગ્જી લાપતા થતા વિશ્વના તમામ મોટા દેશો દ્વારા સાઉદી પર આ મામલે તપાસનું દબાણ કરવામાં આવ્યું હતું, જોકે સાઉદી પર સૌથી વધુ દબાણ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોવાને કર્યું હતું.

તુર્કીએ કઈ રીતે દબાણ કર્યું?

ઇમેજ સ્રોત, AFP
તુર્કીના મીડિયામાં આ હત્યાકાંડના સમાચાર અને વિગતો પ્રકાશિત થવા લાગ્યા હતા. રાષ્ટ્રપતિ એર્દોવાને સાઉદીના નેતાઓની જાહેરમાં આ મામલે ટીકાઓ કરી હતી અને તેઓ તપાસમાં અવરોધ ઊભો કરી રહ્યા હોવાના આરોપ પણ લગાવ્યા હતા.
આથી સાઉદીએ આખરે સ્વીકારવું પડ્યું કે દૂતાવાસમાં જ ખાશોગીનું ઝપાઝપી બાદ મૃત્યુ થયું હતું.
સાઉદીએ આ મામલે 18 લોકોની ધરપકડ કરી છે અને કેટલાક લોકોને ઉચ્ચ પદો પરથી સસ્પેન્ડ પણ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તુર્કીના તપાસકર્તાઓએ કેટલાક દિવસ પહેલાં જ જણાવી દીધું હતું કે ખાશોગીની હત્યા દૂતાવાસમાં જ થઈ હતી અને તેમના મૃતદેહને કોઈ જગ્યાએ દાટી દેવામાં આવ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Reuters
ત્યાર બાદ અમેરિકાના અધિકારીએ પણ કહ્યું હતું કે તુર્કી પાસે તેમના દાવાને પુરવાર કરતા વીડિયો અને ઓડિયો પણ છે. જે પુરવાર કરી શકે છે કે દૂતાવાસમાં જ ખાશોગીની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમની હત્યા કરી દેવાઈ હતી.
ખાશોગીના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા. વૉશિંગ્ટન પોસ્ટની ખબર અનુસાર સીઆઈએ (સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, અમેરિકાની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓએ આ ઓડિયો ટેપ સાંભળી હતી અને ત્યાર બાદ અધિકારીઓને જણાવ્યું હતું કે જો આ પુરાવા સાચા હશે તો સાઉદીના પ્રિન્સની વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે.
આથી તમામ પુરાવા છતાં સાઉદી ખાશોગીની હત્યા વિશે ઇન્કાર કરતું રહ્યું ત્યારે તુર્કીના વિદેશ મંત્રી મેવતુલ કાવાસોગલુએ સાઉદીને ચેતવણી આપી કે તેઓ તેમની તપાસ સમગ્ર વિશ્વ સમક્ષ સાર્વજનિક કરે.

આર્દોવાન અને પ્રિન્સ સલમાન વચ્ચે તકરાર

ઇમેજ સ્રોત, Getty Images
સાઉદીએ ખાશોગીની હત્યા વિશે કબૂલાત કરી તે બાબતને સાઉદીની તુર્કી સામેની હાર તરીકે જોવામાં આવી રહી છે.
વિશ્ષેલકોના જણાવ્યા અનુસાર આર્દોવાને આનાથી ફાયદો થશે, કેમ કે બન્ને દેશ મધ્ય-પૂર્વમાં પ્રભાવ જમાવવા ઇચ્છે છે.
વળી તુર્કી કતારને સમર્થન કરતું હોવાની બાબત પણ સાઉદીને પસંદ નથી.
જોકે એવું પણ માનવામાં આવે છે કે તુર્કીના રાષ્ટ્રપતિ આર્દોવાનના મનમાં સાઉદીના પ્રિન્સ સલમાન વિશે વધુ કડવાશ છે.
આ વર્ષે પ્રિન્સ સલમાને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તુર્કી મધ્યપૂર્વમાં ફેલાયેલી બુરાઈના ત્રિકોણમાં સામેલ છે.
આ નિવેદનને કારણે બન્ને વચ્ચે કડવાશ સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઇમેજ સ્રોત, AFP
પ્રિન્સ સલમાને તેમાં ઈરાન, સ્થાનિક ઇસ્લામિક સમૂહ અન તુર્કીની સામેલગીરી હોવાનું જણાવ્યું હતું.
આથી ખાશોગીના કેસની તપાસમાં સાઉદીના અધિકારીઓના નામ બહાર આવવાથી આર્દોવાનને એક તક મળી ગઈ હતી, જેમાં તેઓ પ્રિન્સ સલમાનની ટીકા કરી શકે તેમ હતા અને સાથે સાથે સાઉદી અને અમિરાકા તથા સાઉદી વચ્ચે ટકરાવ પણ પેદા કરી શક્યા.
જાણકારોનું માનવું છે કે આવું કરીને તેઓ તુર્કીને લાભ કરાવવા ઇચ્છે છે. જેમાં સીરિયા સાથે તુર્કીની સરહદ પર સાઉદીની દખલગીરીને રોકવાનો હેતુ મુખ્ય છે.
વળી ખાશોગીને કેસ આર્દોવાન માટે પણ અંગત રાહત આપનારો છે, કેમ કે તેઓ દેશમાં સતત કથળી રહેલી અર્થવ્યવસ્થા અને નબળી વિદેશ નીતિને પગલે ટીકાનો સામનો કરી રહ્યા છે.

તુર્કીની અર્થવ્યવસ્થા અને તક

ઇમેજ સ્રોત, Getty Images
જમાલ ખાશોગી સાઉદી અરેબિયાના નાગરિક હતા, પરંતુ તેઓ લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા.
ખાશોગીને સાઉદીની શાહી સરકારની મોખરાના ટીકાકાર ગણવામાં આવતા હતા.
તેઓ અમેરિકામાં વૉશિંગ્ટન પોસ્ટ માટે કૉલમ લખતા હતા.
ખાશોગી લાપતા થયા હતા તેના ચાર દિવસ બાદ જ તુર્કીના અધિકારીઓએ જાહેર કરી દીધુ હતું કે ખાશોગી દૂતાવાસમાં પ્રવેશ્યા તેની ગણતરીની મિનિટોમાં જ તેમની હત્યા કરી દેવાઈ હતી.
ખાશોગી ટૂંક સમયમાં જ લગ્ન કરવાના હતા અને દૂતાવાસમાં તેઓ આ માટેના દસ્તાવેજોના કામકાજ માટે આવ્યા હતા.
તુર્કીએ દાવો કર્યો કે 15 લોકોની એક ટીમને રિયાધથી ઇસ્તંબુલ મોકલવામાં આવી હતી અમે ટીમનું મિશન ખાશોગીની હત્યા કરવાનું હતું.

ઇમેજ સ્રોત, AFP
શરૂઆત અમેરિકા અને અન્ય એજન્સીઓએ તુર્કીના આ તપાસ અહેવાલ પર વિશ્વાસ નહોતો કર્યો, પરંતુ તુર્કી તેની વાત પર અફર રહ્યું હતું.
જેને પગલે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોને રિયાધ જવું પડ્યું હતું.
વૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, આર્દોવાન સાઉદી સરકાર સાથે સહયોગ માટે ખર્ચ થનારી રકમમાં વધારો કરવા માટે સતત દબાણ કરતા આવ્યા છે.
ત્યાર બાદ અમેરિકાએ પ્રયાસ કર્યા કે સાઉદી ખાશોગીની હત્યાની વાત સ્વિકાર કરે, પરંતુ તેની જવાબદારી ક્રાઉન પ્રિન્સ સલમાન પર ન આવે.
અમેરિકાના વિદેશ વિભાગમાં પૂર્વ તુર્કી નિષ્ણાત જોશુઆ વૉકરે કહ્યું કે તુર્કીએ આ હત્યાકાંડ સાથે જોડાયેલી વિગતો ધીમે ધીમે જાહેર કરી જેથી તેઓ સમજૂતીની રકમને વધારી શકે.

'ફાયદો કઢાવવવામાં આર્દોવાન હોશિયાર'
તુર્કીની આર્થિક સ્થિતિ સારી નથી અને કતાર સાથેની મિત્રતાના કારણે પણ તેણે આર્થિક લાભ નથી મળી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
આ વર્ષે તુર્કીનું ચલણ લીરા એટલુ ગગડી ગયું હતું કે આર્દોવાને નાગરિકોને અપીલ કરવી પડી હતી કે તેઓ તેમની પાસેની વિદેશી મુદ્રાને ઘરેલું મુદ્રામાં વટાવી લે.
તુર્કીની કેન્દ્રીય બૅન્કે લીરાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોમાં ત્રણ ટકાનો વધારો પણ કરી દીધો હતો.
જોકે આર્દોવાને હજુ સુધી કોઈ માંગણી સત્તાવારરૂપે સાઉદી સમક્ષ મૂકી નથી અને સાઉદી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય સમજૂતી પણ કરી નથી.
પરંતુ પશ્ચિમી રાજદૂત એ વાતનો અંદાજો લગાવી રહ્યા છે કે જો તુર્કી ખાશોગીની હત્યા મામલે શાહી પરિવારની ભૂમિકાને અલગ તારવી દે છે તો સાઉદી તુર્કી સાથે સમજૂતી માટે તૈયાર થઈ શકે છે.
તેમાં દેવા માફી, કેટલીક રણનીતિ મામલેની લેનદેન અને અન્ય વ્યવસ્થાઓ પણ સામેલ હોઈ શકે છે.
વૉશિંગ્ટનમાં હાજર તુર્કીના એક નિષ્ણાત સોનર કૈગેપ્ટી કહે છે કે આર્દોવાન એક ચતુર નેતા છે. તેમને સંકટની પરિસ્થિતિમાંથી કેવી રીતે પોતાનો ફાયદો કઢાવી શકાય તે સારી રીતે આવડે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













