સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધ પર પશ્ચિમના દેશો મૌન કેમ?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખાશોગીના મામલે પશ્ચિમના દેશો ખૂબ જ નારાજ છે. હાલમાં જ સાઉદી અરેબિયાએ સ્વીકાર્યું કે ખાશોગીનું મોત બે ઑક્ટોબરના રોજ તુર્કી સ્થિત દૂતાવાસમાં થયું હતું.
જોકે, પશ્વિમના દેશોએ આ પહેલાં જ શંકા વ્યક્ત કરી હતી કે તેમની હત્યા કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારના રોજ કહ્યું હતું કે ખાશોગીની હત્યા થઈ છે.
ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો આ મામલે સાઉદી અરેબિયાનો હાથ હશે તો તેમણે 'ગંભીર પરિણામ' ભોગવવું પડશે.
આ મુદ્દે પશ્ચિમના દેશોની વાત કરીએ તો અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા શક્તિશાળી દેશોએ 23 ઑક્ટોબરના રોજ સાઉદી અરેબિયામાં આયોજીત સૌથી મોટાં રોકાણને લગતી કૉન્ફરન્સનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરની ગ્લોબલ કંપનીઓએ પણ આ કૉન્ફરન્સમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે.

પશ્ચિમના દેશોની નારાજગીનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
આ તમામ દેશો સાઉદીના સારા મિત્રો છે. ત્યારે એવામાં સાઉદી અરેબિયા સાથેની નારાજગીનું કારણ શું હોઈ શકે?
એક જમાનામાં જમાલ ખાશોગી સાઉદી અરેબિયાના રાજવી પરિવારની નજીક હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ક્રાઉન પ્રિન્સ સલમાન બિન મોહમ્મદની નીતિઓના આલોચક બની ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ પોતાની સુરક્ષાને પગલે તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા.
ખાશોગી સાથે થયેલું વર્તન, તેમની વિરુદ્ધ કરવામાં આવેલું ષડયંત્ર અને એક શસ્ત્રહીન વ્યક્તિ પર કરાયેલો હુમલો કોઈથી પણ સહન ના થાય.
માનવાધિકારને મહત્ત્વ આપતા પશ્ચિમના દેશોએ એવો તર્ક આપ્યો છે જે તેમના માટે આ મોટો મુદ્દો છે.
આ વિવાદ વકરવાનું બીજું એક કારણ એ પણ છે કે સાઉદી અરેબિયાએ આ મુદ્દે સંતોષકારક જવાબ નથી આપ્યો.
સાઉદી માટે આ સૌથી મોટું રાજનૈતિક સંકટ છે. જોકે, ખાશોગીની હત્યા માત્ર પશ્ચિમના દેશો જ નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે પણ ગંભીર મુદ્દો બની ગયો છે.
તમે આ વાંચ્યું કે નહીં?

યમન મુદ્દે મૌન કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સહિત ઘણા દેશમાં સોશિયલ મીડિયા પર એ સવાલ પૂછાઈ રહ્યો છે કે સાઉદી અરેબિયાનો વિરોધ કરનાર પશ્ચિમના દેશો યમન મુદ્દે મૌન કેમ છે?
સાઉદી અરેબિયાએ વર્ષ 2015થી યમનમાં એક ભયાનક યુદ્ધ છેડ્યું છે.
આ યુદ્ધમાં દરરોજ ઘણા નિર્દોષો જીવ ગુમાવી રહ્યાં છે અને આ પરિસ્થિતિ પાછળ જવાબદાર સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે.
યમનમાં બે સમૂહ છે. એકને ઈરાન સમર્થન આપે છે જ્યારે બીજાને સાઉદી અરેબિયા.
બન્ને દેશ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માગે છે. એટલા માટે સાઉદી અરેબિયાએ, યમનમાં ઈરાન તરફી સમૂહ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આ સમયે દુનિયામાં સૌથી મોટું માનવીય સંકટ યમનમાં સર્જાયું છે.
યુદ્ધને પગલે દેશની વસતિનો બે તૃતીયાંશ ભાગ જીવિત રહેવા માટે માનવીય સહાય પર નિર્ભર થઈ ગયો છે. આ લોકોની સંખ્યા 2.3 કરોડ છે.
આટલું અધૂરું હોય એમ લગભગ 80 લાખ લોકો પર દુષ્કાળનું સંકટ તોળાઈ રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે આ પરિસ્થિતિ યમનમાં છેલ્લાં 100 વર્ષોનો સૌથી મોટો દુકાળ સર્જી શકે છે. યમનમાં હૉસ્પિટલથી લઈને શાળાઓ પર બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે.
આ ઑગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો દેશની ઉત્તરે આવેલી એક શાળામાં આવા હુમલાને કારણે ઓછામાં ઓછાં 42 બાળકો મોતને ભેટ્યાં હતાં.

શું છે રાજનૈતિક ચાલ?

ઇમેજ સ્રોત, Getty Images
એક વ્યક્તિનું મોત (અથવા હત્યા) એક ત્રાસદી છે અને લાખો નિર્દોષ લોકોનાં મૃત્યુ માત્ર આંકડો?
શું પોતાના એક નાગરિકની 'હત્યા' માટે સાઉદી અરેબિયાને ડરાવવું કે ધમકાવવું જોઈએ અને યમનમાં થઈ રહેલી નિર્દોષ લોકોની હત્યાને અવગણવી જોઈએ?
શું આ પરિસ્થિતિને જોઈને અમેરિકાએ નૈતિકતાના ભાગરૂપે સાઉદી અરેબિયા સાથેનો 110 અબજ ડૉલરના હથિયારોનો ઑર્ડર રદ ના કરી દેવો જોઈએ?
ટ્રમ્પે આવું કરવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે આ પગલું ભરવાથી અમેરિકામાં નોકરીઓ પર ખરાબ અસર પડશે.
શું આ પશ્ચિમના દેશોની બેવડી રાજનીતિનું ઉદાહરણ છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















