પત્રકાર ખાશોગીની હત્યાના મામલે સાઉદી અરેબિયા કેમ ઝૂક્યું?

સાઉદી અરેબિયાના રાજકુમાર અને જમાલ ખાશોગીની તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES/EPA

સાઉદી અરેબિયાએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પત્રકાર જમાલ ખાશોગીનું મૃત્યુ ઇસ્તંબૂલ સ્થિત વાણિજ્ય દૂતાવાસામાં થયું હતું.

સાઉદી અરેબિયાની સરકારી ટીવી ચેનલે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે ખાશોગીનું મૃત્યુ દૂતાવાસમાં જ થયું હતું. દૂતાવાસમાં થયેલા ઝઘડા બાદ ખાશોગી મૃત્યુ પામ્યાં હતાં.

બીજી ઑક્ટોબરથી લાપતા થયેલા ખાશોગીનાં મૃત્યુ વિશે સાઉદી અરેબિયા પાછલા 17 દિવસથી એક જ નિવેદન પર કાયમ રહ્યું હતું.

સાઉદી અરેબિયા દ્વારા જણાવાયું હતું કે તેઓ બીજી ઑક્ટોબરે દૂતાવાસથી નીકળી ગયા હતા.

બીજી બાજુ તુર્કીનાં અખબારોમાં સૂત્રો પાસેથી મળતી માહિતીના આધારે સતત એવા સમાચારો છપાઈ રહ્યા હતા કે પત્રકાર ખાશોગીની હત્યા દૂતાવાસની અંદર જ કરવામાં આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તુર્કીમાં સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા સૂત્રોએ સ્થાનિક અખબારોને એવી માહિતી આપી હતી કે મૃત્યુ પહેલાં ખાશોગીને ખૂબ જ યાતના અપાઈ હતી.

તેમના હાથપગ કાપી નાખવામાં આવ્યા હતા.

જોકે, સાઉદી અરેબિયા હજુ પણ એવું જ રટણ કરી રહ્યું છે કે ખોશોગીનું મૃત્યુ એક તકરારના કારણે થયું હતું અને તેમાં કોઈપણ પ્રકારનું કાવતરું નહોતું.

આ મામલે સાઉદી અરેબિયાના રાજકુમાર સલમાને પોતાના ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ચીફ અહમદ અલ-અસીરી અને વરિષ્ઠ મદદનીશ સાઉદ અલ-કથાનીને બરખાસ્ત કર્યા હતા.

શા માટે સતત ઇન્કાર કર્યા બાદ સાઉદી અરેબિયાએ પોતાનું વલણ બદલ્યું અને પોતાના જ મુખ્ય સલાહકારો પર કાર્યવાહી કરી તે જાણવું પણ રસપ્રદ છે.

line
સાઉદી અરેબિયાના રાજકુમાર સલમાનની તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

જમાલ ખાશોગીનાં મોતને પગલે સાઉદી અરેબિયા પર સમગ્ર વિશ્વનું દબાણ હતું.

જોકે, આ કેસમાં તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રચેપ તૈયપ અર્દોવાનના દબાણનો વધુ પ્રભાવ પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

સમગ્ર વિશ્વમાં સૌથી પહેલાં તુર્કીએ એવું નિવેદન આપ્યું હતું કે સાઉદી અરેબિયા દ્વારા જાણી જોઈને ઇસ્તંબૂલના વાણિજ્ય દૂતાવાસમાં ખાશોગીને મારવામાં આવ્યા હતા.

તુર્કીએ ત્યાં સુધી કહ્યું કે આ ઘટનાની તપાસમાં સાઉદી અરેબિયા મદદ કરી રહ્યું નથી.

તુર્કી દ્વારા ખાશોગીનાં મૃત્યુના પુરાવાઓ જાહેર કરાયા ત્યારબાદ સાઉદી અરેબિયાએ આ મામલે અગાઉ કરેલા ઇન્કારના લીધે સમગ્ર વિશ્વમાંથી શંકાની સોઈ સાઉદી તરફ મંડાઈ હતી.

આ દબાણના પરિણામે સાઉદી અરેબિયાએ શનિવારે 20મી ઑક્ટોબરે ખાશોગીનું મૃત્યુ થયું હોવાનો સ્વીકાર કરીને 18 વ્યક્તિની ધરપકડ કરી છે.

એવું અનુમાન છે કે સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે સર્જાયેલા તણાવને ઓછો કરવા માટે રાજકુમાર સલમાને પોતાના માનીતા જનરલ મોહમ્મદ અલ અસીરીને બરખાસ્ત કર્યા છે.

line
જમાલ ખાશોગીની મોતનો વિરોધ કરી રહેલા બાળકની તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અસીરી ઍરફોર્સના સિનિયર અધિકારી હતા.

તેઓ છેલ્લા એક વર્ષથી સાઉદી અરેબિયા દ્વારા યમન પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં સક્રિય હતા.

આવા સંજોગોમાં તેમની પાસે દેશની મહત્ત્વની માહિતી હોવાનું અનુમાન છે.

પશ્વિમના એક રાજદ્વારીએ બીબીસી સંવાદદાતા જૅમ્સ લૅંસડેલને જણાવ્યું હતું કે આ સલાહકાર રાજકુમાર સલમાનની ખૂબ જ અંગતની વ્યક્તિ હતી.

આ સલાહકારોને બરખાસ્ત કરવાની કાર્યવાહી એવું સૂચવે છે કે રાજકુમારને ખાશોગીનાં મૃત્યુની જાણકારી નહોતી.

આ ઘટના બાદ સાઉદી અરેબિયાના સહયોગી પશ્વિમી દેશો સાઉદીની વાતનો સ્વીકાર કરશે કે તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે.

સવાલ એ પણ છે કે સાઉદી અરેબિયાનો બચાવનો પ્રયાસ કેટલી હદ સુધી ટકી શકશે. કેટલાક પશ્વિમી રાજદ્વારીઓને એવી આશંકા છે કે સાઉદી અરેબિયાના રાજકુમારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે

રાજપરિવારમાંથી અન્ય પુત્રની નાયબ રાજકુમાર તરીકે વરણી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.

line

જમાલ ખાશોગી સાથે શું થયું ?

જમાલ ખાશોગીની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

પત્રકાર ખાશોગી વર્ષ 2017માં સાઉદી અરેબિયા છોડીને અમેરિકા જતા રહ્યા હતા.

અમેરિકામાં ખાશોગીએ સપ્ટેમ્બર મહિનાથી 'વૉશિંગ્ટન પોસ્ટ' અખબાર માટે લખવાની શરૂઆત કરી હતી.

પોતાના પ્રથમ લેખમાં જ તેમણે એવું લખ્યું હતું કે તેમણે અને અન્ય કેટલાક લોકોએ ધરપકડ થવાના ડરના લીધે મજબૂરીમાં દેશ છોડવો પડ્યો હતો.

ખોશોગી છેલ્લે બીજી ઑક્ટોબરે ઇસ્તંબૂલના સાઉદી દૂતાવાસમાં જોવા મળ્યા હતા.

તેઓ દૂતાવાસમાં પોતાના લગ્નનાં કાગળો લેવા માટે ગયા હતા.

તુર્કીના અધિકારીઓનું એવું અનુમાન છે કે સાઉદી અરેબિયાના એજન્ટોએ દૂતાવાસમાં ખાશોગીને મારી અને તેમનો મૃતદેહ છૂપાવી દીધો હશે.

સાઉદી અરેબિયા દ્વારા આ આક્ષેપોનું સતત ખંડન કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં સાઉદી અરેબિયાએ એવું પણ કહ્યું હતું કે ખાશોગી દૂતાવાસથી નીકળી ગયા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો