ડોનાલ્ડ ટ્રમ્પની સાઉદી અરેબિયાને ચેતવણી, 'જમાલ ખાગોશી માટે સખત સજા કરીશું'

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્તંબૂલમાં આવેલા સાઉદી દૂતાવાસમાંથી લાપતા થયેલા ચર્ચિત પત્રકાર જમાલ ખાશોગી મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાને ચેતવણી આપી છે.
તેમણે ચેતવણી આપી છે કે જો પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કરાઈ છે અને તેમાં સાઉદી અરેબિયાની સંડોવણી બહાર આવશે તો અમેરિકા તેમની સામે કડક પગલાં ભરશે.
અત્રે નોંધવું કે સાઉદી અરેબિયાના શાહી પરિવારના ટીકાકાર રહેલા પત્રકાર જમાલ ખાશોગી 2જી ઑક્ટોબરથી લાપતા છે.
તેઓ તૂર્કીમાં આવેલા સાઉદી અરેબિયાના દૂતાવાસમાં ગયા હતા અને પરત નહોતા ફર્યાં.
તુર્કીના તપાસકર્તાઓએ શંકા વ્યક્ત કરી છે કે દૂતાવાસની અંદર જ તેમની હત્યા કરીને મૃતદેહ સગેવગે કરી દેવાયો છે.
જોકે, સાઉદીએ આ તમામ આરોપો નકારી દીધા છે.

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો ખાશોગીની હત્યા થઈ છે એવું પુરવાર થયું તો અમેરિકા આ મામલે કાર્યવાહી કરશે.
તેમણે કહ્યું, "આ મામલે તપાસ ચાલી રહી છે. ઊંડી તપાસ ચાલી રહી છે. આવું થશે તો અમને ખૂબ જ રોષ અને નિરાશાની લાગણી અનુભવાશે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''હજુ સુધી તેઓ આ મામલે ઇન્કાર કરી રહ્યા છે. શું આ બાબતમાં તેમની સંડોવણી છે? હા, તેઓ હોઈ શકે છે."
જો કે, ટ્રમ્પે એવું પણ કહ્યું કે ખાશોગીની હત્યાની શંકાના પગલે અમેરિકા સાઉદીને હથિયાર વેચવાનું બંધ નહીં કરશે. તેમણે ઉમેર્યું કે આવું કરવાથી અમેરિકાને જ નુકસાન થશે.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે વધુમાં કહ્યું,"મને લાગે છે કે આવું કરીને અમે અમારી જાતને જ નુકસાન કરીશું. આ સિવાય અમે ઘણા અન્ય વિકલ્પ અપનાવી શકીએ છીએ અને ઘણી કડકાઈથી કામ લઈ શકીએ છીએ.''
''વળી અમે આવું કરીશું પણ. હજુ સુધી કોઈને જાણકારી નથી કે શું થયું છે. અમે આ મામલો ઘણી ગંભીરતાથી જોઈ રહ્યા છે. તુર્કી પણ ઉચ્ચસ્તરની તપાસ કરી રહ્યું છે."

તુર્કીએ પત્રકારની શોધખોળ માટે માગી મંજૂરી
દરમિયાન તુર્કીના વિદેશમંત્રી મેવલુત કાવાસોગલૂએ કહ્યું કે ખાશોગીના લાપતા થવા અંગેની તુર્કીના અધિકારીઓ સાઉદી દૂતાવાસમાં શોધખોળ અને તપાસ કરવા માંગે છે. આથી તેમને તેની મંજૂરી મળવી જોઈએ.
કાવાસોગલૂએ કહ્યું,"તેઓ ક્યાં ગાયબ થઈ ગયા? એ પણ દૂતાવાસમાંથી ક્યાં ગાયબ થઈ ગયા? આથી તમામ બાબતોને પ્રકાશમાં લાવવા અને તપાસ કરવા માટે અધિકારીઓને દૂતાવાસમાં જવાની પરવાનગી મળવી જોઈએ."
"અમને હજુ સુધી કોઈ સહયોગ નથી મળ્યો. અમને સહયોગ મળવો જોઈએ. અમારા તપાસ અધિકારીઓનું દૂતાવાસમાં જવું જરૂરી છે. આથી સાઉદીએ આ મામલે સહયોગ કરવો જોઈએ."

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ અમેરિકા અને બ્રિટન સાઉદી અરેબિયામાં આ મહિને યોજાનારા એક વિશેષ ઉચ્ચસ્તરીય સંમેલનનો બહિષ્કાર કરવાની વિચારણા કરી રહ્યાં છે. આ એક ઉચ્ચસ્તરીય ઇન્વૅસ્ટમેન્ટ સમિટ છે.
ખાશોગીની હત્યાની પુષ્ટિ થયા બાદ પશ્ચિમી દેશો ટીકા સંબંધિત નિવેદન પણ જાહેર કરવા અંગે વિચારણા કરી રહ્યા છે.
કેટલાક પ્રાયોજકો અને મીડિયા સમૂહો રિયાધમાં થનારા આ સંમેલન પહેલાં જ તેનાથી અલગ થઈ ચૂક્યા છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ ઇન્વૅસ્ટમેન્ટ સમિટના યજમાન છે.
ઉપરાંત અત્રે એ પણ નોંધવું કે લાપતા પત્રકાર ખાશોગી પ્રિન્સ સલમાનની નીતિઓના ટીકાકાર હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













