BBC TOP NEWS તુર્કીનો આરોપ: પત્રકાર ખાશોગી હત્યા સાઉદી દૂતાવાસમાં થઈ

ઇમેજ સ્રોત, EPA
'બીબીસી હિંદી સર્વિસ'ના અહેવાલ મુજબ તુર્કીના સત્તાધારી પક્ષના ઉચ્ચ અધિકારીએ એવો આક્ષેપ કર્યો છે કે સાઉદી અરેબિયાના ગુમ થયેલા પત્રકાર જમાલ ખાશોગીની હત્યા ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસમાં થઈ છે.
આ અંગેના પુરાવા તપાસ એજન્સીને મળ્યા હોવાનો દાવો પણ તૂર્કીએ કર્યો છે.
શનિવારે તુર્કીના બે અધિકારીઓએ નિવેદન આપ્યું કે જાણીજોઈને પત્રકારની હત્યા કરવામાં આવી છે અને પત્રકારના મૃતદેહનો દૂતાવાસમાંથી નિકાલ કરી દેવાયો છે.
જમાલ ખાશોગી મંગળવારે પોતાના તલાકના દસ્તાવેજો લેવા માટે દૂતાવાસ ગયા હતા ત્યારબાદ તેમનો પતો લાગ્યો નહોતો.
તમે આ વાંચ્યું કે નહીં?
ખાશોગી સાઉદી અરેબિયાના જાણીતા પત્રકાર છે.
તેઓ અમેરિકામાં રહેતા હતા અને 'ધ વોશિંગ્ટન પોસ્ટ' માટે કામ કરતા હતા.
ખાશોગી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલામના મોટા ટીકાકાર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરેબિયાના રાજદૂત મોહમ્મદ અલ ઓતૈબીએ જણાવ્યું હતું કે પત્રકાર દૂતાવાસમાં કે સાઉદી અરેબિયામાં નથી.
દૂતાવાસ દ્વારા તેમને શોધવાનો પ્રયાસ થઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

વિદેશ પ્રવાસમાં ક્રિકેટરસાથે પત્નીને રહેવાની છૂટ મળે: કોહલી

ઇમેજ સ્રોત, @IMVKOHLI
'ઇન્ડિયા ટૂડે'ના અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઈ સમક્ષ રજૂઆત કરી છે કે ટીમના વિદેશ પ્રવાસ દરમ્યાન ક્રિકેટરો સાથે પત્નીને રહેવાં છૂટ આપવામાં આવે.
અહેવાલમાં જણાવ્યા મુજબ આ રજૂઆત કોહલી દ્વારા કેટલાંક અઠવાડીયા અગાઉ કરાઈ હતી.
જોકે, બીસીસીઆઈના નિયમ મુજબ ભારતીય ટીમના કોઈ પણ ખેલાડીની રજૂઆત બૉર્ડ ત્યારે જ ધ્યાનમાં લઈ શકે કે જ્યારે આ અંગે ટીમના મેનેજર રજૂઆત કરે.
મહત્ત્વપૂર્ણ છે કે બીસીસીઆઈના વર્તમાન નિયમ મુજબ વિદેશ પ્રવાસ દરમ્યાન ક્રિકેટર સાથે તેમનાં પત્ની બે સપ્તાહ સુધી રહી શકે છે.

ગીરના સિંહોનું સ્થળાંતર નહીં થાય: વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે 7મી ઑક્ટોબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગીરમાં સિંહો સુરક્ષિત છે અને હાલમાં સિંહોનું સ્થળાંતર નહીં થાય.
ગીરમાં એક મહિના કરતાં ઓછા સમયમાં બીમારીના કારણે 23 સિંહોનાં મૃત્યુ બાદ તેમના સ્થળાંતરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ વાઇરસના પગલે ગીરની આસપાસના 20 ગામમાં કૂતરાનું રસીકરણ હાથ ધરાયું છે.
આ રસીકરણની પ્રક્રિયા ગીરના સરસિયા વીડી ગામની આસપાસ આવેલા ગામોમાં કરવામાં આવી છે.

ટ્રેડ વૉરની અસર : ચીન અર્થતંત્રમાં 109 અબજ ડૉલરનું રોકાણ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
'ધ હિંદુસ્તાન ટાઇમ્સના' ના અહેવાલ મુજબ ચીનની સેન્ટ્રલ બૅન્કે 15મી ઑક્ટોબરથી 'રિઝર્વ રિક્વાયરમૅન્ટ રેશિયો' એક ટકા ઓછો કરવાની જાહેરાત કરી છે.
અમેરિકા સાથેના 'ટ્રેડ વૉર'ની ગંભીર અસરના પગલે ચીન દ્વારા અર્થતંત્ર તેમજ વિકાસ દરને જાળવી રાખવા આ નિર્ણય લેવાયો છે.
ચીનના આ નિર્ણયથી દેશના અર્થતંત્રમાં 109 અબજ ડૉલર ઠલવાશે.
નોંધનીય છે કે 'પીપલ્સ બૅન્ક ઓફ ચાઇના' દ્વારા દેશમાં ચોથી વખત રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયો ઘટાડાયો છે.
અહેવાલમાં વધુમાં જણાવ્યા મુજબ સોમવારે 8મી ઑક્ટોબરે અમેરિકા ચીન 'ટ્રેડ વૉર'ની તંગદિલી અને દક્ષિણ ચીન સમુદ્રની તંગદિલી સહીતના મુદ્દે એક મહત્ત્વની બેઠક પણ યોજાશે.

કાશ્મીરમાં 13 વર્ષ બાદ સ્થાનિક સ્વરાજ ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી'ના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં 13 વર્ષ બાદ 8મી ઑક્ટોબરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે.
સમગ્ર રાજ્યમાં 16મી ઑક્ટોબર સુધી ચાર તબક્કામાં જુદીજુદી જગ્યાઓએ મતદાન થશે.
જમ્મુ-કાશ્મીરમાં 1100 મ્યુનિસિપલ વૉર્ડ માટે 13 વર્ષ બાદ ચૂંટણીઓ થઈ રહી છે.
આ ચૂંટણીમાં રાજ્યના 2990 ઉમેદવારોએ નામાંકન કર્યું છે.
જ્યારે રાજયમાં 240 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
બિનહરીફ જાહેર થયેલા મોટાભાગના ઉમેદવારો કાશ્મીરના હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2005 જમ્મુ-કાશ્મીરમાં રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















