સીરિયા : ગૃહયુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધી 3 લાખથી વધુ મોત થયાં છે

ઇમેજ સ્રોત, EPA
યુએન અનુસાર છેલ્લા બે સપ્તાહથી સીરિયાના લશ્કરી દળોએ બળવાખોરોના કબજાવાળા વિસ્તારોમાં હુમલા શરૂ કર્યા છે. જેને પગલે બે લાખથી વધુ લોકોનું પલાયન થયું છે.
આ હુમલાને પગલે છેલ્લા બે સપ્તાહમાં 2 લાખ 70 હજાર લોકોએ તેમના ઘરબાર ગુમાવ્યા છે.
મોટા ભાગનું પલાયન દેરા અને ક્યુનેઈત્રા વિસ્તારમાં યુદ્ધને કારણે થયું છે. મોટા ભાગના લોકો જોર્ડન અને ઇઝરાયલના કબજાવાળા ગોલન હાઇટ્સ તરફ પલાયન કરી ગયા છે.
પણ આ બન્નેમાંથી એક પણ દેશે તેમને રૅફ્યૂજી તરીકે પ્રવેશ-આશ્રય આપશે કે નહીં તેની જાહેરાત નથી કરી.
આ કારણે માનવીય સંકટ ઊભું થયું છે. સીરિયાના ઉપરોક્ત વિસ્તારોમાં સીરિયાના લશ્કરી દળો રશિયા દ્વારા કરવામાં આવતા હવાઈ હુમલાની મદદથી આગળ વધી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Reuters
રવિવારે બોરસા અલ-શામ નગરના વિદ્રોહીઓએ હથિયાર હેઠાં મૂકીને રાષ્ટ્રપતિ બશર અલ-અસદની શરણાગતિ સ્વીકારી લીધી હતી.
યુકે સ્થિત મોનિટરીંગ સંસ્થા સીરિયન ઑબ્ઝેર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ(એસએફએચઆર) અનુસાર જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી 130થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
દેરા અને ક્યુનેઈત્રામાં એક વર્ષથી શાંતિ હતી. કેમ કે આ માટે અમેરિકા અને જોર્ડનના હસ્તક્ષેપથી યુદ્ધવિરામ કરાર થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપને આ પણ વાંચવું ગમશે
અમેરિકા અને જોર્ડન બસર અલ-અસદના શાસનનો વિરોધ કરનારા જૂથોના પક્ષોમાં હોવાનું જ્યારે રશિયા અસદ સરકારના પક્ષમાં હોવાનું કહેવામાં આવે છે.
પરંતુ એપ્રિલ મહિનામાં દમાસ્કસની બહાર પૂર્વિય ઘૌતા વિસ્તારમાં વિદ્રોહીઓને હરાવ્યા બાદ અસદ સરકારે તેના સંલગ્ન વિસ્તારોમાં સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે કોશિશ શરૂ કરી હતી.

કેવી રીતે શરૂ થયું યુદ્ધ?

ઇમેજ સ્રોત, Reuters
ખરેખર સાત વર્ષ પહેલાં બશર અલ-અસદ સામે શરૂ થયેલો શાંતિમય વિરોધ ગૃહયુદ્ધમાં પરિણમ્યો છે.
આ યુદ્ધમાં ત્રણ લાખથી વધુ (3.5 લાખ) લોકોના મૃત્યુ થયા છે. તેમાં શહેરોના શહેર નષ્ટ થઈ ગયા છે.
વર્ષ 2000માં બશર અસદે સત્તા સંભાળી હતી. તેમને તેમના પિતા તરફથી આ સત્તા મળી હતી. કેમ કે તેમના પિતાનું મૃત્યુ થતાં તેમની પાસે સત્તા આવી હતી.
વિદ્રોહ શરૂ થયો તે પૂર્વે સીરિયામાં બેરોજગારી, ભ્રષ્ટાચાર અને રાજકીય સ્વતંત્રતાના અભાવ મામલે સંખ્યાબંધ સીરિયાવાસીઓ ફરિયાદ કરી રહ્યા હતા.
વર્ષ 2011માં લોકશાહીના પક્ષમાં પ્રદર્શનકારીઓએ દેરાના દક્ષિણ શહેરોમાં દેખાવો શરૂ કરી દીધા હતા. તેમના પાડોશી દેશોમાં થયેલા આરબ ચળવળથી આવું કરવાની પ્રેરણા મળી.
આથી સરકારે જ્યારે તેમના વિરોધ અને અવાજને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર સીરિયામાંથી અવાજ ઉઠી અને અસદના રાજીનામાંની માગણી કરવામાં આવી.
બળવો વધવા લાગ્યો સામે અસદ સરકારે વધું કડક વલણ અપનાવ્યું.
અસદ સરકારે પહેલા પોતાના બચાવ માટે અને પછી તેમના વિસ્તારોને સુરક્ષા દળોની મદદથી નિયંત્રણમાં લઈ લેવા અભિયાન શરૂ કર્યું.
રાષ્ટ્રપતિ બશર અલ-અસદે આ વિદ્રોહને વિદેશી તાકતો દ્વારા ફેલાવવામાં આવેલો આતંકવાદ ગણાવ્યો. તેમણે આ બળવાને કચડી કાઢવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પરંતુ આ વલણને કારણે હિંસા વધુ ભડકી ગઈ અને સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. એસએફએચઆર સંસ્થા અનુસાર અત્યાર સુધી ગૃહ યુદ્ધમાં પચાસ હજારથી વધુ લોકો લાપતા છે જેમને મૃત માનવામાં આવી રહ્યા છે.
ગૃહયુદ્ધમાં શરૂઆતમાં ગોળીબારમાં લોકોના મૃત્યુ થયા પરંતુ પછી યુદ્ધ વધુ વણસી જતાં મોર્ટાર હુમલા થવા લાગ્યા. આખરમાં સીરિયામાં હવાઈ હુમલા થતાં યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું.

યુદ્ધ શા માટે થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવે આ યુદ્ધ ખરેખર અસદ અને તેના વિરોધમાં ઊતરેલા લોકો વચ્ચેનું નથી રહ્યું.
તેમાં વિવિધ દેશ અને જૂથ તેમના અંગત સ્વાર્થ અને એજન્ડા સાથે તેમાં હસ્તક્ષેપ કરતા હવે સ્થિતિ ખૂબ જ જટિલ થઈ ગઈ છે.
આ યુદ્ધને હવે શિયા અને સુન્ની વચ્ચેના ટકરાવનું સ્વરૂપ આપી દેવાયું છે.

કેટલા દેશ જોડાયા?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા, ઈરાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ ઉપરાંત અમેરિકા-યુકે-ફ્રાન્સ અને અન્ય પશ્ચિમી દેશોનું સંયુક્ત દળ મધ્યમ સ્તરના વિદ્રોહીઓની તરફેણમાં ક્યારેક કામ કરે છે.
રશિયા કથિતરૂપે બસર અલ-અસદના સમર્થનમાં છે. જ્યારે અમેરિકાના નેતૃત્વનું દળ અસદ સરકારના દળોની વિરુદ્ધમાં છે.
તુર્કી વિદ્રોહીઓના સમર્થનમાં છે જ્યારે ઈરાન અસદના પક્ષમાં છે. બીજી તરફ સાઉદી ઈરાનના હસ્તક્ષેપને વળતો જવાબ આપવા યુદ્ધમાં ઊતર્યું છે તો વળી ઇઝરાયલને ડર છે કે ઈરાનના હથિયારો સીરિયામાં હિઝબોલ્લાહના હાથમાં આવી જશે.
હિઝબોલ્લાહ સંગઠન આ હથિયારોનો ઇઝરાયલ સામે ઉપયોગ કરી શકે છે એવી તેમને ભીતિ છે.
આ સમગ્ર યુદ્ધના કારણે છેલ્લા સાત વર્ષમાં સીરિયાની વસતીના પચાસ ટકા લોકો પલાયન કરી ચૂક્યા છે.
સીરિયાના લોકો આશ્ચર્ય માટે મોટાભાગે યુરોપના દેશોમાં સ્થળાંતર કરી ગયા જ્યારે કેટલાક પાડોશી દેશો ઇજિપ્ત, જોર્ડન અને તુર્કી વગેરેમાં શરણ માટે પલાયન કરી ગયા.
યુદ્ધ એટલું વ્યાપક રીતે પ્રસરી ગયું છે કે સીરિયામાં મેડિકલ સહાય માટે સ્થાપવામાં આવેલા કૅમ્પ પર 492 હુમલા થયા છે અને તેમાં કામ કરતા 847 લોકોના મૃત્યુ થયા છે.

શું આ યુદ્ધનો અંત આવશે?
નજીકના સમયમાં તેનો અંત આવે એવું લાગી નથી રહ્યું. પણ દરેક એક વાત સાથે સંમત છે કે આ સમસ્યાનો ઉકેલ રાજકીય રીતે આવે તે જરૂરી છે.
2012ના જીનિવા ઠરાવને લાગુ કરવા માટે યુએનની સુરક્ષા પરિષદે નિર્ણય કર્યો હતો.
વર્ષ 2014થી યુએનના હસ્તક્ષેપથી નવ વખત શાંતિ મંત્રણા હાથ ધરવામાં આવી છે જેમાં થોડો સુધાર જોવા મળ્યો છે.
કેમ કે અસદ વિરોધી જૂથ સાથે સમાધાન માટે તૈયાર નથી. બીજી તરફ સમાધાનરૂપે હજુ પણ વિરોધી જૂથોની માગ છે કે અસદ સત્તા છોડી દે.
દરમિયાન પશ્ચિમી દેશોના સત્તાધિશોનો આરોપ છે કે રશિયા શાંતિ મંત્રણાને નુકસાન પહોંચાડી રહ્યું છે. કેમ કે રશિયા એક સમાંતર રાજકીય પ્રણાલી ઊભું કરી રહ્યું છે.
વર્ષ 2018માં રશિયાએ રાષ્ટ્રીય સંવાદ માટે સભા યોજી હતી. પરંતુ મોટાભાગના વિરોધી જૂથોના પ્રતિનિધિઓએ તેમાં હાજરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














