નોર્થ કોરિયા : સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદ કિમ જોંગ-ઉનને કેમ મળી રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP
ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેવાના છે. તેઓ કિમ જોંગ-ઉનને મળવાના છે.
વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને પ્રથમ વખત કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે.
તાજેતરમાં કિમ જોંગે તેમની રાજદ્વારી પ્રવૃત્તિઓ વધારી દીધી છે. મે મહિનામાં તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા.
વળી, તેઓ આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરવાના છે.
જોકે, ઉત્તર કોરિયાના સાથી રહેલા સીરિયા તરફથી આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
અત્રે નોંધવું રહ્યું કે આ બન્ને દેશો પર સંયુક્ત રીતે રાસાયણિક હથિયારો વિકસાવવાનો આરોપ રહ્યો છે. પણ બન્ને દેશ તેનો ઇન્કાર કરતા આવ્યા છે.
જોકે, ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સીએ આ મુલાકાતની કોઈ તારીખ જાહેર નથી કરી.

'હું કિમ જોંગ-ઉનને મળવા જવાનો છું'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, EPA
અજન્સીએ બસર અસદને ટાંકીને લખ્યું, "હું ઉત્તર કોરિયાની મુલાકાત લેવાનો છું અને કિમ જોંગ-ઉનને મળીશ."
ઉત્તર કોરિયાના રાજદૂત તરફથી પ્રસ્તાવિત બેઠક બાબતે જવાબ મળ્યા બાદ તેમની આ ટિપ્પણી આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બસર અસદને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું કે અંતિમ વિજય કિમ જોંગ-ઉનનો થશે અને બન્ને કોરિયન દેશ એક થશે.
તમે આ વાંચ્યું કે નહીં?
વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા.
ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા.

ઉ.કોરિયા પર સીરિયાને હથિયારોની સામગ્રી આપવાનો આરોપ

ઇમેજ સ્રોત, Reuters
ફેબ્રુઆરીમાં સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ જાહેર થઈ ગયો હતો. જેમાં ઉત્તર કોરિયા પર સીરિયામાં વર્ષ 2012 અને 2017માં રાસાયણિક હથિયાર બનાવવાની સામગ્રીના 40 શિપમેન્ટ મોકલવાનો આરોપનો ઉલ્લેખ હતો.
આ સામગ્રીમાં કથિતરૂપે એસિડ રોધક ટાઇલ્સ, સંખ્યાબંધ વાલ્વ અને પાઇપનો સમાવેશ થાય છે. જેને રાસાયણિક હથિયાર માટે વાપરવામાં આવવાની ભીતિ તેમાં દર્શાવાઈ હતી.
વળી સીરિયામાં સાત વર્ષથી ચાલતા ગૃહયુદ્ધ દરમિયાન રસાયણિક હથિયાર વાપરવાનો બસર અસદ પર આરોપ છે. જોકે તેમણે પણ આ આરોપોનો ઇન્કાર કર્યો છે.

પુતિન સાથે પણ શિખર બેઠક
વર્ષના પ્રારંભે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથે ફરીથી સંબંધો સુધારવા માટેની પહેલના સંકેતો આપ્યા ત્યારથી અત્યાર સુધી કિમ જોંગ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, દક્ષિણ કોરિયાના મૂન જે-ઇનને મળ્યા છે.
પણ અત્રે એ પણ નોંધવું રહ્યું કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ટેક્નિકલ રીતે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે.
કિમ જોંગ આ વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ શિખર બેઠક કરવાના હોવાના અહેવાલ છે.
પરંતુ 12મી જૂને સિંગાપોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કિમ જોંગની મુલાકાત ઘણી હાઇ-પ્રોફાઇલ છે.
કેમ કે અમેરિકાની માગ છે કે ઉત્તર કોરિયા નિ:શસ્ત્રીકરણ અપનાવે, જ્યારે ઉત્તર કોરિયાની માગ છે કે તેમની પરના પ્રતિબંધો દૂર કરવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















