ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે સંવાદ કઈ રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયાના સર્વેસર્વા કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન વચ્ચે 27 એપ્રિલે મુલાકાત થવાની છે.
તેના કારણે બંને દેશો વચ્ચે સીધી વાતચીતના સંબંધો સ્થાપિત થશે તેવી આશા જન્મી છે, કેમ કે અત્યાર સુધી બંને દેશો સીધા સંવાદને બદલે અન્ય રીતે જ વાતચીત કરતા હતા.
બંને કોરિયા વચ્ચે સંદેશવ્યવહારની કોઈ કડી નથી, આમ છતાં બંને પક્ષો વર્ષોથી એક બીજાને સંદેશ મોકલતા જ રહ્યા છે.
તેમાં પ્રચારાત્મક સામગ્રી ઉપરાંત બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે થયેલા સંદેશવ્યવહારનો પણ સમાવેશ થાય છે.
સામા પક્ષના ઓડિયન્સ સુધી પહોંચવા માટે કેટલીક વિચિત્ર લાગે તેવી રીતો અપનાવાઈ છે.
બંને દેશોની સંસ્થાઓ એક બીજાના નાગરિકોમાં પ્રચાર માટે ચોપાનિયાં વગેરેનો ઉપયોગ કરતી આવી છે.


ઇમેજ સ્રોત, AFP
જોકે સરહદ પાર ચોપાનિયાં પહોંચાડવાં મુશ્કેલ હોય છે, એટલે એક કિમિયો શોધી કઢાયો - બલૂન; જેના વડે સરહદપાર પ્રચાર સાહિત્ય પહોંચી જાય.
ઉત્તર કોરિયામાંથી બળવો કરીને દક્ષિણ કોરિયા પહોંચી ગયેલા કેટલાક લોકોએ સંસ્થાઓ ખોલી છે. તેઓ ઉત્તર કોરિયાના શાસકોની ટીકા કરતું સાહિત્ય બલૂન દ્વારા મોકલતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર કોરિયાએ આ રીતનો વિરોધ કરીને તેને "યુદ્ધની ઘોષણા" સમાન ગણાવ્યું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
2015માં આ રીતે આકાશમાંથી લિફ્લેટ્સ ફેંકાયાં તે પછી સરકારી નિયંત્રણ હેઠળની યુરિમિન્ઝોક્કિરી નામની વેબસાઇટમાં તેને યુદ્ધના આહ્વવાનસમું કૃત્ય ગણાવાયું હતું.
સરહદ પારથી આ રીતે ચોપાનિયાં ફેંકવા સામે સખત નારાજી વ્યક્ત કર્યા પછી ઉત્તર કોરિયા પોતે પોતાની વાહવાહ કરતાં ચોપાનિયાં પણ આ જ રીતે સામે ફેંકે છે.
2017માં તો સીઉલના પ્રમુખના કાર્યાલયના કમ્પાઉન્ડમાં આવા ચોપાનિયાં આવી પડ્યાં હતાં.

રેડિયો અને ટીવી

ઇમેજ સ્રોત, South Korean Unification Ministry via Getty Images
ઉત્તર કોરિયાએ રેડિયો સ્ટેશનો ખોલ્યાં છે, જેના દ્વારા સ્થાનિક અને બહાર બંને જગ્યાએ પ્રચાર થતો રહે છે. જોકે સૌથી વધારે પ્રચાર તો બહારની દુનિયાને સંદેશ આપવા માટે જ થાય છે.
સરકારી રેડિયો જ ઉત્તર કોરિયામાં સાંભળી શકાય છે, કેમ કે બહારથી આવતા રેડિયો તરંગોને જામ કરી દેવાય છે. જોકે ખાનગીમાં વિદેશી પ્રસારણ સાંભળી શકાય તેવા રેડિયો મળે છે ખરા.
દક્ષિણ કોરિયાના સરકારી રેડિયો દ્વારા પણ પ્રચાર થાય છે. કોરિયન બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના સિગ્નલ ઉત્તર કોરિયામાં પહોંચે છે.
તે જ રીતે બીબીસી કોરિયન સર્વિસ, રેડિયો ફ્રી એશિયા અને વૉઇસ ઓફ અમેરિકાની કોરિયન સર્વિસ જેવા વિદેશી રેડિયો સ્ટેશનો ઉત્તર કોરિયામાં ખાનગીમાં સાંભળી શકાય છે.
ઉત્તર કોરિયાથી બળવો કરીને આવેલા લોકો પણ દક્ષિણ કોરિયામાંથી રેડિયો સ્ટેશનો ચલાવે છે, જેમ કે ફ્રી નોર્થ કોરિયા રેડિયો અને નોર્થ કોરિયા રિફોર્મ રેડિયો.


ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયા પણ બહારની દુનિયાને ધ્યાનમાં રાખીને પસંદ કરેલી પ્રચાર સામગ્રીનું પ્રસારણ રેડિયો સ્ટેશનો દ્વારા કરે છે.
વૉઇસ ઓફ કોરિયા એવા નામે ઇન્ટરનેશનલ સર્વિસ ચલાવાય છે, જેમાં જુદી જુદી ભાષાઓમાં પ્રસારણ થાય છે.
ટોન્જિલ વૉઇસ નામની બીજી પણ એક સર્વિસ છે, જેમાં કોરિયન ભાષામાં રેડિયો પ્રસારણ થાય છે અને પૉડકાસ્ટ પણ થાય છે.
ટેલિવિઝન પ્રસારણ પણ થાય છે, પણ તે રેડિયો સ્ટેશન જેટલી સહેલાઈથી ઉપલબ્ધ થતી નથી.
જોકે, દક્ષિણ કોરિયાના ટીવી શૉ અને મૂવીઝ કેટલીક વાર દાણચોરીથી સરહદ પાર ઉત્તર કોરિયામાં પહોંચી જાય છે.

લાઉડસ્પીકરથી પ્રચાર

ઇમેજ સ્રોત, Korea Pool-Donga Daily via Getty Images
બંને કોરિયન દેશો વર્ષોથી સરહદ પાસે લાઉડસ્પીકરથી પ્રચાર કરે છે. ભારે બંદોબસ્ત સાથેની સરહદ પર લાઉડસ્પીકર લગાવીને તેના પર પોતાની વાહવાહ અને સામા પક્ષની નિંદા કરવામાં આવે છે.
એક બીજાની રાજકીય અને સામાજિક વ્યવસ્થાની ટીકા કરવામાં આવે છે.
દક્ષિણ કોરિયા લાઉડસ્પીકર દ્વારા પોતાની લોકશાહી, અર્થતંત્રના વખાણ કરીને પ્યોંગયેન્ગના શાસકોના માનવાધિકારોના ભંગની ટીકા કરે છે.
ઉત્તર કોરિયાના સૈનિકોનું ધ્યાન ખેંચવા લાઉડસ્પીકર પર સંગીત પણ વગાડવામાં આવે છે.
ઉત્તર કોરિયાના લાઉડસ્પીકરમાં સામ્યવાદી પ્રચાર પર ભાર મૂકીને દક્ષિણ કોરિયા અને તેના અમેરિકા જેવા સાથી દેશોની ભરપૂર ટીકા કરવામાં આવે છે.
જોકે ઉત્તર અને કોરિયાના બે નેતાઓ વચ્ચે 27 એપ્રિલે મુલાકાત થવાની હોવાથી હાલમાં આ લાઉડસ્પીકર્સમાંથી થતો પ્રચાર બંધ કરી દેવાયો છે.

સરહદપાર સંદેશવ્યવહાર

ઇમેજ સ્રોત, Getty Images
બંને દેશો વચ્ચે પોનમુનજોમ નામનું એક ગામડું શાંતિસ્થળ તરીકે પસંદ થયું હતું અને ત્યાં સંદેશની આપલે માટે હોટલાઇન રખાઈ હતી. તે બે વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી, પણ 2018માં ફરી શરૂ કરાઈ છે.
ઉત્તર અને દક્ષિણ કોરિયામાં આવેલા રેડક્રોસ વચ્ચે સીધી વાતચીત થઈ શકે તે માટે 1971માં ટેલિફોન લાઇન નંખાઈ હતી. હાલમાં આ રીતે સીધી વાતચીત કરી શકાય તેવી 33 લાઇનો છે.
બંને બાજુ લીલા અને લાલ રંગના કોન્સોલ્સ બનાવાયા છે, જેના દ્વારા સંવાદ થઈ શકે. તેની સાથે કમ્પ્યૂટર અને ફેક્સ મશીન પણ જોડાયેલાં હોય છે અને દિવસમાં સામાન્ય રીતે બે વાર વાત થાય છે.
બંને દેશો વચ્ચે સંયુક્ત રીતે ઔદ્યોગિક વસાહત હતી તે દક્ષિણ કોરિયાએ બંધ કરી દીધી, તે પછી ફેબ્રુઆરી 2016માં ઉત્તર કોરિયાએ આ હોટલાઇન બંધ કરી દીધી હતી.


ઇમેજ સ્રોત, Chung Sung-jun/Getty Images
આખરે જાન્યુઆરી 2018માં ફરીથી તે હોટલાઇન શરૂ થઈ અને તેના કારણે જ આખરે બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાતચીત થવા લાગી.
તેના કારણે જ દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિન્ટર ઑલિમ્પિક્સમાં ઉત્તર કોરિયાના ખેલાડીઓ પણ આવે તેવો નિર્ણય લઈ શકાયો હતો.
જોકે આ સિવાયના સંદેશવ્યવહાર માટે સરહદ પરના સૈનિકો સાથે સીધી વાતચીતના જ રસ્તા અપનાવવા પડતા હોય છે.
આવી જ એક ઘટના હાલમાં બની હતી. યુનાઇટેડ નેશન્સ કમાન્ડના અધિકારીઓ ઉત્તર કોરિયાની સેનાને માહિતી આપવા માગતા હતા કે અમેરિકા અને દક્ષિણ કોરિયા સંયુક્ત રીતે લશ્કરી કવાયત કરવાના છે.
20 માર્ચે આ સંદેશ આપવા માટે અધિકારીઓ સરહદ પર પહોંચ્યા હતા અને ત્યાંથી જોરથી બોલીને પોતાનું નિવેદન ઉત્તર કોરિયાના સૈનિકોને સંભળાવ્યું હતું.

નેતાઓ વચ્ચે હોટલાઇન

ઇમેજ સ્રોત, Getty Images
બંને દેશો વચ્ચે શીખર મંત્રણાનો નિર્ણય લેવાયો તે પછી પહેલી વાર બંને દેશોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ શકે તે માટે 20 એપ્રિલથી હોટલાઇન શરૂ કરી દેવાઈ છે.
સીઉલના પ્રમુખના નિવાસથી ઉત્તર કોરિયાના વિદેશ બાબતોના કમિશનની કચેરી વચ્ચે આ હોટલાઇન શરૂ કરવામાં આવી છે. આ કમિશનનું નેતૃત્ત્વ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન જ કરે છે.
દક્ષિણ કોરિયાના પ્રમુખના કાર્યાલયના અધિકારીઓએ એવી આશા વ્યક્ત કરી છે કે બંને દેશના નેતાઓ વચ્ચે સીધી વાતચીતના કારણે તંગદિલી ઓછી થશે. સંવાદ થવાથી ગેરસમજણ ઓછી થશે એવી આશા છે.
શિખર મંત્રણા પહેલાં કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન ટેલિફોન પર વાતચીત કરે તેવી શક્યતા છે, જેની તારીખ હજી જાહેર થઈ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














