અમેરિકાના સૂચિત વ્યાપાર નિયંત્રણો સામે ચીનની આકરી ચેતવણી

ઇમેજ સ્રોત, AFP
ચીને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના પર વેપાર નિયંત્રણો લાદશે તો બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેની વેપાર સંબંધી તમામ મંત્રણા રદબાતલ ગણાશે.
નાયબ રાષ્ટ્રપ્રમુખ લ્યૂ હે અને અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ વચ્ચેની મંત્રણા બાદ ચીને જણાવ્યું હતું કે તે અનેક દેશોમાંથી આયાત વધારવા તૈયાર છે.
ચીની માલસામગ્રી પર 50 અબજ ડોલરની વધારાની જકાત લાદવાની ધમકી વોશિંગ્ટને આપ્યાના દિવસો પછી વિલ્બર રોસે ચીનની મુલાકાત લીધી હતી.
દરમ્યાન, સ્ટીલ તથા એલ્યુમિનિયમ પરની નવી આયાત જકાત બાબતે ગ્રુપ ઓફ સેવન(જી-7)ના સભ્ય દેશોએ અમેરિકાની ઝાટકણી કાઢી હતી.
ફ્રાન્સના નાણા પ્રધાન બ્રુનો લે મેઈરેએ થોડા દિવસોમાં વેપાર યુદ્ધ શરૂ થવાની ચેતવણી આપી હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ટ્વિટર પર ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્ય દેશો વેપારમાં વર્ષો સુધી અમેરિકાનો જોરદાર લાભ લેતા રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ, સ્ટીલ પરની આયાત જકાતને કારણે અમેરિકાના સ્ટીલ ઉત્પાદકોને રક્ષણ મળશે, જે રાષ્ટ્રીય સલામતી માટે મહત્ત્વનું છે.
અમેરિકન કંપનીઓએ યુરોપમાં અને અન્યત્ર જે નિયંત્રણોનો સામનો કરવો પડે છે એ બાબતે પણ ડોનાલ્ડ ટ્રમ્પે ફરિયાદ કરી હતી અને ઉમેર્યું હતું કે "હવે સમય સ્માર્ટ થવાનો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વ્યાપાર પ્રતિબંધોઃ પાયાના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images
• વેપાર યુદ્ધ શું છે? તેમાં દેશો એકમેકના વ્યાપાર પર ટેક્સ અને ક્વોટા વડે આક્રમણ કરે છે. એક દેશ ટેરિફ્સ વધારે છે. પરિણામે બીજા દેશને તેનો જવાબ આપવાની ફરજ પડે છે. તેથી અર્થતંત્રોને નુકસાન થાય છે અને રાજકીય તંગદિલી વધે છે.
• ટેરિફ્સ એટલે શું? વિદેશમાં બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ પરના ટેક્સ. જે દેશમાં પરદેશી પ્રોડક્ટની આયાત થતી હોય ત્યાં તેના પર ભારે કર હોવાને કારણે એ મોંઘી બની જાય છે. પરિણામે આયાતકર્તા દેશમાં લોકો એ પ્રોડક્ટ ખરીદતા નથી. લોકો સસ્તી સ્થાનિક પ્રોડક્ટ્સ ખરીદે છે. તેથી દેશના અર્થતંત્રને વેગ મળે છે.
• વેપારખાધ શું છે? તમારો દેશ બીજા દેશ પાસેથી કેટલી આયાત કરે છે અને એ દેશમાં કેટલી નિકાસ કરે છે એ વચ્ચેનો તફાવત. ચીન સાથે અમેરિકાની વેપારખાઘ બહુ મોટી એટલે કે આશરે 375 અબજ ડોલરની છે.

ચીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP
બીજિંગમાં અમેરિકા સાથેની મંત્રણા બાદ બહાર પાડેલા નિવેદનમાં ચીને મંત્રણાના નિષ્કર્ષ બાબતે કશું સ્પષ્ટ જણાવ્યું ન હતું અને અમેરિકન ગૂડ્ઝ તથા સર્વિસીસની વધુ ખરીદી માટે ગયા મહિને વોશિંગ્ટનમાં થયેલા કરારનો ઉલ્લેખ કર્યો હતો.
નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "વોશિંગ્ટનમાં સધાયેલી સર્વસંમતિના અમલ સંબંધે બન્ને પક્ષો વચ્ચે કૃષિ તથા ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રોમાં સારો સંવાદ થયો હતો. બન્ને દેશોએ હકારાત્મક તથા નક્કર પ્રગતિ સાધી છે, પણ સંબંધીત વિગતને બન્ને પક્ષોનું સમર્થન મળવું બાકી છે."
જોકે, ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી ઝિન્હુઆએ એક નિવેદન પ્રસારિત કર્યું હતું, જેમાં વ્યાપાર યુદ્ધની ચેતવણી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે બન્ને પક્ષોએ સમાન ભૂમિકાએ વાત કરવી જોઈએ.
એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "અર્થતંત્રમાં સુધારા અને સ્થાનિક માગનો વિસ્તાર ચીનની રાષ્ટ્રીય વ્યૂહરચના છે. અમારી સ્થાપિત ધારાધોરણોમાં કોઈ ફેરફાર નહીં થાય."
"જો અમેરિકા જકાત સહિતનાં વ્યાપાર પ્રતિબંધો લાદશે તો બન્ને પક્ષો વચ્ચેની તમામ આર્થિક તથા વ્યાપારી સિદ્ધિઓ રદબાતલ થઈ જશે."

અમેરિકા શું કરવા ઈચ્છે છે?

ઇમેજ સ્રોત, MILENIUS/GETTY IMAGES
બીજિંગ મંત્રણાનો હેતુ દ્વિપક્ષી વ્યાપાર ખાધ ઘટાડવાનો છે. ચીનને જેટલો માલસામાન વેંચે છે તેના કરતાં ચારગણો માલસામાન અમેરિકા તેની પાસેથી ખરીદે છે.
વાઈટ હાઉસે ગયા સપ્તાહે બહાર પાડેલા એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે 50 અબજ ડોલરની ચીની આયાત પર 25 ટકા જકાત (ટેરિફ) લાદવાની દિશામાં અમેરિકા આગળ વધશે.
બીબીસીના એશિયા બિઝનેસ સંવાદદાતા કરિશ્મા વાસવાણીના જણાવ્યા મુજબ, વોશિંગ્ટનમાં ગયા મહિનાની મંત્રણા વખતે ચીને જે છૂટછાટ આપી હતી એ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે અપૂરતી હોવાનું એ નિવેદન સૂચવે છે.
વિશ્લેષકો જણાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પ્રત્યે નરમ વલણ અપનાવતા હોવાની ટીકા અમેરિકામાં થઈ રહી છે ત્યારે વાઈટ હાઉસના નિવેદનનો હેતુ ચીન પર દબાણ વધારવાનો હોઈ શકે છે.
બીજિંગમાં રવિવારની બેઠક પછી કોઈ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું અને ચીને કરેલી ટિપ્પણીનો અમેરિકાએ કોઈ પ્રતિસાદ પણ આપ્યો ન હતો.

જી-7નું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
કેનેડાના સ્કી રિસોર્ટ વ્હિસલરમાં યોજાયેલી બેઠકમાં યુરોપિયન સંઘ (ઈયુ) અને કેનેડાએ સ્ટીલ પરની 25 ટકા તથા એલ્યુમિનિયમ પરની દસ ટકા ટેરિફનો બદલો લેવાની ધમકી આપી હતી.
આ જકાતના અમલની જાહેરાત વિલ્બર રોસે ગુરુવારે કરી હતી.
જોકે, વૈશ્વિક અર્થતંત્રમાં આગેવાનીને અમેરિકાએ પડતી મૂકી હોવાનો ઇન્કાર કરતા અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુકેને જણાવ્યું હતું કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના દ્રઢ મતથી અન્ય દેશોને વાકેફ કર્યા છે.
બીબીસીના નોર્થ અમેરિકાના સંવાદદાતા ક્રિસ બકલરના જણાવ્યા મુજબ, ચીન તથા અમેરિકા વચ્ચેની મંત્રણા બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જે મતભેદનો સ્પષ્ટ સંકેત છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના જી-7 દેશોના નેતાઓ આગામી વીક એન્ડમાં ક્યુબેક ખાતે શિખર પરિષદ માટે મળશે ત્યારે પણ આ વિસંવાદની આ ચર્ચા ચાલુ રહેવાની શક્યતા છે.
કેનેડા, મેક્સિકો અને ઈયુએ સાથે મળીને 2017માં અમેરિકામાં 23 અબજ ડોલરના મૂલ્યના સ્ટીલ તથા એલ્યુમિનિયમની નિકાસ કરી હતી.
અમેરિકાએ ગયા વર્ષે કુલ 48 અબજ ડોલરના મૂલ્યના સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત કરી હતી.
હાર્લી-ડેવિડસન મોટરસાયકલથી માંડીને બર્બન બિસ્કીટ સુધીના અમેરિકન માલસામાનની દસ પાનાની યાદી બહાર પાડીને ઈયુએ વોશિંગ્ટનની જાહેરાતનો પ્રતિભાવ આપ્યો હતો.
અમેરિકાની આશરે 13 અબજ ડોલરની નિકાસ પર પહેલી જુલાઈથી 25 ટકા ટેરિફ લાદવાની યોજના કેનેડાએ બનાવી છે.
અમેરિકન સ્ટીલ ઉપરાંત યોગર્ટ, વ્હિસ્કી તથા કોફી જેવી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર પણ તેની અસર થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














