યુવા જે બેડરૂમમાં બેઠા બેઠા બન્યા મિલિયોનર્સ - કરોડપતિ

બિટકોઈનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કેટ વિલ્સ
    • પદ, બીબીસી થ્રી

ટીવીના લોકપ્રિય શૉની જેવો જ આ સવાલ છે (અને પેલું સિનાટ્રાનું જૂનું ગીત પણ છે કે) કોણ ના બનવા માગે કરોડપતિ?

એ વાત સાચી કે જીવનમાં પૈસો જ માત્ર સર્વસ્વ નથી, પણ તેના કારણે કરોડપતિ થઈ શકાય તેવા આઇડિયા વિચારતા અટકી જવું તે પણ જરૂરી નથી. એક આઇડિયા ચાલી જાય તો નવથી પાંચની નોકરીની જફા તો છુટે.

જોકે ગમે તેટલાં સપનાં જોઈએ, કરોડપતિ બની જવાનું સહેલું નથી. ખાસ કરીને યુવાનવયે જ કરોડો કમાઈ લેવા મુશ્કેલ હોય છે - પણ કેટલાક યુવાનોએ તે પણ કરી બતાવ્યું છે.

બ્લૉગ લખવાથી માંડીને બિટકોઈનનું ટ્રેડિંગ કરીને આ યુવા કરોડપતિ થઈ ગયા છે. તેમણે પોતાના બેડરૂમમાં પડ્યા પડ્યા ઘોડા ઘડ્યા હતા અને એક દિવસ તે દોડતા પણ થઈ ગયા.

line

ક્રિપ્ટોકરન્સીની કમાલ

એરિકા સ્ટેનફોર્ડ, 30, બર્કશાયર

સાંકેતિક ચિત્ર

ઇમેજ સ્રોત, BBC THREE

એરિકા કહે છે, "પૈસાની બાબતમાં મારે પહેલેથી મુશ્કેલી હતી. હકીકતમાં ભૂતકાળમાં મારે માથે દેવું પણ થઈ ગયું હતું. પણ મને હંમેશા નવું શીખવાનું ગમતું હતું.

"તેને કારણે જ કદાચ મને ક્રિપ્ટોકરન્સીમાં રસ પડ્યો હતો. સૌ પહેલાં મેં બિટકોઈન વિશે રેડિયો પર સાંભળ્યું હતું. આ એક ડિજિટલ કરન્સી છે. તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય અને સ્માર્ટ ફોન હોય તો દુનિયામાં ગમે તેને પૈસા મોકલી શકો, બિલકુલ મફતમાં.

"2009માં મેં આ સાંભળ્યું હતું, પણ તેના વિશે મિત્રો સાથે કે ડેડ સાથે ક્યારેય વાત કરી નહોતી.

"પરંતુ ગયા વર્ષે મને મારી સેલ્સ અને માર્કેટિંગની જોબમાં કંટાળો આવી રહ્યો હતો.

"મારા મિત્ર જ્હોને બિટકોઇનમાં રોકાણ કરવાનું શરૂ કર્યું, તેની પાછળ પાછળ હું પણ બ્લોકચેઇન્સમાં (ક્રિપ્ટોકરન્સી માટેનો વર્લ્ડવાઇડ ડેટાબેઝ) રોકાણ કરવા લાગી હતી.

"મેં વાંચ્યું કે તેના દ્વારા તમે ડાયમંડ ક્યાંથી આવ્યા તે જાણી શકો છો, ચોરાયેલા ઍન્ટિક્સની ભાળ મેળવી શકો છો અને સેકન્ડહૅન્ડ કારની હિસ્ટરી પણ તેમાંથી મળી જાય. મને તેમાં રસ પડી ગયો હતો અને મને ખ્યાલ આવ્યો કે આનો ઉપયોગ આ રીતે 'વાસ્તવિક જીવન'માં પણ થાય છે."

આ વિશે વધુ વાંચો

એરિકા ઉમેરે છે, "મેં 200 પાઉન્ડના બિટકોઇન ખરીદ્યા હતા અને બીજી પણ કેટલીક ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું. હું ખાંખાખોળા કરીને સસ્તી ક્રિપ્ટોકરન્સી શોધી કાઢતી હતી.

"આ રીતે મેં લગભગ 2000 પાઉન્ડ રોક્યા હતા. ક્રેટિડ કાર્ડમાંથી મેં રોકાણ કર્યું હતું. મને થોડા જ વખતમાં તેના 30,000 પાઉન્ડ મળી ગયા. તેનાથી મારું દેવું ચૂકવી દીધું અને બાકીના રોકી દીધા.

"ત્યારે મેં વિચારેલું કે, 'અરે વાહ, આને કહેવાય અસલી પૈસા - તેથી મેં નોકરી છોડી દીધી અને આ જ કામ કરવા લાગી!'

"મેં આખરે તેમાં ઝંપલાવ્યું અને સપ્ટેમ્બર 2017માં મેં ફુલટાઇમ ટ્રેડ કરવા માટેની જાહેરાત કરી. મારી સાથે કામ કરનારા કેટલાકે કહ્યું કે તું સ્ટુપિડ છે.

"મને પણ નોકરીના છેલ્લા દિવસે થોડો ડર લાગ્યો હતો. વિચાર આવ્યો કે ક્રિપ્ટોના આધારે મારું ગુજરાન ચાલશે ખરું. કેમ કે હજી પણ ક્રિપ્ટો નવીન વાત છે.

"મારા બોસે મને કહ્યું કે તું તારા કામમાં 'આખરે' નિષ્ફળ જાય ત્યારે પાછી આવી જજે. મને તેનાથી બહુ ખરાબ લાગ્યું, પણ તેના કારણે મને મારા કામમાં સફળ થવા માટેનો જોશ પણ જાગ્યો."

બિટકોઈનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એરિકા કહે છે, "બિટકોઇનની છાપ ત્યારે સારી નહોતી. લોકો વિચારતા હતા કે લોકો ડ્રગ્સ ખરીદવા માટે અને ભેદી રીતે શસ્ત્રો ખરીદવા માટે તેનો ઉપયોગ કરે છે. પણ મારા મત પ્રમાણે તો લોકો રોકડાથી ગેરકાયદે વસ્તુઓ પણ ખરીદે છે. તેથી તેને પણ ખરાબ કહેવું તેના જેવું આ થયું.

"એ તો ઠીક, પણ મારા મિત્રોને પણ ચિંતા હતી. મારા પિતાએ પણ મને લેક્ચર સંભળાવ્યું હતું કે, 'તું ઘરબાર વિનાની થઈ જઇશ'. મેં ક્રેડિટ કાર્ડ માટે અને બીજા દેવા માટે મોર્ગેજ કર્યું હતું એટલે મારા પિતા મને આવી ચેતવણી આપતા હતા.

"અને હા, મેં શરૂઆતમાં ભૂલો પણ કરી. સૌથી મોંઘી ભૂલ એ દિવસે થઈ હતી, જ્યારે મને 5000 પાઉન્ડની કમાણી થઈ હતી. પણ મારું વૉલેટ 'મેઇન્ટેનન્સ મોડ'માં જતું રહ્યું હતું.

"તેથી હું ઑફલાઇન થઈ ગઈ અને મારા નાણાં કાઢી શકી નહીં. તેના કારણે મને ઘણું નુકસાન થયું હતું. મને બહુ ખરાબ લાગતું હતું અને 'મેં તને કહ્યું જ હતું' એવા મારા બોસના શબ્દો કાનમાં ગુંજતા હતા.

"ક્રિપ્ટોમાં નાણાં ઝડપથી ગુમાવાનું પણ આવે છે. મને એ નહોતું સમજાયું કે બહુ ઝડપથી મોટી કમાણી થતી હોય તો બહુ ઝડપથી મોટું નુકસાન પણ થાય.

"મેં વધારે રિસર્ચ કરવા પર ધ્યાન આપ્યું અને માર્કેટને, પેટર્નને સમજવાની કોશિશ કરી. તે રીતે નવા પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.

"મારા ક્રિપ્ટો વૉલેટમાં નાણાં વધવા લાગ્યા તે પ્રથમવાર મેં જોયું તે ઘડીને ક્યારેય ભૂલી શકીશ નહીં. તે દિવસે મને ખ્યાલ આવ્યો કે મેં મારા પ્રથમ મિલિયનની (દસ લાખની) કમાણી કરી લીધી છે.

"નોકરી છોડ્યાના થોડા જ મહિનામાં હું લાખેણી થઈ ગઈ હતી. મને જોકે ગભરામણ પણ થઈ હતી.

"આ પૈસાનું શું કરવું તે મને સમજાતું નહોતું - એટલે કે કમાણી કાઢી લેવી અને જતું રહેવું કે પછી વધારે રોકાણ કરવું?

"મેં મોટા ભાગના નાણાંને સાચવી રાખવાનું નક્કી કર્યું હતું. જોકે આ મોનોપોલી ગેમના નાણાં જેવા હતા. તે અસલમાં મારા હાથમાં અનુભવાતા નહોતા.

"મેં એ પણ જોયું હતું કે બજારમાં બહુ ચડઉતર થતી હતી. તેથી મેં કોઈ મિત્રોને વાત પણ કરી નહોતી કે નાણાં આમતેમ વાપરીને વેડફી પણ નાખ્યા નહોતા."

એરિકા કહે છે, "મેં ધરતી પર જ પગ જમાવી રાખવાનું નક્કી કર્યું હતું. આ મારી એક જોબ છે તે રીતે જે મેં વિચાર્યું.

"આ વાત માન્યામાં નહીં આવે, પણ મારા જીવનમાં કોઈ મોટો ફેરફાર હજી સુધી આવ્યો નથી.

"બસ હવે વધારે વાર ફરવા જાઉં છું એ જ. ખોટું ના સમજતા, પણ થાઇલેન્ડના પ્રવાસના પૈસા બિટકોઈનમાંથી ચૂકવવામાં આવે તેમાં ભારે સંતોષ મળે છે.

"જોકે ઘરેથી જ કામ કરવાનું આવે તેમાં એકાકીપણું લાગે છે. મોટા ભાગના દિવસોમાં ફક્ત હું અને મારી કેટ જ ઘરમાં હોઈએ છીએ, પણ મને એ ગમે છે કે હું જ મારી બોસ છું.

"મેં નોકરી છોડી તેના એક જ વર્ષમાં મને કમાણી થઈ હતી. મેં અને જ્હોને સંયુક્ત રીતે રોકાણ કર્યું હતું. અમે બંનેએ ભેગા મળીને બે કરોડ પાઉન્ડની કમાણી કરી છે.

"બીજા લોકોએ પણ તેમના વતી મને ઇન્વેસ્ટ કરવાનું કહ્યું છે - મિત્રો અને હેજ ફન્ડ લોકો પણ આવી માગણી કરે છે - પણ હું તે માટેનો સ્ટ્રેસ લેવા તૈયાર નથી.

"જોકે મને સલાહ આપવાનું ગમે છે. હું હવે દુનિયાભરમાં ફરીને ક્રિપ્ટો વિશે ભાષણો આપું છું. મને લોકો 'ક્રિપ્ટો લેડી' કહે છે તે બહુ ગમે છે."

line

ઑનલાઇન ફ્યુચર કિંગ્સ

મોન્ટી જ્યોર્જ અને ડેન બેકલ્સ, બંનેના 21 વર્ષ, વિલ્ટશાયર

સાંકેતિક ચિત્ર

ઇમેજ સ્રોત, BBC THREE

મોન્ટી: "હું પહેલેથી જ એન્ટ્રપ્રન્યોર હતો. 12 વર્ષનો હતો ત્યારે મારા પૉકેટ મનીમાંથી સુશી મેકર્સ અને લેપટોપ લાઇટ્સ ખરીદી આવતો હતો અને તેને ઈબે પર વેચતો હતો.

"15 વર્ષની ઉંમરે ઑનલાઇન વેચવા માટે હું ચીનમાંથી ડર્ટ બાઇક્સનો મોટો જથ્થો ખરીદી આવ્યો હતો. જોકે મને ત્યારે ખ્યાલ આવ્યો કે મિનિ મોટરબાઇક્સ બગડે તો શું કરવું તેની મને કોઈ ખબર નહોતી.

"હું વિચારતો હતો કે બીજી કઈ વસ્તુ ઑનલાઇન વેચી શકાય. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફર્નિચરનું માર્કેટ બહુ ઝડપથી વિસ્તરી રહ્યું હતું.

"તેથી મેં ટેબલ અને ખુરશીના કન્ટેનર્સ મગાવ્યા અને તેને તરત જ વેચી નાખ્યા."

"મારું નસીબ કામ કરતું જોઈને મને પણ નવાઈ લાગી. તેથી મેં કમાણીના નાણાં વધારે માલ ખરીદવામાં લગાવી દીધા. તે પછી મેં મારા સાથી ડેનને પણ મારી સાથે જોડાવા કહ્યું.

"ત્રણેક વર્ષ પહેલાં મારું એ-લેવલનું રિઝલ્ટ આવવાનું હતું તે પહેલાં સુધીમાં તો મારું વેચાણ વધીને એક મિલિયન (દસ લાખ) પાઉન્ડ સુધી પહોંચી ગયું હતું.

"નસીબજોગે મારા માતાપિતાએ પણ મને આ લે-વેચના કામ માટે પ્રોત્સાહન આપ્યું હતું. કદાચ તેમનામાંથી હું જ દિલ દઈને કામ કરવાનું શીખ્યો હતો.

"જોકે મેં કેટલીક ભૂલો પણ કરી હતી. 2014માં મારે જંગી વેરો ચૂકવવાનો આવ્યો હતો, કેમ કે મને ખ્યાલ જ નહોતો રહ્યો કે મારે વેટ ભરવો પડશે.

"તેથી મારી કેટલીક વસ્તુઓ વેચીને વેરો ભરવો પડ્યો હતો. મને લાગ્યું કે હું મૂરખ ઠર્યો, પણ હું તેનાથી અટક્યો નહીં."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"હું હજી ઘરમાં જ રહેતો હતો અને કંપનીની સ્થાપના કરી હતી. તેથી મારે બીજો કોઈ ખર્ચ નહોતો. મારા માતાપિતાએ મને તેમના શેડનો ઉપયોગ વેરહાઉસ તરીકે કરવા દીધો હતો.

"આજે મેં મારો નફો મારા બિઝનેસમાં જ રોકી દીધો છે. હું બહુ કરકસરથી જીવું છું. ડેન અને હું હાલમાં જ બ્રિસ્ટોલમાં એક હાઉસશેરમાં રહેવા ગયા છીએ.

"જોકે અમે બંને એટલા કામમાં રચ્યાપચ્યા રહ્યા છીએ કે પૈસા વાપરવા માટેનો સમય જ મળતો નથી.

"હું લગભગ રોજ સવારે છ વાગ્યે ઊઠીને ચીનના સપ્લાયર્સને ઇ-મેઇલ્સ મોકલી દઉં છું. તે પછી દિવસભર લેબલ પ્રિન્ટ કરવામાં અને ગ્રાહકો સાથે વાતચીત કરવામાં જાય છે. ગયા વર્ષે મેં એક મોંઘી કાર ખરીદી હતી, પણ એક જ વર્ષ પછી મેં વેચી દીધી.

"વિચિત્ર લાગશે, પણ મને થયું કે સાદી કાર જ રાખવી સારી, જે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય."

ડેન ઉમેરે છે, "મારે મારા મિત્રો સામે સંપત્તિનો દેખાડો કરવાની જરૂર નથી, કેમ કે મને નથી લાગતું હતું કે હું બહુ ધનિક હોઉં. હું બસ આખો દિવસ કામ કર્યા કરું છું.

"મને ગૌરવ છે કે મેં નાની ઉંમરે આટલી કમાણી કરી લીધી. આવું તો તમે ફિલ્મોમાં જ જોતા હો છો. અમારી પેઢીના લોકો આળસુ છે એવું કહેનારા લોકોને હું ખોટા પાડું છું એ જાણીને મને આનંદ થાય છે."

ડેન કહે છે, "નવાઈ લાગે તેવી વાત છે કે ફર્નિચર માર્કેટમાં મને કશી ખબર નહોતી પડતી. પણ હવે એવી કંપનીમાં ભાગીદાર બનીને કામ કરું છું, જેનું ટર્નઓવર ગયા વર્ષે 1.6 મિલિયન પાઉન્ડનું થયું. હું અને મોન્ટી 13 વર્ષના હતા ત્યારથી મિત્રો છીએ.

"શાળાના અભ્યાસ પછી હું યુનિવર્સિટીમાં જઈને ઇકોનોમિક મેનેજમેન્ટ શીખવાનું વિચારતો હતો. પણ મોન્ટીએ મને કહ્યું કે એક વર્ષ માટે બ્રેક લઈને પોતાની કંપની ફર્નિચર બોક્સમાં જોડાઈ જા.

"તેથી હું ના કહી શક્યો નહિ. મેં યુનિવર્સિટમાં જવાનું મૂલતવી રાખ્યું. તેના બદલે મને સફળતા મળી ગઈ છે એટલે હવે મેં જવાનું સાવ માંડી જ વાળ્યું છે."

ડૉલરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડેન કહે છે, "અમને મિત્રો અને કુટુંબમાંથી વર્ષો દરમિયાન સારી સલાહો મળતી રહી છે. કામકાજ બરાબર ચાલતું હોય ત્યારે રિલેક્સ થઈને આરામ ના કરવો તેવી સલાહ અમને મળેલી છે.

"અમે ચાર માણસોને કામે રાખ્યા છે, પણ હજીય અમે બિઝનેસની દરેક બાબતમાં જાતે જ કામ કરીએ છીએ. અમને સૌથી વધુ ગમતું કામ છે ગ્રાહકો સાથે કામ પાર પાડવાનું.

"મોન્ટી એકવાર એક મોટી ઉંમરના સજ્જનને મદદ કરવા માટે પણ દોડી ગયો હતો. તેમને પાર્કિન્સન્સ થયો હતો, તેથી અમારી ડેસ્ક ચેર ગોઠવી શકતા નહોતા, તેથી જઈને તેમને મદદ કરી હતી.

ડેનના મતે, "અમે યુવાન વયે જ લાખોપતિ થઈ ગયા છીએ, પણ અમે ભોગ પણ આપ્યો છે. હું યુનિવર્સિટીમાં ભણવા ના ગયો તે મારા માટે મોટું નુકસાન છે.

"બીજું અમે વર્ષમાં 365 દિવસ કામ કરીએ છીએ. અમારે શનિ-રવિમાં પણ કામ કરવાનું હોય છે એટલે હું મારી ગર્લફ્રેન્ડને મહિને એકવાર જ મળી શકું છે.

"મને યાદ છે કે એક વખત નવા વર્ષની આગલી રાતે મારા બધા મિત્રો મોજ કરી રહ્યા હતા, ત્યારે અમે વેરહાઉસમાં કડકડતી ઠંડીમાં પણ કામ કરી રહ્યા હતા.

"અમે એટલી આકરી મહેનત કરીએ છીએ કે અમારું સામાજિક જીવન જેવું કંઈ રહ્યું નથી. પણ અમને અમારું કામ બહુ ગમે છે.

"એક મિત્ર સાથે મળીને સફળ બિઝનેસ ચલાવવો એ પણ બહુ મજાની વાત છે. મને લાગે છે કે હું ખરેખલ લકી છું."

line

સોશિયલ મીડિયાના મહારાણી

લૌરા રોડર, 34, બ્રાઇટન

સાંકેતિક ચિત્ર

ઇમેજ સ્રોત, BBC THREE

લૌરા કહે છે, "તમે સોશિયલ મીડિયાને કારણે કરોડપતિ બની જશો એવું કોઈએ મને કહ્યું હોત તો મને લાગ્યું હોત કે તે મજાક કરે છે.

"હું 12 વર્ષની ઉંમરે જ કોડ લખતા શીખી ગઈ હતી, જેથી મારી પોતાની વેબસાઇટ બનાવી શકું. હું ફેસબૂકનો ઉપયોગ કરનારા પ્રથમ થોડા લોકોમાં હતી.

"અમારી યુનિવર્સિટીમાં તે લૉન્ચ થઈ હતી, ત્યારે હું તેમાં જોડાઈ હતી, પણ તેમાંથી મને કમાણી થશે તેવી મને કલ્પના નહોતી.

"2007માં હું 22 વર્ષની થઈ ત્યારે મેં ગ્રાફિક ડિઝાઇનર તરીકેની નોકરી છોડી દીધી અને ફ્રિલાન્સર બનવાનું નક્કી કર્યું.

"તે જ વખતે ફેસબૂક અને ટ્વીટર ઝડપથી આગળ વધી રહ્યા હતા. હું નાના વેપારીઓ માટે વેબસાઇટ બનાવતી હતી. હું તેમને એવી સલાહ પણ આપતી કે તમારા ક્લાયન્ટને શું જોવું ગમશે.

"એવું તમે શું દેખાડશો કે જેથી વધારે લોકો તમારી વેબસાઇટ સુધી આવે. મને એમ હતું કે વેબસાઇટ બનાવી આપનારા બધા આ જ પ્રકારનું કામ કરતા હશે.

"હકીકતમાં તેઓ એવી સલાહો આપતા નહોતા. મને કેટલાક લોકોએ કહ્યું કે આવી સલાહ આપવા બદલ તમને પૈસા પણ મળી શકે છે."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

લૌરા કહે છે, "મને હંમેશા લોકો સમક્ષ ભાષણ આપવાનું ગમતું હતું. તેથી હું સોશિયલ મીડિયા માર્કેટિંગ માટેના વીડિયો મારા બેડરૂમમાં બેસીને જ બનાવવા લાગી.

"આ ઉપરાંત ફેસબૂક અને ટ્વીટરનો ઉપયોગ કરીને કેવી રીતે નાના બિઝનેસને પ્રમોટ કરી શકાય છે તેના વેબીનાર પણ ઑનલાઇન યોજવા લાગી હતી.

"હું તેને ઓનલાઇન કોર્સ તરીકે નાના નાના પેકેજમાં તૈયાર કરતી હતી. તેના માટે 35થી 175 પાઉન્ડ જેટલી ફી લેતી હતી.

"મને લાગ્યું કે આ રીતે કામ કરવાથી, હું ઓછા કલાક કામ કરીને પણ સારી કમાણી કરી શકીશ. આ વાત સમજાઈ ત્યારે ભારે ઉત્સાહમાં આવી ગઈ હતી.

"પ્રથમ વર્ષે જ હું છ આંકડાંમાં કમાણી કરવા લાગી હતી. માનસિક રીતે પણ કામ કરવામાં મજા આવતી હતી, કેમ કે જીવનમાં શું કરવું જોઈએ તેનો માર્ગ મને મળી ગયો હતો.

"જોકે મારા માતાપિતા અને મિત્રો એ સમજતા નહોતા કે હું શું કરી રહી છું. ટ્વીટર માર્કેટિંગ વિશે મેં એક ઈ-બૂક પ્રગટ કરી તે પછી મારી મમ્મી લોકોને કહેતી કે મારી દીકરી લેખિકા છે.

"હું તે સાંભળીને હસતી હતી. જોકે હું જાણતી હતી કે સોશિયલ મીડિયા પ્રમાણમાં નવી ઇન્ડસ્ટ્રી છે."

સાંકેતિક ચિત્ર

ઇમેજ સ્રોત, BBC THREE

લૌરા કહે છે, "2013માં મેં મારા કોર્સીઝમાંથી જે કમાણી કરી હતી, લગભગ દોઢ લાખ પાઉન્ડની, તેનું રોકાણ કરીને મારી કંપની માટે સોફ્ટવેર તૈયાર કર્યો.

"મીટ એડગર નામના આ સોફ્ટવેરથી ફ્રિલાન્સર અને નાના વેપારીઓ પોતાની સોશિયલ મીડિયાની ફીડને ઓટોમેટિક અપલોડ કરી શકે છે.

"મેં ત્રણ જણની ટીમ સાથે શરૂઆત કરી હતી અને આજે હવે મારા 25 કર્મચારીઓ છે, જે પોતાના ઘરે રહીને કે પછી કોફી શોપમાં બેસીને મારા માટે કામ કરે છે.

"સોફ્ટવેર લૉન્ચ કર્યાના એક જ વર્ષમાં મને એક મિલિયન પાઉન્ડની રેવેન્યૂ મળી હતી, પણ તે બધા જ નાણાં મારે ફરી બિઝનેસમાં નાખી દેવા પડ્યા હતા.

"એવું નહોતું કે કોઈએ મને ચેક લખી આપ્યો હોય અને મારું કામ થઈ ગયું હોય. ગયા વર્ષે અમારી કંપનીએ 38 લાખ પાઉન્ડની કમાણી કરી. મને બહુ ગૌરવ અને આનંદની લાગણી થઈ હતી."

લૌરા ઉમેરે છે, "તમારા બેડરૂમમાં બેઠા બેઠા બિઝનેસ શરૂ કરો, તેમાં કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે.

"મારે યાદ રાખવું પડતું હતું અને જાત પર જોર કરવું પડતું હતું કે મારે કામ છોડીને ઘરની બહાર નીકળીને મિત્રોને પણ મળવાનું છે.

"મને ભેદભાવનો પણ અનુભવ થયો હતો. હમણાં સુધી ઘણા લોકોને એમ લાગતું હતું કે હું સ્ત્રી છું એટલે મારી માલિકીનો કોઈ બિઝનેસ ના હોઈ શકે. તે લોકો મને પૂછતા કે મારા પતિ કે પિતા સાથે છે કે કેમ?

"કેટલાક લોકોને શંકા જતી અને એવું પણ કહેતા કે, 'મને નથી લાગતું કે કોઈને આવો સોફ્ટવેર ખરીદવામાં રસ પડે'.

"જોકે મારો બિઝનેસ સફળ થયો છે તે જોઈને મારો આત્મવિશ્વાસ વધ્યો છે. મને ખબર હતી કે હું સારું કામ કરી રહી છું.

"ક્યારેક હું રિચર્ડ બ્રેન્સન સાથે રજાઓમાં સફારી પર ગઈ હોઉં કે પછી મારી દીકરી જન્મી ત્યારે બહુ લાંબી મેટરનિટી રજા લીધી તેની લક્ઝરી - એ બધું જોઈને મને માન્યામાં જ ના આવતું કે સોશિયલ મીડિયાને કારણે મારું આવું જીવન શક્ય બન્યું છે.

"સૌથી મજાની વાત એ છે કે મારે કોઈની સાથે ખોટી સ્પર્ધામાં ઉતરવું પડ્યું નથી. હું એ કામ કરી રહી છું, જે મને ગમે છે. શું આ જ સફળતાની સાચી વ્યાખ્યા નથી?"

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો