બિટકોઈનને કારણે અબજોપતિ બનેલા બે ભાઈઓને ઓળખો છો?

બિટકોઈનના સ્પોન્સર્સ પૈકીના એક ટાયલર અને કેમરોન વિન્ક્લેવોસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટાયલર અને કેમરોન વિન્ક્લેવોસે 2013માં બિટકોઈનમાં 11 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું

ટાયલર અને કેમરોન વિન્ક્લેવોસ આસાનીથી હોલિવૂડમાં એક્ટર્સ બની શકે છે. બન્ને ભાઈ હેન્ડસમ છે, 36 વર્ષના યુવાન છે, સારી ઉંચાઈ ધરાવે છે અને અબજોપતિ પણ છે.

તેઓ એક ફિલ્મને કારણે ખ્યાતિ પામ્યા છે, પણ તેમણે કેમેરાનો સામનો ક્યારેય કર્યો નથી.

અમેરિકન ડિરેક્ટર-પ્રોડ્યુસર ડેવિડ ફિન્ચરે 2010માં 'ધ સોશિઅલ નેટવર્ક' નામની ફિલ્મ બનાવી હતી.

એ ફિલ્મ અમેરિકાના આ જોડિયા ભાઈઓની જીવનકથા પરથી પ્રેરિત હતી.

ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ પર આઈડિયા ચોરવા બદલ 2009ના અંતમાં વળતરનો દાવો માંડીને આ બન્ને ભાઈઓ જાણીતા થયા હતા.

તેમણે વળતર પેટે આશરે 100 મિલિયન ડોલરની માગણી કરી હતી.

ટાયલર અને કેમરોને દાવો કર્યો હતો કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમણે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે સોશિઅલ નેટવર્ક રચવા વિચાર્યું હતું.

એ માટે તેમણે માર્ક ઝકરબર્ગને નોકરીએ રાખ્યા હતા. તેના બે મહિના બાદ ફેસબુકની શરૂઆત થઈ હતી.

અમેરિકન મીડિયામાં વિન્ક્લેવી બ્રધર્સ તરીકે ઓળખાતા આ ભાઈઓએ 100 મિલિયન ડોલર તો મળ્યા ન હતા, પણ તેમણે 2011માં 65 મિલિયન ડોલરનો કરાર કર્યો હતો.

એ પૈકીના 11 મિલિયન ડોલર વર્ચ્યૂઅલ કરન્સીમાં રોકવાનો નિર્ણય તેમણે 2013માં કર્યો હતો.

બિટકોઈન નામની એ કરન્સી વિશે ત્યારે ભાગ્યેજ કોઈ કંઈ જાણતું હતું.

આજે એ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય એટલું વધી ગયું છે કે વિન્ક્લેવોસ બ્રધર્સના એ રોકાણનું મૂલ્ય વધીને 1,100 મિલિયન ડોલર થઈ ગયું છે.

line

બિટકોઈનના સ્પોન્સર્સ પૈકીના એક

ટાયલર અને કેમરોન વિન્ક્લેવોસ

ઇમેજ સ્રોત, JUSTIN SULLIVAN/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સોહામણા વિન્ક્લેવોસ બ્રધર્સે બિટકોઈનમાં કરેલા રોકાણનું મૂલ્ય વધીને 1,100 મિલિયન ડોલર થઈ ગયું છે.

ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં જોરદાર વધારો થશે એ વિન્ક્લેવોસ બ્રધર્સ જાણતા હતા. વાસ્તવમાં તેઓ બિટકોઈનના મુખ્ય સ્પોન્સર્સ પૈકીના એક છે.

આ વર્ષે બિટકોઈનના મૂલ્યમાં 1,000 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે એ જાણીતી વાત છે.

પોતે એક પણ બિટકોઈન વેચ્યો ન હોવાનો દાવો વિન્ક્લેવોસ બ્રધર્સ કરી રહ્યા છે અને તેમની પાસે કુલ પૈકીના એક ટકા એટલે કે 90,000 બિટકોઈન્સ છે.

તેમણે એ બિટકોઈન ખરીદ્યા ત્યારે એક બિટકોઈન યુનિટનું મૂલ્ય 120 ડોલર હતું, જે આજે 11,000 ડોલરથી વધારે છે.

વિશ્વની શ્રેષ્ઠ પૈકીની એક યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કરી ચૂકેલા વિન્ક્લેવોસ બ્રધર્સ એથ્લેટ્સ પણ છે.

2008ની બીજિંગ ઓલિમ્પિક્સમાં નૌકા ચલાવવાની સ્પર્ધાની ફાઈનલમાં તેઓ પહોંચ્યા હતા.

તેમણે જેમિની નામનો એક્સચેન્જ રેટ અને વિન્ક્લેવોસ કેપિટલ નામનું પોતાનું ઈન્વેસ્ટમેન્ટ ફંડ પણ રચ્યું છે.

આ ભાઈઓ અમેરિકાના શેર બજારમાં પણ બિટકોઈનના વ્યવહાર શરૂ કરવા ઈચ્છતા હતા.

જોકે, અમેરિકાના સિક્યુરિટીઝ માર્કેટ કમિશને તેમની દરખાસ્ત ફગાવી દેતાં ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં થોડા સમય માટે ઘટાડો થયો હતો.

line

ચંચળ રોકાણ

બિટકોઈનમાં લાંબા ગાળાની કોઈ ગેરંટી નથી, તેના પર કોઈનું નિયંત્રણ નથી અને માત્ર એક ક્લિક વડે તેનું મૂલ્ય ગબડી શકે એવી શક્યતા હોય છે.

તેથી અનેક વિશ્લેષકો અને નિષ્ણાતો બિટકોઈનમાં રોકાણના જોખમની વાત કરતા રહે છે.

ગોલ્ડમેન સક્સના રોકાણકારો માને છે કે બિટકોઈનનો પરપોટો ગમે ત્યારે ફૂટી જશે, જ્યારે પરંપરાગત બેન્કોને બિટકોઈનમાં જરાય ભરોસો નથી.

તેમ છતાં ટાયલર અને વિન્ક્લેવોસે જોખમ લેવાનો નિર્ણય કર્યો હતો અને આજે તેમની પાસે જલસો કરવાનું કારણ છે.

અલબત, માર્ક ઝકરબર્ગ જેટલી સંપત્તિ એકઠી કરવા માટે તેમણે તેમના બિટકોઈન પોર્ટફોલિયોમાં વધુ કમસેકમ 73,000 મિલિયન ડોલરનો ઉમેરો કરવો પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો