નીતિન અને ચેતન સાંડેસરાનું ષડ્યંત્ર કે વધુ એક બિઝનેસ લૉસ?

સાંડેસરા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નીતિન સાંડેસરા
    • લેેખક, ભાવેશ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડોદરા સ્થિત સાંડેસરા જૂથના પ્રમોટર બંધુ નીતિન અને ચેતન ભારત છોડી ચૂક્યા છે, સીબીઆઈને ખબર નથી કે રૂ. 5100 કરોડના લૉન કૌભાંડના આરોપીઓ ક્યાં છે.

બન્ને ભાઈઓની કામ કરવાની શૈલી ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ નાણાકીય ઉચાપતનું એક ષડ્યંત્ર છે, વિકટ સંજોગોમાં થતો બિઝનેસ લૉસ નથી.

ચા, જિલેટીન, ફાર્મા અને ક્રૂડઑઈલ જેવા બિઝનેસમાં તેમની કંપનીઓ અબજો ડૉલરની આવક રળે છે.

વતન વડોદરામાં સાંડેસરા પરિવારનો 60,000 ચોરસફૂટનો બંગલો છે, એ પણ એવો કે જેની ડિઝાઇન અને ઇન્ટીરિયર માટે બોલિવૂડ સેલિબ્રિટી સુઝાન રિતિક રોશન અને ગૌરી શાહરૂખ ખાને કામ કર્યું છે.

છતાં અત્યારે ભારત સરકારની સૅન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) સાંડેસરા પરિવારને ખોળી રહી છે અને કુટુંબ ભાગેડુ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નીતિન સાંડેસરા મૂળ વડોદરાના રહેવાસી છે પણ ઉછેર અને ભણતર મુંબઈમાં થયાં.

વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા નીતિન અત્યારે 59 વર્ષના હશે. તેમનાથી બે વર્ષ નાના એવા ચેતને બૅચલર ઑફ કૉમર્સ સુધી અભ્યાસ કર્યો છે.

સાંડેસરા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચેતન સાંડેસરા

ઉટી ખાતે ટી ગાર્ડન ખરીદી સ્ટર્લિંગ ટી શરૂ કરનાર બન્ને ભાઈઓએ ઉજ્જવળ ભવિષ્ય હોય એવા ધંધામાં ઝંપલાવ્યું અને લગભગ વાર્ષિક અબજ ડૉલરની આવક રળતો ઉદ્યોગ સમૂહ ઊભો કર્યો.

ઔષધ તથા અન્ય પ્રકારના જિલેટીન ઉત્પાદનમાં એક તબક્કે સ્ટર્લિંગ જૂથ દેશમાં 60% અને દુનિયામાં 6% હિસ્સો ધરાવતું હતું.

કોઈપણ મશીનના પાર્ટ માટે હાથે ચાલતા લૅથના સ્થાને સીએનસી મશીન આવ્યા તો મશીન ટૂલ્સનું ઉત્પાદન પણ શરૂ કર્યું.

ભારતમાં ક્રૂડઑઇલ ઉત્પાદન અને વેચાણ માટે દિગ્ગજ સરકારી અને ખાનગી કંપનીઓ હતી, ત્યારે સ્ટર્લિંગે નાઇજીરીયામાં ઑઈલના કૂવા મેળવ્યા.

ત્યાં ઉત્પાદન શરૂ કરનાર પ્રથમ કંપની પણ બનાવી અને વતન ભારતને ઑઈલ વેચવાનું શરૂ પણ કર્યું.

આ બધી વાત સાંડેસરા બંધુઓએ મેળવેલી સફળતાની છે, પણ અત્યારે પોતે અને કુટુંબ ભાગેડુ છે.

બૅન્કો પાસેથી લીધેલી રૂ. 5100 કરોડની મોટી રકમની લૉનની તેમણે ભરપાઈ નથી કરી.

તેમની સામે આક્ષેપ છે કે બન્નેએ કંપની માટે લીધેલી લૉનનો અન્ય ચીજોમાં ઉપયોગ કર્યો છે અને બૅન્કના પૈસે મોજશોખ કર્યા છે.

સફળ બિઝનેસ અને વર્ષ 1985થી 2017 સુધી બેદાગ વ્યવસાય કર્યો તો પછી અચાનક જ આ સાંડેસરા જૂથ રફુચક્કર કેમ થઈ જાય?

તેમના આટલા લાંબા સમયના બિઝનેસમાં રળેલી શાખ અને નફો ક્યા ગયા? બૅન્કો પાસેથી લીધેલી અબજોની લૉન ક્યાં ગઈ?

નીતિન સાંડેસરા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે બિઝનેસની આંટીઘૂંટીનો ખ્યાલ તેમને વધારે પડે. અપરિણીત એવા નીતિને બિઝનેસ ચલાવવા, તેને વિકસાવવા અને જરૂરી નાણાં ઊભા કરવા માટે જ સમય વિતાવ્યો હોવાનું જાણકારો કહે છે.

વડોદરા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાની પ્રતીકાત્મક તસવીર

નીતિનને બિઝનેસમાં એવી સૂઝ હતી કે કયા ક્ષેત્રમાં નવું રોકાણ કરવાથી ફાયદો થઈ શકે તેની પરખ અન્ય કરતાં તેઓ પહેલાં કરી લેતા, જેથી સ્ટર્લિંગ જૂથ તેમાં અગ્રેસર રહે.

સીએ હોવાને નાતે નીતિન પાસે એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને બૅન્કો સમક્ષ લૉનની પ્રપોઝલ કરવાની આગવી સૂઝ હતી.

નીતિન લો-પ્રોફાઇલ રહેતા એમ કહેવું વડોદરાના કેટલાક નગરજનો માટે અસ્વીકાર્ય છે.

લોકોના મતે નીતિનની સૂઝબૂઝ અને ઇવેન્ટ મૅનેજમૅન્ટની આવડતને કારણે આજે વડોદરાની નવરાત્રી દેશ-વિદેશમાં લોકપ્રિય છે.

એકદમ મોટાપાયે નવરાત્રી પણ એક માર્કેટિંગ ઇવેન્ટ થઈ શકે તેવું સૌપ્રથમ 'આર્કી ગરબા'નું આયોજન નીતિન સાંડેસરા અને તેમના સ્ટર્લિંગ ગ્રૂપ દ્વારા થયું હોવાનું લોકોનું માનવું છે.

જોકે, બે-પાંચ વર્ષે આર્કીમાંથી સાંડેસરા હટી ગયા અને હવે તેનું આયોજન અન્ય લોકો કરે છે.

એવું પણ કહેવાય છે કે નીતિન સ્ટૉક બ્રોકર, ઍનાલિસ્ટ અને ઑપરેટર સાથે સારા સંબંધ ધરાવતા.

લોકોના મતે ચેતન પેજ-થ્રીમાં છવાયેલા રહેતા, અકારણ પાર્ટી આપવી તથા પાર્ટીઓમાં હાજર રહેવાનો તેમને શોખ હતો.

લોકો સાથે સંબંધો બનાવવાની, જાળવી રાખવાની અને તેનો ઉપયોગ ગ્રૂપના બિઝનેસ ફાયદાઓ માટે કરવાની પણ તેમની પાસે અદ્ભુત આવડત હતી.

ચલણી નોટ

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટર્લિંગ જૂથના ઑઇલ ઍન્ડ ગૅસ, સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન ક્ષેત્રે વિસ્તરણ અને જિલેટીન બજારમાં મૉનોપૉલી માટે ચેતન જવાબદાર હોવાનું પણ લોકો માને છે.

એમ કહેવાય છે કે અન્ય કંપનીઓ કરતાં વધારે ઝડપથી નાઇજીરિયામાં પ્રવેશ અને ક્રૂડઑઈલ ઉત્પાદન માટે જરૂરી સરકારી મંજૂરીઓ મેળવવામાં ચેતને ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

નજીકના લોકોના કહેવા પ્રમાણે ચેતનનાં પત્ની દીપ્તિને પણ પતિની જેમ પાર્ટીનો શોખ હતો.

તેમના સંબંધ દેશવિદેશના ડિઝાઇનર્સ, લક્ઝરી આઇટમ્સ ડીલર્સ અને બોલિવુડ સેલિબ્રિટીઝ્ સુધી વ્યાપક હતા.

દીપ્તિના સેલિબ્રિટી કનેક્શન, ચેતનના સરકારી લાઇઝ્નિંગ વર્ક અને નીતિનનું દિમાગ સ્ટર્લિંગ ગ્રૂપના આધારસ્તંભ હતા.

ત્રણ મુખ્ય નાયકોની શક્તિ અને ગ્રૂપના બિઝનેસ અંગે જાણ્યા પછી એ સવાલ ઊભો થાય છે કે આટલા પૈસા ગયા ક્યાં?

સીબીઆઈની ચાર્જશીટ અનુસાર સાંડેસરા જૂથે ઊભા કરેલા વાર્ષિક વેચાણના આંકડા, તેમની કંપનીઓ પાસે ચોપડે બોલતી મિલકતો અને એક પછી એક અન્ય બિઝનેસમાં વિસ્તરણ આ બધું જ કાગળ ઉપર છે.

જે પ્લાન્ટ 45 કરોડ રૂપિયાનો ખરીદ્યો હોય, તેની ચોપડે કિંમત 450 કરોડ દર્શાવાઈ છે.

આ રીતે ઊંચી કિંમત દર્શાવી લૉન લેવામાં આવી છે. આ ઉપરાંત વેચાણના આંકડા પણ ખોટા છે. ખોટા બિલ બતાવી, હવાલા કરી કંપનીનાં વેચાણ ઊંચા દર્શાવ્યાં છે.

ઊંચી ખરીદી અને સતત વેચાણ વૃદ્ધિ થકી બૅન્કોને કંપની વિસ્તરી રહી છે એવો ભાસ કરી લૉન લેવામાં આવી છે.

આવી લૉન આપનાર બૅન્કના અધિકારીઓને કટકી પહોંચાડી છે તો જે વધારાના પૈસા આવ્યા તે હવાલા થકી, શ્રેણીબદ્ધ શૅલ કંપનીઓ થકી દેશ અને વિદેશમાં લઈ જવામાં આવ્યા છે.

સીબીઆઈ વધુમાં જણાવે છે કે કંપનીના શૅર લિસ્ટૅડ હતા, પણ પબ્લિકના નામે બોલતા શેર હકીકતે કુટુંબીજનોની માલિકી અને શૅલ કંપની પાસે જ હતા.

શૅરના ભાવમાં વધઘટ કરીને પણ સાંડેસરા ફૅમિલીએ કરોડો રૂપિયા રળ્યા હોવાનો આક્ષેપ સીબીઆઈએ પ્રાથમિક તપાસના અંતે મૂક્યો છે.

સીબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

જયારે દીપ્તિ એક એવું પાત્ર હતાં જે પાર્ટીમાં સેલિબ્રિટીને બોલાવવા, મોંઘી ગિફ્ટ ખરીદવા જેવી ચીજો મૅનેજ કરતાં હતાં.

અત્યારે થઈ રહેલી તપાસમાં હજુ કેટલીક વિગતો બહાર નથી આવી કારણ કે મુખ્ય આરોપીઓની ધરપકડ થઈ નથી.

કહેવાય છે કે નીતિન અને ચેતન નાઇજીરિયા ભાગી ગયા છે અને અહીં સાંડેસરાના યુગનો અંત આવે તેવી ઘડીઓ ગણાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો