TOP NEWS : 39 હજાર કરોડના દેવા પાછળ મોદી જવાબદાર: વીડિયોકોન

ઇમેજ સ્રોત, Getty Images
'બ્લુમબર્ગ'ના અહેવાલ અનુસાર વીડિયોકોન જૂથે રૂ. 39 હજાર કરોડનાં દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે.
અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે દેવામાં ડૂબી ગયેલા આ વેપારી જૂથે પોતાની ભારે-ભરખમ લોન માટે સુપ્રીમ કોર્ટ અને બ્રાઝિલની સરકાર પર પણ આરોપ લગાવ્યો છે.
વીડિયોકોન જૂથે એવું પણ કહ્યું કે તેમના દેવા માટે મોદી સરકારે લીધેલો નોટબંધીનો નિર્ણય ઘાતક સાબિત થયો હતો.
નોંધનીય છે કે હાલમાં જ વીડિયોકોન જૂથ વિરુદ્ધ બૅન્કરપ્સી ઍક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે ગયા અઠવાડિયે જ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કંપની વિરુદ્ધ સુનાવણીની અરજી સ્વીકારી હતી.

ગુજરાત હાઇકોર્ટે કહ્યું આમને નોકરી આપો

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલદીપ યાદવનાં બહેન રેખા યાદવને વળતર પેટે નોકરી આપવા આદેશ આપ્યો છે.
કુલદીપ યાદવ છેલ્લાં 24 વર્ષથી પાકિસ્તાનની કેદમાં છે અને તેમના પર જાસૂસીનો આરોપ છે.
અમદાવાદના વતની એવા કુલદીપ યાદવ ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1994માં નોકરી માટે દિલ્હી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ પરિવારજનો સાથે તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો.
1997માં પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા એક માછીમારે યાદવ જાસૂસીના આરોપસર પાકિસ્તાનની જેલમાં હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું.
આ મામલાને હાઈકોર્ટે 'અપવાદરૂપ કેસ' ગણાવી 'રહેમરાહે' વર્તવા સરકારને તાકીદ કરી છે.

''સુજલામ સુફલામ'થી 10 ટકા લોકોને પણ ફાયદો નહીં'

ઇમેજ સ્રોત, VIJAYRUPANI/FB
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ મુજબ ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ 'સુજલામ સુફલામ જળસંચય અભિયાન'ને 'ઑલ્ડ રિપેકેજિંગ સ્કીમ' ગણાવ્યું છે.
મહેતાએ એવો આરોપ પણ લગાવ્યો છે કે આ યોજના લોકોને મૂર્ખ બનાવવા માટે લાગુ કરાઈ છે.
'પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટી' (પીયુસીએલ)ના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને સંબોધતા મહેતાએ જણાવ્યું કે છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાત સ્ટેટ લૅન્ડ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન દ્વારા સરકાર ચેકડેમ, બંધારા, ખેત તલાવડીઓ બાંધવામાં આવી રહી હતી.
જોકે, કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ પાસેથી લાખો રૂપિયા ઝડપાતા આ સંપૂર્ણ પ્રોજેક્ટ નર્મદા વૉટર રિસોર્સ ડિપાર્ટમેન્ટને સોંપી દેવામાં આવ્યો હતો.
પીયુસીએલ દાવા અનુસાર આ યોજના ગુજરાતની કુલ વસ્તીના 10 ટકા લોકોને પણ ફાયદો કરી શકે એમ નથી.

PNB કૌભાંડ પર RBIએ કહ્યું બૅન્કોની દેખરેખ અસંભવ

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/GETTY IMAGES
'એનડીટીવી ખબર' વેબસાઇટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર આર્થિક બાબતોની સંસદીય સમિતિ સમક્ષ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે એક લાખથી વધુ વેપારી બૅન્કોની દેખરેખ રાખવી શક્ય નથી.
વેબસાઇટના દાવા અનુસાર પટેલે લેખિત જવાબમાં જણાવ્યું કે દેશમાં બૅન્કોની કુલ 1,16,000 વેપારી શાખાઓ છે અને આ બૅન્કોને ઇન્ટરનલ કન્ટ્રૉલ સિસ્ટમ પર જ નિર્ભર રહેવું પડે એમ છે.
રિપોર્ટ અનુસાર તાજેતરમાં બૅન્કિંગ સૅક્ટરમાં સામે આવેલાં કૌભાંડો અંગે સંસદની કાયમી સમિતિએ ઉર્જિત પટેલની લાંબી પૂછપરછ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












