એ છ ભૂલો જેના કારણે થયું પીએનબી મહાકૌભાંડ

અરૂણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દેવેન્દ્ર કુમાર મિશ્ર
    • પદ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બીબીસી ગુજરાતી માટે

નાણાંમંત્રી અરૂણ જેટલીએ પહેલી વખત પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ મામલે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે તેના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. તેમણે આ કૌભાંડને બૅન્ક તેમજ ઑડિટર્સની ભૂલ ગણાવ્યું છે, પરંતુ તે છતાં રિઝર્વ બૅન્કની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે.

આટલું મોટું કૌભાંડ ઘણા સ્તર પર બેદરકારી, મિલીભગત કે પછી વ્યવસ્થાની ગડબડને કારણે થયું છે.

તેમાં અરૂણ જેટલીની દેખરેખ હેઠળ કામ કરતા ઘણા વિભાગોની બેદરકારી પણ સામેલ છે.

આ મહાકૌભાંડમાં ભૂલ માટે અરૂણ જેટલીએ કોના કોના પર કાર્યવાહી કરવી પડશે?

line

નાણાં મંત્રાલય અને કૉર્પોરેટ અફેર્સ મંત્રાલય

અરૂણ જેટલી

ઇમેજ સ્રોત, Getty Images

આરબીઆઈ, ઇન્કમ ટેક્સ, કૉર્પોરેટ અફેર્સ વિભાગ, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યૂનિટ એટલે કે FIU અને ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી), આ બધા વિભાગ કેન્દ્ર સરકારને આધિન છે. અને તેમની ભૂલ કે ઉદાસીનતા માટે જવાબદાર સરકાર જ છે.

બૅન્કિંગ સિસ્ટમની જવાબદારી છે કે તે શંકાસ્પદ લેવડ-દેવડ વિશે FIUને જણાવે, જે તેને તપાસ એજન્સી ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગને મોકલે છે. તેમણે આ મુદ્દે કાર્યવાહી કરવાની હોય છે.

જ્યારે ઑડિટર્સને કોઈ કંપનીની કાર્યપ્રણાલી કે કૉર્પોરેટ ગવર્નેંસમાં ખામી જોવા મળે તો કૉર્પોરેટ અફેર્સના વિભાગને તેની જાણકારી આપવામાં આવે છે અને પછી વિભાગે તેના પર કાર્યવાહી કરવાની હોય છે.

કંપની ઑડિટર ડેલૉયટ હેસકિન્સ એન્ડ શેલ્સે નીરવ મોદીની મુખ્ય કંપની ફાયરસ્ટાર ઇન્ટરનેશનલમાં આવકને ખાતામાં દેખાડવા મામલે નબળા ઇન્ટરનલ કન્ટ્રોલની વાત કરી હતી પરંતુ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

અર્નસ્ટ એન્ડ યંગે પીએનબીની સિસ્ટમ અને કેટલાક અધિકારીઓની ક્ષમતામાં ખામીનો રિપોર્ટ આપ્યો હતો.

ગીતાંજલિ જ્વેલર્સના ઑડિટમાં કંપની પર આર્થિક દબાણ અને ઋણને સમયસર ન ભરવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

તો નબળા તેમજ જોખમ ધરાવતા કૉર્પોરેટ ગવર્નન્સ પર કાર્યવાહી થવાની જરૂર હતી.

ઈડી અને ઇન્કમ ટેક્સે છેલ્લાં 2-3 વર્ષોમાં FIUના રિપોર્ટ પર પગલાં લેવાના હતાં પરંતુ ત્યાં પણ કચાશ રહી ગઈ.

line

બૅન્કના કામકાજમાં ગડબડ

પંજાબ નેશનલ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

બૅન્કોમાં લેવડ-દેવડ 'મેકર એન્ડ ચેકર્સ' વ્યવસ્થા પર થાય છે એટલે કે લેવડ-દેવડનું વિવરણ એક અધિકારી બનાવે છે તો બીજા તેની તપાસ કરે છે અને ત્રીજા અધિકારી તેને અપ્રુવ કરે છે.

ત્યારબાદ પણ સતર્કતા વિભાગના અધિકારી તેમના કામકાજ પર ધ્યાન રાખે છે. બૅન્કના ઇન્ટરનલ ઑડિટ નિયમિત રૂપે રક્ષકની ભૂમિકા ભજવે છે.

બૅન્કની દરેક લેણ-દેણ 'સીબીએસ' એટલે કે કોર બૅન્કિંગ સિસ્ટમ પર નોંધાયેલી હોવી જોઈએ અને સ્વિફ્ટના માધ્યમથી થયેલી લેણ-દેણ આટલાં વર્ષોથી પકડમાં ન આવવી તે આશ્ચર્યની વાત છે.

સ્વિફ્ટના માધ્યમથી આંતરરાષ્ટ્રીય લેણ-દેણ મોટા પાયે થાય છે અને આ લેણ-દેણ મોટાભાગે મોટી ધનરાશિની હોય છે.

જોખમની સંભાવનાના કારણે બૅન્ક હંમેશા વધારે સાવધાની વર્તે છે. પર્યાપ્ત માર્જિન વગરના એલઓયુને બૅન્ક અધિકારી સ્વિફ્ટના માધ્યમથી સતત 6 વર્ષોથી મોકલતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી હોય, તે અવિશ્વસનીય લાગે છે. મિલીભગત વગર આ શક્ય નથી.

line

RBIની ભૂલ

નીરવ મોદીનું પોસ્ટર અને તેના પર હાથ મૂકીને ઊભેલી એક વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ટેકનૉલૉજીના આ યુગમાં એ વાત પર આશ્ચર્ય થાય છે કે સ્વિફ્ટના માધ્યમથી લેવડ-દેવડને આટલા વર્ષો સુધી CBSનો ભાગ કેમ બનાવવામાં ન આવી, જ્યારે મોટાભાગની ખાનગી બૅન્ક બધો જ કારોબાર સીબીએસની મદદથી કરે છે અને બધી લેવડ-દેવડનો રિયલ ટાઇમ રિપોર્ટ હોય છે.

આ સિવાય, RBIની એક્સપર્ટ ઇન્સ્પેક્શન ટીમે સમય સમય પર આ બૅન્કની લેણ દેણ અને કાર્યપ્રણાલીની ઊંડી તપાસ કરી હશે અને છ વર્ષોમાં એવું ઘણી વખત થયું હશે, તેવામાં આટલા મોટા કૌભાંડની ખબર ન પડે, તે હેરાનીની વાત છે.

line

ઑડિટર્સ શું કરી રહ્યા હતા?

બૅન્કનો કારોબાર RBIની દેખરેખ હેઠળ થાય છે અને તેના સિવાય પાંચ પ્રકારના ઑડિટની પણ તેના પર નજર હોય છે.

બૅન્કના ક્રેડિટ ઑડિટ, બૅન્કના આંતરિક ઑડિટ, કૉનકરંટ ઑડિટ, સ્ટૉક ઑડિટ અને એક્સટર્નલ સ્ટેટુરી ઑડિટ.

સતત છ વર્ષોમાં એકપણ ઑડિટમાં આ કૌભાંડ પકડાયું નહીં કે પછી જાણી જોઈને આમ કરવામાં આવ્યું ?

line

LOU પર લોન આપતી બૅન્કોની ભૂલ

બૅન્કના એટીએમ બહાર લોકોની ભીડ

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા છ વર્ષોથી સતત લેટર ઑફ અંડરટેકિંગના આધારે લોન દેવામાં ગડબડ કરતી બૅન્કોમાં સામેલ સ્ટેટ બૅન્ક, યૂનિયન બૅન્ક, ઇલાહાબદ બૅન્ક, એક્સિસ બૅન્કે આ પ્રકારના દસ્તાવેજોની ખાતરી કરી જ નથી.

આશ્વર્ય એ માટે પણ છે કે આ એલઓયૂ એક જ સમૂહની કંપનીઓ માટે હતા (બોગસ કંપનીઓ માટે હતા) જેની ખાતરી થઈ ન હતી. જ્યારે તેની અવધિ વધારવાની વાત પણ સામે આવી છે.

આ એક મોટી ભૂલ સમાન છે.

line

એલર્ટની અવગણના

છેલ્લાં કેટલાક વર્ષોથી નીરવ મોદી અને મેહુલ ચોકસી સાથે જોડાયેલી કંપનીઓમાં શંકાસ્પદ લેણદેણનું એલર્ટ જાહેર થયા બાદ પણ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નહીં.

FIUના રિપોર્ટની અવગણના કરવામાં આવી. ઇન્કમ ટેક્સ વિભાગે પણ કોઈ કડક પગલાં ન ભર્યા. આ પણ એક મોટી ભૂલ છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો