માલદીવ ચૂંટણી: વિપક્ષી નેતા સોલિહનો વિજય

માલદીવમાં વિરોધ પક્ષના નેતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે રવિવારે યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે.

સોલિહને 1,34,616 વોટ જ્યારે હાલના રાષ્ટ્રપતિ અબ્દુલ્હા યામીનને 96,132 વોટ મળ્યા હતા.

ભારત અને ચીન માટે માલદીવ ખૂબ જ મહત્ત્તવનો પ્રદેશ છે. સોલિહની જીત બાદ અમેરિકા અને ભારતે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે માલદીવને ચીનની નજીક લઈ જવામાં અબ્દુલ્લાહ યામીનની મહત્ત્વની ભૂમિકા છે. આ કારણે ભારતીય સમુદ્રમાં માલદીવની હાજરીના સંકેતો મતલબ કે તેની ગતિવિધિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

યામીનની સત્તા હેઠળ દેશના ઘણાં વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સોલિહની જીત બાદ તેમના સમર્થકો રસ્તાઓ પર ઊજવણી માટે ઉતરી આવ્યા હતા.

પરિણામ બાદ પત્રકારોને સંબોધતા સોલિહે કહ્યું, "સંદેશ સીધો અને સાફ છે કે માલદીવની જનતાને ન્યાય, શાંતિ અને બદલાવ જોઈએ છે."

રાષ્ટ્રપતિની ચૂંટણી હારેલા અબદુલ્લાહ યામીને ટીવી મારફતે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે સોલિહને શુભેચ્છા પાઠવી હતી.

તેમણે કહ્યું હતું, "માલદીવનાં લોકોને શું જોઈએ છે, તે લોકોએ નક્કી કરી લીધું છે. હું આ પરિણામને સ્વીકારું છું."

ચીન અને ભારતની નજર

રવિવારે થયેલા મતદાનમાં માલદીવના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અપેક્ષા કરતાં વધારે લોકો મતદાન માટે આવ્યા, જેને કારણે મતદાનનો સમય ત્રણ કલાક વધારવો પડ્યો.

ઘણા લોકોએ કહ્યું કે, તેમણે મતદાન કરવા માટે પાંચ કલાક સુધી લાઇનમાં ઊભા રહીને રાહ જોઈ હતી.

એશિયાના બે મોટા દેશો ભારત અને ચીન, માલદીવની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે.

વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચીન સાથેના ઘનિષ્ઠ સંબંધોના સમર્થક મનાય છે. જ્યારે મોહમ્મદ સોહિલને ભારત સાથેના સંબંધોના સમર્થક નેતા તરીકે જોવામાં આવે છે.

ચૂંટણીની નિષ્પક્ષતાની ચિંતા

મતગણતરી શરૂ થઈ ત્યાં સુધી એવો અંદાજ માંડવામાં આવ્યો હતો કે અબ્દુલ્લાનો વિજય થશે. યામીનનાં ઘણા રાજકીય વિરોધીઓ હાલ માલદીવની જેલોમાં પૂરાયેલા છે.

યામીન પર વિરોધીનું દમન અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપો મૂકાતા રહ્યા છે.

ચૂંટણી પહેલાંની સાંજે પોલીસે વિરોધ પક્ષના ગઠબંધનનાં મુખ્ય ચૂંટણી કાર્યાલય પર દરોડો પાડ્યો હતો.

આ અગાઉ યુરોપીય સંઘ, અમેરિકા, આંતરરાષ્ટ્રીય નિરિક્ષકો અને વિરોધ પક્ષોએ ચૂંટણીની નિષ્પક્ષતાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.

રાજકીય વિરોધથી ઝઝૂમી રહેલું માલદીવ

અમેરિકા અને યુરોપીય સંઘે ચેતવણી આપી હતી કે જો ચૂંટણી લોકશાહી પદ્ધતિથી પૂરી નહીં થાય તો માલદીવ પર પ્રતિબંધો મૂકી દેવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોને ચૂંટણીથી દૂર રાખવામાં આવ્યા અને ગણ્યાંગાંઠ્યા વિદેશી મીડિયાને જ ચૂંટણીના કવરેજની મંજૂરી આપવામાં આવી.

માલદીવની વસતી ચાર લાખથી વધુ છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન એ આ સુંદર દેશનાં અર્થતંત્રનું એક મહત્ત્વનું અંગ છે.

છેલ્લા ઘણાં સમયથી માલદીવમાં રાજકીય સંકટ અને અરાજકતાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં માલદીવની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ પર ચાલી રહેલા કેસને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને વિરોધ પક્ષના કેદ કરી લેવાયેલા નવ સંસદ સભ્યોને મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો.

આ ચુકાદા બાદ માલદીવની સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માનવાનો ઇન્કાર કરીને સંસદ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દીધી હતી.

રાષ્ટ્રપતિ યામીને દેશમાં 15 દિવસ માટે કટોકટી જાહેર કરી દીધી અને બે જજની ધરપકડ કરાવી દીધી હતી. ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.

માલદીવની ચૂંટણી સાથે ચીનને શું લેવાદેવા?

અબ્દુલ્લા યામીનના શાસનમાં ચીને માલદીવમાં મોટું આર્થિક રોકાણ કર્યું છે અને ત્યાં ઘણા મોટાં પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે.

આ ઉપરાંત બન્ને દેશોએ મુક્ત વેપાર સંધિ પણ કરી છે. હવે માલદીવમાં ચીનના પ્રવાસીઓ અન્ય દેશા પ્રવાસીઓની સરખામણીએ વધારે સંખ્યામાં જઈ શકે છે.

બીજી બાજુ માલદીવ અને ચીન વચ્ચે વધી રહેલી ઘનિષ્ઠતાથી ભારત ચિંતત હોવાનું કહેવાય છે.

માલદીવને પ્રવાસન તથા વ્યૂહાત્મક સ્થિતિને કારણે એક મહત્ત્વપૂર્ણ દેશ માનવામાં આવે છે. માલદીવની ચૂંટણીમાં ભારત અને ચીનની દિલચસ્પીનું મુખ્ય કારણ પણ આ જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો