ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત પહેલાં બંને દેશ વચ્ચે તણાવ

ઇમેજ સ્રોત, REUTERS
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફિનલૅન્ડની રાજધાની હેલસિંકી ખાતે મુલાકાત યોજાઈ રહી છે.
આ મુલાકાત અંગે જાતજાતના કયાસ કાઢવામાં આવી રહ્યા છે.
રશિયા અને અમેરિકા લાંબા સમયથી એકબીજાના વિરોધી છે, પરંતુ 2016માં અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રશિયાની દખલગીરીના આરોપોથી બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં ફરી કડવાશ આવી ગઈ છે.

શા માટે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ?

ઇમેજ સ્રોત, Getty Images
શીતયુદ્ધના સમયથી (1945-1989) જ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ પ્રવર્તે છે. એ સમયે અમેરિકા અને તત્કાલીન સોવિયેટ સંઘ સામે-સામે હતા.
બંને રાષ્ટ્રો વચ્ચે ક્યારેય પ્રત્યક્ષ રીતે યુદ્ધ નથી થયું, પરંતુ સોવિયેટ સંઘના વિઘટન બાદ અમેરિકા દુનિયાનું 'એકમાત્ર' મહાશક્તિ બની રહ્યું. જોકે, તણાવ યથાવત જ રહ્યો છે.
પુતિન રશિયાને ફરી 'મહાશક્તિ' બનાવવા માગે છે, આ અંગેની પ્રતિબદ્ધતા અનેક વખત વ્યક્ત કરી ચૂક્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધ હંમેશા તણાવભર્યાં રહ્યાં છે, જો કે 2014માં રશિયાએ યૂક્રેઇન પાસેથી ક્રિમિયાને ખૂંચવી લીધું એ પછી બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઘટનાક્રમ પછી અમેરિકા તથા અન્ય રાષ્ટ્રોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
કથિત રીતે રશિયાએ 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે રશિયા આ આરોપોને નકારે છે.
ત્યારથી જ જ્યારે-જ્યારે પુતિન અને ટ્રમ્પ મળે ત્યારે તેમની ઉપર દુનિયાભરની નજર રહે છે.
અમેરિકાની તપાસનીશ એજન્સીઝનું માનવું છે કે ચૂંટણી દરમિયાન રશિયાએ ટ્રમ્પની તરફેણમાં વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમેરિકાના સ્પેશિયલ પ્રોસિક્યુટર રૉબર્ટ મૂલના નેતૃત્વમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની દખલ અંગે તપાસ ચાલી રહી છે. ટ્રમ્પ આ પ્રકારના આરોપોને રાજકીય ગણાવીને તેને નકારતા રહ્યા છે.
જાન્યુઆરી 2017માં ટ્રમ્પે રાષ્ટ્રપતિપદ સંભાળ્યું હતું, એ પછી તેમણે ખુદની રિપબ્લિકન પાર્ટીની પરંપરાગત નીતિ વિરુદ્ધ જઈને રશિયા સાથે સંબંધ સુધારવાના પ્રયાસ કર્યા હતા.
ટ્રમ્પે ગત મહિને દુનિયાભરની આર્થિક મહાશક્તિઓના સમૂહ જી-7માં ફરીથી રશિયાને સામેલ કરવાની હિમાયત કરી હતી, ક્રિમિયા પર કબજા બાદ રશિયાને આ સમૂહમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું.

બન્ને નેતો એકબીજા અંગે શું વિચારે છે?

ઇમેજ સ્રોત, REUTERS
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણીવાર સાર્વજનિક રીતે પુતિનના વખાણ કરી ચૂક્યા છે.
વર્ષ 2016માં ટ્રમ્પે કહ્યું હતું, "અમારા નેતા (બરાક ઓબામા)ની સરખામણીમાં પુતિન એક સારા નેતા છે."
ગયા વર્ષ તેમણે પુતિનને 'મજબૂત ઇચ્છા શક્તિ ધરાવતી વ્યક્તિ' કહ્યા હતા. આ વર્ષે જ્યારે પુતિન ફરી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, તો ટ્રમ્પે પોતાના સલાહકારોને અવગણીને પુતિનને અભિનંદન પાઠવ્યા હતા.
જોકે, પુતિન હંમેશા ટ્રમ્પ અંગે પોતાનો મત સમજી વિચારીને રજૂ કરે છે. તેઓ ટ્રમ્પને 'રંગીન' અને 'ટૅલેન્ટેડ' વ્યક્તિ કહે છે.

બન્ને વચ્ચે શું વાત થશે?

ઇમેજ સ્રોત, REUTERS
બન્ને નેતાઓ વચ્ચે થવા જઈ રહેલી વાતચીત અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેઓ નીચે મુજબના મુદ્દે વાત કરી શકે છે.
હથિયારો પર નિયંત્રણ: બન્ને નેતાઓ પોતાના દેશની પરમાણુ ક્ષમતાઓને લઈને શક્તિશાળી છે. નિષ્ણાતોનું માનવું છે આ મુદ્દે વાતચીત થઈ શકે છે.
અમેરિકા અને રશિયા વચ્ચે 'નવી શરૂઆત' નામે એક સમજૂતી પણ છે, જેનો ઉદ્દેશ્ય બન્ને રાષ્ટ્રોના પરમાણુ હથિયારોની ક્ષમતા અને સંખ્યાને સીમિત રાખવાનો છે.
આ સમજૂતી વર્ષ 2021 સુધી અમલમાં રહેશે. જો તેને આગળ વધારવા અંગે વાત થાય તો તે સારો સંકેત છે. બન્ને નેતા વર્ષ 1987માં લાગુ થયેલી મિસાઇલ સમજૂતી અંગે પણ વાતચીત કરી શકે છે.
અમેરિકાના પ્રતિબંધ: રશિયા દ્વારા ક્રિમિયા પર કબજો કરવો અને પૂર્વ યૂક્રેઇનના બળવાખોરોને સમર્થન કર્યા બાદ રશિયાની કંપનીઓ અને વ્યક્તિઓ પર અમેરિકા દ્વારા ઘણાં આર્થિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.
સીરિયા યુદ્ધમાં રશિયાની ભૂમિકા અને અમેરિકાની ચૂંટણીમાં દખલગીરીને લઈને પણ રશિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પ્રતિબંધોમાં કોઈ બાંધછોડ કરવા માગે તો તેમણે કોંગ્રેસનું સમર્થન લેવું જરૂરી છે.
યૂક્રેઇન: અમેરિકાએ યૂક્રેઇનને સૈન્ય મદદ આપેલી છે. જો ટ્રમ્પ આ રોકી દે તો પુતિન જરૂર ખુશ થશે. બન્ને નેતાઓ પૂર્વ યૂક્રેઇનમાં આંતરરાષ્ટ્રીય શાંતિદળોની હાજરીને લઈને સહમત થઈ શકે છે. યૂક્રેઇનના આ વિસ્તારમાં ભડકેલી હિંસાના કારણે અત્યારસુધી દસ હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
સીરિયા: અમેરિકાનો મિત્ર દેશ ઇઝરાયલ તેમના પાડોશી ઇરાન અને ઇરાન સમર્થક દળોને પશ્ચિમ સીરિયાથી દૂર ખસેડવા માગે છે. આ વિસ્તાર ઇઝરાયલની સરહદ સાથે જોડાયેલો છે. ટ્રમ્પ-પુતિન વાતચીતમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે, પરંતુ વિશ્લેષકોના મત મુજબ પુતિન કદાચ એવો કોઈ પ્રસ્તાવ મૂકે જેમાં સીરિયામાં ઇરાનની ભૂમિકાને સીમિત કરવાની વાત થતી હોય.

ટ્રમ્પના સહયોગી ચિંતિત કેમ છે?

ઇમેજ સ્રોત, REUTERS
ગયા સપ્તાહે નાટોના એક સંમેલનમાં ટ્રમ્પે રશિયાની આક્રમકતાની આલોચના કરતા જોઇન્ટ સ્ટેટમેન્ટ પર સહી કરી હતી.
હવે સવાલ એ થાય છે કે શું ટ્રમ્પ તેમના પશ્ચિમના સહયોગી દેશોની ચિંતા સીધી પુતિન સામે ઉઠાવી શકશે.
મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પ હેલસિંકી ખાતે આયોજિત પુતિન સાથેની બેઠકમાં કયા મુદ્દાઓ પર વાત કરશે એની જાણકારી યુરોપના દેશોને આપવામાં આવી નથી.

આ મુલાકાતથી શું મળશે?

ઇમેજ સ્રોત, AFP
અત્યારે આ અંગે કહેવું મુશ્કેલ હશે, પરંતુ અમેરિકાના સલાહકારોએ એવા સંકેત આપ્યા છે કે આ મુલાકાત દરમિયાન કોઈ મોટી જાહેરાત કરવામાં નહીં આવે.
બન્ને નેતાઓ એકલા વાતો કરશે. મુલાકાત સમયે પુતિન અને ટ્રમ્પ સાથે ટ્રાન્સલેટર હાજર હશે.
એક સારી શરૂઆત માટે બન્ને નેતાઓ રાજકીય સંબંધ સ્થાપવા પર રાજી થઈ શકે છે.
આ મુલાકાતથી દુનિયાને શું ફાયદો?

ઇમેજ સ્રોત, AFP
વિશ્વ પર પ્રભાવ ધરાવતા ઘણાં મુદ્દા પર અમેરિકા અને રશિયા અલગઅલગ અને ઘણીવાર વિરોધી નીતિ અપનાવી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે સીરિયા, યૂક્રેઇન અને ક્રિમિયામાં સંઘર્ષ.
રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે રશિયા પર પશ્વિમ દેશોના પ્રતિબંધ બધા માટે નુકસાનકારક છે. જોકે, અન્ય દેશો કરતાં પશ્ચિમ યુરોપીય દેશો આ મુલાકાત પર મીટ માંડીને બેઠાં છે.
એટલું જ નહીં રાષ્ટ્રપતિ ટ્રમ્પે તો જર્મનીની આલોચના પણ કરી છે. વિવાદિત નોર્ડ સ્ટ્રીમ-2 યોજનાની મદદથી મધ્ય અને પશ્ચિમ યુરોપ સુધી બાલ્ટિક સાગરને પાર કરી રશિયાનો ગેસ પહોંચાડવો સહેલો થઈ જશે. આ માર્ગ યૂક્રેઇન સહિત બાલ્ટિક દેશો અને પોલૅન્ડમાંથી પણ પસાર થાય છે.
એવામાં કોઈ શંકા નથી કે સોમવારે જ્યારે પુતિન અને ટ્રમ્પ મળશે તો દુનિયાની નજર તેમની પર રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













