USએ ઉ. કોરિયાના 'ગૅંગસ્ટરની જેમ વર્તન'ના આરોપ નકાર્યા

ઇમેજ સ્રોત, EPA
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો સાથેની વાતચીત બાદ ઉત્તર કોરિયાએ આરોપ લગાવ્યા છે કે અમેરિકા પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે 'ગૅંગસ્ટર જેવી ટેકનિક' અપનાવી રહ્યું છે. પૉમ્પિયો એ આ આરોપોને નકારી કાઢ્યા છે.
પૉમ્પિયોનું કહેવું છે કે પરમાણુ નિઃશસ્ત્રીકરણ એ પ્રતિબંધો ઉઠાવવાની પૂર્વશરત હતી.
અમેરિકાના વિદેશ મંત્રી પૉમ્પિયો ઉત્તર કોરિયા સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર વાતચીત કરવા માટે બે દિવસની યાત્રાએ પ્યૉંગયૉંગ પહોંચ્યા હતા.
અહીં ઉત્તર કોરિયાના સત્તાવાળાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. જે બાદ પૉમ્પિયોએ કહ્યું હતું કે તેમની વાતચીત સકારાત્મક રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉત્તર કોરિયાની સરકારના પ્રવક્તાના હવાલાથી ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે અમેરિકાના વિદેશ મંત્રી પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે જે માંગો કરી રહ્યા છે તે એકતરફી છે અને અમેરિકાનું વલણ ખૂબ અફસોસજનક છે.
માઇક પૉમ્પિયો શુક્રવારે બે દિવસની યાત્રા પર ઉત્તર કોરિયા પહોંચ્યા હતા.
જ્યાં તેમણે ઉત્તર કોરિયાના ઉચ્ચ નેતાઓ સાથે વાતચીત કરી હતી. જે બાદ તેઓ જાપાન જવા માટે રવાના થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઉત્તર કોરિયા શંકાના ઘેરામાં?

ઇમેજ સ્રોત, AFP
હાલમાં જ સિંગાપુરમાં કિમ જોંગ-ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી.
બંને નેતાઓ વચ્ચે એ મામલે સહમતિ બની હતી કે ઉત્તર કોરિયા પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરી દેશે.
જોકે, હાલમાં જ અમેરિકન મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો પોતાનો વાયદો ઉત્તર કોરિયા તોડી રહ્યું છે. તે છુપી રીતે આ કાર્યક્રમ ચલાવી રહ્યું છે.
જે બાદ સિંગાપુરમાં બનેલી સહમતિને લઈને ઉત્તર કોરિયાની દાનત પર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે.
અમેરિકાની જાસૂસી એજન્સીઓના ખાનગી દસ્તાવેજો અનુસાર પહેલાની જેમ જ ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ ચાલુ છે. તે યૂરેનિયમ સંવર્ધન કરી રહ્યું છે.

ખરેખર આ સમાચાર પર ભરોસો કરી શકાય?

ઇમેજ સ્રોત, DIGITALGLOBE VIA REUTERS
એ વાત સાચી છે કે આ કોઈ અધિકારીક નિવેદન નથી.
જોકે, ઉત્તર કોરિયાના મામલા પર નજર રાખનારા નિષ્ણાતો આ રિપોર્ટને બિલકુલ સાચા માની રહ્યા છે.
આ રિપોર્ટ અમેરિકની જાસૂસી એજન્સીના અજ્ઞાત સ્રોત અને 38 નૉર્થ નામની એક વેબસાઇટ પર પ્રકાશિત યોંગબ્યોન પર આધારિત છે.
મેસાચ્યૂટ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં પ્રોફેસર વિપિન નારંગ કહે છે, "આમાંથી કોઈપણ હરકત કિમ જોંગ-ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપુરમાં થયેલી સહમતિનું ઉલ્લંઘન નથી."
નારંગ કહે છે, "આ એકતરફી અને અચાનક થનારું કામ નથી. તે અનેક સ્ટેજમાં થશે. એટલે કિમ જોંગ-ઉન વર્તમાન પરમાણુ સંયંત્રોમાં કામ ચાલુ રાખવા માટે આઝાદ છે."

અમેરિકાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, DIGITALGLOBE
અમેરિકાના જાસૂસી એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે ઉત્તર કોરિયા સતત તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને અપગ્રેડ કરી રહ્યું છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે પૉમ્પિયો પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે ખૂબ જ મક્કમ છે. સાથે સાથે તેઓ અમેરિકાની અન્ય મહત્ત્વની માગો પર પણ કાયમ છે.
આ મુલાકાતમાં પૉમ્પિયો કિંમ જોંગ-ઉનને નહોતા મળ્યા પરંતુ તેઓ તેમના ખાસ ગણતા કિંમ યોંગ-ચોલને મળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















