જોન્સન ઍન્ડ જોન્સનને 4.1 અબજ ડૉલરનો દંડ

જોન્સન ઍન્ડ જોન્સનનો પાઉડર વાપરવાને કારણે પોતાને અંડાશયનું કૅન્સર થયું હોવાનો આક્ષેપ 22 મહિલાઓએ કર્યો હતો. એ મહિલાઓને વળતર પેટે 4.7 અબજ ડૉલર ચૂકવવાનો આદેશ જોન્સન ઍન્ડ જોન્સનને આપવામાં આવ્યો છે.

અમેરિકાના મિઝોરી રાજ્યની એક જ્યુરીએ વળતર પેટે 550 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ પ્રારંભે આપ્યો હતો. પછી તેમાં 4.1 અબજ ડૉલરનો દંડ ફટકાર્યો હતો.

દવાઓનું ઉત્પાદન કરતી જંગી કંપનીઓ પૈકીની એક જોન્સન ઍન્ડ જોન્સન તેના વિશિષ્ટ બેબી પાઉડર સંબંધી 9,000 કેસીસનો કોર્ટમાં સામનો કરી રહી છે, એવા સમયે આ ચુકાદો આવ્યો છે.

જોન્સન ઍન્ડ જોન્સને જણાવ્યું હતું કે કંપની આ ચુકાદાથી 'અત્યંત નિરાશ' થઈ છે અને તેની સામે અપીલ કરવા વિચારી રહી છે.

છ સપ્તાહ સુધી ચાલેલી અદાલતી કાર્યવાહીમાં મહિલાઓ અને તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે બેબી પાઉડર તથા અન્ય પાઉડર પ્રોડક્ટ્સ દાયકાઓ સુધી વાપરવાને કારણે તેમને અંડાશયનું કૅન્સર થયું હતું.

આ કેસ સાથે સંકળાયેલી 22 મહિલાઓ પૈકીની છનું મૃત્યુ અંડાશયના કૅન્સરને કારણે થયું હતું.

તેમના વકીલોએ આક્ષેપ કર્યો હતો કે પોતાનો પાઉડર એઝ્બેસ્ટોસથી દૂષિત હોવાનું કંપની છેક 1970ના દાયકાથી જાણતી હતી, પણ આ બાબતે ગ્રાહકોને ચેતવણી આપવામાં નિષ્ફળ રહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'ગેરવાજબી પ્રક્રિયા'

પાઉડર એ ખનીજ હોય છે અને એ ખનીજ ક્યારેક જમીનમાં એઝ્બેસ્ટોસની નજીક મળી આવતું હોય છે.

પોતાની પ્રોડક્ટમાં એઝ્બેસ્ટોસ હોવાનો જોન્સન ઍન્ડ જોન્સને ઇન્કાર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાઉડર વાપરવાથી કૅન્સર થતું નથી.

કંપનીએ ઉમેર્યું હતું કે તેનો પાઉડર સલામત હોવાનું અનેક અભ્યાસોમાં પુરવાર થયું છે અને તેની એક પ્રોડક્ટ વિશેનો આ ચુકાદો "મૂળભૂત રીતે ગેરવાજબી પ્રક્રિયા" છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને (એફડીએ) 2009થી 2010 દરમિયાન જાતજાતના પાઉડરનો અભ્યાસ કરાવ્યો હતો.

એ પાઉડર પ્રોડક્ટ્સમાં જોન્સન ઍન્ડ જોન્સનના પાઉડરનો પણ સમાવેશ થતો હતો. તેમાં એઝ્બેસ્ટોસના કોઈ અંશ ન હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું હતું.

ફરિયાદ પક્ષના વકીલે મિઝોરી કોર્ટને જણાવ્યું હતું કે એફડીએ તથા જોન્સન ઍન્ડ જોન્સને પરીક્ષણ પદ્ધતિ ખામીયુક્ત હતી.

ચુકાદાનું વિશ્લેષણ

ફિલિપ્પા રોક્સબી, બીબીસી આરોગ્ય સંવાદદાતા

પાડર સલામત હોય છે?

શરીર પર અને ખાસ કરીને જનનાંગો પર ટૅલ્કમ પાઉડર લગાવવાથી અંડાશયનું કૅન્સર થવાનું જોખમ વધી જતું હોવાની શંકા વર્ષોથી સેવવામાં આવતી રહી છે, પરંતુ તેના નક્કર પુરાવા મળ્યા નથી.

ઇન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર જનનાંગો પર પાઉડરના ઉપયોગને મિશ્ર પુરાવાને આધારે 'કૅન્સરની સંભાવના' ગણે છે.

આ બાબતે ક્યારેય ચર્ચા થઈ હતી?

ખનીજના સ્વરૂપમાંના મિનરલ પાઉડરમાં એઝ્બેસ્ટોસ હોતું નથી અને તેનાથી કૅન્સર થતું નથી.

બેબી પાઉડર અને અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં છેક 1970ના દાયકાથી એઝ્બેસ્ટોસમુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એઝ્બેસ્ટોસમુક્ત સામગ્રી વિશેના અભ્યાસનું વિરોધાભાસી પરિણામ સાંપડ્યું છે.

કેટલાક અભ્યાસોમાં તેને કૅન્સર સાથે સાંકળવામાં આવ્યું છે, પણ આ સંશોધન પક્ષપાતપૂર્ણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવે છે.

તેનું કારણ એ છે કે તેમાં પાઉડરના વપરાશ વિશેના લોકોની વાતોને આધારરૂપ ગણવામાં આવે છે.

અન્ય અભ્યાસોમાં એવી દલીલ કરવામાં આવી હતી કે ડાયાફ્રામ્સ તથા કૉન્ડોમ્સ જેવાં ગર્ભનિરોધકોમાંના પાઉડર અને કૅન્સર વચ્ચે કોઈ સંબંધ નથી.

કોઈ વ્યક્તિ વધારે ધૂમ્રપાન કરતી હોય તો તેને ફેફસાનું કૅન્સર થવાની શક્યતા વધારે હોય ,છે તેમ વધારે પ્રમાણમાં પાઉડર વાપરવાથી અંડાશયનું કૅન્સર થાય કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી.

મહિલાઓએ શું કરવું જોઈએ?

ઓવાકમ નામની એક સખાવતી સંસ્થા જણાવે છે કે ટૅલ્કમ પાઉડરના વપરાશ અને અંડાશયના કૅન્સર વચ્ચે સંબંધ હોવાના પુરાવા સજ્જડ નથી. તેમ છતાં એ પાઉડર વાપરવાથી અંડાશયના કૅન્સરનું જોખમ તો હોય જ છે.

જોકે, અભ્યાસો સૂચવે છે કે એવું જોખમ બહુ ઓછું હોય છે. તેથી ઓવાકમ ભારપૂર્વક જણાવે છે કે અંડાશયનું કૅન્સર પણ પ્રમાણમાં વિરલ ગણાતું હોવાથી જોખમમાં વધારો પણ નગણ્ય હોય છે.

એ ઉપરાંત મહિલાઓને અંડાશયનું કૅન્સર માત્ર ટૅલ્કમ પાઉડરને કારણે જ નહીં અન્ય કારણોથી પણ થાય છે. તે વારસાગત અથવા વાતાવરણ સંબંધી કારણોને લીધે થયેલું હોઈ શકે છે.

ઓવાકમના જણાવ્યા મુજબ, "ટૅલ્કમ પાઉડરથી જોખમ થોડું વધતું હોય તો પણ આવો પાઉડર વાપરતી બહુ ઓછી મહિલાઓને અંડાશયનું કૅન્સર થવાની શક્યતા હોય છે.

કોઈને અંડાશયનું કૅન્સર હોય અને તે મહિલા ટૅલ્કમ પાઉડર વાપરતી હોય તો તેને પાઉડર વાપરવાને કારણે અંડાશયનું કૅન્સર થવાની શક્યતા હોતી નથી."

વિક્રમસર્જક ચુકાદો

આ ચુકાદો અભૂતપૂર્વ છે અને આક્ષેપો સંદર્ભે આટલું જંગી વળતર ચૂકવવાનો આદેશ જોન્સન ઍન્ડ જોન્સનને અગાઉ ક્યારેય આપવામાં આવ્યો નથી.

દંડાત્મક વળતરમાં ટ્રાયલ જજ કે અપીલમાં ઘટાડો કરવામાં આવતો હોય છે અને જોન્સન ઍન્ડ જોન્સન અદાલતોના સંખ્યાબંધ ચુકાદા ટેક્નિકલ કારણો આગળ ધરીને ઉલટાવવામાં સફળ રહી છે.

કેલિફોર્નિયાની જ્યુરીના 2017ના એક ચુકાદામાં એક મહિલાને વળતર પેટે 417 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

એ મહિલાએ આક્ષેપ કર્યો હતો કે કંપનીની બેબી પાઉડર સહિતની પ્રોડક્ટ્સ વાપરવાને કારણે તેને અંડાશયનું કૅન્સર થયું હતું.

અલબત, એક ન્યાયમૂર્તિએ તે ચુકાદાને રદબાતલ કર્યો હતો. જોન્સન ઍન્ડ જોન્સન સામેના અન્ય કેસોનો ફેંસલો થવો બાકી છે.

જે 22 મહિલાઓએ જોન્સન ઍન્ડ જોન્સન પર કેસ કર્યો હતો એ પૈકીની મોટાભાગની મિઝોરી રાજ્ય બહારની છે.

એ બધી મહિલાઓની કેસની આ રીતે એક કોર્ટમાં સંયુક્ત રજૂઆતને 'ફોરમ શોપિંગ' તરીકે ઓળખવામાં આવે છે. જોન્સન ઍન્ડ જોન્સન તેની અપીલમાં આ બાબતે ખાસ પડકારશે.

જોન્સન ઍન્ડ જોન્સને જણાવ્યું હતું, "આ કોર્ટમાંના અમારી સામેના દરેક ચુકાદાને અપીલની પ્રક્રિયામાં ઉલટાવી નાખવામાં આવ્યો છે.

"વળી અગાઉની અદાલતી પ્રક્રિયા કરતાં પણ વધારે ભૂલો આ વખતની પ્રક્રિયામાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો