You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરોધ વચ્ચે બ્રિટન પહોંચેલા ટ્રમ્પે કહ્યું 'બધું બરાબર' છે
બ્રિટનની મુલાકાતે આવી પહોંચેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની મુલાકાત દરમ્યાન કોઈ પણ વિરોધ પ્રદર્શન સામે તેમને વાંધો નથી.
ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા એર ફોર્સ વન પ્લેનમાં બ્રિટિશ સમય અનુસાર 13.50 વાગ્યે સ્ટાન્સ્ટેડ આવી પહોંચ્યા હતા.
બાદમાં તેઓને અમેરિકાના બ્રિટનસ્થિત રાજદૂતના લંડનમાં આવેલા નિવાસસ્થાને હેલિકૉપ્ટર મારફત લઈ જવામાં આવ્યા હતા.
બ્રિટન "મુશ્કેલીમાં છે" તેવું થોડા દિવસ પહેલાં જ કરી ચૂકેલા ટ્રમ્પ બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને મળવાના છે. બ્રેક્સિટ બાદ થેરેસા મે અમેરિકા સાથે વેપાર કરાર કરવા ઇચ્છે છે.
વિરોધ પ્રદર્શનને નિવારવા માટે સલામતીનો વધારાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પણ ટ્રમ્પે જણાવ્યું હતું કે 'બ્રિટનવાસીઓ મને પસંદ કરે છે.'
બ્રિટન આવતાં પહેલાં બ્રસેલ્સમાં નાટોના શિખર સંમેલનમાં ટ્રમ્પે કહ્યું હતું, "દુનિયાભરમાં ઇમિગ્રેશનના મુદ્દે શું ચાલી રહ્યું છે એ તમે જાણો છો. મને લાગે છે કે આ કારણે જ બ્રેક્સિટ થયું હતું."
ટ્રમ્પની તેમની ઇમિગ્રેશન નીતિ માટે તાજેતરમાં જોરદાર ટીકા થઈ રહી છે. એ નીતિને કારણે ઇમિગ્રન્ટ્સના પરિવારોએ અલગ થવું પડ્યું હતું.
થેરેસા મે બ્રિટનના યુરોપિયન સંઘ સાથેના સંબંધ વિશે શ્વેતપત્ર બહાર પાડવાનાં છે, ત્યારે ટ્રમ્પ બ્રિટનની મુલાકાતે આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સપ્તાહની શરૂઆતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રેક્સિટ નીતિના મુદ્દે બે કેબિનેટ પ્રધાનોએ ગણતરીના કલાકોમાં રાજીનામાં આપ્યાં પછી થેરેસા મેએ પદ પર રહેવું જોઈએ કે નહીં એ લોકોએ નક્કી કરવાનું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શું છે કાર્યક્રમ?
વિન્સ્ટન ચર્ચીલના પૂર્વજોના નિવાસસ્થાન બ્લેનહેઇમ પેલેસમાં થેરેસા મે દ્વારા યોજવામાં આવનારા ડિનરમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા હાજરી આપશે.
આ ડિનરમાં કેબિનેટના સભ્યો અને બિઝનેસ લીડર્સ સહિતના આશરે 150 મહેમાનો હાજર રહેવા સહમત થયા હોવાનું માનવામાં આવે છે.
થેરેસા મેએ જણાવ્યું હતું કે ટ્રમ્પની બ્રિટન મુલાકાત વ્યાપારી સંબંધને વેગ આપવાની અને સલામતી ક્ષેત્રે સહકાર વધારવાની તક છે.
ટ્રમ્પ આવતા અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને હેલસિંકીમાં મળવાના છે, ત્યારે થેરેસા મેએ ચેતવણી આપી હતી કે રશિયાની દુષ્ટ વર્તણૂકની અવગણના ટ્રમ્પે ન કરવી જોઈએ.
વ્યાપાર અને સલામતી ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે બ્રેક્સિટ તથા મધ્ય-પૂર્વ સહિતના મુદ્દે પણ ચર્ચા થશે.
બ્રિટન અને અમેરિકાનાં ખાસ સલામતી દળો દ્વારા શુક્રવારે યોજવામાં આવનારી આતંકવાદ વિરોધી કવાયતને થેરેસા મે તથા ટ્રમ્પ શુક્રવારે નિહાળશે.
એ પછી બન્ને થેરેસા મેના બકિંગહામશાયર કાઉન્ટીમાં ચેકર્સ ખાતે આવેલા નિવાસસ્થાને યોજાનારી વિદેશ સચીવસ્તરની મંત્રણા માટે જશે.
ટ્રમ્પ બે દિવસની આ મુલાકાત દરમિયાન ક્વિન ઍલિઝાબેથ સાથે પણ થોડો સમય પસાર કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી શુક્રવારે બપોરે ક્વિન ઍલિઝાબેથને મળવા જશે. ત્યાર બાદ ટ્રમ્પ દંપતી તેમના ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટમાં વીકેન્ડ માણવા જશે.
વ્યાપક વિરોધ પ્રદર્શનની ધારણા
સંખ્યાબંધ લોકો લંડન તથા ગ્લાસગોમાં ડોનલ્ડ ટ્રમ્પ સામે વિરોધ પ્રદર્શિત કરશે એવી ધારણા છે, ત્યારે પોલીસ ફેડરેશને ચેતવણી આપી હતી કે આ મુલાકાતથી બ્રિટિશ પોલીસ દળ પર જોરદાર દબાણ આવશે.
ડેવોન, ડ્યુન્ડી, એડિનબર્ગ, બેલફાસ્ટ, નોર્વિચ, માન્ચેસ્ટર, લીડ્ઝ અને લિવરપૂલ સહિતનાં સ્થળોએ પણ વિરોધ પ્રદર્શન યોજાવાની શક્યતા છે.
દરમ્યાન, ટ્રમ્પને બાળકના સ્વરૂપમાં દર્શાવતા એક મોટા બલૂનને વેસ્ટમિન્સ્ટરમાં શુક્રવારે બે કલાક માટે હવામાં ઊડાડવાની મંજૂરી લંડનના મેયર સાદિક ખાને આપી છે.
જોકે, ટ્રમ્પના ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટ પર બલૂન ઉડાડવાની છૂટ ન હોવાનું સ્કૉટલૅન્ડ પોલીસે જણાવ્યું હતું.
ટ્રમ્પની વર્કિંગ વિઝિટનું વિશ્લેષણ
જેમ્સ લેન્ડલ, બીબીસીના રાજદ્વારી બાબતોના સંવાદદાતા
ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી યુરોપિયન સંઘના સ્ટીલ પર જકાત લાદવાના, ઈરાન અણુકરાર પડતો મૂકવાના, અમેરિકાની એલચી કચેરીનું જેરુસલેમમાં સ્થાનાંતરણ કરવાના, ચોક્કસ દેશોના મુસ્લિમોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના અને બ્રિટનના કટ્ટર જમણેરી જૂથના મુસ્લિમ-વિરોધી સંદેશાઓ રિટ્વીટ કરવાના તેમના નિર્ણય સાથે થેરેસા મેએ જાહેર અસહમતિ વ્યક્ત કરી હતી.
તેના પ્રતિભાવરૂપે અમેરિકાના પ્રમુખે બ્રિટનમાં રાજકીય ખળભળાટ હોવાનું નિવેદન કર્યું હતું, સંરક્ષણ પાછળના ખર્ચની ટીકા કરી હતી અને બ્રિટનની મુલાકાત માટે કોઈ ઉત્સાહ દર્શાવ્યો ન હતો.
પ્રમુખ તરીકેના કાર્યકાળના 18 મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનને બદલે અન્ય 17 દેશોની પસંદગી મુલાકાત માટે પહેલાં કરી હતી.
બ્રિટન અને અમેરિકા વચ્ચે ભલે ગમે તેવો સંબંધ હોય, પણ તેને 'સ્પેશિયલ' તો કદાચ જ કહી શકાય.
તેથી ટ્રમ્પની આ મુલાકાત રાજદ્વારી સંબંધને સંભાળવાના હેતુસરની છે. વર્કિંગ વિઝિટ્સમાં હોય છે તેમ આ મુલાકાત માટે કોઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું નથી.
આ મુલાકાત દરમ્યાન કોઈ ભૂલ ન થાય, ટ્રમ્પ નારાજ ન થાય અને બ્રેક્સિટ કે ભાવિ વ્યાપાર કરાર વિશે કંઈ અવળું ન બોલે એવી ગોઠવણનો રાજદ્વારી હેતુ હશે.
સંસ્થાકીય સ્તરે અને સંરક્ષણ, સલામતી તથા ગુપ્તચર ક્ષેત્રોમાં બ્રિટન અને અમેરિકા વચ્ચે ખરેખર સારો સંબંધ છે. તકલીફ રાજકારણ અને રાજકીય વ્યક્તિઓને કારણે થતી હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો