ફૂટબૉલ વર્લ્ડ કપ: ક્રોએશિયા પહેલી વખત ફાઇનલમાં ઇંગ્લૅન્ડનું સપનું તૂટ્યું

રશિયામાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપ 2018માં 32 રાષ્ટ્રો વચ્ચે શરૂ થયેલી સ્પર્ધામાં છેલ્લાં બે આખરી યોદ્ધાઓ નક્કી થઈ ગયા છે.

રવિવારે ફૂટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફ્રાંસ અને ક્રોએશિયા વચ્ચે રમાશે.

વધારાના સમય સુધી ખેંચાયેલી બીજી સેમીફાઇનલમાં ક્રોએશિયાએ ઇંગ્લૅન્ડને 2-1 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો.

જોકે, મેચ શરૂ થઈ એની પાંચ મિનિટમાં જ ઇંગ્લૅન્ડે ક્રોએશિયા પર સરસાઈ મેળવી લીધી હતી. કીયરન ટ્રિપિયરે ફ્રી કિકને સીધી જ ગોલમાં તબદીલ કરી દીધી.

પહેલા હાફ સુધી ક્રોએશિયા કોઈ જ ગોલ કરી શક્યું નહોતું અને ઇંગ્લૅન્ડની સરસાઈ જળવાઈ રહી હતી.

વધારાના સમય સુધી રોમાંચક રમત

જોકે, બીજા હાફમાં ક્રોએશિયાએ જોરદાર રમતનું પ્રદર્શન કર્યું. મેચની 68મી મિનિટે ક્રોએશિયા તરફથી ઇવાન પેરિસિટ્સે સાઇમ વ્રાસલ્જકો તરફથી મળેલા પાસને ગોલ પોસ્ટમાં પહોંચાડી દીધો.

મેચનો નિર્ધારિત સમય પૂરો થયો ત્યાં સુધી બન્નેમાંથી કોઈ ટીમ કોઈ ગોલ કરી શકી નહોતી અને રમત વધારાના સમય સુધી ખેંચાઈ.

શું તમે આ વાંચ્યું?

108મી મિનિટે હેડરથી મળેલા પાસને મારિયો માંદ્જુકિત્શે તક ગુમાવ્યા વિના જ ગોલ પોસ્ટમાં નાખીને ક્રોએશિયાને વિજયી સરસાઈ મેળવી આપી.

ઇંગ્લૅન્ડના વિલક્ષણ ગોલકીપર જૉર્ડન પિકફોર્ડ પણ એ સમયે બૉલને ગોલ પોસ્ટમાં જતા ન રોકી શક્યા.

આંકડાની રીતે પણ ક્રોએશિયાની ટીમ ઇંગ્લૅન્ડની ટીમ કરતાં ચડિયાતી સાબિત થઈ. મેચ દરમિયાન 55 ટકા સમય સુધી બૉલ ક્રૉએશિયાના ખેલાડીઓ પાસે રહ્યો હતો.

ક્રોએશિયાની ટીમે ગોલ પોસ્ટને નિશાન બનાવીને સાત શોટ લગાવ્યા, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર બે વખત જ એમ કરી શકી હતી.

ક્રોએશિયાની ટીમને કુલ આઠ અને ઇંગ્લૅન્ડની ટીમને ચાર કોર્નર મળ્યા હતા.

40 લાખની વસતી ધરાવતું ક્રોએશિયા પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમશે.

જ્યારે 52 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચવાનું ઇંગ્લૅન્ડનું સપનું અધૂરું રહી ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો