વિશ્વ કપ ફાઇનલમાં રમનારા ક્રોએશિયા વિશે તમે શું જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
ફૂટબૉલ વર્લ્ડ કપ જ્યારે શરૂ થયો ત્યારે લોકો બ્રાઝિલ, આર્જેન્ટીના, પોર્ટુગલ અને જર્મનીના નારા લગાવતા હતા.
જોકે, થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઈ ગયું કે આ વખતનો વર્લ્ડ કપ સરપ્રાઇઝ આપવાની બાબતમાં કોઈનાથી પણ પાછળ નથી.
તમે ભલે કોઈ પણ નાયક પસંદ કરો, વિશ્વ કપમાં એ ટીમ નામ કમાશે જે એક ટીમની જેમ રમશે.
આ વખતે જૂના નાયક બહાર થઈ ગયા અને નવા નાયક ચમકી ગયા.
વિશ્વ કપના ખિતાબી મુકાબલામાં ફ્રાંસે પોતાની જગ્યા કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેમના નાક નીચેથી કપ લઈ જવો એ કોઈ રમત નથી.
પરંતુ આગામી દિવસોમાં યોજાનારી ફાઇનલ મેચમાં ફ્રાંસને બરાબરની ટક્કર આપવા માટે ક્રોએશિયા તૈયાર છે.

ક્યાં છે ક્રોએશિયા?

ઇમેજ સ્રોત, Google map
માંડ 40 લાખની વસતી ધરાવતા આ દેશના દરેક રહેવાસીઓને તેમની આ ટીમની સફળતા પર જાણે વિશ્વાસ જ નથી.
ક્રોએશિયા પોતે પણ એ વાતનો જવાબ નથી આપી શકતું કે તે આઝાદીથી અત્યાર સુધી રમાયેલા છ પૈકી પાંચ ફૂટબૉલ વિશ્વ કપમાં સ્થાન મેળવવામાં કેવી રીતે સફળ થયું અને 1998માં સેમિફાઇનલમાં પહોંચવામાં સફળતા કેવી રીતે મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ધ સન' પ્રમાણે ફૂટબૉલના જાણકારોનું કહેવું છે કે પૂર્વ યૂગોસ્લાવિયાની એકેડમી સિસ્ટમની આ કરામત છે કે આટલા ઓછા સમયમાં ક્રોએશિયાએ આટલું મોટું નામ કર્યું છે.
વર્ષ 1987માં ચિલીમાં રમાયેલી અંડર-20 વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતીને તેમને દુનિયામાં ધડાકો કરી દીધો હતો. સ્વતંત્ર દેશ તરીકે પ્રથમ મેચ રમવામાં તેમને ત્યારબાદ સાત વર્ષ લાગ્યાં હતાં.
તમે આ વાંચ્યું કે નહીં?

યૂગોસ્લાવિયાનો એ યુગ

ઇમેજ સ્રોત, Getty Images
ચિલી, બ્રાઝિલ અને વેસ્ટ જર્મની જેવી શક્તિશાળી ટીમોને હરાવ્યા બાદ એવું કહેવાતું હતું કે યૂગોસ્લાવિયા કદાચ સૌથી શાનદાર યુવા ટીમ છે, પણ એ વાત સાબિત ન થઈ શકી.
ચાર વર્ષ પછી 1991માં બાલ્કન યુદ્ધ થયું જેના કારણે ઘણી આશાઓ ખતમ થઈ ગઈ હતી.
સાત વર્ષ બાદ 1998માં ફ્રાંસમાં રમાયેલા વિશ્વ કપમાં લાલ-સફેદ ચેક્સ જર્સી પહેરેલા ખેલાડીઓએ દુનિયાને બતાવ્યું કે ક્રોએશિયાનું કેટલું મોટું સ્વપ્ન છે.
લોહિયાળ જંગ પૂર્ણ થયાના માંડ ત્રણ વર્ષ પછી જ મળેલી આ ખુશી ક્રોએશિયા માટે પોતાની જગ્યા બનાવવાની દિશામાં નક્કર પગલું સાબિત થયું હતું.
ડિનામો જાગ્રેબ એકેડમીનો ઉલ્લેખ જરૂરી છે કારણકે તેણે જ લુકા મોદરિક, ડેઝાન લોવરન, સિમે વિરાસ્લાઝકો, મારિયો માંદઝુચિક અને માતેઓ કોવાસિચ જેવા ખેલાડીઓ આપ્યા છે.
પણ આ ખેલથી નામ કમાનાર ક્રોએશિયાએ ઘણો સંઘર્ષ પણ કર્યો છે.

ક્રોએશિયાનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ફૂટબૉલના બહાનાથી ક્રોએશિયાને જાણવાનો પણ આ સાચો સમય છે.
આ દેશ મધ્ય અને દક્ષિણ-પૂર્વ યુરોપના વચ્ચે વસેલો છે અને એડ્રિયાટિક સાગરથી પણ નજીક છે.
ક્રોએશિયાની રાજધાનીનું નામ જાગ્રેબ છે અને આશરે 56 હજાર સ્ક્વેર કિલોમિટરમાં ફેલાયેલા આ દેશમાં મોટાભાગના લોકો રોમન કૅથોલિક છે.
ક્રોએશિયન અહીં છઠ્ઠી સદીમાં આવીને વસ્યા હતા અને ટોમિસ્લાવ તેમના પહેલા રાજા બન્યા હતા.
વર્ષ 1102માં તે હંગેરી તરફ જતું રહ્યું અને 1527માં ઑટોમન સામ્રાજ્યના વધતા પ્રભાવ સામે ક્રોએશિયન સંસદના ફર્ડિનેંડ ઑફ હૅબ્સબર્ગને પોતાના રાજા માની લીધા હતા.
19મી સદીની શરૂઆતમાં ફ્રાંસીસી ઇલીરિયર પ્રૉવિન્સમાં આ દેશોના ટુકડા થઈ ગયા, જ્યારે ઑસ્ટ્રિયા-હંગેરીએ બોસ્નિયા હેર્ઝેગોવિના પર કબ્જો કરી લીધો.
આ વિવાદ 1878માં થયેલી બર્લિન સંધિમાં ઉકેલવામાં આવ્યો હતો.

નાઝીઓનો કબ્જો

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1918માં જ્યારે ક્રોએશિયન સંસદ(સબોર)એ આઝાદીનું એલાન કર્યું અને 'સ્ટેટ ઑફ સ્લોવેનસ, ક્રોએટ્સ એન્ડ સર્બ' સાથે જોડાવાવોન નિર્ણય કર્યો.
એપ્રિલ 1941માં નાઝી જર્મનીની આગેવાનીમાં અન્ય દેશોએ યૂગોસ્લાવિયા પર કબજો કરી લીધો, તો ક્રોએશિયાના મોટાભાગના પ્રાંતો નાઝી સમર્થન ધરાવતા ક્લાઇન્ટ સ્ટેટમાં જતા રહ્યા હતા.
ત્યારબાદ વિરોધ શરૂ થયો જેના ફળરૂપે ફેડરલ સ્ટેટ ઑફ ક્રોએશિયા બન્યું હતું. ત્યારબાદ તે સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઑફ યૂગોસ્લાવિયાના સંસ્થાપક સદસ્ય અને સંઘીય ઘટક બન્યું હતું.
વર્ષ 1918થી 1991 વચ્ચે ક્રોએશિયા, યૂગોસ્લાવિયાનો ભાગ હતો અને વર્ષ 1991માં સ્લોવેનિયાના જંગ પછી ક્રોએશિયામાં લડાઈ શરૂ થઈ હતી.
પણ પહેલાં સોવિયત રશિયા અને પછી યૂગોસ્લાવિયાના વિખેરાયા બાદ બગડેલી સ્થિતિની મોટી કિંમત ક્રોએશિયાએ ચૂકવવી પડી હતી.

અનેક મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, DEA/BIBLIOTECA AMBROSIANA
વધી રહેલા તણાવ વચ્ચે ક્રોએશિયાએ 25 જૂન 1991એ સ્વતંત્રતાની ઘોષણા કરી.
જોકે, આ ઘોષણાપત્રનું સંપૂર્ણ અમલીકરણ કરવાની કામગીરી 8 ઑક્ટોબર 1991ના દિવસે થઈ હતી.
આ વચ્ચે સ્થિતિ બગડી રહી હતી કારણકે યુગોસ્લાવિયન પબ્લિક આર્મી અને પૅરામિલિટ્રી સમૂહોએ ક્રોએશિયા પર હુમલો કરી દીધો હતો.
1991ના અંતમાં ક્રોએશિયા પાસે તેમના દેશની માત્ર ત્રીજા ભાગની જમીન પર કબજો રહ્યો હતો.
ક્રોએશિયા મૂળના લોકોને નિશાન બનાવાયા હતા, લાખો લોકો માર્યા ગયા હતા અને અનેક બેઘર થયા હતા.
જાન્યુઆરી 1992માં ક્રોએશિયાને યુરોપીય ઇકોનૉમિક કમ્યુનિટી પાસેથી માન્યતા મળી ગઈ અને ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે તેમને ઓળખ આપી દીધી.
ઓગસ્ટ 1995માં યુદ્ધ પૂર્ણ થયું તો સ્પષ્ટ થઈ ગયું કે જીત ક્રોએશિયાની થઈ છે.
આ સાથે બાગી વિસ્તારોમાંથી બે લાખ સર્બિયનોને ખદેડવામાં આવ્યા અને એ જગ્યા બોસ્નિયા હેર્ઝેગોવિનાથી આવતા ક્રોએશિયન શરણાર્થીઓના વસવાટમાં મદદરૂપ થઈ હતી.

અને પછી રિકવરીનો યુગ

ઇમેજ સ્રોત, EPA
નવેમ્બર 1995માં થયેલા સમાધાન બાદ કબજો કરાયેલા બાકી વિસ્તારો ક્રોએશિયાને મળ્યા હતા.
જંગ પછી પણ ક્રોએશિયાની મુશ્કેલીઓ પૂર્ણ નહોતી થઈ કારણકે તેને બીજી વખત પોતાના પગ પર ઊભા થવામાં ઘણો સમય લાગે એમ હતું.
વર્ષ 2000 પછીનો યુગ ક્રોએશિયામાં લોકતંત્રના મજબૂત થવા, આર્થિક વિકાસ અને માળખાગત સામાજિક સુધારા સ્વરૂપે આવ્યો. સાથે જ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને પ્રશાસનની અરાજકતા જેવી સમસ્યાઓ પણ આવી.
પણ આ દેશે લાંબી સફર પણ કરી છે. તે યુરોપિયન સંઘ, સંયુક્ત રાષ્ટ્ર, યુરોપિયન પરિષદ, નાટો, ડબ્લ્યૂટીઓનો સદસ્ય દેશ છે.
યૂએન પીસ કીપિંગ ફોર્સના સક્રિય સદસ્ય હોવાના કારણે તેઓ નાટોની આગેવાની ધરાવતા ઘણાં મિશનમાં પોતાના સૈનિક મોકલતા રહ્યા છે.
ક્રોએશિયાની અર્થવ્યવસ્થા સર્વિસ, ઇન્ડસ્ટ્રી અને ખેતી પર આધારીત છે.
પર્યટન પણ કમાણીનું મોટું સાધન છે. દુનિયાના ટોચના 20 પર્યટક સ્થળોમાં આ સ્થળને સમાવાય છે.
વિકાસ અને સંઘર્ષ વચ્ચે ક્રોએશિયા ફૂટબૉલનો ઉપયોગ દર વખતે પોતાના નવા અને જૂના જખમો પર મલમ તરીકે કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














