ગૂગલ ક્રૉમને આ રીતે ટક્કર આપી શકે છે ફાયરફૉક્સ ક્વૉન્ટમ

છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ટરનેટ પર એક જ બ્રાઉઝરનું શાસન રહ્યું છે- ગૂગલ ક્રોમ. પણ એક એવું બ્રાઉઝર પણ છે કે જે એને બરાબર ટક્કર આપી શકે તેમ છે- ફાયરફૉક્સ ક્વૉન્ટમ.

ફાયરફૉક્સ કોઈ નવું નામ નથી. તેને વર્ષ 2002માં પ્રથમ વખત ફ્રી અને ઓપન સોર્સ બ્રાઉઝર તરીકે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આને મોઝિલા ફાઉન્ડેશને ડેવલોપ કર્યું છે.

જેની વેબસાઈટ જણાવે છે કે તે 'ઇન્ટરનેટ' સુધી સૌની પહોંચ પૂરી પાડતા ફ્રી સૉફ્ટવેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

જ્યારે વર્ષ 2008માં ક્રૉમ લૉન્ચ થયું ત્યારે ધીરે-ધીરે એને બાકીના બધા બ્રાઉઝરની જગ્યા લઈ લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આંકડા ઉપલબ્ધ કરાવનારા પૉર્ટલ www.statista.comના જણાવ્યા અનુસાર, આ વર્ષનાં મે સુધી 67 ટકા ઇન્ટરનેટ ટ્રાફિક ગૂગલ ક્રૉમ દ્વારા આવે છે.

બાકીનાં બ્રાઉઝર ઘણાં પાછળ છે. 11 ટકા ફાયરફૉક્સ, 7 ટકા એક્સપ્લોરર અને 5 ટકા સફારીમાંથી આવે છે.

પણ મોઝિલાએ ગયા વર્ષનાં અંતમાં ફાયર ફૉક્સ ક્વૉન્ટમ જારી કર્યું છે, અને દર મહિને એના ફૉલોઅર્સ વધી રહ્યા છે.

તમારા એંડ્રોઇડ પર ફાયરફૉક્સ કઈ રીતે લોડ કરશો?

નિષ્ણાતોનાં મત અનુસાર ત્રણ એવા કારણો છે કે જેના આધારે કહી શકાય કે ફાયરફૉક્સ ક્વૉન્ટમ ગૂગલ ક્રૉમને ટક્કર આપવા માટે તૈયાર છે.

પ્રાઇવસી

ફાયરફૉક્સમાં ઇન્સ્ટોલ થનારા ઍક્સ્ટૅન્શનની સરખામણીએ ઓછી છે પણ તમને તે વધારે સુરક્ષા આપે છે.

ફ્રી બ્રાઉઝરમાં તમે એવું ફીચર એક્ટિવેટ કરી શકો છો જે ઇન્ટરનેટ કૉલર્સને તમારી અંગત માહિતી એકઠી કરતાં અટકાવે છે. પણ ક્રૉમમાં આવું કરવા માટે તમારે થર્ડ પાર્ટી ઍક્સ્ટૅન્શન ઇન્સ્ટોલ કરવાની માથાકૂટ રહે છે.

આ સિવાય ફાયરફૉક્સ ક્વૉન્ટમમાં ફેસબુકને સીમિત કરી દેવાની પણ સુવિધા છે. આનાથી તમારી સોશ્યલ મીડિયા પ્રોફાઈલ અલગ રહેશે અને તે બ્રાઉઝરમાં તમારી અન્ય હિલચાલની નોંધ નહીં રાખી શકે.

અને ફાયરફૉક્સ ક્વૉન્ટમ એક ફ્રી બ્રાઉઝર છે અને એના દ્વારા ધંધાદારી હિતોની પૂર્તિ કરવામાં આવતી નથી. ડેટા ભેગા કરીને એને જાહેરાતો આપનારાઓને વેચવામાં કોઈ રસ નથી.

ઝડપ

કેટલીક વેબસઇટ્સનું કહેવું છે કે ફાયરફૉક્સની ઝડપ ક્રૉમ કરતાં વધુ છે તો કેટલીક વેબસાઇટ્સ માને છે કે ક્રૉમની ઝડપ વધારે છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સનાં ટેક્નોલૉજી એક્સપર્ટ બ્રાયન એક્સ શેને એક લેખમાં જણાવ્યું છે કે ઘણા મહિના સુધી તેમણે આ બંનેનો ઉપયોગ કર્યો અને ત્યાર બાદ તેઓ કહી શકે છે કે બંને ઘણા ફાસ્ટ છે.

બંનેમાં ફરક એ વાતનો છે કે ફાયરફૉક્સે સંસાધનોને યોગ્ય રીતે ગોઠવેલાં છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે.

ક્રોમમાં જ્યારે તમે નવું ટેબ ખોલો છો ત્યારે આ એક નવી પ્રોસેસ શરૂ કરી દે છે અને આ કારણે મશીન ધીમી પડી જાય છે. જ્યારે ફાયરફૉક્સમાં નવા ટેબની લોડિંગની ઝડપ વધારે હોય છે.

ડેટાનો ખર્ચો ઓછો

બ્રાઉઝરને ફાસ્ટ અને હલ્કું બનાવવા માટે મેમરીની જરૂર પડે છે.

મોઝિલાનો દાવો છે કે ફાયરફૉક્સ ક્વૉન્ટમ 30 ટકા જેટલી ઓછી રૅમ વાપરે છે અને એનો બેટરીની આવરદા પર પણ સારો પ્રભાવ પડે છે.

શેનને જાણવા મળ્યું કે નેટફ્લિક્સનાં વીડિયો સતત લૂપ પર ચલાવવાથી ક્રૉમની સરખામણીમાં ફાયરફૉક્સની બેટરી 20 ટકા વધારે ચાલી.

તેઓ માને છે કે કંઈ ખાસ વધારે તફાવત નથી અને ભલે ફાયરફૉક્સ ક્વૉન્ટમને લાંબી મંઝિલ કાપવાની હશે પણ એની આ નાની નાની વાતો આશાજનક છે.

પ્રાઇવસીનાં મુદ્દે સિક્યોરિટી એક્સપર્ટ મોઝિલાનાં કામને બિરદાવે છે.

એક બિન લાભકારી અધિકાર સંગઠન ઇલેક્ટ્રૉનિક ફ્રંટિયર ફાઉન્ડેશનનાં સિક્યોરિટી રિસર્ચર કૂપર ક્વિંટિને ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું છે, ''એવું જણાય છે કે ફાયરફૉક્સે પોતાની જાતને પ્રાઇવસી-ફ્રેંડલી બ્રાઉઝર તરકે રજૂ કર્યું છે અને તેઓ સુરક્ષા વધારવાનાં ક્ષેત્રે પણ ઉમદા કામ કરી રહ્યાં છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો